Sports

VIDEO: લાઈવ મેચમાં વીજળી પડતાં 24 વર્ષના ખેલાડીનું મોત! કેમેરામાં કેદ થયા ભયાવહ દૃશ્યો

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ થાઇલેન્ડમાં સ્થાનિક ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં 24 વર્ષીય થાઇ ફૂટબોલર સોફવાન અવાએનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના 'ગોલોક FA કપ' દરમિયાન બની, જ્યાં વરસાદમાં રમાઈ રહેલી મેચમાં પિચ પર વીજળી ત્રાટકી હતી. આ દુર્ઘટનામાં અન્ય 12 ખેલાડીઓ પણ ઘાયલ થયા છે. આઘાતજનક વીડિયો વાઇરલ થતાં આયોજકોની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: લાઈવ મેચમાં વીજળી પડતાં 24 વર્ષના ખેલાડીનું મોત! કેમેરામાં કેદ થયા ભયાવહ દૃશ્યો

Thai Footballer Lightning Strike: દક્ષિણ થાઇલેન્ડમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડવાથી 24 વર્ષીય થાઇ ફૂટબોલર સોફવાન અવાએનું દર્દનાક મોત થયું છે, જ્યારે અન્ય 12 ખેલાડીઓ ઘાયલ થયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આઘાતજનક વીડિયોમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ વરસાદ વચ્ચે ફૂટબોલ રમી રહ્યા હતા, ત્યારે જ અચાનક પિચ પર વીજળી પડી હતી અને જોરદાર ધમાકો થયો હતો.

ગોલોક FA કપ દરમિયાન બની ઘટના

અહેવાલો અનુસાર, વિંગર તરીકે રમતા અવાએનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, આ દુર્ઘટના 'ગોલોક FA કપ' દરમિયાન બની હતી, જે એક લોકલ ટૂર્નામેન્ટ છે જેમાં એમેચ્યોર અને થાઇ-મલેશિયન ટીમો ભાગ લે છે. આ મેચ અવાએની ટીમ SAMCOLTS અને 'અબુ x નોંગ સિરિન' વચ્ચે રમાઈ રહી હતી.

સોશિયલ મીડિયા પર ફેન્સનો આક્રોશ અને શોક

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ રમતપ્રેમીઓ શોકમાં છે. લોકો આટલા ખરાબ હવામાનમાં પણ મેચ ચાલુ રાખવાના આયોજકોના નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે. યુઝર્સે કોમેન્ટ કરતાં લખ્યું કે, ખરાબ હવામાન અને વાવાઝોડા દરમિયાન મેચ રોકી દેવી એ દરેક જગ્યાએ ફરજિયાત નિયમ હોવો જોઈએ. ઘણા લોકોએ ટૂર્નામેન્ટ લીગને આ બેદરકારી માટે જવાબદાર ઠેરવી છે.

થાઇલેન્ડમાં વીજળી પડવાથી 283 લોકોના મોત

થાઇલેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ ડિસીઝ કંટ્રોલના આંકડા મુજબ, દેશમાં વીજળી પડવાની ઘટનાઓ સામાન્ય છે. વર્ષ 2020થી 2024 વચ્ચે દેશભરમાં ઓછામાં ઓછા 283 લોકો વીજળીની ચપેટમાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકોના સ્થળ પર જ મોત થયા હતા.

ફૂટબોલ એસોસિએશને વ્યક્ત કર્યું દુઃખ

મલેશિયન સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ઇમરજન્સી મેડિકલ ટીમે ખેલાડીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેણે દમ તોડી દીધો હતો. ફૂટબોલ એસોસિએશન ઓફ થાઇલેન્ડ દ્વારા આ ઘટના અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે અને પીડિત પરિવાર તથા ક્લબ પ્રત્યે સાંત્વના પાઠવવામાં આવી છે.