Sports

રોનાલ્ડો અને જ્યોર્જિના ઓગસ્ટમાં કરશે લગ્ન! તારીખ-સ્થળની વિગતો વાયરલ

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગેઝના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. પોર્ટુગલના મીડિયા રિપોર્ટ મુજબ, આ ચર્ચિત કપલ 8 ઓગસ્ટે પોર્ટુગલના મદીરા દ્વીપ પર આવેલા 'ફનચલ કેથેડ્રલ'માં લગ્ન કરી શકે છે. લગ્ન પછીનો ભવ્ય સમારોહ મદીરાની ફાઈવ સ્ટાર હોટેલ 'સવોય પેલેસ'માં યોજાશે. જોકે, હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રોનાલ્ડો અને જ્યોર્જિના ઓગસ્ટમાં કરશે લગ્ન! તારીખ-સ્થળની વિગતો વાયરલ

Cristiano Ronaldo And Georgina Rodriguez Wedding : ફૂટબોલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અને તેમની પાર્ટનર જ્યોર્જિના રોડ્રિગેઝ (Georgina Rodriguez) ના લગ્નને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ છે. પોર્ટુગલના મીડિયા રિપોર્ટ મુજબ, આ ચર્ચિત કપલ 8 ઓગસ્ટે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જોકે, રોનાલ્ડો કે જ્યોર્જિના દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

લગ્નનું સ્થળ રોનાલ્ડો માટે ખાસ

રિપોર્ટ અનુસાર, બંનેના લગ્ન પોર્ટુગલના મદીરા દ્વીપ પર આવેલા 'ફનચલ કેથેડ્રલ'માં થવાની સંભાવના છે. આ જગ્યા રોનાલ્ડો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેમનું બાળપણ આ જ દ્વીપ પર વિત્યું હતું અને તેમણે પોતાની પ્રોફેશનલ ફૂટબોલ સફરની શરૂઆત પણ અહીંથી જ કરી હતી.

ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાઈ

લગ્ન પછીના ભવ્ય સમારોહ માટે મદીરાની ફાઈવ સ્ટાર હોટેલ 'સવોય પેલેસ' (Savoy Palace) બુક કરવામાં આવી હોવાનું કહેવાય છે. મહેમાનો માટે હોટેલના કેટલાક ભાગ રિઝર્વ રાખવામાં આવશે. જોકે, હોટેલ બુકિંગ અને સમારોહ સાથે જોડાયેલી આ વિગતોની પણ હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

કેથોલિક પરંપરા મુજબ યોજાશે લગ્ન

જો મીડિયા રિપોર્ટ્સ સાચા ઠરશે તો રોનાલ્ડો અને જ્યોર્જિના પરંપરાગત ચર્ચ વેડિંગ કરશે. રોનાલ્ડોનો ઉછેર કેથોલિક પરિવારમાં થયો છે અને તેઓ પરિવારના મહત્વ વિશે અગાઉ પણ ઘણીવાર વાત કરી ચૂક્યા છે. આથી ફનચલ કેથેડ્રલની પસંદગી તેમના માટે ધાર્મિક અને ભાવનાત્મક બંને દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહેમાનો માટે કડક પ્રાઇવસી

લગ્નની તારીખ અને સ્થળ અંગે વાતો સામે આવી છે, પરંતુ મહેમાનોનું લિસ્ટ અને કાર્યક્રમની વિગતો હજુ ગુપ્ત છે. સોશિયલ મીડિયા પર એવી અટકળો છે કે લગ્નમાં આવનારા મહેમાનો માટે કડક પ્રાઈવસી નિયમો લાગુ થઈ શકે છે, જેમાં નોન-ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ (NDA) અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ જેવી બાબતો સામેલ છે.

2017માં થઈ હતી પહેલી મુલાકાત

રોનાલ્ડો અને જ્યોર્જિનાની મુલાકાત વર્ષ 2017માં સ્પેનની રાજધાની મેડ્રિડના એક ગુચ્ચી સ્ટોરમાં થઈ હતી, જ્યાં જ્યોર્જિના સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. સમય જતાં બંને વચ્ચેની નજીકતા વધી અને તેમનો સંબંધ જાહેર થયો. 11 ઓગસ્ટ 2025ના રોજ જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર પોતાની ડાયમંડ રિંગની તસવીર શેર કરીને સગાઈની જાહેરાત કરી હતી.

રોનાલ્ડો અને જ્યોર્જિનાનો મોટો પરિવાર

આ કપલ પોતાના મોટા પરિવારની સંભાળ એકસાથે રાખી રહ્યું છે. જ્યોર્જિના રોનાલ્ડોના સૌથી મોટા દીકરા ક્રિસ્ટિયાનો જૂનિયરનો પણ પોતાની જ સંતાનની જેમ ઉછેર કરે છે. આ સિવાય જૂન 2017માં સરોગસી દ્વારા રોનાલ્ડો જોડિયા બાળકો માતેઓ અને ઈવાના પિતા બન્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2017માં જ્યોર્જિનાએ પુત્રી એલાના માર્ટિનાને જન્મ આપ્યો હતો. વર્ષ 2022માં જ્યોર્જિના ફરીથી જોડિયા બાળકોની માતા બની હતી, પરંતુ ડિલિવરી દરમિયાન પુત્રનું દુઃખદ નિધન થયું હતું જ્યારે પુત્રી બેલા એસ્મારાલ્ડા સુરક્ષિત જન્મી હતી.