વારંવાર PUC કઢાવવાની ઝંઝટ ખતમ: નવા નિયમો લાગુ, જાણો તમારા વાહન માટે કેટલા વર્ષની રહેશે વેલિડિટી?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New PUC Rules 2026 : દેશભરના વાહનચાલકો માટે કેન્દ્ર સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) સર્ટિફિકેટની સમયમર્યાદામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો મુજબ હવે BS-VI શ્રેણીના નવા ખાનગી વાહનધારકોએ દર 6 મહિને કે દર વર્ષે PUC કઢાવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. સરકારના આ નિર્ણયથી 6 વર્ષ સુધીના જૂના ખાનગી BS-VI વાહનોને સીધા 3 વર્ષ સુધીની વેલિડિટી મળશે. જોકે, જૂના વાહનો માટે અગાઉની જેમ જ ટૂંકા ગાળે સર્ટિફિકેટ રિન્યુ કરાવવું ફરજિયાત રહેશે. 13 નવેમ્બરના રોજ આ અંગેનું જાહેરનામું બહાર પાડવાની સાથે જ સમગ્ર દેશમાં નવા નિયમો અમલી બની ગયા છે.
નવા ખાનગી BS-VI વાહનો માટે વાહનની ઉંમર મુજબ નક્કી થઈ સમયમર્યાદા
સરકારે ખાનગી BS-VI વાહનો કેટલા વર્ષ જૂના છે તેના આધારે PUC સર્ટિફિકેટની મુદત નક્કી કરી છે, એટલે કે વાહન જેમ જૂનું થશે તેમ વહેલું સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે.
- 6 વર્ષ સુધીના જૂના ખાનગી BS-VI વાહનો માટે PUC સર્ટિફિકેટ પૂરા 3 વર્ષ સુધી માન્ય ગણાશે.
- 6 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીના જૂના વાહનો માટે દર 1 વર્ષે આ પ્રમાણપત્ર રિન્યુ કરાવવું પડશે.
- 10 વર્ષથી વધુ જૂના થઈ ગયેલા ખાનગી BS-VI વાહનોના માલિકોએ દર 6 મહિને PUC સર્ટિફિકેટ કઢાવવું ફરજિયાત રહેશે.
કોમર્શિયલ વાહનોને પણ રાહત
ખાનગી વાહનોની સાથેસાથે સરકારે BS-VI માપદંડ ધરાવતા કોમર્શિયલ વાહનોના PUC સર્ટિફિકેટની મુદતમાં પણ વધારો કર્યો છે, જોકે તેની સમયમર્યાદા ખાનગી વાહનો કરતા અલગ રાખવામાં આવી છે. આ શ્રેણીમાં 6 વર્ષ સુધીના જૂના BS-VI કોમર્શિયલ વાહનો માટે PUC સર્ટિફિકેટ 2 વર્ષ સુધી માન્ય રહેશે. 6 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીના જૂના પરિવહન વાહનોએ દર 1 વર્ષે સર્ટિફિકેટ રિન્યુ કરાવવાનું રહેશે, જ્યારે 10 વર્ષથી વધુ જૂના કોમર્શિયલ વાહનો માટે દર 6 મહિને PUC રિન્યુ કરાવવાનો નિયમ લાગુ પડશે.
BS-I થી BS-IV સુધીના જૂના વાહનો માટે યથાવત રહ્યા નિયમો
પ્રદૂષણ નિયંત્રણના જૂના ધોરણો ધરાવતા વાહનોને સરકાર તરફથી કોઈ લાંબી રાહત આપવામાં આવી નથી અને તેમની સમયમર્યાદા અગાઉની જેમ જ ઓછી રાખવામાં આવી છે. જે વાહનો BS-I, BS-II અને BS-III શ્રેણીમાં આવે છે, તેમનું PUC સર્ટિફિકેટ માત્ર 3 મહિના માટે જ માન્ય રહેશે. બીજી તરફ, BS-IV માપદંડ ધરાવતા વાહનો માટે આ પ્રમાણપત્રની વેલિડિટી 6 મહિનાની જ રાખવામાં આવી છે.
મુદત પૂરી થાય તે પહેલાં PUC રિન્યુ કરાવવા પર શું થશે અસર?
નવા નિયમોમાં સર્ટિફિકેટ રિન્યુ કરાવવાની તારીખ અંગેની અસમંજસ પણ દૂર કરવામાં આવી છે. જો કોઈ વાહનમાલિક પોતાના હાલના PUC સર્ટિફિકેટની મુદત પૂરી થવાના છેલ્લા 10 દિવસની અંદર તેને રિન્યુ કરાવે છે, તો નવા સર્ટિફિકેટની વેલિડિટી જૂનું સર્ટિફિકેટ એક્સપાયર થવાની તારીખથી જ ગણાશે. પરંતુ જો સર્ટિફિકેટની મુદત પૂરી થઈ ગયા બાદ રિન્યુ કરાવવામાં આવશે, તો જે દિવસે રિન્યુ કરાવ્યું હશે તે જ તારીખથી નવી વેલિડિટી શરૂ થશે.
જૂના સર્ટિફિકેટ ધારકોને ક્યારથી મળશે નવા નિયમોનો લાભ?
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ કેન્દ્રીય મોટર વાહન (16મો સુધારો) નિયમ, 2026 અંતર્ગત આ ફેરફાર જાહેર કર્યો છે, જે રાજપત્રમાં પ્રકાશિત થતાની સાથે જ લાગુ થઈ ગયો છે. અહીં એ વાત ખાસ નોંધવી જરૂરી છે કે નવા નિયમો અમલમાં આવ્યા પહેલાં જે PUC સર્ટિફિકેટ ઈશ્યૂ થઈ ચૂક્યા છે, તેની મુદત આપોઆપ નહીં વધે. આવા વાહનધારકો જ્યારે નવા નિયમો લાગુ થયા બાદ પહેલીવાર પોતાનું PUC રિન્યુ કરાવશે, ત્યારથી જ તેમને આ સુધારેલી સમયમર્યાદાનો લાભ મળવાનું શરૂ થશે.




