Get The App

અમ્પાયરને કોરોના થતાં શ્રીલંકા અને બાંગ્લાદેશની વન ડે અડધેથી પડતી મૂકાઈ

- અંડર-૧૯ એશિયા કપમાં પણ કોરોનાની એન્ટ્રી

- હવે સેમિ ફાઇનલમાં ભારત વિ. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વિ. શ્રીલંકા

Updated: Dec 28th, 2021

GS TEAM

Google News
Google News
અમ્પાયરને કોરોના થતાં શ્રીલંકા અને બાંગ્લાદેશની વન ડે અડધેથી પડતી મૂકાઈ 1 - image

શારજાહ, તા.૨૮

યુએઈમાં ચાલી રહેલા એશિયા કપ અંડર-૧૯ વન ડેમાં ૩૦મી ડિસેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ ફાઈનલ મુકાબલો ખેલાશે. જ્યારે અન્ય સેમિ ફાઈનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટક્કર થશે. બંને સેમિ ફાઈનલ ૩૦મી ડિસેમ્બરે જ સવારે ૧૧.૦૦થી શરૃ થશે.

શ્રીલંકા અને બાંગ્લાદેશની અંડર-૧૯ ટીમો વચ્ચેની મેચ શરૃ થઈ ગઈ હતી અને બાંગ્લાદેશે પ્રથમ બેટીંગ કરતાં ૩૨.૪ ઓવરમાં ચાર વિકેટે ૧૩૦ રન કરી લીધા હતા. જોકે ત્યારે જ સમાચાર આવ્યા હતા કે, એક અમ્પાયરનો ટેસ્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. આ સિવાય પણ અન્ય એક મેચ ઓફિશિઅલનો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો હતો.

આયોજકોએ જણાવ્યું છે કે, બંને ઓફિશિઅલ્સની હાલત સારી છે અને તેઓની સારવાર ચાલી રહી છે. દરમિયાનમાં આ મેચની સાથે જોડાયેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી તેનું પરિણામ ન આવે ત્યાં સુધી બધા આઇસોલેશનમાં રહેશે. જે પછી આગળની માહિતી આપવામાં આવશે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સીઈઓ નિઝામુદ્દિન ચૌધરીએ કહ્યું છે કે, મેચ શરૃ થઈ તે પછી એક મેચ ઓફિસિઅલનો કોરોનાના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે અમારા તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

મેચ પડતી મૂકાતાં બાંગ્લાદેશની ટીમનો રનરેટ વધુ સારો હોવાથી તેઓ પ્રથમ સેમિ ફાઈનલમા ભારત સામે ટકરાશે. જ્યારે બીજી સેમિ ફાઈનલમાં શ્રીલંકા પાકિસ્તાન સામે ટકરાશે. ફાઈનલ મેચ ૩૧મી ડિસેમ્બરે દુબઈમાં રમાશે.