ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરબદલ! બુમરાહ પાસેથી છીનવાયો તાજ, હવે મિચેલ સ્ટાર્ક નંબર 1
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ICC MEN'S Test Bowling, Batting, All-Rounder Rankings 2026 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વના નંબર-1 ટેસ્ટ બોલર બનવાનું ગૌરવ મેળવ્યું છે, જ્યારે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે ટોચના સ્થાનેથી નીચે ખસી ગયો છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં 10 વિકેટ લઈને સ્ટાર્કે કારકિર્દીમાં પહેલીવાર આ સ્થાન હાંસલ કર્યું છે.
સ્ટાર્કની ઐતિહાસિક સિદ્ધિ અને બુમરાહને નુકસાન

ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક(Mitchell Starc) પોતાના 15 વર્ષના લાંબા ટેસ્ટ કરિયરમાં ટોપ 10 બોલરોમાં સામેલ રહ્યા છે, પરંતુ ક્યારેય નંબર 1 બની શક્યા નહોતા. તાજેતરમાં 2 સ્થાનની છલાંગ લગાવીને તેઓ ટોચ પર પહોંચ્યા છે. બીજી તરફ, ભારતના જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ફેબ્રુઆરી 2024થી લગભગ 2 વર્ષ સુધી મોટાભાગે નંબર 1ના સ્થાન પર રહ્યા હતા, પરંતુ શ્રીલંકા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શ્રેણીમાં ન રમવાના કારણે અને સ્ટાર્કના દમદાર ફોર્મના લીધે તેઓ હવે બીજા સ્થાને આવી ગયા છે. આ સાથે જ ન્યુઝીલૅન્ડના મેટ હેનરી(Matt Henry) પણ એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.
ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં કમિન્સ અને લિયોનને થયો ફાયદો

ઓસ્ટ્રેલિયન ટીમના કૅપ્ટન પેટ કમિન્સ(Pat Cummins) બાંગ્લાદેશ સામે 6 વિકેટ ઝડપીને એક સ્થાનના ફાયદા સાથે ચોથા નંબર પર પહોંચી ગયા છે. આ ઉપરાંત, અનુભવી સ્પિનર નાથન લિયોન (Nathan Lyon)ને પણ 2 સ્થાનનો લાભ થયો છે અને તેઓ હવે ફરીથી ટોપ 10 બોલરોમાં સામેલ થઈ ગયા છે.
પાકિસ્તાન સામે ઇંગ્લૅન્ડના બોલરોની લાંબી છલાંગ

પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લૅન્ડ તરફથી ઓલી રોબિન્સન(Ollie Robinson) અને જોશ ટંગ(Josh Tongue)ની જોડીએ મળીને 16 વિકેટ ઝડપી હતી. આ જબરદસ્ત પ્રદર્શનના દમ પર રોબિન્સન 15 સ્થાન આગળ વધીને 11મા નંબર પર આવી ગયા છે, જ્યારે ટંગે 16 સ્થાનની છલાંગ લગાવીને 17મું સ્થાન હાંસલ કરી લીધું છે.
ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બ્રૂક ટોપ પર યથાવત્

ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચના 4 ખેલાડીઓમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંગ્લૅન્ડના હેરી બ્રૂક(Harry Brook) નંબર 1 પર યથાવત્ છે, જ્યારે તેમના જ સાથી જો રૂટ (Joe Root) બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ(Steve Smith) ત્રીજા અને ટ્રેવિસ હેડ(Travis Head) ચોથા સ્થાને કાયમ રહ્યા છે.
પંતની ટોપ 10માં ધમાકેદાર એન્ટ્રી

શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં ઝડપી અડધી સદી ફટકારવાનો ફાયદો ભારતીય વિકેટકીપર ઋષભ પંત(Rishabh Pant)ને મળ્યો છે. તેઓ 6 સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત રીતે 7મા નંબરે પહોંચી ગયા છે અને આ સાથે તેમણે ટોપ 10 બેટ્સમેનોમાં સ્થાન મેળવી લીધું છે.
કે.એલ.રાહુલની રેન્કિંગમાં પણ સુધારો

ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરોન ગ્રીન(Cameron Green) 9 સ્થાનના ફાયદા સાથે 21મા સ્થાને પહોંચ્યા છે. શ્રીલંકાના કૅપ્ટન ધનંજય ડી સિલ્વા (Dhananjaya de Silva) 2 સ્થાન ઉપર ચઢીને સંયુક્ત રીતે 22મા સ્થાને છે. પાકિસ્તાનના અબ્દુલ્લા શફીક (Abdullah Shafique) 7 સ્થાન આગળ વધીને સંયુક્ત રીતે 27મા સ્થાને આવ્યા છે, જ્યારે ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) 5 સ્થાનના સુધારા સાથે હવે 30મા નંબર પર પહોંચી ગયા છે.
ઓલરાઉન્ડરોમાં જાડેજાનું વર્ચસ્વ અકબંધ

ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં ભારતના રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) નંબર 1ના સ્થાને મજબૂતીથી જળવાઈ રહ્યા છે. આ કેટેગરીમાં કમિન્સ એક સ્થાનના ફાયદા સાથે 7મા સ્થાને, ગ્રીન એક સ્થાનના સુધારા સાથે સંયુક્ત રીતે 17મા સ્થાને અને રોબિન્સન 5 સ્થાનની છલાંગ લગાવીને 23મા નંબરે પહોંચ્યા છે.







