Shatdal

તારું બૈરું દુ:ખી નહીં રહે!

By GS Team
6 Oct 20265 mins read
તારું બૈરું દુ:ખી નહીં રહે!
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • ચંદન સમજી ગયો કે જગતાપ અને ભૂરિયાએ એને ફસાવી માર્યો છે. પોલીસ સૌથી પહેલાં રીક્ષાનું પગેરું શોધશે. પછી મને પકડશે.

'સા લા ચંબૂ ! ફસકી શેનો જાય છે ? સોનીની દુકાન લૂંટવા માટે તારે તો સાથે આવવું જ પડશે ! નહીંતર માલ લઈને ભાગીશું શી રીતે ? તારી રીક્ષા એના માટે તો જ તો છે, ડફોળ!'
ચંબૂ યાને કે ચંદન બુધાલાલ નામનો સુરતમાં રહેતો આ રીક્ષાવાળો ફસાઈ ગયો હતો. એના બે દોસ્તો જગતાપ અને ભૂરિયો હંમેશાં એની ઉપર દાદાગિરી કરતા રહેતા હતા. 'સાલું ? ચોરી કરવામાં આપણે ક્યાંક પકડાઈ ગયા તો ? તમે લોકો તો જેલ અને પોલીસના ડંડાથી ટેવાયેલા છો, પણ ભૈશાબ, મારાથી માર નહીં ખમાય !!'
'અબે ચંબૂ ! હરામખોર ? સાલા ભૂલી ગયો ? તારે અમને લોકોને પચાસ હજાર રૂપિયા ઉધારીના પાછા આપવાના બાકી છે !' આ ચોરીમાં સામેલ થઈશ તો એમાંથી પચીસ હજાર માફ, બસ ? આ ચંદનની બીજી કમનસીબી હતી. એક તો એની રીક્ષા વારંવાર બગડી જતી હતી. ક્યારેક ટાયરો ફાટી જાય તો ક્યારેક મશીન બગડી જાય. દર વખતે રીપેરિંગનો ખર્ચો માથે આવીને ઉભો રહે. ચંદન પાસે એવા પૈસા તો હતા જ નહીં કે નવી રીક્ષા લઈ શકે.
ત્યારે આ ભૂરિયો અને જગતાપ ચંદનને પાંચ દસ હજાર રૂપિયા ઉધાર આપતા હતા. પણ વાત આટલેથી અટકતી નહોતી. એ બન્ને જણા ચંદન માટે માલ સામાનની વરદીનો ઓર્ડર છેક નવસારી અને ભરૂચ સુધીની લઈ આવતા હતા. જાણે રીક્ષાના માલિકો પોતે જ હોય.
ચંદનને સતત ડાઉટ હતો કે એની ગેરહાજરીમાં જગતાપ અને ભૂરિયો એના ઘરમાં આવીને એની બૈરી કમલીનો આખી આખી રાત સુધી ઉપભોગ કરતા હતા. ડાઉટ શું ? ચંદનને હકીકતમાં તો ખાતરી હતી કે ખુદ કમલીને આ બે જણાની સોબત પસંદ હતી.
નવાઈની વાત એ પણ ખરી કે ચંદનની રીક્ષાને રીપેર કરાવ્યાને હજી દોઢ બે મહિનો થાય ન થાય, ત્યાં તો અચાનક એમાં કંઈ નવી ખરાબી થઈ જતી, કોઈવાર એકસલ તૂટી જાય તો કોઈવાર કાર્બ્યુરેટર આખું બળી જાય !
દર વખતે જગતાપ અને ભૂરિયો હસતાં હસતાં નફ્ફટ રીતે કહેતા કે સાલા ચંબૂ ! આ તો તારી બૈરીને દુ:ખી થતી જોઈ શકતા નથી એટલે તને મદદ કરીએ છીએ ! બાકી તું જો વાંઢો હોત તો તારી પૂંઠ પર લાત મારીને ભગાડી મુક્યો હોત !
આમ જગતાપ બધી જ રીતે ફસાયેલો હતો. કમલી કહેવા ખાતર એની બૈરી, પણ ભોગવે સાલા આ બે જણા, રીક્ષા કહેવા ખાતર એની આવક પણ વાપરે આ બે જણા. ક્યારેય તો ચંદનને રેલ્વેના પાટા પર સૂઈ જઈન ટ્રેન નીચે કપાઈ મરવાના વિચારો આવતા હતા. પણ એના માટે ય છાતી જોઈએ ને ?
એટલે સુરતના એક જવેલર્સની દુકાનમાં ચોરી કરવાના પ્લાનમાં સાથ આપવો જ પડે તેવું હતું. પણ એ ચોરી વડે જ ચંદનનું નસીબ ફરી ગયું.
એ વરસાદી રાત હતી. ધોંધમાર વરસાદ પડી રહેલા વરસાદમાં માંડ પાંચ ફૂટ દૂર કંઈ સ્પષ્ટ દેખાઈ શકે તેવું હતું. દુકાનમાં ઘૂસતાં પહેલાં ચંદને કહ્યું :
'અહીં તો કેમેરા લાગેલા છે ! અંદર પણ કેમેરા હશે! પકડાઈ જઇશું તો ?'
જગતાપ અને ભૂરિયો હસી પડયા હતા. 'અબે ચંબૂ ! એટલે જ તો વરસાદની રાત પસંદ કરી છે. અંદર અમે માસ્ક પહેરીને જઇશું. તું પણ તારું મો રૂમાલથી ઢાંકી રાખ ! થઈ થઈને શું થશે ? રીક્ષાની નંબર પ્લેટ કેમેરામાં પકડાઈ જશે તો તારી રીક્ષા જપ્ત થશે, એટલું જ ને ? આમેય તારી બૈરી તો ઓલરેડી જપ્ત થયેલી જ છે !'
ચંદન ઘીસ ખાઈ ગયો હતો પણ શું કરી શકે ? નસીબમાં આવું જ લખાયેલું હતું. ચોરીનો માલ લઈને એ લોકો રીક્ષામાં ભાગતા રહ્યા. ભેસ્તાન બાજુ પહોંચીને એ બે જણા ચોરીનાં માલ સાથે રીક્ષામાંથી ઉતરી ગયા. 'સાંભળ ચંબુ ! તું પણ ક્યાંક જઈને છૂપાઈ જા ! સાત દિવસ પછી ચલથાણ ચોકડી પર મળીશું. હવે તું જાણે ને તારી રીક્ષા જાણે ! અને હા, તારી બૈરીની ચિંતા ના કરતો. એને અમે દુ:ખી નહીં થવા દઇએ ! સમજી ગયોને?'
ચંદન સમજી ગયો કે જગતાપ અને ભૂરિયાએ એને ફસાવી માર્યો છે. પોલીસ સૌથી પહેલાં રીક્ષાનું પગેરું શોધશે. પછી મને પકડશે. પછી બહુ ડંડા મારશે… બહુ ડંડા મારશે…
એજ ઘડીએ ચંદને નક્કી કર્યું કે જેલમાં તો નથી જ જવું ? ભલે ભૂખે મરવાનો વારો આવે !


એ વાતને પુરાં વીસ વરસ વીતી ગયાં હતો. ચંદન તેનું નામ બદલીને મહારાષ્ટ્રના ધૂળિયા તાલુકાના એક ગામમાં એક જથ્થાબંધ અનાજના ગોડાઉનમાં મજુરી કરીને જીવી રહ્યો હતો. બધા તેને 'તુંડયા' કહીને બોલાવતા હતા.
'એય તુંડયા ! એક દિવસે ગોડાઉનના માલિકે તેને કહ્યું 'આ શું દાઢી-બાલ વધારી રાખ્યાં છે ? જા મુંડન કરાવી લાવ ! તારે ગણેશજીના ઉંદર બનવાનું છે !'
ગણેશોત્સવમાં ગોડાઉનના માલિકે ભવ્ય ગણપતિની સ્થાપના કરી હતી. કોઈકે આઈડિયા આપ્યો હતો કે 'આ તુંડયાને ઉંદરનું મહોરું પહેરાવીને રોજ મંડપમાં ભજન કિર્તન ઉપર નાચ કરાવો ! પબ્લિકને જલસો પડી જશે !'
આ રીતે છેલ્લાં વીસ વરસથી વધારી રાખેલાં દાઢી મૂછ અને માથાના વાળ સફાચટ થઈ ગયાં. તુંડયો કંઈ બહુ સારો ડાન્સર હતો. એવું તો હતું જ નહીં, પણ ઉંદર બનવા માટે બીજું કોઈ તૈયાર જ નહોતું થતું. એટલે તુંડયાનો વારો પડી ગયો.
તુંડયો તેને આવડે તેવું કઢંગુ વિચિત્ર.
નાચતો, તે જોઈને લોકોને બહુ ગમ્મત પડવા લાગી. તેનાં 'રીલ્સ બનવા લાગ્યાં ! બસ, આમાં જ તુંડયા ઉર્ફે ચંબુ ઉર્ફે ચંદનનું નસીબ બીજીવાર પલટાયું…
બન્યું એવું કે વિસર્જનના સરઘસ વખતે તુંડયો ઉંદરના માસ્ક સાથે ઉછળી ઉછળીને નાચતો હતો. એવામાં તે સૌને ખડખડાટ હસવું આવે એવી વિચિત્ર રીતે ટ્રક ઉપરથી ગબડયો ! તેનું માસ્ક તૂટીને ટુકડા ટુકડા થઈ ગયું !
બસ, આ 'ફની' વિડીયો વાયરલ થઈ ગયો !!


પેલી બાજુ સુરતમાં ચંબૂની બૈરી કમલીનું શરીર ચૂંથાઈને કંતાનના કોથળા જેવું થઈ ચૂક્યું હતું. જગતાપ અને ભૂરિયાએ તેના શરીરને ચૂસાય તેટલું ચૂસ્યા પછી કજરીને કેરીના ગોટલાની માફક ફેંકી દીધી હતી.
ત્યારબાદ બીજા પુરુષો આવતા ગયા.. કજરીની કાયા ચૂંથાતી ગઈ. ૪૫ વરસની કજરી પાસે બે ટંક પેટ ભરવા માટે બીજું કોઈ કામ બચ્યું જ નહોતું. ઉપરથી તેને ઓથ આપવા માટે ઉભો રહે તેવો કોઈ પુરુષ પણ હવે રહ્યો નહોતો.
ત્યાં જ પેલો વાયરલ વિડીયો એને જોવા મળ્યો ! એની આંખો ચમકી ઉઠી ! તે સીધી પોલીસ સ્ટેશને પહોંચી ગઈ.
પોલીસને એક કેસ મળી ગયો અને ચંદનને હવે એની બૈરી કમલીને જિંદગીભર પાળવાની તથા પોષવાની સજા મળી ગઈ.
આને કહેવાય નસીબ.