Shatdal

'ચોમાસામાં ઊની ઊની રોટલી ને કારેલાનું શાક' શા માટે ?

By GS Team
11 Aug 20263 mins read
'ચોમાસામાં ઊની ઊની રોટલી ને કારેલાનું શાક' શા માટે ?
  • આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
  • કડવો રસ ચોમાસામાં મંદ પડેલા પાચક રસોને ઉત્તેજીત કરી, ખાવા પ્રત્યે રૂચિ પેદા કરી, ભૂખ ઉઘાડે છે

'આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ,
ઊની ઊની રોટલી,
ને કારેલાનું શાક'.
આ લોકોક્તિથી કયો ગુજરાતી અજાણ હશે ? ઘેર ઘેર ગવાતી આવી ઉક્તિઓ પાછળ સ્વાસ્થ્ય સંબંધિ સંકેતો રહેલાં છે - એ તમે જાણો છો ? આપણી ભાષા આવા કંઇક કેટલાય સુભાષિતો, લોકગીતો અને કહેવતોથી સમૃદ્ધ છે જે આરોગ્યવિષયક સોનેરી સૂચનોનો ખજાનો છે.
ઉપરની ઉક્તિમાં ઊની ઊની એટલે કે ગરમ-ગરમ રોટલી ખાવાનો મહિમા કહ્યો છે. એનું શું કારણ હશે ? ચોમાસામાં જલતત્વનું પ્રમાણ શરીરમાં વધવાથી પાચકરસો નબળાં પડે અને ગરમ ગરમ ખાવાથી મંદ થયેલા પાચર રસો ઉત્તેજાય એન અરુચિ દૂર થતાં ભૂખ ઉઘડે. એટલું જ નહિ, અગ્નિ પર પકાવેલું ખાવાનું ગરમ હોઈ, પચવામાં સુગમ રહે. આમ, ચોમાસામાં ઉષ્ણ ભોજન કરવાથી પાચનતંત્રની કાર્યક્ષમતા સુધરે છે. વળી, ઠંડુ કે વાસી ભોજન ન ખાવું એવો ગુઢાર્થ આ ગરમ- ગરમ ખાવાના મહિમામાં રહેલો છે. ઠંડુ અને વાસી ભોજન વાયુ વધારી, પેટમાં ચૂંક લાવી, અપચો કરે. આવું ભોજન ખાસ કરીને ચોમાસામાં જ્યારે સૂર્યપ્રકાશની અછત હોય ત્યારે જાત-જાતના ચેપી જીવાણુનું આશ્રય સ્થાન બની, શરીરને રોગોનું ઘર બનાવે, જેથી કરીને આવા સમયે ઝાડા, ઊલટી, ફૂડ પોઇઝનીંગ, આંતરડાના ઇન્ફેકશન અને અન્નમાર્ગને લગતાં રોગો વારંવાર થતાં જોવા મળે છે. જો આવા રોગોથી બચવું હોય તો વર્ષાકાળમાં હંમેશા ગરમ-ગરમ ભોજન તો કરવું જ પણ સાથે તીખાં, ખાટા અને ખારા રસનો માપસર ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને રૂચિકર ભોજન કરવાની
ભલામણ છે.
આ વાત તો થઇ ગરમ ભોજન ખાવાથી થતાં ફાયદાની. હવે બીજી વાત આ ઉક્તિમાં કારેલાના શાકની જ પસંદગી કેમ થઇ ? કારણ, કારેલાં બારે માસ ભલે મળતા હોય પણ એના પાકની ખરી ઋતુ ચોમાસુ છે. ખૂબ જ ગરમી કે ઠંડી દરમ્યાન એનું સેવન કરવાથી ઝાડા થઇ જવા સંભવ છે. ભેજયુક્ત ઠંડી ઋતુ એટલે કે ચોમાસામાં કડવા રસને લીધે એનું સેવન કરવું ગુણકારક છે. આ કડવા રસના કેટલાં ગુણગાન કરવા ? પહેલું તો, આ કડવો રસ ચોમાસામાં મંદ પડેલા પાચક રસોને ઉત્તેજીત કરી, ખાવા પ્રત્યે રૂચિ પેદા કરી, ભૂખ ઉઘાડે છે. સાથે સાથે મંદાગ્નિથી ન પચેલી શર્કરા જો પેશાબ વાટે બહાર જતી હોય અને મીઠી પેશાબ જેવાં દર્દની ફરિયાદ રહેતી હોય તો કારેલાનું સેવન લાભદાયી છે. આ સિવાય એ જંતુઘ્ન અને વિષવિરોધી ગુણ ધરાવતો હોઈ, રક્ત શુધ્ધ કરી ચોમાસામાં ચામડીને લગતાં જાત-જાતના ઇન્ફેકશનથી બચાવે છે. ખાસ કરીને, ત્વચા પર થતી અળઈ, ફોડલી, ગુમડા અને વધી ગયેલા ખરજવા (એક્ઝિમા) જેવી સ્થિતીમાં એનું સેવન કરવું ફાયદો કરે છે. વિશેષ કરીને પેટના કૃમિ પર એની રામબાણ અસર છે. ચોમાસામાં દુષિત ભૂમિ સાથે ભળેલાં જળથી હુક્વર્મ અને ટેપવર્મ જેવા કૃમિનો ફેલાવો વધી જાય છે. આ ઋતુમાં ખુલ્લા પગે બહાર ફરવાથી માણસને આવા ચેપ લાગવાની શક્યતા વધે છે. મચ્છરોના ઉપદ્રવથી થતો મેલેરિયા હોય કે વિબ્રિઓ કૉલેરથી થતો કૉલેરા, આવા રોગોમાં કારેલાનો કડવો રસ પ્રતિકારની ઢાલ સમો સાબિત થાય છે અને તાવની સ્થિતીમાં સહાયક ઉપચારની ભૂમિકા ભજવી શકે છે.
કારેલાના પોષક તત્ત્વોની વાત કરીએ તો એમાં રહેલું લોહ (આયર્ન) રક્તની ગુણવત્તા વધારનાર, વિટામી-એ આંખોના રોગ દૂર કરનાર, તથા વિટામી-બી અને સી રક્તનલિકાઓની સ્થિતિસ્થાપકતા સુધારનાર છે.
વાચકમિત્રો, ઉપરની ઉક્તિમાં વરસાદને ઘેબરિયો કેમ કહ્યો ? ઘેબર, એ એક મીઠી વાનગી છે. લોકરિવાજો અનુસાર શુભપ્રસંગે ખવાતી અને વહેંચાતી આ મધુર વાનગી સમૃદ્ધિ, પ્રેમ અને સ્વાસ્થ્યનું પ્રતિક છે. વરસાદને ઘેબરિયો વરસાદ કહેવા પાછળ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યને આમંત્રણ આપવાનો આશય રહેલો છે. આવો, વરસાદને ઊની-ઊની રોટલી અને કારેલાનું શાક ખાતાં-ખાતાં આવકારીએ.