Sports

ગાવસ્કર-કપિલ દેવ સહિત 21 પૂર્વ દિગ્ગજ કપ્તાનોએ પાકિસ્તાની PMને પત્ર લખી 3 માગ કરી

By GS Team
24 Aug 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના કથળતા સ્વાસ્થ્ય અંગે 21 ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતના સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ સહિતના દિગ્ગજોએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને પત્ર લખીને ઇમરાનને યોગ્ય તબીબી સારવાર આપવા અપીલ કરી છે. આ પત્ર 23 ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાવસ્કર-કપિલ દેવ સહિત 21 પૂર્વ દિગ્ગજ કપ્તાનોએ પાકિસ્તાની PMને પત્ર લખી 3 માગ કરી

Captains Unite For Imran's Healthcare: પાકિસ્તાનની જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન અને 1992ના વર્લ્ડ કપ વિજેતા સુકાની ઇમરાન ખાનના કથળતા સ્વાસ્થ્ય અને અયોગ્ય સારવાર અંગે વિશ્વ ક્રિકેટ જગતના દિગ્ગજો ચિંતિત બન્યા છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટનો સુનીલ ગાવસ્કર, કપિલ દેવ અને દિલીપ વેંગસરકર સહિત વિશ્વભરના 21 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને સંયુક્ત પત્ર લખીને ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર કરવા અને તાત્કાલિક યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા ભારપૂર્વક અપીલ કરી છે.

આ પત્ર 23 ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યો છે. 73 વર્ષીય ઇમરાન ખાન છેલ્લા 3 કરતાં વધુ વર્ષથી જેલમાં બંધ છે. અગાઉ 6 મહિના પહેલાં ફેબ્રુઆરીમાં પણ 14 પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો હતો. હવે વધુ 7 ભૂતપૂર્વ સુકાનીઓ આ પહેલમાં જોડાતાં પત્ર લખનારા કેપ્ટનોની કુલ સંખ્યા 21 થઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થતાં વધી ચિંતા

પૂર્વ ક્રિકેટરોએ પત્રમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ કે પાકિસ્તાનની આંતરિક કાનૂની પ્રક્રિયામાં દખલગીરી કરવા માગતા નથી, પરંતુ રમતગમતના સાથીદાર તરીકે માનવીય ધોરણે આ અપીલ કરી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં તેમના અંગત તબીબો અને તેમની બહેન ડૉ. ઉઝમા ખાનને સામેલ કરી એક ખાસ મેડિકલ બોર્ડ દ્વારા તપાસ કરવાનો સ્પષ્ટ નિર્દેશ હતો.

જોકે, ઇમરાન ખાનને હોસ્પિટલમાં માત્ર ગણતરીના કલાકો જ રાખવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા નિર્ધારિત સ્વતંત્ર બોર્ડના બદલે સરકારી તબીબો દ્વારા તપાસ કરાવી તેમને ‘તબીબી રીતે ફિટ’ જાહેર કરી અદિયાલા જેલમાં પરત ધકેલી દેવાયા હતા. ઇમરાન ખાનના પરિવારે આક્ષેપ કર્યો છે કે જેલમાં યોગ્ય સારવાર ન મળવાને કારણે તેમની જમણી આંખની દૃષ્ટિ લગભગ જતી રહી છે, જેના પગલે સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે.

પૂર્વ કેપ્ટનોએ પત્રમાં કરેલી 3 મુખ્ય માગણીઓ:

  1. સંપૂર્ણ અને સ્વતંત્ર તબીબી તપાસ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઇમરાન ખાનના અંગત તબીબોનો સમાવેશ ધરાવતા મેડિકલ બોર્ડને તેમની તબિયતની—ખાસ કરીને તેમની જમણી આંખની કથળેલી દૃષ્ટિ અંગેની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ કરવા દેવામાં આવે.
  2. પરિવાર સાથે મુલાકાત પુનઃસ્થાપિત કરવી: સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલી સાપ્તાહિક પારિવારિક મુલાકાતોમાં કોઈપણ પ્રકારનો વહીવટી અવરોધ કે અડચણ ઊભી કર્યા વિના તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવે.
  3. ભલામણ મુજબ તાત્કાલિક સારવાર: સ્વતંત્ર મેડિકલ બોર્ડ દ્વારા તપાસ બાદ જે પણ સારવારની ભલામણ કરવામાં આવે, તે સારવાર કોઈપણ જાતના વિલંબ વિના ઇમરાન ખાનને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે.

પત્ર પર હસ્તાક્ષર કરનારા દિગ્ગજ સુકાનીઓ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની ગ્રેગ ચેપલની પહેલથી શરૂ થયેલી આ અપીલ પર સહી કરનારાઓમાં ભારતમાંથી 1983ના વર્લ્ડ કપ વિજેતા સુકાની કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકર સામેલ છે. આ ઉપરાંત અન્ય વિદેશી દિગ્ગજોમાં માઇકલ એથર્ટન, એલેક્સ બ્લેકવેલ, એલન બોર્ડર, માઇકલ બ્રિયરલી, ઇયાન ચેપલ, ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, સર એલિસ્ટર કૂક, લી જર્મન, એડમ ગિલક્રિસ્ટ, ડેવિડ ગોવર, કિમ હ્યુજીસ, નાસીર હુસૈન, સર ક્લાઇવ લોઇડ, અર્જુના રણતુંગા, સર એન્ડ્ર્યુ સ્ટ્રોસ, સ્ટીવ વો અને જ્હોન રાઇટ જેવા 21 દિગ્ગજ સુકાનીઓનો સમાવેશ થાય છે.