Shatdal

સ્ત્રી, સંગ્રામ અને સર્વનાશ : 'ઇલિયાડ' એટલે સૌંદર્યના તલસાટમાંથી જાગેલો વેરનો ઉકળાટ!

By GS Team
21 Jul 202613 mins read
સ્ત્રી, સંગ્રામ અને સર્વનાશ : 'ઇલિયાડ' એટલે સૌંદર્યના તલસાટમાંથી જાગેલો વેરનો ઉકળાટ!

અનાવૃત-જય વસાવડા
સ્પાર્ટાના રાજા મિનેલોસની પત્ની હેલન અપૂર્વ લાવણ્યમયી યુવતી હતી. રૂપરૂપનો અંબાર! કાચની પૂતળી જેવી હેલનનું સંગેમરમર જેવું શરીર જોઇને પેરિસ પાગલ થઇ ગયો. વચન મુજબ એફ્રોડાઇટે તેની મદદ કરી

એ ફેસ ધેટ લોન્ચ્ડ થાઉઝન્ડ શિપ્સ! વિશ્વવિખ્યાત બનેલી આ ઉક્તિ ગ્રીક દંતકથાઓની અપૂર્વ વિશ્વસુંદરી હેલન માટે વપરાઈ છે. જેના વિશે વિગતે વાતો ગત રવિવારે સ્પેક્ટ્રોમીટરમાં થઈ એ અંધ મહાકવિ હોમર ની બે ટાઇમલેસ યાને કાળજયી કૃતિઓ ઇલિયાડ અને ઓડિસીના તમામ સંઘર્ષોની બુનિયાદ બ્યુટીમાં છે! જેમ દ્રૌપદી વસ્ત્રાહરણથી ઇન્દ્રપ્રસ્થના ભાંગી પડેલા સમાધાન સુધી મહાભારતના કેન્દ્રમાં છે, જેમ સીતાહરણ રામાયણનો ટર્નિંગ પોઇન્ટ છે, એવું જ વેસ્ટર્ન વિશ્વસાહિત્ય જ્યાંથી શરૂ થાય છે, એ મહાકાવ્યોનો મૂળ મુદ્દો હેલન છે. હુસ્નનો એક એવો બેહદ ખૂબસુરત ચહેરો જેના રૂપને લીધે હજારો યુદ્ધ જહાજો ઉઠયા ને લોહિયાળ સમરાંગણને લીધે કંઈક તકદીર ફરી ગઈ !
ક્રિસ્ટોફર નોલાનની ઓડિસી ફિલ્મમાં જો કે સુંવાળા સફેદ શિખંડના નામે કાળી કાંકરી પીરસી દેવાનો ક્રૂર વિકૃત આનંદ એને લેવો હોય એમ હોમર જેવો અંધ કવિ પણ જેને કોઈ કાળે સુંદર ન કહે એવી બ્લેક આફ્રિકન મૂળની એક્ટ્રેસ લુપિતા નિયોગને હેલન તરીકે ધરાર ઠઠાડી દઈને મુદ્દો જ પૂરો કરી નાખ્યો છે યુદ્ધનો. શું કામ આની પાછળ કોઈ ઘેલા થઈ લડી મરે? પણ નોલાનનું તો ટ્રોય પણ આદિવાસી કબીલા જેવું ફિક્કું છે. એને આમ પણ ભવ્યતાથી ભપકાદાર કલર કાઢી નાખવાની આદત નોલાને વળગાડી છે. એની ફિલ્મોનું ગ્રીક કલ્ચર પણ સેપિયા રાખોડી જ છે! ઇલિયાડ પરથી ૨૦૦૪માં ટ્રોય જેવી નબળી ફિલ્મ આવી ત્યારે પણ લખેલું, પણ કાસ્ટિંગમાં એ ચડિયાતી હતી.
ખેર, કોણ હતી હેલન? ગ્રીક પૌરાણિક કથાઓમાં હેલનના જન્મની ઘણી અલગ-અલગ વાર્તાઓ પ્રચલિત છે. સૌથી જાણીતી કથા મુજબ, ઇન્દ્ર જેવા જ વિલાસી એવા દેવોના રાજા ઝિયુસે હંસનું રૂપ ધારણ કરીને સ્પાર્ટાની રાણી લીડા પર મોહી પડીને એની સાથે સમાગમ કર્યો હતો. તે જ રાત્રે લીડાએ તેના પતિ રાજા ટિન્ડારિયસ સાથે પણ સહશયન કર્યું હતું, અને ત્યારબાદ તેણે એક અથવા બે ઈંડા મૂક્યા હતા ! તેમાંથી એક ઈંડામાંથી હેલનનો જન્મ થયો હોવાનું મનાય છે, જ્યારે અન્ય પરંપરાઓ મુજબ તેના ભાઈ-બહેનો - કેસ્ટર, પોલક્સ અને ક્લાઈટેમનેસ્ટ્રા - બીજા ઈંડામાંથી જન્મ્યા હતા.
પ્રાચીન 'સાઇપ્રિયા' નામના લુપ્ત મહાકાવ્યન છૂટાછવાયા સંસ્કરણ મુજબ હેલનની જૈવિક માતા દેવી નેમેસિસ હતી. નેમેસિસે ઈંડું મૂક્યું હતું, જે પછીથી ઉછેર માટે લીડાને સોંપવામાં આવ્યું હતું. આ પૌરાણિક કથા એટલી ગંભીરતાથી લેવામાં આવતી હતી કે બીજી સદી દરમિયાન ગ્રીક પ્રવાસી પૌસાનીયસે સ્પાર્ટાના એક મંદિરમાં 'લીડાના પૌરાણિક ઈંડા' તરીકે એક ઈંડાનું કવચ (છીલકું) પ્રદર્શિત થયેલું જોયાનો ઉલ્લેખ કર્યો હતો!
ટૂંકમાં, અલૌકિક ગણાયેલી હેલનની દેવતાઈ અપ્સરા જેની સુંદરતા વિશ્વભરમાં પ્રખ્યાત હતી, જેના કારણે ઘણા શક્તિશાળી ગ્રીક રાજકુમારો અને રાજાઓ તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. હેલનનો ઉછેર પાલક પિતા રાજા ટિન્ડારિયસે આ સમજીને એક યુક્તિ કરી હતી. હેલનના હાથના તમામ ઉમેદવારો પાસેથી પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ હેલને પોતે પસંદ કરેલા પતિનું સન્માન કરશે અને જો કોઈ હેલનને અપહરણ કરીને લઈ જવાનો પ્રયાસ કરશે, તો તેઓ બધા સાથે મળીને તેની રક્ષા કરશે. હેલને અંતે ગ્રીસના કદાવર સ્વભાવે પણ ખૂંખાર રાજા આગામેમ્નોનના નાના ભાઈ મિનેલોસની પસંદગી કરી ને સ્પાર્ટાની રાણી કહેવાઈ. અને ત્યાંથી શરૂ થઈ ઇલિયાડ નામના પશ્ચિમના મહાભારતની ગાથા!
ભારતમાં જ નહિ, વિશ્વભરના સાહિત્યમાં 'જે અહીં છે એ બધે છે, અને જે અહીં નથી કે કયાંય નથી'ની કેચલાઇન મહાભારતની સિઘ્ધિને બરાબર પ્રસિઘ્ધ કરે છે. વિશ્વની કોઇ સંસ્કૃતિ પાસે અસંખ્ય પાત્રોના સંબંધ અને સંઘર્ષના આવા રંગબેરંગી તાણાવાણા ગૂંથતી 'એપિક' (દેવત્વભરી મહાગાથા) સાહિત્યકૃતિ નથી.
પરંતુ ઊંડાણ, સૂક્ષ્મ સંવેદનશીલતા અને વૈવિઘ્યની દ્રષ્ટિએ 'મહાભારત' થી ઉતરતી, પણ ભવ્યતા, કથાનક, પાત્રસૃષ્ટિ અને 'ડ્રામા' (નાટયાત્મકતા)માં એના પછી હારોહાર ઉભી રહે એવી એક ચિરસ્મરણીય પ્રાચીન કૃતિ પશ્ચિમ પાસે પણ છે. ગ્રીક દેતકથાઓ અને (છૂટક ઐતિહાસિક સાબિતીઓના આધારે) ઇ.સ. પૂર્વે ૧૧૮૩માં 'દટ્ટણ સો પટ્ટણ' થઇ ગયેલા નગર 'ટ્રોય'ની કુરૂક્ષેત્ર કથાને એકઠી કરીને રચાયું એક મહાકાવ્ય! ટ્રોજન સામ્રાજયના મહાનગર ટ્રોયના કિલ્લાવાળા વિસ્તારને ઇલિયમ' નામથી પણ ઓળખાતો. એ ઇલિયમની કથા એટલે 'ઇલિયાડ'.
પાશ્ચાત્ય ઉર્ફે વેસ્ટર્ન ઉર્ફે અમેરિકન - યુરોપિયન લાઇફસ્ટાઇલનો સંસ્કારવારસો આ કથાઓમાંથી આવ્યો છે. આજે ય અંગ્રેજી ભાષામાં છૂટથી વપરાતા 'એકિલસ હીલ' (પગની પાનિ વાળી 'હીલ' કોઈ શક્તિશાળી ચરિત્ર પતન નોતરતી નબળાઈ) કે 'ટ્રોજન હોર્સ' ( કોઈને છેતરીને ભરોસો જીતીને ધરમાં ઘુસીને ખતમ કરતો વિશ્વાસઘાત ) જેવા અમર શબ્દ પ્રયોગોનું ઉદ્ભવસ્થાન 'ઇલિયાડ' છે. મૂળ મહાકાવ્ય આગલા પાછલા ગ્રીક સંસ્કૃતિ અને દેવી દેવતાઓ સંદર્ભો સમજયા વિના વાંચો તો 'બમ્પર' જાય. એ બધા સહિત વાંચો, તો પણ 'કલાસિકલ' સ્ટાઇટલમાં લખાયેલી આ કૃતિ જુદી જ વાકયરચનાઓ અને લાંબા વર્ણનોથી કંટાળાજનક બને.
મૂળ તો હોમરે સ્ટેજ પર 'મ્યુઝિકલ' સ્વરૂપમાં ભજવવા માટે 'ઇલિયાડ' રચ્યું હોઇને, એમાં વાંચવામાં સ્પીડબ્રેકર બને એવા વિશેષણો - વર્ણનો છે. મૂળ મહાકાવ્યમાં માત્ર એક લાંબા રણસંગ્રામના નવમા વર્ષે ચાલેલા ૫૪ દિવસના કાળખંડમાં વીરયોઘ્ધા એકિલસ (ઇલિયાડનો અર્જુન?)ના 'હીરો' બનવાની સફરની કથા છે. સ્ટોરી ઓફ ઓનર એન્ડ ગ્રેટનેસ!
પણ 'ઇલિયાડ' કંઇ અમસ્તું જ અમર નથી બન્યું. એક વિરાટ ચિત્ર રચવું હોય તો એમાં મુખ્ય 'થીંમ'ની સાથે અનેક ઝીણીઝીણી વિગતો ગૂંથવી પડે. દર્શક ભલે ચિત્રમાં દૂરના ઝાડ પર ઘ્યાન ન દેવાનો હોય, પણ ચિત્રની ભવ્યતા માટે ચિત્રકારે તો એના એક - એક પાન ઘ્યાનથી ચીતરવા પડે! જો 'મહાભારત' કે 'રામાયણ'ને આગલાપાછલા રેફરન્સીઝ વિના યુરોપ - અમેરિકામાં રજુ કરો તો કોઇ ને કંઇ સમજાય? એ જ રીતે ઇલિયાડનો કથાસાર લાંબો જ નહિં, ગૂંચવાડાભર્યો પણ બની રહે. નામો અને વાતાવરણ અજાણ્યા લાગે. 'ઇલિયાડ'નું સળંગ ગુજરાતી ભાષાંતર એટલે જ કોઇ લાંબી લાકડીએ પણ ન અડે એવું બન્યું છે.
તો, એક (અરે હવે તો અડધા!) લેખમાં 'ઇલિયાડ'નો સારાંશ પણ ઓસરીમાં છોડા દોડાવવા જેવી વ્યર્થ કસરત ગણાય છતાં, પેલા ઝાડપાન દૂર કરીને ચિત્રના મઘ્યભાગ ઉપર દેખાતા ચરિત્રોની ઘટનાઓનું વર્ણન કરવાનો પ્રયાસ કરીએ.

'ઇલિયાડ'નો વીરનાયક છે, ગ્રીક યોધ્ધો એકિલસ. જેના આપણા ભીષ્મ, કર્ણ, અર્જુન, દુર્યોધન બધાની છાંટ મળે! વાતની શરૂઆત જ એકિલસના માતા પિતાના લગ્નસમારંભથી થાય છે. એકિલસની મા સાગરદેવ પોસાઇડનની પુત્રી થેટીસ હતી. (ગંગાપુત્ર ભીષ્મને કોણે યાદ કર્યા?) એ લગ્નમાં આમંત્રણના અભાવે નારાજ ત્રણ દેવીઓએ એક સોનેરી સફરજનનો ઘા કર્યો. એના પર લખેલું હતું 'ટુ ધી ફેઅરેસ્ટ' (સૌથી સુંદર હોય તેના માટે). ત્રણ દેવીઓ વચ્ચે આ ફળના મામલે ચડસાચડસી થઇ ગઇ: એમાં સ્વર્ગના અધિપતિ દેવરાજ ઝિયુસની પત્ની હીરા, ઝિયુસની જ અન્ય પત્નીની પુત્રી બુધ્ધિની દેવી એથીના અને કામુક સૌંદર્યની દેવી એફ્રોડાઇટ (રોમન નામથ : વીનસ) સામેલ હતી. ત્રણે દેવીઓમાંથી સુંદર કોણ એનો ફેંસલો કજીયાકંકાસથી પણ ન આવતા, દેવતાઓ સાચું ન કહે એમ માની કોઈ મનુષ્ય પાસે ફેંસલો કરાવવાનું નક્કી કર્યું. પૃથ્વી પર ટ્રોય નગરના રાજા પ્રિયામના પુત્ર પેરિસને એમણે ઝડપ્યો. ટીનએજર પેરિસ સીમમાં ઢોરઢાંખરની ચોકીદારી કરતો હતો.
દુનિયાની પહેલવહેલી બ્યુટી કોન્ટેસ્ટના જજ બની બેઠેલા પેરિસની હાલત આજની સૌંદર્ય સ્પર્ધાના નિર્ણાયકો જેવી જ હતી, હીરાએ એને પોતાને નંબર આપે તો રાજય આપવાની લાલચ આપી. એથીનાએ સદાય માટે વિજયી યોઘ્ધા રહેવાનું વરદાન આપવાની તૈયારી બતાવી. પણ એફ્રોડાઇટે પેરિસના કાનમાં કહ્યું 'જો તું મને સોનેરી ફળ આપીને સુંદર દેવી જાહેર કરીશ, તો મનુષ્ય લોકની સુંદરમાં સુંદર સ્ત્રીને હું તારી પત્ની બનાવીશ!'
પેરિસે એ જ કર્યું, જે આજેય કોઇ પણ અક્કલવાળો, જુવાન અને અફકોર્સ કુંવારો પુરૂષ કરે. રાજકુમારોને જમીન તો આમ પણ મળી જાય અને વિજયને થોડાં બટકાં ભરાય છે? પણ લાખ ઇચ્છા અને સવા લાખ પ્રયત્ન છતાં 'બ્યુટીકવીન ઓફ ધ વર્લ્ડ' કંઇ સામે ચાલીને પત્ની બનવાનો સ્વર્ગીય આનંદ સહેદે ન આપે! રૂપાળી સ્ત્રીનો પ્રેમ તો અમરત્વથી પણ વિશેષ વરદાન થયું. એફ્રોડાઇટ વિજેતા થઇ. બાકીની દેવીઓ નારાજ થઈ.
વર્ષો વીત્યા. ઉંમરલાયક પેરિસે હવે સોંદર્યની દેવીને વચન યાદ દેવડાવ્યું. ધરતીની શ્રેષ્ઠત્તમ સુંદરીનું નામ તો ત્યારે કોઇનાથી અજાણ નહોતું. પણ પ્રોબ્લેમ એ હતો કે એ બ્યુટી કવીન 'મિસ' ને બદલે 'મિસીસ' હતી! સ્પાર્ટાના રાજા મિનેલોસની પત્ની હેલન અપૂર્વ લાવણ્યમયી યુવતી હતી. રૂપરૂપનો અંબાર! કાચની પૂતળી જેવી હેલનનું સંગેમરમર જેવું શરીર જોઇને પેરિસ પાગલ થઇ ગયો. વચન મુજબ એફ્રોડાઇટે તેની મદદ કરી. હેલનના તનમનમાં પેરિસ માટે પ્રેમ જગાવ્યો. પેરિસ સ્પાર્ટાનો મહેમાન બન્યો. પરદેશી રાજકુમારનું સ્વાગત થયું પણ હેલન રાજી થતાં પેરિસ એને પતિને ત્યાંથી ભગાડી ટ્રોય લઇ આવ્યો. એકવાર ટ્રોયના કિલ્લામાં પ્રવેશ્યા પછી 'હેલન ઓફ ટ્રોય' અભેદ હતી. એક તો નગર ફરતેનો તોતિંગ કોટ પ્રલયને પણ મચક આપે તેમ નહોતો. ટ્રોય નગર માટે જરૂરી અનાજ, પાણી, ફળ બધાની કુદરતી વ્યવસ્થા અંદર જ હતી. વર્ષો સુધી બહાર ન જાવ તો પણ ચાલે. (નોલાનનું ટ્રોય તો મોળું કોઈ આદિવાસી કબીલાની રાજધાની જેવું છે ) પેરિસને બીજું રક્ષણ હતું એના મોટા ભાઇ હેકટરનું!
યુવરાજ હેકટર ('ઇલિયાડ'નો કર્ણ પ્લસ ભીષ્મ) પૃથ્વી પરનો સહુથી શકિતશાળી સેનાપતિ ગણાતો હતો. સદાય અપરાજીત હેકટરનું વ્યકિતત્વ પણ પ્રભાવશાળી હતું. પત્ની અને નાનકડા પુત્ર સાથે સુખી હેકટર અકારણ હિંસામાં માનતો નહીં. પણ જો લડવા ઉતરે તો આખી સેનાને એકલે હાથ હરાવી શકે તેમ હતો. હેલન ખુદ જેઠની પ્રચંડ પૌરૂષથી છલકાતી પ્રતિભાથી આકર્ષાઇ ગયેલી. પણ હેકટરને હેલનની આંખો કરતા તલવારની ચમકનું વઘુ ખેંચાણ હતું! જયાં સુધી હેકટર હોય, ત્યાં સુધી નાના ભાઈ પેરિસના વાળની લટ પણ વિખેરાય તેમ નહોતી!
એક તો પત્ની ભાગી જવાનું અપમાન અને એમાંય હેલન જેવી રૂપરમણીની સોબત ગુમાવ્યાનો સંતાપ… રાજા મિનેલોસે આર્ગોસ રાજયના સમ્રાટ એવા મોટાભાઇ રાજા આગામેમ્નોનને 'મદદ કી પુકાર' કરી. ખાનદાનની ઇજ્જતના છડેચોક ધજાગરાથી ખિજાયેલા આગામેમ્નોને આખા ગ્રીસના રજવાડા અને એક એકથી ચડિયાતા સૂરમાઓને ભેગા કર્યા. મોટા યજ્ઞા સમારંભો થયા. દેવતાઓને બલિ ચડાવાયા. શુકન અપશુકન જોવાયા. દિવસોની દરિયાઈ યાત્રા અને મુસીબતો વેઠીને ગ્રીસનું તોતિંગ સૈન્ય વહાણોમાં ઠલવાઈ ઈલિયમ (યાને ટ્રોય) ના કિનારે પહોંચ્યું. જાતભાતના મહારથીઓએ શસ્ત્રો સજાવ્યા. ટ્રોયના કિલ્લા ફરતે ઘેરો ઘાલ્યો.
પણ અંદરથી કોઈ બહાર આવે તો ને? કિલ્લાની તો કાંકરીયે ખરે તેમ નહોતી! એક.. બે… ત્રણ નવ-નવ વર્ષ પસાર થઈ ગયા! ટ્રોયના પાદરે જ રહી પડેલું ગ્રીક સૈન્ય થાકી ગયું હતું. આજુબાજુના ગામડામાં લૂંટફાંટ કરતું રહેતુ. એમાં રાજા આગામેન્નને સૂર્યદેવ એપોલોના પૂજારીની દીકરી એવી ક્રાઈસેઈનું ગામડામાંથી અપહરણ કર્યું. ક્રાઈસેઈએ એકલા વૃદ્ધ બાપની યાદમાં ભારે આક્રંદ કર્યું. શાપ આપ્યા. અંતે ગ્રીક સૈન્યના વિજયનો દારોમદાર જેના પર હતો એવો મહારથી એકિલસ વચ્ચે પડયો.
સાગરપુત્રી થેટીસનો આ પુત્ર એકિલસ જનમ્યો ત્યારે જ નાનાજી પોસાઈડોનના આશીર્વાદથી એની માએ એને જમણા પગની એડીથી ઝાલી પાણીમાં ઝબોળ્યો હતો. એકિલસનું આખું શરીર વજ્રનું થઈ ગયેલું. પણ માત્ર પાની કોમળ રહી ગયેલી (ગાંધારી - દુર્યોધનની માફક સ્તો!) નાની ઉંમરે જ એકિલસ સર્વશ્રેષ્ઠ તીરંદાજ બનેલો. ગ્રીક સૈન્યમાં હેકટરને હરાવી શકે એવી ક્ષમતા માત્ર એનામાં જ હતી! કહો કે, એકિલસ ગ્રીક સેનાનો લિયોનેલ મેસ્સી હતો.
આવા એકિલસની વિનંતીને આગામેમ્નને અપમાન ગણી, ઉલટાનું એકિલસની જ દાસીને કબજે કરી લીધી! નારાજ એકિલસે કહ્યું કે ''તો લડો યુઘ્ધ તમે બધા! હું માત્ર પ્રેક્ષક બનીને તમારી હારનો તમાશો જોઈશ'' ખિજાયેલા આગાએ 'આર યા પાર'નું કૌવત બતાવી દેવા ટ્રોયને કુરૂક્ષેત્ર સમા રણસંગ્રામનો પડકાર ફેંકયો. ભીમસેન જેવો જોરાવર ગ્રીક ડાયોમીડ લડવા આવેલી ટ્રોયની સેના પર ક્રૂરતાથી તૂટી પડયો. હેકટરે પેરિસને કહ્યું ''મારી વાત માન, હેલનને સોંપી દે. આ યુઘ્ધમાં સત્ય અને ન્યાય મારા પક્ષે નહિ હોય. મને છેલ્લી ઘડીએ આ બાબત હંફાવશે.'' પેરિસે કહ્યું ''મોટાભાઈ, હેલન મને પ્રેમ કરે છે. હું થોડો એને મરજી વિરૂઘ્ધ પરણ્યો છું?'' હેકટરને પેરિસ વ્હાલો હતો. પેરિસ- હેલનના માથે હાથ મૂકીને ઘરડા બાપ પ્રિયામને એણે વચન આપ્યું. ''મારા જીવતે જીવ આ નગરમાં એક પણ ગ્રીક સૈનિક પગ સુઘ્ધા નહિ મૂકી શકે.''
હેકટરે ડાયોમીડને પડકારી સામી કત્લેઆમ ચલાવી, પણ આ મહાબલિનો જીવ નજીવા કારણથી ફેલાયેલી મહાયુઘ્ધની આગ જોઈને કોચવાયો. આગાને એણે કહ્યું 'એક સ્ત્રી માટે આટલા નિર્દોષોની કાપાકાપી? એના કરતા તમારા કોઈપણ એક યોઘ્ધાને પાત્ર મારી સાથે દ્વંદ્ધ યુઘ્ધ કરાવો જે જીતે એ હેલનનો ફેંસલો કરે' હેકટરને હરાવવા સમર્થ એકિલસની અચાનક ગ્રીક સૈન્યને યાદ આવી. પણ યુઘ્ધ ન લડવાના નિર્ણયમાં રિસાયેલો એકિલસ મક્કમ હતો. અંતે પિતામહ જેવા જૈફ અયાસે હેકટરનો પડકાર ઝીલ્યો. યુઘ્ધ આખો દિવસ ચાલ્યું. હેકટરને અયાસે મચક ન આપી. ત્યાં સૂર્યાસ્ત થયો. મહેન્દ્ર બાહુબલી જેવા સિધ્ધાંતવાદી હેકટરે કહ્યું ''લાગે છે કે વિધાતાની મરજી આટલી સહેલાઈથી સંગ્રામ ટાળવાની નથી. તમે મારી ભેટ લઈ પધારો.

આપણી સેનાઓએ યુદ્ધ જ લડવું પડશે!''
યુદ્ધ જામ્યું. જબ્બરદસ્ત રકતપાત થયો. હેકટરે હાહાકાર મચાવ્યો. દુ:ખી ગ્રીક યોદ્ધા પેટ્રોક્લુસે ફરી મિત્ર એકિલસને લડવા વિનંતી કરી. એકિલસે અહંકારી આગામેમ્નોન માટે લડવાની ના પાડતા એકિલસના બચપણના જીગરજાન દોસ્ત પેટ્રોકલુસે એકિલસનું બખ્તર અને રથ માંગી લીધા. એકિલસે હેકટરની નજીક ન જવાની ચેતવણી આપી. પેટ્રોક્લુસ એકિલસના સ્વાંગમાં લડવા ઉતર્યો. ટ્રોયની સેના ડરી. પણ ગુમાનમાં હેકટરની નજીક જતા અસલિયત ઓળખી હેકટરે તેને મારી નાખ્યો!
આ સમાચાર મળતા પરમ મિત્ર ગુમાવ્યાના શોકમાં એકિલસના દિમાગનો કબજો વેરની ભૂખે લઈ લીધો. મિત્રના મોતનો બદલો લેવા એણે હેકટરને ખતમ કરી એની લાશને રણમેદાનમાં રગદોળવાની પ્રતિજ્ઞા લીધી. આખરે એકિલસે શસ્ત્રો ઉઠાવ્યા. ક્રોધમાં વીજળીની જેમ ત્રાટકેલા એકિલસે ટ્રોયની સેનામાં ત્રાહિમામ પોકારાવી દીધો. અંતે એકિલસ અને હેકટર… આ બેઉ બળિયા બાથે વળગિયા!
દેવતાઓ એ યુદ્ધ જોવા પૃથ્વી પર આવી ગયા. હેકટરને એકિલસ જેવા તેજસ્વી યોદ્ધાના વધનું પાપ જીરવવું નહોતું. એકિલસને સૂર્યદેવ એપોલોની મદદ હતી. તુમુલ યુદ્ધ પછી અંતે હેકટર એકિલસના તરવરિયા ઝનૂની હાથે હણાયો. મરતા પહેલા એણે એકિલસને એક વીર યોદ્ધાને છાજે તેમ પોતાનું શબ વૃદ્ધ પિતા પ્રિયામને સોંપવા વિનંતી કરી. પણ મિત્રહત્યાથી ભાનભૂલેલા એકિલસે હેકટરની લાશને રથ પાછળ બાંધી ઘૂળમાં રગદોળી. પોતાના ચોકીપહેરા નીચે ગીધ કૂતરાનું ભોજન બનવા રાખી ! બધે અરેરાટી ફેલાઈ ગઈ. હેકટરની મા, પત્ની અને હેલને હૈયાફાટ રૂદન કર્યું.
આખરે એકિલસની મા સાગરપુત્રી થેટીસે દીકરાનો રોષ ઉતાર્યો. એણે કહ્યું કે 'દીકરા, તું તો ડાહ્યો હતો. એક પૂજારીની દિકરીની ઈજ્જત ખાતર આ યુદ્ધથી આઘો રહેલો. આજે પ્રતિશોધ અને ક્રોધ, એન્ગર એન્ડ રિવેન્જે તને શું બનાવી દીધો !' એની સમજાવટ પછી એકિલસને પારાવાર પસ્તાવો થયો. માને પગે પડીને એણે કહ્યું, ''આ હિંસા, આ યુદ્ધ આવા કેટલા પાપ કરાવશે. હવે મારું પણ મૃત્યુ નિશ્ચિત છે. પણ માનવીના જીવનની સાથે એની માનવતા છીનવી લેતું યુદ્ધ મારા મોત પછી ધરતી પર ન રહે એવા આશીર્વાદ આપો.''
માએ કહ્યું, ''એ આશીર્વાદ તો મારા હાથમાં નથી, પણ જે માણસ ટ્રોયના યુદ્ધ અને તારી વાર્તા વાંચશે, એને યુદ્ધ પ્રત્યે આકર્ષણને બદલે નફરત જાગશે એવા આશીર્વાદ આપુ છું'' એકિલસે જાતે હેકટરના પિતાને એનું શબ સોંપ્યું.
ખેર, અંતે હેકટરની ગેરહાજરીમાં યુદ્ધ લડતા પેરિસે એકિલસની પગની પાનિએ તીર છોડી (કૃષ્ણનિર્વાણ યાદ કરો!) એકિલસનો અકાળ અંત આણ્યો. એકિલસના મૃતદેહને લઈને મા સાગરમાં આંસુ સારતી સમાઈ ગઈ. આખી ઘટમાળનો રોષ પેરિસે દેવી એફ્રોડાઈટ પર ઠાલવ્યો. એફ્રોડાઈટે કહ્યું 'હું તને સોનાનો પહાડ અપાવું, પણ પછી એ સોનું સાચવવાની ત્રેવડ તો તારામાં જોઈએ ને!' હતાશ પેરિસ પણ અઘૂરા મનથી લડતા મરાયો.
વૃદ્ધ પ્રિયામે પૂત્રવઘૂ હેલન સોંપવાની તૈયારી બતાવી, પણ ૧૦ વર્ષથી અકળાયેલા ગ્ર્રીક સૈન્યને હવે ટ્રોયનું બઘું જ જોઈતુ હતું. ફરીવાર ટ્રોયના અવિનાશી કિલ્લાના દરવાજા ભીડાયા. અંતે, ખૂબ જાણીતી કહાની મુજબ ઇથાકાના બહાદૂર ઉપરાંત ચાલાક ગ્રીક રાજા ઓડિસિયુસના ખંધા આઈડિયાથી થાકેલા ગ્રીક સૈન્યે મોટો લાકડાનો ઘોડો ભેટમાં છોડીને ચાલ્યા જવાનું નાટક કર્યું.
ટ્રોયવાસીઓએ મસમોટા લાકડાના ઘોડાને વિજયભેટ ગણી કિલ્લાની અંદર લીધો. હેક્ટર ને પેરિસની બહેન કાસાન્ડ્રા પણ બેહદ રૂપાળી હતી. એને ભવિષ્યકથનનું વરદાન હતું. પણ એના રૂપથી આકર્ષાયેલા દેવતા એપોલો સાથે સૂઈ જવાનો પ્રસ્તાવ એણે ઠુકરાવેલો એટલે એની આગાહી કોઈ માનશે નહીં એવો એને શ્રાપ હતો. (કોને સહદેવ યાદ આવ્યો?) એણે ના પાડી છતાં લાકડાના ઘોડો અંદર આવ્યો. રાત પડીને વિજયના નશામાં ચૂર ટ્રોજના ઊંઘતા હતા. ત્યાં એના પોલાણમાંથી ચુનંદા ગ્રીક લડવૈયાઓ ધસી આવ્યા! (માટે, છેતરપિંડી કરનાર દગાખોર માટે 'ટ્રોજન હોર્સ' શબ્દ વપરાય છે!) ટ્રોજનોની ઊંઘમાં જ કત્લેઆમ થઈ ગઈ. ટ્રોયમાં એક પણ જીંદગી કે ઈમારત સાબૂત ન રહી. ગ્રીકોએ દસ વર્ષ કિનારે પડયા રહેવાનો ગુસ્સો બદલાની આગમાં ઉતાર્યો. રાજકુમારી કાસાન્ડ્રા નો મંદિરમાં બળાત્કાર થયો ને ઓડિસિયુસે બળાત્કારીને સજા કરવાનું કહ્યું છતાં આગામેમ્નોન કાસાન્ડ્રાને સેક્સ સ્લેવ ટાઈપ બાંદી બનાવી લઈ ગયો. એની મા રાણી હેકુબા ઓડિસિયસન ભાગે આવી. એને ભોગવવામાં રસ નહોતો પણ હેકુબા પોતાના વંશના નાશથી ખીજાઈને ઓડિસિયસને મારવા ગઈને સ્વબચાવમાં ઓડિસિયસની તલવાર ઊઠી. હેક્ટરની પત્ની ને નાના બાળકને પણ મારી નાખવામાં આવ્યા. પ્રિયામનો પણ અંત આવ્યો. ગ્રીકો હેલનન અપહરણને લીધે ન્યાયની લડાઈ લડવા આવેલા. પણ યુધ્ધ ને વિજયના ઉન્માદમાં એમણે એટલી ક્રૂર હિંસા કરી, અપહરણો, બળાત્કાર, લૂંટફાટ કરી કે એમના પક્ષે રહેલી બુધ્ધિ અને સાહસની દેવી એથીના પણ ખિન્ન થઈ ગઈ. લડાઈ શરૂ થાય પછી બેઉ પક્ષ સરખા થઈ જાય હિંસા ને લુચ્ચાઈમાં. ધરતીના પટ પરથી એક આખુ સાંસ્કૃતિક નગર, આખુ સામ્રાજ્ય ભૂંસાઈ ગયું!
બસ, એક યોદ્ધો ટ્રોયનો બચ્યો એનિયાસ. જેના પરથી કવિ વર્જિલે ઓડિસીના પાત્રો ને સ્થળો વાપરીને મહાકાવ્ય 'એનિયાડ' લખ્યું જેની કથા ફરી કોઈ વાર. પણ એ આજના ઇટાલી પાસે પહોંચ્યો. એમાંથી એક નગર વસ્યું રોમ એ એ કાળને કરવું તે એ રોમનોએ સદીઓ બાદ ગ્રીક સંસ્કૃતિને હરાવી દીધી !
આમ તો હેલનના કામણથી ઈલિયાડ સર્જાયું છે! ટ્રોયના સર્વનાશી પતનની કથા સ્વરૂપ બદલાવીને પણ ફરી ફરી ભજવાતી રહી છે. હેલન માટે આટલી ખુવારી કરી શકાય? બીજુ બાજુ, જો જીવનમાં હેલન જ ન હોય તો- યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ!
અને થાકેલા ઓડિસિયુસને હવે ઘર દેખાતું હતું પણ… એ વાત આવતા રવિવારે સ્પેકટ્રોમીટરમાં.'
ઝિંગ થિંગ
'કોઈ પણ યુદ્ધમાં હંમેશા અંતિમ વિજય તો મૃત્યુનો જ થાય છે!' (હોમર)