75 વર્ષનો રેકોર્ડબ્રેક... 41ની ઉંમરે બેવડી સદી ફટકારી ઝિમ્બાબ્વેના ક્રેગ ઈરવિને રચ્યો ઇતિહાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Craig Ervine Rewrites Test History At 41: ક્રિકેટના મેદાન પર ઉંમર માત્ર એક આંકડો છે તે વાત ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન ક્રેગ ઇરવિને ફરી એકવાર સાબિત કરી બતાવી છે. શારજાહ ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં ઇરવિને પોતાની અદભુત બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. 41 વર્ષ અને 82 દિવસની ઉંમરે મેદાનમાં ઉતરેલા ક્રેગ ઇરવિને અફઘાનિસ્તાન સામે બીજી ઇનિંગ્સમાં અણનમ 206 રનની બેવડી સદી ફટકારીને એક અનોખો વિશ્વવિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.
આ વિસ્ફોટક ઇનિંગ્સ સાથે તે છેલ્લા 75 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં 40થી વધુ વર્ષની વયે બેવડી સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો
ટેસ્ટ ક્રિકેટના સમગ્ર ઇતિહાસમાં 40 વર્ષની વય વટાવ્યા બાદ બેવડી સદી ફટકારવાના મામલે હવે ક્રેગ ઇરવિનથી આગળ વિશ્વ ક્રિકેટમાં માત્ર બે જ દિગ્ગજો રહ્યા છે:
- વર્ષ 1951માં દક્ષિણ આફ્રિકાના એરિક રોવને 42 વર્ષની ઉંમરે બેવડી સદી ફટકારી હતી.
- વર્ષ 1924માં ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જેક હોબ્સે 41 વર્ષની વયે આ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી.
- ક્રેગ ઇરવિન હવે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બેવડી સદી ફટકારનારો વિશ્વનો ત્રીજો સૌથી વયોવૃદ્ધ ખેલાડી બની ગયો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1994માં ઇંગ્લેન્ડના ગ્રેહામ ગૂચે 40 વર્ષની વય પછી બેવડી સદી ફટકારી હતી.
ઝિમ્બાબ્વે ક્રિકેટમાં 26 વર્ષનો દુષ્કાળ સમાપ્ત કર્યો
આ ઐતિહાસિક ઇનિંગ્સે માત્ર ઇરવિન માટે જ નહીં, પરંતુ સમગ્ર ઝિમ્બાબ્વે ક્રિકેટ માટે એક નવો ઇતિહાસ રચ્યો છે. ઝિમ્બાબ્વે તરફથી ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી બેવડી સદી વર્ષ 2000માં દિગ્ગજ બેટ્સમેન એન્ડી ફ્લાવરે ભારત સામે નાગપુર ટેસ્ટમાં અણનમ 232 રન બનાવીને ફટકારી હતી. ત્યારબાદ છેલ્લા 26 વર્ષો દરમિયાન ઝિમ્બાબ્વેનો કોઈ પણ બેટ્સમેન ટેસ્ટમાં બેવડી સદી બનાવી શક્યો નહોતો. ક્રેગ ઇરવિને આ મેરેથોન ઇનિંગ્સ રમીને ઝિમ્બાબ્વે ક્રિકેટનો આ લાંબો દુષ્કાળ આખરે ખતમ કર્યો છે.
શારજાહ ટેસ્ટમાં રનનો ખડકલો અને ઇરવિનની સિક્સર-ફોરની રમઝટ
શારજાહની બેટિંગ-ફ્રેન્ડલી પીચ પર બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગ્સમાં 504 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં અફઘાનિસ્તાને 514 રન ખડકી દીધા હતા. બીજી ઇનિંગ્સમાં શરૂઆતના ઝટકા બાદ ક્રેગ ઇરવિને બાજી સંભાળી હતી અને એન્ટુમ નકવી તેમજ વેસ્લી મધેવેરે (અણનમ 100 રન) સાથે મજબૂત ભાગીદારી કરી હતી. ઇરવિને માત્ર 275 બોલમાં પોતાની પ્રથમ મેઇડન ડબલ સેન્ચુરી પૂર્ણ કરી હતી. આ જ ઇનિંગ્સ દરમિયાન તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 2,000 રન પણ પૂરા કર્યા હતા. અંતે આ હાઇ-સ્કોરિંગ રોમાંચક મુકાબલો ડ્રોમાં પરિણમ્યો હતો.




