Sports

13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય લુઆન-ડ્રે પ્રિટોરિયસે T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. 'CSA T20 ચેલેન્જ' લીગમાં ટાઇટન્સ તરફથી રમતા, તેણે નાઇટ્સ સામે 79 બોલમાં અણનમ 188 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે ક્રિસ ગેલના 175 રનના 13 વર્ષ જૂના રેકોર્ડને તોડી સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

Luan-Dre Pretorius highest individual scorer in T20: દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન લુઆન-ડ્રે પ્રિટોરિયસે (Luan-Dre Pretorius) ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં નવો સુવર્ણ ઈતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકાની સ્થાનિક 'CSA T20 ચેલેન્જ' લીગમાં ટાઇટન્સ ફ્રેન્ચાઇઝી તરફથી રમતા પ્રિટોરિયસે નાઇટ્સ સામે માત્ર 79 બોલમાં અણનમ 188 રનની તોફાની ઇનિંગ રમી હતી.

આ સાથે જ તેણે આઈપીએલ 2013 માં 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેલે પુણે વોરિયર્સ સામે ફટકારેલા અણનમ 175 રનના 13 વર્ષ જૂના વિશ્વ રેકોર્ડને તોડીને ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

79 બોલમાં 13 છગ્ગા અને 15 ચોગ્ગા: બેવડી સદી ચૂક્યો

સાઉથ આફ્રિકાના 20 વર્ષીય યુવા બેટ્સમેન પ્રિટોરિયસે મેદાનની ચારેય તરફ રનનો ખડકલો કરી દીધો હતો. તેણે પોતાની ઇનિંગ દરમિયાન માત્ર 24 બોલમાં અડધી સદી અને ત્યારબાદ આગામી 16 બોલમાં જ એટલે કે 40 બોલમાં સદી પૂરી કરી લીધી હતી. જ્યારે 150 રનનો આંકડો 58 બોલમાં સ્પર્શ્યો હતો.

પોતાની 188 રનની અણનમ ઇનિંગમાં તેણે 13 દર્શનીય છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. જો ટાઇટન્સને રમવા માટે વધુ એક ઓવર મળી હોત તો તે ટી-20 ક્રિકેટ ઇતિહાસની પ્રથમ બેવડી સદી (Double Century) પણ ફટકારી શક્યો હોત.

ટાઇટન્સનો 3 વિકેટે 267 રનનો મસમોટો સ્કોર

પ્રિટોરિયસના આ મહા-ધમાકાના દમ પર ટાઇટન્સ ટીમે 20 ઓવરમાં 3 વિકેટના ભોગે 267 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો, જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો બીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. આ પહેલા 2022માં ડેવાલ્ડ બ્રેવિસે ૧૬૨ રન ફટકારીને આ લીગનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો, જે રેકોર્ડ પણ હવે પ્રિટોરિયસે પોતાના નામે કરી લીધો છે.

ઝિમ્બાબ્વે અને નામિબિયા સામેની ત્રિ-કોણીય શ્રેણીમાં અનુક્રમે 94 અને 101 રન ફટકાર્યા બાદ પ્રિટોરિયસે 2026-27 ની સિઝનની પ્રથમ જ મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.