ઓસ્ટ્રેલિયા રેકોર્ડ સાતમી વખત વૂમન્સ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન, ફાઈનલમાં મેજબાન ઈંગ્લેન્ડ હાર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Women's T20 World Cup 2026: ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય સાબિત કર્યું છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રવિવારે (5 જુલાઈ) રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે કરારી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આપેલા 151 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. સોફી મોલિનક્સની કપ્તાની હેઠળની કાંગારૂ ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી, જે તેમના મજબૂત ફોર્મને દર્શાવે છે.
રેકોર્ડ 7મી વખત બન્યું ચેમ્પિયન
મહિલા ટી20 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી સફળ ટીમ રહી છે અને આ વર્ષે જીત સાથે તેમણે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (2009), વેસ્ટઇન્ડીઝ (2016) અને ન્યૂઝીલેન્ડ (2024) માત્ર એક-એક વાર જ આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.
બેથ મૂની અને લિચફિલ્ડની વિસ્ફોટક બેટિંગ
151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી અને બીજી જ ઓવરમાં ઓપનર જોર્જિયા વોલ આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર બેટર બેથ મૂનીએ શાનદાર વાપસી કરાવી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 100 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી, જેણે ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
લિચફિલ્ડે 35 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 48 રન બનાવ્યા હતા. જ્યારે બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 64 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ બંનેના આઉટ થયા બાદ એલિસ પેરી (અણનમ 13) અને એશ્લે ગાર્ડનર (અણનમ 3)ની જોડીએ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે 1-1 વિકેટ ઝડપી હતી.
પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે બનાવ્યો સામાન્ય સ્કોર
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન નેટ સાઇવર-બ્રન્ટે સૌથી વધુ 53 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ ફ્રેયા કેમ્પે પણ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 44 રન ફટકાર્યા હતા. આ બંને પ્લેયર્સે પાંચમી વિકેટ માટે અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે, એમી જોન્સ (6 રન), ડેની વ્યાટ-હોજ (8 રન) અને હીથર નાઇટ (2 રન) જેવી સ્ટાર પ્લેયર્સ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ, લુસી હેમિલ્ટન, સોફી મોલિનક્સ અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ મેળવી હતી.









