16 છગ્ગા, 28 બોલમાં સેન્ચુરી... દિગ્ગજ ઓલરાઉન્ડરના દીકરાનું ક્રિકેટના મેદાનમાં વિસ્ફોટક પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mohammad Nabi son Hassan Eisakhil : અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના 19 વર્ષીય પુત્ર હસન ઈસાખિલે ક્રિકેટ જગતમાં પોતાની તોફાની બેટિંગથી સનસનાટી મચાવી દીધી છે. ઉઝબેકિસ્તાન સામે રમાયેલા એક મુકાબલામાં અફઘાનિસ્તાન XI તરફથી રમતા જમણા હાથના બેટ્સમેન હસન ઈસાખિલે માત્ર 34 બોલમાં 120 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 16 સિક્સર અને 4 ફોર ફટકારી હતી, એટલે કે 112 રન તો તેણે માત્ર બાઉન્ડ્રી (ચોગ્ગા-છગ્ગા) વડે જ બનાવી લીધા હતા.
અફઘાનિસ્તાન XI નો વિશાળ સ્કોર અને ભવ્ય જીત
ઈસાખિલની આ તોફાની સદી અને કેપ્ટન ઈમરાન મીર (32 બોલમાં 74 રન) સાથેની પ્રથમ વિકેટ માટે માત્ર 60 બોલમાં થયેલી 181 રનની ભાગીદારીના જોરે અફઘાનિસ્તાન XI એ 20 ઓવરમાં 7 વિકેટે 323 રનનો હિમાલય જેવો સ્કોર ખડક્યો હતો. આ વિશાળ લક્ષ્યાંક સામે ઉઝબેકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માંડ 124 રન જ બનાવી શકી હતી અને અફઘાનિસ્તાન XI એ 199 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ઉઝબેકિસ્તાન તરફથી મેરાજુદ્દીન અને અમાનુલ્લાહે 2-2 વિકેટ લીધી હતી.
પિતા-પુત્ર ટૂંક સમયમાં સાથે રમે તેવી સંભાવના
ઈસાખિલ હજુ 19 વર્ષનો છે અને તેણે અફઘાનિસ્તાનની અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, જોકે હજુ તેનું ઇન્ટરનેશનલ ડેબ્યુ બાકી છે. તેના પિતા 41 વર્ષીય મોહમ્મદ નબી હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સક્રિય છે અને તેમણે અફઘાનિસ્તાન માટે 333 મેચોમાં 6273 રન બનાવવાની સાથે 294 વિકેટ પણ ઝડપી છે. ક્રિકેટ વર્તુળોમાં એવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે કે આગામી સમયમાં આ પિતા-પુત્રની જોડી અફઘાનિસ્તાન માટે એકસાથે આંતરરાષ્ટ્રીય મેચ રમતી જોવા મળી શકે છે.









