13 છગ્ગા, 31 બોલમાં સેન્ચુરી... IPLમાં ફ્લોપ રહેલા કેરેબિયન સ્ટાર બેટરનું તોફાની પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pooran and Pollard Unleash Mayhem: અમેરિકાની ધરતી પર રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) T20 ટૂર્નામેન્ટમાં કેરેબિયન બેટ્સમેનોનો પ્રચંડ વિસ્ફોટ જોવા મળ્યો છે. નૉકઆઉટ મેચના હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેનોએ અમેરિકાના મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો ભારે વરસાદ વરસાવ્યો હતો. આ ઐતિહાસિક મુકાબલામાં નિકોલસ પૂરને ટૂર્નામેન્ટના ઇતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી, જ્યારે બીજી તરફ ભૂતપૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડે T20 ક્રિકેટમાં પોતાના 1000 સિક્સર પૂરા કરીને એક અવિશ્વસનીય નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કેરેબિયન પાવર હિટીંગના જોરે મુંબઈ ઇન્ડિયન્સ ન્યૂયોર્કની ટીમે સ્કોરબોર્ડ પર 260 રનથી વધુનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.
એલિમિનેટર મેચમાં MI ન્યૂયોર્કનો પહાડ જેવો સ્કોર
મેજર લીગ ક્રિકેટનો આ રોમાંચક એલિમિનેટર મુકાબલો MI ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ફ્રીડમ વચ્ચે ખેલાયો હતો. આ મેચમાં વોશિંગ્ટનની ટીમના સુકાની સ્ટીવન સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, કેપ્ટન સ્મિથને સહેજ પણ અંદાજો નહીં હોય કે ન્યૂયોર્કના બેટ્સમેનો તેમની બોલિંગ લાઇન-અપના ચીરેચીરા ઉડાવી દેશે. પ્રથમ બેટિંગ કરતા MI ન્યૂયોર્કની ટીમે નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને 266 રનનો વિશાળ અને પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ન્યૂયોર્કની ટીમને આ મજબૂત સ્થિતિમાં પહોંચાડવા પાછળ નિકોલસ પૂરન અને કિરોન પોલાર્ડનું તોફાન મુખ્ય કારણ રહ્યું હતું.
નિકોલસ પૂરનનું વાવાઝોડું: 31 બોલમાં ઠોકી દીધી સેન્ચુરી
ન્યૂયોર્કની ઇનિંગ્સના બીજા ઓવરના પ્રથમ બોલ પર જ જ્યારે પ્રથમ વિકેટ પડી, ત્યારે નિકોલસ પૂરન ક્રીઝ પર ઉતર્યો હતો. મેદાન પર આવતાની સાથે જ તેણે વોશિંગ્ટનના બોલરો પર આક્રમણ શરૂ કરી દીધું હતું. પૂરને માત્ર 31 બોલમાં પોતાની તોફાની સદી પૂરી કરી લીધી હતી, જે આ લીગના ઇતિહાસની સૌથી ઝડપી સદી છે.
તેણે પોતાની આ આક્રમક ઇનિંગ્સ દરમિયાન કુલ 13 ગગનચુંબી સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. પૂરન માત્ર 33 બોલમાં 106 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને આઉટ થયો હતો. જ્યારે તે પેવેલિયન પરત ફર્યો ત્યારે 11.4 ઓવરમાં ટીમનો સ્કોર 183/3 રન થઈ ચૂક્યો હતો. પૂરને પોતાની તોફાની બેટિંગથી પ્રથમ 10 ઓવરમાં જ વોશિંગ્ટનની ટીમને મેચમાંથી સંપૂર્ણપણે બહાર કરી દીધી હતી.
કેપ્ટન કિરોન પોલાર્ડનો પાવર: T20માં 1000 સિક્સરનો નવો કીર્તિમાન
પૂરન આઉટ થયા બાદ કેરેબિયન પાવરહાઉસ અને ટીમના સિનિયર ખેલાડી કિરોન પોલાર્ડે મોરચો સંભાળ્યો હતો. પોલાર્ડે માત્ર 25 બોલનો સામનો કરતા 1 ચોગ્ગા અને 8 આકાશી સિક્સરની મદદથી 64 રનની અત્યંત વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. પોતાની આ તોફાની ઇનિંગ્સ દરમિયાન પોલાર્ડે T20 ક્રિકેટમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે T20 ફોર્મેટમાં પોતાના 1000 સિક્સર પૂરા કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં T20 ક્રિકેટના ઇતિહાસમાં માત્ર બે જ બેટ્સમેનો 1000 કે તેથી વધુ સિક્સર ફટકારવાનો આ જાદુઈ આંકડો પાર કરી શક્યા છે અને આ બંને દિગ્ગજો વેસ્ટ ઇન્ડિઝના જ છે. ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલે વિશ્વમાં સૌથી પહેલા T20 ક્રિકેટમાં 1000 સિક્સર પૂરા કર્યા હતા અને હવે કિરોન પોલાર્ડ પણ આ એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. વિશ્વના ઘણા બેટ્સમેનોના કરિયરમાં કુલ 6000 રન પણ નથી હોતા, પરંતુ આ બંને કેરેબિયન સિતારાઓએ માત્ર છગ્ગાઓની મદદથી જ આટલો મોટો સ્કોર ઊભો કરી દીધો છે. આ મેચ લાંબા સમય સુધી કેરેબિયન પાવર હિટીંગના ક્લાસિક ઉદાહરણ તરીકે યાદ રાખવામાં આવશે.









