ક્રિકેટ શ્રેણી રમવા કરગરતા બાંગ્લાદેશને BCCI એ આપ્યો જોરદાર ઝટકો, નહીં રમે કોઈ મેચ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI On Bangladesh Cricket Match : ભારત સાથે ફરી ક્રિકેટ શ્રેણી શરૂ કરવાના બાંગ્લાદેશના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) સપ્ટેમ્બરમાં ટીમ ઇન્ડિયા સાથે 3 વનડે અને 3 T20 મેચોની શ્રેણી રમવા માટે ઉત્સુક હતું અને બંને બોર્ડ વચ્ચે વાતચીત પણ થઈ હતી. જોકે, ભારતના પહેલાથી જ નક્કી થયેલા શેડ્યુલને કારણે આ શ્રેણી શક્ય બને તેમ નથી.
અફઘાનિસ્તાન સામેની શ્રેણીને કારણે યોજના અટકી
સપ્ટેમ્બરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચોની શ્રેણી (India Vs Afghanistan T20 Series) યોજાવાની છે, જે 13, 15 અને 17 સપ્ટેમ્બરે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. અહેવાલો મુજબ આ શ્રેણી પર લગભગ આખરી મહોર વાગી ચૂકી છે અને માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે. આ જ કારણસર સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સાથે ક્રિકેટ મેચ યોજવી શક્ય નથી.
T20 વર્લ્ડ કપ દરમિયાન સંબંધો વણસ્યા
આ વર્ષની શરૂઆતમાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં તણાવ આવ્યો હતો. બાંગ્લાદેશે ભારતમાં પોતાની મેચો રમવાની ના પાડી દીધી હતી, જેના કારણે તેના સ્થાને સ્કોટલૅન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશ બોર્ડની આ જિદ્દને કારણે ટીમ ઇન્ડિયાની T20 વર્લ્ડ કપની યજમાની પર સવાલો ઊભા થયા હતા અને ત્યારથી જ બંને દેશો વચ્ચે વિવાદની શરૂઆત થઈ હતી.
આઇપીએલ 2026 પહેલા શરૂ થયો હતો વિવાદ
બંને દેશો વચ્ચે મતભેદની અસલ શરૂઆત IPL 2026 પહેલા થઈ હતી. ઓક્શનમાં બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાનને કેકેઆરની ટીમે મોટી રકમમાં ખરીદ્યો હતો. તે સમયે બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક હિંસા વધી ગઈ હતી, જેને પગલે ભારતમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતાં બીસીસીઆઇએ કેકેઆરને મુસ્તફિઝુર(Mustafizur Rahman)ને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુરક્ષાના કારણોસર મેચ રમવાની ના પાડી
મુસ્તફિઝુરને મુક્ત કર્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇ સામે મોરચો માંડ્યો હતો અને સુરક્ષાના ખતરાનું કારણ આપી T20 વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇન્કાર કરી દીધો હતો. ઘણી સમજાવટ છતાં બાંગ્લાદેશ ન માનતાં તેના બદલે સ્કોટલૅન્ડને સામેલ કરાયું હતું. ત્યારથી જ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે. જોકે, બાદમાં પોતાની ભૂલ સમજાતાં બાંગ્લાદેશ હવે ભારત સાથે સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યું છે.









