પિતાના મોત પછી દિલ્હીમાં ટેક્સી ચલાવી, હવે એશિયન ગેમ્સમાં મેડલ જીતી સલમાન ખાને રચ્યો ઈતિહાસ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

From Uber Driver To Asian Games Rowing Medalist: જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સ 2026માં ગુરુવારે ભારતીય રોઅર્સ સતનામ સિંહ અને સલમાન ખાને શાનદાર પ્રદર્શન કરતાં પુરુષોની ડબલ સ્કલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલ મુકાબલામાં આ ભારતીય જોડીએ 6 મિનિટ 13.25 સેકન્ડનો સમય નોંધીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં ચીનના યી ઝુદી અને યિદે નીની જોડીએ ગોલ્ડ મેડલ તેમજ ઉઝબેકિસ્તાનના પાવેલ સોરિન અને મેખરોઝબેક મમતકુલોવે સિલ્વર મેડલ જીત્યો હતો. આ કેટેગરીમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે.
અંતિમ 500 મીટરમાં સુનિશ્ચિત કર્યો બ્રોન્ઝ મેડલ
સમગ્ર સ્પર્ધા દરમિયાન સલમાન ખાન અને સતનામ સિંહની જોડી મેડલની રેસમાં મજબૂત સ્થિતિમાં રહી હતી. રેસના અંતિમ ચરણમાં છેલ્લા 500 મીટરના અંતરમાં તેમણે ઝડપ જાળવી રાખીને ત્રીજું સ્થાન જાળવી રાખ્યું હતું, જેના પરિણામે દેશ માટે બ્રોન્ઝ મેડલ નિશ્ચિત થયો હતો.
18 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, પરિવાર માટે ચલાવી ટેક્સી
આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનારા સલમાન ખાનની જીવનસફર અત્યંત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી રહી છે. ઉત્તર પ્રદેશના અમેઠીના વતની સલમાન ખાન ચાર ભાઈઓ અને બે બહેનોમાં સૌથી મોટા છે. તેમના પિતા મોહમ્મદ કાસિમ ખાન ટ્રકની બોડી બનાવવાનું કામ કરતા હતા. જ્યારે સલમાન 18 વર્ષના હતા ત્યારે ડેન્ગ્યુના કારણે પિતાનું અચાનક અવસાન થયું હતું. પિતાના નિધન બાદ સમગ્ર પરિવારના ભરણપોષણ તેમજ નાના ભાઈ-બહેનોની જવાબદારી સલમાન પર આવી પડી હતી. સલમાન ભારતીય સેનામાં જોડાવા માંગતા હતા, પરંતુ આર્થિક સંકટને કારણે તેમણે પોતાના સ્વપ્નને બાજુ પર રાખીને પરિવારના ગુજરાન માટે દિલ્હીમાં દિવસ-રાત ઉબેર કેબ (ટેક્સી) ચલાવવી પડી હતી.
4 મહિનાની સખત મહેનત અને સેનામાં પ્રવેશ
આર્થિક વિટંબણાઓ છતાં સલમાનના મનમાં સેનામાં જોડાવાની મહેચ્છા જીવંત રહી હતી. તેમણે ઉબેર કેબ અન્ય ડ્રાઇવરને સોંપીને સતત 4 મહિના સુધી સખત તૈયારી કરી હતી. શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પાસ કરીને તેઓ ભારતીય સેનામાં ભરતી થયા હતા. 25 સપ્ટેમ્બર 2018ના રોજ તેઓ પુણે ખાતે 'બોમ્બે એન્જિનિયર ગ્રુપ'માં સત્તાવાર રીતે જોડાયા હતા.
સેનામાં જોડાયા બાદ શરૂ થઈ રોઇંગની સફર
ભારતીય સેનામાં જોડાયા પછી જ સલમાનને ‘રોઇંગ' રમત વિશે જાણવા મળ્યું હતું. કોચ સત્યવાન, સતીશ સિરાત અને પ્રભાત મિશ્રાએ સલમાનની શારીરિક ક્ષમતા અને મનોબળ જોઈને તેમને રોઇંગ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. અગાઉ ક્યારેય આ રમત વિશે વિચાર્યું ન હોવાથી શરૂઆતમાં સલમાન થોડા અચકાતા હતા, પરંતુ રમતમાં જોડાયા બાદ પોતાની પ્રથમ ઇન્ટર-સેન્ટર રેગાટા સ્પર્ધામાં જ તેમણે સિલ્વર મેડલ જીત્યો, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો હતો.
ત્યારબાદ સલમાને રોઇંગમાં સઘન તાલીમ ચાલુ રાખી અને અનેક સ્પર્ધાઓમાં મેડલ્સ જીત્યા હતા. વર્ષ 2021માં તેમની ઉત્કૃષ્ટ પ્રતિભાને ધ્યાને લઈને પુણે ખાતે 'આર્મી રોઇંગ નોડ' માટે તેમની પસંદગી કરવામાં આવી હતી, જ્યાંથી શરૂ થયેલી સફરે આજે એશિયન ગેમ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે.




