Sports

ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરબદલના એંધાણ! ગૌતમ ગંભીરના બે સાથીઓનું કપાઈ શકે છે પત્તું

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમમાં કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારોની શક્યતા છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પરના ખરાબ પ્રદર્શન બાદ, હેડ કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફના ઓછામાં ઓછા 2 સભ્યો ટીમ છોડી શકે છે. BCCI શ્રીલંકા પ્રવાસ પહેલા વર્તમાન કોચિંગ સેટઅપની સમીક્ષા કરશે. VVS લક્ષ્મણને ઝિમ્બાબ્વે અને એશિયન ગેમ્સ માટે કોચિંગની જવાબદારી સોંપતા સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરબદલના એંધાણ! ગૌતમ ગંભીરના બે સાથીઓનું કપાઈ શકે છે પત્તું

Team India Coaching Changes : ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપવાના BCCIના નિર્ણયે ઘણા સવાલો ઉભા કર્યા છે. આવી સ્થિતિમાં ચર્ચા તેજ થઈ છે કે, શું ભારતીય ટીમમાં બધું બરાબર નથી, અને બોર્ડ શ્રીલંકા પ્રવાસ પહેલા કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે.? આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ખરાબ પ્રદર્શન બાદ, ભારતીય ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. એક અહેવાલ મુજબ, હેડ કોચ ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફના ઓછામાં ઓછા બે સભ્યો, ટીમ ઇન્ડિયાથી અલગ થઈ શકે છે. તેમાંથી એક સિનિયર સપોર્ટ સ્ટાફ સભ્યની આઈપીએલ (IPL) ફ્રેન્ચાઈઝી સાથે વાતચીત પણ થઈ ચૂકી છે, અને માનવામાં આવે છે કે, તે ટૂંક સમયમાં ફ્રેન્ચાઈઝીના સેટઅપ સાથે જોડાઈ શકે છે. આ સિવાય અન્ય એક કોચ પણ ટૂંક સમયમાં ભારતીય ટીમનો સાથ છોડે, તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઓગસ્ટમાં થનારા શ્રીલંકા પ્રવાસ પહેલા વર્તમાન કોચિંગ સેટઅપની સમીક્ષા કરી શકે છે. આ દરમિયાન ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરીઝ અને એશિયન ગેમ્સ 2026 માટે વીવીએસ લક્ષ્મણની આગેવાની હેઠળ અલગ કોચિંગ સ્ટાફ નિયુક્ત કરવાના નિર્ણયે પણ ઘણા સવાલો ઉભા કર્યા છે.

અહેવાલ મુજબ ગંભીરના સપોર્ટ સ્ટાફે BCCI સાથે 2+1 વર્ષનો કરાર કર્યો હતો. શરૂઆતના બે વર્ષ પૂરા થયા બાદ બોર્ડ અને કોચ બંને પાસે કોન્ટ્રાક્ટને એક વર્ષ વધારવાનો વિકલ્પ છે. ભારતીય ટીમને તાજેતરમાં આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ન હતું. જોકે, અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સપોર્ટ સ્ટાફમાં સંભવિત ફેરફારનો સીધો સંબંધ આ હાર સાથે નથી. આની પાછળ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન કોચિંગ સ્ટાફની અંદર ઉભા થયેલા આંતરિક મુદ્દાઓને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

લક્ષ્મણને જવાબદારી આપવા પર પણ ઉઠ્યા સવાલ

BCCIએ ઝિમ્બાબ્વે સામેની ટી20 સિરીઝ માટે ગંભીર અને તેમના સપોર્ટ સ્ટાફને જવાબદારી આપી નથી. વીવીએસ લક્ષ્મણ આ પ્રવાસ પર ભારતીય ટીમના હેડ કોચ હશે. ત્યારબાદ તેઓ જાપાનમાં યોજાનારી 2026 એશિયન ગેમ્સમાં પણ ભારતીય ટીમની જવાબદારી સંભાળશે. આ નિર્ણયને લઈને બોર્ડના કેટલાક અધિકારીઓએ સવાલ ઉઠાવ્યા છે. એક સૂત્રએ જણાવ્યું કે, 'મને સમજાતું નથી કે, વીવીએસ લક્ષ્મણને ઝિમ્બાબ્વે મોકલવાની શું જરૂર છે. તેમને એશિયન ગેમ્સમાં મોકલવાની યોજના પણ સમજની બહાર છે. ચોક્કસપણે જેટલું દેખાઈ રહ્યું છે, મામલો તેના કરતાં વધુ ગંભીર છે. કદાચ બોર્ડ વિકલ્પો શોધી રહ્યું છે.'

ગંભીર ક્યારે બન્યા હતા ટીમ ઇન્ડિયાના હેડ કોચ?

ગૌતમ ગંભીરે જુલાઈ 2024માં ટીમ ઇન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. શરૂઆતમાં આસિસ્ટન્ટ રયાન ટેન ડોશેટ અને ફીલ્ડિંગ કોચ ટી દિલીપ સપોર્ટ સ્ટાફ સાથે જોડાયા, જ્યારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ દ્વારા મોર્ને મોર્કેલે બોલિંગ કોચની જવાબદારી સંભાળી હતી. ગંભીર પોતાની સાથે અભિષેક નાયર અને સિતાંશુ કોટક જેવા ભરોસાપાત્ર સહયોગીઓને પણ લાવ્યા હતા. જોકે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અભિષેક નાયર ટીમથી અલગ થઈ ગયા, અને સિતાંશુ કોટકે બેટિંગ કોચની જવાબદારી સંભાળી લીધી હતી. તાજેતરમાં જ BCCIએ સાઈરાજ બહુતુલેને સ્પિન બોલિંગ કોચ પણ નિયુક્ત કર્યા છે.

હવે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ એકવાર ફરી ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં મોટા બદલાવના સંકેત મળી રહ્યા છે. BCCIની સમીક્ષા અને વીવીએસ લક્ષ્મણને નવી જવાબદારી આપવામાં આવતા અટકળો તેજ થઈ ગઈ છે કે, ગૌતમ ગંભીરના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં મોટી ઉથલપાથલ જોવા મળશે.