Shatdal

'પાકીઝા' બનતાં ૧૫ વરસ કેમ થયાં ?

By GS Team
10 Oct 20265 mins read
'પાકીઝા' બનતાં ૧૫ વરસ કેમ થયાં ?
  • બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
  • અને 31 માર્ચ 1972ના દિવસે મીનાકુમારીનું અવસાવ થાય છે.. આ ખબર ફેલાતાં જ પ્રેક્ષકોનાં ધાડેધાડાં 'પાકીઝા' જોવા માટે ઉમટી પડયાં! ફિલ્મ 50 વીક સુધી ચાલતી રહી!

બે ફેમસ ઘટનાઓ છે : ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું એ પછી રાજીવ ગાંધી લોકસભામાં અધધ ૪૧૫ સીટો સાથે સુપરહિટ વડાપ્રધાન બની ગયા. એ જ રીતે ૧૯૭૨માં મીનાકુમારીના મૃત્યુ પછી 'પાકીઝા' સુપરહિટ થઈને ૫૦ વીક સુધી ચાલતી રહી !
રસપ્રદ વાત એ પણ ખરી કે રાજીવ ગાંધી પણ સારા હતા અને 'પાકીઝા' પણ સારી હતી ! ફરક માત્ર એટલો હતો કે પાકિઝા બનતા બનતાં પુરાં ૧૫ વરસ લાગી ગયાં હતાં !
આ અજીબ દાસ્તાનની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે કમાલ અમરોહી નામા એક પીઢ વયના ડિરેક્ટર મીનાકુમારી (અસલી નામ મહજબીન બાનો) નામની ૧૯ વરસની અભિનેત્રીના પ્રેમમાં 'દાયરા' નામની સાવ એવરેજ રહેલી ફિલ્મ બનાવતી વખતે પ્રેમમાં પણ પડયા અને બન્ને પરણી પણ ગયા.
મીનાકુમારી માટે અમરોહી સાહેબને એટલી હદે પ્રેમ હતો કે તે મીનાજી માટે એક એવી ભવ્ય, જબરદસ્ત, શાનદાર ફિલ્મ બનાવવા માગતા હતા, જેના વડે મીનાજી ઇતિહાસમાં અમર બની જાય ! કહે છે કે અમરોહી સાહેબના મનમાં તે વખતે આ ખયાલ બિલકુલ શાહજહાંના 'તાજમહલ'ની જેમ છવાયેલો હતો. (એમના માટે મીનાકુમારી એમની મુમતાઝ હતી !)
અમરોહી સાહેબ પહેલાં તો 'અનારકલી'ની કહાણી પર ફિલ્મ બનાવવા માગતા હતા. એમણે સ્ક્રીપ્ટ ઉપર કામ પણ શરૂ કરેલું પરંતુ જ્યારે ખબર પડી કે કે.આસિફ નામનો એમના જેવો જ એક ધૂની માણસ લખલૂટ ખર્ચે એ જ સ્ટોરી પરથી 'મુગલ-એ-આઝમ' બનાવી રહ્યો છે, ત્યારે એ એમની સાથે જોડાઈ ગયા. એમણે એ ફિલ્મના ચોટદાર સંવાદો લખી આપ્યા.
પણ પછી ૧૯૫૬માં અમરોહી સાહેબે આ 'પાકીઝા'ની નવી કહાણી બનાવીને તેનું ભવ્ય લોન્ચિંગ કરી નાંખ્યું ! આજે તો માની ન શકાય, પણ એમણે તે સમયે છેક જર્મનીથી જોસેફ વિર્સ્કીંગ નામના એક સિનેમેટોગ્રાફરને તેડાવ્યો હતો ! એટલું જ નહીં, એ જમાનાની પહેલી 'સિનેમાસ્કોપ' ફિલ્મ બનાવવા માટે અમરોહી સાહેબ હોલીવૂડ ગયેલા અને એમજીએમ સ્ટુડિયોમાંથી મહિને ૫૦,૦૦૦ રૂપિયાના ભાડેથી ખાસ સિનેમાસ્કોપ ફોર્મેટનો કેમેરા લઈ આવેલા !
૧૯૫૬માં તેનું શૂટિંગ પણ શરૂ થયું પણ તકદીરના ખેલ જુઓ, એ કેમેરાથી જે ક્લોઝ-અપ (માત્ર ચહેરો દેખાય એવો શોટ) લીધા હતા તે 'આઉટ-ઓફ-ફોકસ' લાગતા હતા !
અમરોહી સાહેબે કેમેરો પાછો મોકલ્યો ! જોકે એમજીએમ સ્ટુડિયોએ કેમેરાના લેન્સમાં ખામી હતી એ સ્વીકાર્યું અને ભાડું જતું કર્યું ! હા બરોબર, પણ અહીં જે સેટ લાગી ગયા, કોસ્ચ્યુમો બની ગયા, કલાકારોથી માંડીને સ્પોટબોય્ઝને રૂપિયા ચૂકવાઈ ગયા હતા એનું શું ?
છતાં આ માણસે હોલીવૂડથી નવો કેેમેરા મંગાવીને એકડે એકથી ફરી શૂટિંગ શરૂ કર્યું !
ખાસ્સી અડધી ફિલ્મ શૂટ થઈ ગઈ ત્યારે એક નવો વળાંક આવ્યો ! ભારતમાં હવે કલર ફિલ્મોની બોલબાલા વધી ગઈ હતી ! કે.આસિફે તો મુગલ-એ-આઝમનાં છેલ્લાં ચાર રીલમાં 'કલર' કરી નાંખ્યો હતો પણ મીનાકુમારી એ જીદ કરી કે આ બ્લેક એન્ડ વ્હાઈટને મુકો પડતું… અને નવેસરથી કલરમાં 'પાકીઝા' બનાવો !
અમરોહી સાહેબ તો પોતાની મુમતાઝ માટે કંઈ પણ કરવા તૈયાર હતા ! એટલે ૧૯૫૮માં એમણે હવે ઇસ્ટમેન્કલર-સિનેમાસ્કોપમાં 'પાકિઝા' બનાવાનું નક્કી કર્યું, પણ હવે નવા લોચા શરૂ થયા. બ્લેક એન્ડ વ્હાઈટમાં હીરોનો રોલ અશોકકુમાર કરતા હતા. પણ સમય બદલાતાં એ તો 'બાપ'ના રોલમાં ફીટ થઈ ગયેલા ! એટલે એમને હવે મીનાકુમારીના બાપના જ રોલમાં કાસ્ટ કર્યા.
પણ હીરો કોણ બને ? અમરોહી સાહેબે સુનીલ દત્ત સાથે થોડું શૂટિંગ કર્યું, પસંદ ના પડયું, પછી પ્રદીપ કુમાર જેવા બે ચાર હીરોને પણ નાપાસ કર્યા. છેવટે ધર્મેન્દ્ર ફાઈનલ થયા અને લોચા અહીંથી જ શરૂ થયા !
એ સમયે કમાલ અમરોહીને લાગ્યું કે ધરમનું અને મીનાકુમારી વચ્ચે કંઈક 'ચાલી' રહ્યું છે ! (વાત ખોટી પણ નહોતી) આના કારણે અમરોહી સાહેબ મીનાકુમારી માટે ખૂબ જ પઝેસિવ થઈ ગયા. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા.
પરિણામ એ આવ્યું ક ેમીનાકુમારીએ બીજી ફિલ્મોને વધારે સમય ફાળવવાનું ચાલુ કર્યું અને 'પાકિઝા'નું શૂટિંગ લટકાવતાં જ રહ્યા ! એમાંય જ્યારે શૂટિંગ થતું, ત્યારે કમાલ અમરોહીના અતિશય પરફેક્શનના આગ્રહને કારણે કામ સાવ ધીમે ધીમે આગળ વધતું.
આમાં ને આમાં આખરે ૧૯૬૪માં મીનાકુમારી અને અમરોહી 'છૂટા' પડી ગયા ! મીનાજી ડીપ્રેશનમાં જઈને શરાબની લત લઈ બેઠાં, જેના કારણે તબિયત પણ ખૂબ લથડી ગઈ. પેલી બાજુ જર્મન ફોટોગ્રાફર ૧૯૬૭માં દુનિયાને ગુડબાય કરી ગયા હતા. પરંતુ પાંચ વરસ પછી… જાણે નસીબમાં લખાયું હોય તેમ સુનીલદત્ત અને નરગીસ એકવાર કમાલ અમરોહીને મળવા ગયા હતા ત્યારે 'પાકીઝા'નાં શૂટ થયેલાં રીલ્સ જોઈને રીતસરનાં દંગ થઈ ગયાં ! એમને થયું કે આ ફિલ્મ તો કોઈપણ હિસાબે બનવી જ જોઈએ…!
સુનીલ દત્ત અને નરગીસ મીનાકુમારીને મળ્યાં, એમને કન્વીન્સ કર્યા કે અંગત વિવાદોને બાજુમાં મુકીને આ ફિલ્મ બનાવવામાં સહકાર આપો ! મીનાજી તૈયાર તો થયાં પણ તબિયતનાં મોટા વાંધા હતા.
છતાં ૧૯૬૯થી લઈને ૧૯૭૧ સુધીમાં ફિલ્મ પુરી કરી અને તકદીરના ખેલ જુઓ, ૧૯૭૨ની તારીખ ૪ ફેબુ્રઆરીએ ફિલ્મ રીલીઝ થાય છે. પ્રેક્ષકો સાવ મોળો પ્રતિસાદ આપે છે…
અમુક થિયેટરોમાંથી ફિલ્મ ઉતરી પણ જાય છે… અને ૩૧ માર્ચ ૧૯૭૨ના દિવસે મીનાકુમારીનું અવસાવ થાય છે.. આ ખબર ફેલાતાં જ પ્રેક્ષકોનાં ધાડેધાડાં 'પાકીઝા' જોવા માટે ઉમટી પડયાં ! ફિલ્મ ૫૦ વીક સુધી ચાલતી રહી !

= લગભગ દોઢ કરોડના ખર્ચે બનેલી 'પાકીઝા' એ કુલ છ કરોડની કમાણી કરી હતી.
= ગુલામ મુહમ્મદે ૧૫ વર્ષ પહેલાં કંપોઝ કરેલાં ૧૭ ગીતોમાંથી ૯ ગીતો પસંદ થયાં હતાં જેમાંથી ૭ ગીતો ફિલ્મના પરદે રજુ થયાં હતાં.
= નૌશાદે ફિલ્મના ગીતોને નવો ઓપ આપવામાં પોતાનો જીવ રેડી દીધો હતો. તેનું ફાઈનલ મિક્સીંગ લંડનમાં કરવામાં આવ્યું હતું.
= 'પાકીઝા'માં ટ્રેન પણ એક કીરદાર તરીકે ઉભરીને આવે એ માટે નૌશાદે ખાસ એવી 'વ્હીસલ-ટયૂન' બનાવી હતી.
= 'ઇન્હી લોગોંને' ગીતનો ભવ્ય ચાર માળનો સેટ ઊભો કરવામાં ૬૦૦ કારીગરોએ છ મહીના લગી મહેનત કરી હતી.
= જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વિર્સ્કીંગના મૃત્યુ પછી આર.ડી.માથુર, ફલી મિસ્ત્રી, નીલ મિસ્ત્રી, નરીમાન ઇરાની અને વી.કે.મૂર્તિ એમ પાંચ જણા પાસે બાકીનું લગભગ અડધું શૂટિંગ કરાવાયું હતું.
= મીનાકુમારીની અતિશય ખરાબ તિબયતને કારણે ત્રણેક ગાયનોમાં ડાન્સ માટે લોન્ગ શોટ્સમાં પદ્મા ખન્નાનો ઉપયોગ થયો છે ! બોલો.