Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા; 3 વધુ મેડલ પણ પાકા, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asian Games 2026 India : જાપાનના આઈચી-નાગોયા ખાતે આયોજિત એશિયન ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન અવિરતપણે આગળ વધી રહ્યું છે. સ્પર્ધાના નવમા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરના રોજ ભારતે ઉત્કૃષ્ટ રમત દર્શાવીને એક જ દિવસમાં 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 8 મેડલ દેશની ઝોળીમાં નાખ્યા હતા. આ જબરદસ્ત પ્રદર્શન સાથે સ્પર્ધામાં ભારતના કુલ મેડલની સંખ્યા વધીને 45 પર પહોંચી ગઈ છે, જેમાં 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ સામેલ છે. એથ્લેટિક્સ અને શૂટિંગમાં અત્યંત રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા, જ્યારે કુરાશમાં પણ ભારતે મેડલ મેળવીને દિવસની શરૂઆત કરી હતી.
શૂટિંગ: ઈશા સિંહ (સિલ્વર મેડલ)

મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં ઓલિમ્પિયન ઈશા સિંહે અત્યંત રોમાંચક સ્પર્ધા બાદ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ફાઇનલમાં 40 શોટ્સ બાદ નોર્થ કોરિયાની ખેલાડી સાથે 34-34 પોઇન્ટ પર બરાબરી થતાં શૂટ-ઓફ રમાયો હતો, જેમાં સતત ત્રણ શૂટ-ઓફ બાદ ઈશાએ સિલ્વર નિશ્ચિત કર્યો હતો. ત્યારબાદ ગોલ્ડ મેડલ માટે ચીનની ઝિયાઓ સામે થયેલા નિર્ણાયક શૂટ-ઓફમાં ઈશા 3-2થી પાછળ રહી ગઈ હતી અને 38ના સ્કોર સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈવેન્ટની નિરાશા ભૂલીને વ્યક્તિગત સ્તરે તેણે આ અસાધારણ સફળતા હાંસલ કરી હતી.
ભાલા ફેંક: યશવીર સિંહ (સિલ્વર મેડલ)

પુરુષોની ભાલા ફેંક (જેવલિન થ્રો) સ્પર્ધામાં સ્ટાર ખેલાડી નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભારતીય યુવા ખેલાડીઓએ મેદાન ગજવ્યું હતું. યશવીર સિંહે પોતાના છેલ્લા પ્રયાસમાં 85.72 મીટરનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંકીને દેશ માટે ગૌરવપૂર્ણ સિલ્વર મેડલ જીત્યો હતો. શરૂઆતના રાઉન્ડથી જ સતત મજબૂત સ્થિતિ જાળવી રાખીને તેણે આ સ્થાન હાંસલ કર્યું હતું.
ભાલા ફેંક: રોહિત યાદવ (બ્રોન્ઝ મેડલ)

જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત તરફથી રોહિત યાદવે પણ શાનદાર લડત આપી હતી. રોહિતે ત્રીજા પ્રયાસમાં 84.35 મીટર દૂર ભાલો ફેંકીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. આ સાથે જ ભાલા ફેંકમાં ભારતના બે ખેલાડીઓએ એકસાથે પોડિયમ પર સ્થાન મેળવીને ડબલ પોડિયમ ફિનિશની ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી.
લાંબી કૂદ: મુરલી શ્રીશંકર (સિલ્વર મેડલ)

પુરુષોની લાંબી કૂદ (લોંગ જમ્પ) સ્પર્ધામાં મુરલી શ્રીશંકરે અદમ્ય સાહસ અને ખેલદિલીનો પરિચય આપ્યો હતો. સ્પર્ધા દરમિયાન ચોથા પ્રયાસમાં પગની ઘૂંટીમાં ઇજા થતાં તેઓ ભારે દર્દમાં હોવા છતાં, બીજા પ્રયાસમાં નોંધાવેલી 8.07 મીટરની છલાંગના જોરે તેમણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ઇજાના કારણે તેઓ છેલ્લા બે પ્રયાસ કરી શક્યા નહોતા, તેમ છતાં તેમનું જૂનું અંતર જ તેમને પોડિયમ સુધી લઈ જવા પૂરતું સાબિત થયું હતું.
1500 મીટર દોડ: ગુલવીર સિંહ (સિલ્વર મેડલ)

પુરુષોની 1500 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીર સિંહે જોરદાર રફતાર બતાવીને 3:36.72 સેકન્ડના પોતાના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેઓ છેલ્લા લેપ સુધી ગોલ્ડની રેસમાં હતા, પરંતુ જાપાનના ખેલાડી સામે માત્ર 0.37 સેકન્ડના મામૂલી અંતરથી ગોલ્ડ ચૂક્યા હતા. આ જ એશિયન ગેમ્સમાં 10,000 મીટરની દોડમાં સિલ્વર જીત્યા બાદ આ સ્પર્ધામાં ગુલવીરનો આ બીજો વ્યક્તિગત સિલ્વર મેડલ છે.
400 મીટર વિઘ્ન દોડ: વિથ્યા રામરાજ (બ્રોન્ઝ મેડલ)

મહિલાઓની 400 મીટર હર્ડલ્સમાં વિથ્યા રામરાજે ઐતિહાસિક પ્રદર્શન કરીને 54.75 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ દોડ સાથે તેમણે મહાન એથ્લેટ પીટી ઉષા દ્વારા 1984ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સ્થાપિત 55.42 સેકન્ડનો 42 વર્ષ જૂનો નેશનલ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. મિક્સ્ડ 4x400 મીટર રિલેમાં સિલ્વર જીત્યા બાદ વર્તમાન રમતોમાં વિથ્યાનો આ બીજો મેડલ છે.
5000 મીટર દોડ: પારુલ ચૌધરી (બ્રોન્ઝ મેડલ)

મહિલાઓની 5000 મીટર દોડ સ્પર્ધામાં ઓલિમ્પિયન પારુલ ચૌધરીએ કઠિન પડકારો સામે સંઘર્ષ કરીને 15:14.61 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. અગાઉ 3000 મીટર સ્ટીપલચેઝમાં બ્રોન્ઝ જીત્યા બાદ આ ગેમ્સમાં પારુલનો આ બીજો મેડલ છે અને ઓવરઓલ એશિયન ગેમ્સ કરિયરનો ચોથો મેડલ છે.
કુરાશ: પિંકી બલહારા (બ્રોન્ઝ મેડલ)
મહિલાઓની 78 કિગ્રા વર્ગની કુરાશ સ્પર્ધામાં પિંકી બલહારાએ ભારતને દિવસનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાની ખેલાડીને 3-0થી હરાવ્યા બાદ સેમિફાઇનલમાં તેમને સાઉથ કોરિયાની સુમિન મો સામે 0-5થી હાર મળી હતી. કુરાશ નિયમો અનુસાર સેમિફાઇનલ પહોંચનારા બંને ખેલાડીઓને બ્રોન્ઝ મળતો હોવાથી પિંકીનો બ્રોન્ઝ મેડલ પાકો થયો હતો. 2018 જકાર્તામાં સિલ્વર જીત્યા બાદ એશિયન ગેમ્સમાં પિંકીનો આ બીજો મેડલ છે.
હોકી: ભારતીય પુરુષ ટીમની બાંગ્લાદેશ સામે 10-0થી ભવ્ય જીત
ભારતીય પુરુષ હોકી ટીમે પૂલ Aના મુકાબલામાં બાંગ્લાદેશને એકતરફી રીતે 10-0થી કચડી નાખીને પોતાની તમામ 5 મેચો જીતીને અજેય રેકોર્ડ સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 3 ગોલ તેમજ શિલાનંદ લાકરાએ 2 ગોલ કર્યા હતા, જ્યારે અભિષેક, જુગરાજ સિંહ, સુખજીત સિંહ, સંજય અને મનદીપ સિંહે 1-1 ગોલ ફટકારીને ટીમને જીત અપાવી હતી. હવે ગુરુવારે સેમિફાઇનલમાં ભારતનો સામનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે.
ક્રિકેટ: ભારતીય પુરુષ ટીમ વરસાદ વચ્ચે સેમિફાઇનલમાં
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી પુરુષ ક્રિકેટ ક્વાર્ટર ફાઇનલ મેચ ભારે વરસાદના કારણે ટોસ ઉછાળ્યા વિના જ રદ કરવી પડી હતી. નૉકઆઉટ મેચો માટે રિઝર્વ ડે ન હોવાના નિયમને કારણે આઈસીસી ટી20 રેન્કિંગમાં નંબર 1 હોવાના આધારે ભારતીય ટીમને સીધી સેમિફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો. આ મુકાબલા અગાઉ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની મુલાકાત લઈ ટાઈટલ જાળવી રાખવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
બોક્સિંગ: લવલીના બોરગોહેન, પ્રિયા ઘંઘાસ અને કપિલ પોખરિયાએ મેડલ કર્યા પાકા

ભારતીય મુક્કેબાજોએ જોરદાર પ્રદર્શન કરીને વધુ 3 મેડલ નિશ્ચિત કરી લીધા હતા. મહિલાઓના 75 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક મેડલ વિજેતા લવલીના બોરગોહેને સાઉથ કોરિયાની સુયોનને 5-0થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલાઓના 60 કિગ્રા વર્ગમાં પ્રિયા ઘંઘાસે તાજિકિસ્તાનની મિઝગોના સમાદોવાને 5-0થી અને પુરુષોના 90 કિગ્રા વર્ગમાં કપિલ પોખરિયાએ સાઉથ કોરિયાના કિમ ગીચાયેને સર્વસંમતિથી 5-0થી પરાજિત કરીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે ભારતના વધુ ત્રણ બ્રોન્ઝ મેડલ નક્કી થઈ ગયા છે.
સ્ક્વોશ: ભારતીય પુરુષ અને મહિલા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં
સ્ક્વોશ કોર્ટ પર પણ ભારતીય ટીમોનો દબદબો જોવા મળ્યો હતો. પુરુષ ટીમે પૂલ Aમાં ચીનને 3-0થી હરાવ્યા બાદ સાઉથ કોરિયાને પણ 3-0થી પરાજિત કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, જેમાં વેલાવન સેંથિલકુમાર, અભય સિંહ, વીર ચોટરાણી અને સૂરજ કુમાર ચંદે જીત નોંધાવી હતી. મહિલા ટીમે ગ્રૂપ તબક્કામાં ચીનને 2-1થી અને ત્યારબાદ જાપાનને 2-1થી હરાવીને ક્વાર્ટર ફાઇનલની ટિકિટ મેળવી હતી, જેમાં જોશના ચિનપ્પા અને તન્વી ખન્નાએ પોતપોતાની મેચો જીતીને ટીમને નિર્ણાયક સરસાઈ અપાવી હતી.
વોલીબોલ: ભારતીય પુરુષ ટીમની હોંગકોંગ સામે 3-0થી સતત બીજી જીત
ભારતીય પુરુષ વોલીબોલ ટીમે પૂલ Cના મુકાબલામાં હોંગકોંગ સામે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 25-22, 25-19, 25-21થી સીધા સેટોમાં 3-0થી વિજય મેળવ્યો હતો. અગાઉ વિયેતનામને હરાવ્યા બાદ આ ભારતની સતત બીજી જીત રહી હતી, જેથી ટીમ પૂલ ટોપર બનવાની રેસમાં મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે.
એથ્લેટિક્સ અને અન્ય રમતો: ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતીયોની આગેકૂચ
એથ્લેટિક્સમાં પુરુષોની 4x400 મીટર રિલે ટીમે 3:01.49ના સૌથી ઝડપી સમય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલાઓની 800 મીટર દોડમાં પૂજા 2:03.20ના સમય સાથે ફાઇનલ માટે ક્વોલિફાય થઈ હતી, જ્યારે 4x100 મીટર મિક્સ્ડ રિલે ટીમે 41.54 સેકન્ડના સમય સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તીરંદાજીમાં ચિકિતા તાનીપર્થી અને ગણેશ મણિ રત્નમે જીત મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે સર્ફિંગમાં કિશોર કુમારે ચીનના મા વેનસોંગને 9.76-8.80થી પરાજિત કરીને મેન્સ શોર્ટબોર્ડ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. શૂટિંગમાં ટ્રેપ ક્વોલિફિકેશનમાં નેરુ ઢાંડા 95 હિટ્સ સાથે ટોચ પર અને પુરુષોમાં શપથ ભારદ્વાજ બીજા દિવસે 50 માંથી 50 ના પરફેક્ટ સ્કોર સાથે પાંચમા સ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને વતન પરતેલી ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોનું દેશમાં ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં કેપ્ટન સુનીલ કુમારે જણાવ્યું હતું કે ઊંચા મનોબળના કારણે જ અમે ગોલ્ડ જીતી શક્યા છીએ.
મેડલ ચૂકી ગયેલા અને પરાજિત થયેલા ખેલાડીઓ
- શૂટિંગ: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર મહિલા 25 મીટર પિસ્તોલમાં 11મા ક્રમે અને રાહી સરનોબત 30મા ક્રમે રહીને ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, જેના કારણે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં પણ ભારત 5મા ક્રમે રહીને મેડલ ચૂક્યું હતું.
- સ્ટીપલચેઝ: પુરુષોની 3000 મીટર સ્ટીપલચેઝમાં ગત ચેમ્પિયન અવિનાશ સાબલે ઈજામાંથી વાપસી કરીને સીઝન બેસ્ટ 8:21.67નો સમય કાઢવા છતાં ચોથા સ્થાને રહી પોડિયમ ચૂકી ગયા હતા.
- રિલે દોડ: મહિલા 4x100 મીટર રિલે ટીમ માત્ર 0.05 સેકન્ડના મામૂલી અંતરે ચોથા સ્થાને રહીને મેડલથી વંચિત રહી હતી.
- ડિસ્કસ થ્રો: મહિલા ડિસ્કસ થ્રોમાં સીમા કાલીરામના 59.88 મીટર સાથે ચોથા અને સાન્યા યાદવ 49.90 મીટર સાથે આઠમા ક્રમે રહી હતી.
- એથ્લેટિક્સ (અન્ય): પુરુષોની લાંબી કૂદમાં ડેવિડ સોલોમન 7.70 મીટર સાથે સાતમા, 400 મીટર હર્ડલ્સમાં સંતોષ કુમાર સાતમા અને 1500 મીટરમાં યુનુસ શાહ નવમા ક્રમે રહ્યા હતા.
- તીરંદાજી: ગત ચેમ્પિયન જ્યોતિ સુરેખા વેન્નમ કમ્પાઉન્ડ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 150-146થી હારી ગઈ હતી અને સાહિલ જાધવ દેશના જ ગણેશ સામે હારીને બહાર થયા હતા.
- ટેનિસ: અંકિતા રૈના અને ઋતુજા ભોસલેની જોડી પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગઈ હતી.
- સર્ફિંગ: શિવરાજ બાબુ ત્રીજા રાઉન્ડમાં હારી ગયા હતા.
- સેપકટકરાવ: મહિલા ડબલ્સ ટીમ જાપાન સામે 2-1થી હારીને ગ્રૂપ સ્ટેજમાં એક પણ મેચ જીત્યા વિના તળિયે રહીને બહાર થઈ ગઈ હતી.
- સ્ક્વોશ: અનાહત સિંહ અને શમીના રિયાઝ પોતાની વ્યક્તિગત મેચો હારી ગઈ હતી.
ચીન 230 મેડલ સાથે પ્રથમ સ્થાને
એશિયન ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં ભારતે નવમા દિવસના અંતે કુલ 45 મેડલ સાથે 12મું સ્થાન જાળવી રાખ્યું છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી 4 ગોલ્ડ, 20 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ટેબલમાં ચીન 230 મેડલ સાથે પ્રથમ સ્થાને, યજમાન જાપાન 172 મેડલ સાથે બીજા અને દક્ષિણ કોરિયા 90 મેડલ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ભારત અને કઝાકિસ્તાન બંનેના 45-45 મેડલ હોવા છતાં ગોલ્ડ મેડલના આધારે કઝાકિસ્તાન પાંચમા અને ભારત 12મા ક્રમે છે.




