Sports

7 પરાજય, એક સમાન ભૂલ, ટીમ ઈન્ડિયાની ઓલરાઉન્ડર ફોર્મ્યૂલા ફ્લોપ, પસંદગી પર ઊઠ્યા સવાલ

By GS Team
17 Jul 20264 mins read
TukuTouch Logo
યુરોપ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સતત નિષ્ફળતાથી પસંદગી અને મેનેજમેન્ટ પર સવાલ ઉઠ્યા છે. છેલ્લી 9 આંતરરાષ્ટ્રીય મેચમાં હારેલી ભારતીય ટીમની નબળાઈ દેખાઈ. વિદેશમાં વધારાના બેટ્સમેનોને બદલે ઓલરાઉન્ડરો પર વધુ ભરોસો ભારે પડી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની 233 રનની હારમાં સુંદર, અક્ષર અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરો ફાસ્ટ બોલરો સામે નિષ્ફળ રહ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

7 પરાજય, એક સમાન ભૂલ, ટીમ ઈન્ડિયાની ઓલરાઉન્ડર ફોર્મ્યૂલા ફ્લોપ, પસંદગી પર ઊઠ્યા સવાલ

Team India's All-Rounder Formula Flop: યુરોપ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની સતત સતત નિષ્ફળતાએ માત્ર ખેલાડીઓના પ્રદર્શન પર જ નહીં, પરંતુ ટીમ સિલેક્શન અને મેનેજમેન્ટની વિચારસરણી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. છેલ્લી 9 આંતરરાષ્ટ્રીય મેચમાં હારી ચૂકેલી ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ હવે સ્પષ્ટપણે દેખાવા લાગી છે. વિદેશી પરિસ્થિતિઓમાં વધારાના બેટ્સમેનોને બદલે ઓલરાઉન્ડરો પર જરૂર કરતા વધુ ભરોસો ભારતને સતત ભારે પડી રહ્યો છે.

ભારતીય ક્રિકેટની ઓળખ મજબૂત બેટિંગ

ભારતીય ક્રિકેટની ઓળખ હંમેશા મજબૂત બેટિંગ રહી છે. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે ઈંગ્લેન્ડ જેવા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની વન-ડે ટીમમાં એક પણ વધારાનો વિશેષજ્ઞ બેટ્સમેન હાજર નથી. તેના બદલે ટીમ મેનેજમેન્ટે એવા ઓલરાઉન્ડરો પર વિશ્વાસ વ્યક્ત કર્યો જેઓ ન તો બેટથી મેચ ફિનિશ કરી રહ્યા કે ન તો બોલથી મોટી અસર છોડી રહ્યા છે.

સુંદર-શિવમનો રોલ સમજથી પરે

આ સમગ્ર મામલે અક્ષર પટેલને ટીકાથી દૂર રાખી શકાય છે. તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે. પરંતુ વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબે સતત અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ રહ્યા છે. જો હાર્દિક પંડ્યા ફિટ હોત અને ટીમનો ભાગ હોત તો કદાચ આ બંનેમાંથી કોઈ એકને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું હોત. આ જ બાબત હવે ટીમ સિલેક્શન પર સવાલો ઉભા કરી રહી છે.

કાર્ડિફ વન-ડેમાં ભારત મજબૂત સ્થિતિમાં હતું. 32મી ઓવરમાં વિરાટ કોહલી 65 રન બનાવીને આઉટ થયો ત્યાં સુધીમાં ટીમનો સ્કોર 178/4 હતો. તે સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત સરળતાથી 300 રન સુધી પહોંચી જશે. પરંતુ આ પછી આખી બેટિંગ પડી ભાંગી. વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને શિવમ દુબે જેવા ઓલરાઉન્ડરો ફાસ્ટ બોલરો સામે ટકી નહોતા શક્યા. પરિણામ એ આવ્યું કે આખી ટીમ 44 ઓવરમાં માત્ર 233 રન પર જ સમેટાઈ ગઈ. આ જ એ સમય હતો, જ્યારે મેચ ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ.

કાર્ડિફની પિચ પર જોફ્રા આર્ચર અને સાકિબ મહમૂદે ભારતીય મિડલ ઓર્ડરની ટેકનિકની કસોટી કરી અને તેમાં બેટ્સમેનો ફેલ સાબિત થયા. વોશિંગ્ટન સુંદરને હેમસ્ટ્રિંગમાં ખેંચ આવ્યા બાદ શોર્ટ બોલ પર વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ થઈ ગયો. આર્ચરના બાઉન્સર પર અક્ષર પટેલે અપર કટ રમવાનો પ્રયાસ કર્યો અને વિકેટ ગુમાવી દીધી. શિવમ દુબે ખાતું ખોલાવ્યા વગર જ કૉટ એન્ડ બોલ્ડ થઈ ગયો. ત્રણેય બેટ્સમેન એ સમયે ઈનિંગ્સ સંભાળવામાં નિષ્ફળ રહ્યા, જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી.

આ ખેલાડીના સિલેક્શન પર ઉઠી રહ્યા સૌથી વધુ સવાલ

શિવમ દુબેના સિલેક્શન પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે. ડિસેમ્બર 2019માં વન-ડે ડેબ્યૂ કરનાર દુબેએ અત્યાર સુધી માત્ર થોડી જ મેચો રમી છે, પરંતુ તેમ છતાં તેને બંને મેચોમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. બીજી વન-ડે ઈન્ટરનેશનલમાં તે શૂન્ય પર આઉટ થઈ ગયો હતો અને 6 ઓવર ફેંકવા છતાં તે કોઈ અસર છોડી નહોતો શક્યો. T20 ક્રિકેટમાં ઉપયોગી સાબિત થયેલો દુબે હજુ સુધી વન-ડે ફોર્મેટમાં પોતાને સ્થાપિત નથી કરી શક્યો.

ભારતે વધારાના બેટ્સમેન કેમ સિલેક્ટ ન કર્યા?

સૌથી મોટો સવાલ એ છે કે ભારતે વિદેશ પ્રવાસ પર વધારાના નિષ્ણાત બેટ્સમેનની પસંદગી કેમ ન કરી? ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ જેવી પરિસ્થિતિઓમાં બેટિંગ હંમેશા મુશ્કેલ માનવામાં આવે છે. જ્યારે નિષ્ણાત બેટ્સમેન પણ સંઘર્ષ કરે છે, ત્યારે એવા ખેલાડીઓ પર આધાર રાખવો જોખમી બની જાય છે જેમની બેટિંગ તેમની મુખ્ય ઓળખ નથી. જો ટીમમાં એક વધારાનો બેટ્સમેન હોત તો વિરાટ કોહલીના આઉટ થયા બાદ ઈનિંગ્સને સંભાળવાનો વિકલ્પ હોત. પરંતુ ભારત પાસે એવો કોઈ વિકલ્પ નહોતો.

ટીમ મેનેજમેન્ટને પોતાના કોમ્બિનેશન પર વધુ પડતો વિશ્વાસ

ભારતે છેલ્લા બે વર્ષમાં વ્હાઈટ બોલ ક્રિકેટમાં મોટી સફળતા હાંસલ કરી છે. T20 વર્લ્ડ કપ 2024, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ કદાચ ટીમ મેનેજમેન્ટને પોતાના કોમ્બિનેશન પર વધુ પડતો વિશ્વાસ હતો. પરંતુ ઈંગ્લેન્ડની સ્થિતિએ સ્પષ્ટ કરી દીધું કે ઘરઆંગણે કે ધીમી પીચો પર જે ફોર્મ્યુલા સફળ થાય છે તે વિદેશમાં ફ્લોપ રહે છે.

સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે પણ જવાબ આપવો પડશે કે વિદેશ પ્રવાસ માટે ટીમ બનાવતી વખતે નિષ્ણાત બેટ્સમેનોને બદલે ઓલરાઉન્ડર પર આટલો મોટો દાવ કેમ લગાવવામાં આવ્યો. જો આ રણનીતિ ચાલુ રહી તો વિદેશી ધરતી પર ઈન્ડિયાની મુશ્કેલીઓ ખતમ થવાને બદલે વધી શકે છે.