Sports

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના VIDEO ને કારણે 3 દેશોમાં વિવાદ, કાશ્મીરના મેપ સાથે કરાયો 'ખેલ'

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પૂર્વે નકશા વિવાદ ઘેરો બન્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના જૂના પ્રોમો વીડિયોમાં PoK ને ભારતની સરહદમાં દર્શાવતા પાકિસ્તાનમાં હોબાળો મચ્યો. પાકિસ્તાનના વિરોધ બાદ ACB એ વીડિયો હટાવી, નવા વિઝ્યુઅલ સાથે દિલ્હીના ઇન્ડિયા ગેટને કાશ્મીરના નકશા પર દર્શાવતો પ્રોમો જાહેર કર્યો. 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શ્રેણી શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના VIDEO ને કારણે 3 દેશોમાં વિવાદ, કાશ્મીરના મેપ સાથે કરાયો 'ખેલ'

ACB India Map Controversy: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી T20 સીરીઝ પહેલાં જમ્મુ-કાશ્મીરના નકશાને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ઘેરો બન્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા જાહેર કરવામાં આવેલા એક જૂના પ્રોમો વીડિયોમાં ભારતનો નકશો દર્શાવતી વખતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને ગિલગિટ-બાલતિસ્તાનને ભારતની સરહદ અંદર દર્શાવવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ચાહકોએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસે વિરોધ નોંધાવવાની માંગ કરી હતી. વિવાદ વધતાં ACBએ આ વીડિયો ડિલીટ કરીને નવો વીડિયો રીલીઝ કર્યો છે.

પહેલાં વીડિયોમાં શું હતું જેના પર પાકિસ્તાને વિરોધ કર્યો?

ACB દ્વારા 6 સપ્ટેમ્બરે ભારત સામેની ત્રણ મેચની T20 સીરીઝના પ્રમોશન માટે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરાયો હતો. આ વીડિયોના અંતમાં ભારત અને અફઘાનિસ્તાનના નકશા દર્શાવાયા હતા, જેમાં એક ફ્રેમમાં PoK અને ગિલગિટ-બાલતિસ્તાન ભારતની સીમા અંદર દેખાતા હતા. પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સના વિરોધ બાદ PCBએ આ મામલો પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ પણ ઉઠાવ્યો હતો. આ સાથે જ ભારતીય યુઝર્સે પણ નકશાની અલગ-અલગ સીમાઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.

ACBએ જૂનો વીડિયો હટાવી નવા વિઝ્યુઅલ સાથે નવો પ્રોમો જાહેર કર્યો

ચોતરફથી વધતા વિવાદ બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા જૂનો પ્રોમો વીડિયો હટાવી લેવાયો છે અને નવો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. નવા વીડિયોમાં ACBએ એક નવો કીમિયો અપનાવ્યો છે; જેમાં ભારતના કાશ્મીર ક્ષેત્રના નકશાની ઉપર દિલ્હીના 'ઈન્ડિયા ગેટ'ને પ્રમુખતાથી દર્શાવવામાં આવ્યો છે. આ વિઝ્યુઅલ ફેરફારના કારણે નકશાની વાસ્તવિક સરહદો સ્પષ્ટ દેખાતી નથી. જોકે, વીડિયો બદલવા પાછળનું સત્તાવાર કારણ ACBએ આપ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે પાકિસ્તાનની આપત્તિ બાદ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં યોજાશે ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની T20 સીરીઝ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. તમામ મેચો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે 13, 15 અને 17 સપ્ટેમ્બરે રમાશે. આ સીરીઝમાં અફઘાનિસ્તાન 'હોમ ટીમ' તરીકે રમી રહ્યું છે, પરંતુ સુરક્ષાના કારણોસર અફઘાનિસ્તાન પોતાના હોમ ગ્રાઉન્ડ તરીકે ભારત અને UAE જેવા સ્થળોનો ઉપયોગ કરે છે.