90 રનમાં 7 વિકેટ પછી....7 છગ્ગાની મદદથી આકિબ નબીની અવિશ્વસનીય સદી, હારેલી બાજી જીતાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akib Nabi Century News : ક્રિકેટની રમતને અનિશ્ચિતતાઓની રમત કેમ કહેવાય છે, તેનું વધુ એક શાનદાર ઉદાહરણ વિજય હઝારે ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં જોવા મળ્યું. આ મેચમાં જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીએ પોતાની બેટિંગથી એવો ચમત્કાર કર્યો, જેણે સૌને દંગ કરી દીધા. હારની અણી પર ઉભેલી ટીમને તેણે એકલા હાથે ઐતિહાસિક જીત અપાવી.
90 રનમાં 7 વિકેટ, પછી આવ્યો આકિબ નબીનો તરખાટ
હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરતા જમ્મુ-કાશ્મીરની ટીમની હાલત અત્યંત ખરાબ હતી. ટીમે માત્ર 90 રનના સ્કોર પર પોતાની 7 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર લગભગ નિશ્ચિત લાગી રહી હતી. તે સમયે 8મા નંબરે બેટિંગમાં આવેલા ઝડપી બોલર આકિબ નબીએ અશક્યને શક્ય કરી બતાવ્યું.
તેણે હૈદરાબાદના બોલરો પર વળતો હુમલો કર્યો અને ટીમના સ્કોરને 268 રન સુધી પહોંચાડ્યો. આકિબે માત્ર 82 બોલમાં 10 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 114 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. તેની આ ચમત્કારિક સદીની મદદથી જમ્મુ-કાશ્મીરે હારેલી બાજી જીતી લીધી અને હૈદરાબાદના જડબામાંથી વિજય છીનવી લીધો.
બેટિંગ પહેલા બોલિંગમાં પણ મચાવી હતી ધૂમ
આકિબે માત્ર બેટિંગથી જ નહીં, પરંતુ તે પહેલા બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 10 ઓવરના સ્પેલમાં 56 રન આપીને હૈદરાબાદની 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આમ, તેણે ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી.
IPLમાં મળ્યા છે ₹8.40 કરોડ
29 વર્ષીય આકિબ નબીએ ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ જ કારણ છે કે IPL 2026ની મિની-ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે તેના પર ₹8.40 કરોડની મોટી બોલી લગાવી હતી. ઓક્શનમાં આકિબ માટે ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. દિલ્હી ઉપરાંત રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ તેના માટે બિડિંગ કરી હતી, પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સ તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળ રહ્યું હતું. ઓક્શનમાં આકિબની બેઝ પ્રાઈઝ માત્ર ₹30 લાખ હતી.









