Shatdal

આપણું સ્ટોક માર્કેટ ઘડી ઘડી 'ભફફ' કેમ થઇ જાય છે?

By GS Team
6 Oct 202610 mins read
આપણું સ્ટોક માર્કેટ ઘડી ઘડી 'ભફફ' કેમ થઇ જાય છે?
  • અનાવૃત-જય વસાવડા
  • ધનિક પરિવારોની આવક જરૂર વધતી જાય છે. પણ એટલા પ્રમાણમાં સુખી ગણાતા મિડલ ક્લાસની આવક નથી વધતી. માટે વ્યાજ સાથેની લોન લઈને કે ક્રેડિટ કાર્ડના જોરે ફૂલગુલાબી ફુગ્ગાની હવા ભરેલી રાખવી પડે છે

એ તો યુદ્ધ જેવું ચાલે છે ને એટલે. લેખના ટાઈટલનો આવો જવાબ બાલમંદિરનો છે, યુનિવર્સીટીનો નહિ ! કારણ કે, યુદ્ધમાં સીધી રીતે સંડોવાયેલા અમેરિકાનું બજાર ધમધોકાર દોડી રહ્યું છે. આશરે બે વર્ષથી યુએસ માર્કેટ બેક-ટુ-બેક હાઈ બની રહ્યું છે.એના ઇન્ડેક્સ એસ એન્ડ પી ફાઈવ હન્ડ્રેડએ પાછળના વર્ષથી લઈને આ વર્ષ સુધીમાં આશરે એંસી વખત નવો હાઈ બનાવ્યો છે. આટલું ભાગ્યા પછી યુએસ માર્કેટ ગમે ત્યારે 'પોરો ખાય' (અટકી પડે) તો એને એ પોસાય એમ છે. બરાબર કે બજારમાં ઉતાર-ચઢાવ (સાઇકલ) આવતા રહે, એ તો એક સામાન્ય બાબત છે. પરંતુ આ સામાન્ય નથી કે દુનિયાનું દરેક બજાર ચાલી રહ્યું હોય, અને આપણું બજાર જ ન ચાલે ! ઈરાનનું યુદ્ધ શરૂ થયા પછી યુએસ જ નહિ, જાપાનીઝ કે કોરિયન કે તાઈવાની શેરબજાર બધાએ અનેક ઓલ-ટાઈમ હાઈ બનાવ્યા છે ! અરે, ખુદ યુદ્ધમાં ફસાયેલા ઇઝરાઇલ અને આપણા પાડોશી પાકિસ્તાનના બજારે પણ ઓલ-ટાઈમ હાઈ બનાવ્યા છે. પણ આપણે ઓલ-ટાઈમ હાઈથી એવરેજ ૧૫% નીચે ઊભા છીએ.
હજુ થોડું વધુ લેસન. ધારો કે, તમે આશરે બે વર્ષ પહેલાં એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, તો આજે રિટર્ન આવું કૈંક હોત : ભારત (નિફ્ટી ફિફ્ટી) : ૮૯ લાખ રૂપિયા. અમેરિકા (એસ એન્ડ પી પાંચસો) : ૧.૫૪ કરોડ જર્મની (ડક્સ) : ૧.૫૩ કરોડ જાપાન (નિક્કી) : ૧.૭૨ કરોડ તાઇવાન : ૨.૩૧ કરોડ. દક્ષિણ કોરિયા : ૨.૬૦ કરોડ! અને ડોલર કે યુરો જવા દો આપણી આસપાસના એશિયન દેશોની ચલણની કિંમત છેલ્લા એક વર્ષમાં રૂપિયા સામે કેટલી વધી છે : અફઘાનિસ્તાન (અફધાની) : ૧૫% ચીન (યુઆન) : ૧૫% પાકિસ્તાન (રૂપિયો) : ૧૦.૬% મલેશિયા (રિંગિટ) : ૧૧.૮% દક્ષિણ કોરિયા (વોન) : ૧૧.૮% વિયેતનામ (ડોંગ) : ૯.૫% સિંગાપોર (ડોલર) : ૯% મ્યાનમાર (ક્યાત) : ૮%. યાદ રહે કે આ બધા આંકડા પ્લસમાં છે અને ચીન સિવાયના દેશો આપણાથી નાના છે !
જો ડીઆઈઆઈ એટલે ડોમેસ્ટિક ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ પાસે વિદેશી બજારોમાં રોકાણ કરવાનો વિકલ્પ હોય, તો આપણો પંદર ટકા ઘટાડો એકઝાટકે પાંત્રીસ ટકા બની શકે! એફપીઆઈ યાને ફોરેન ઇન્વેસ્ટર્સ પાસે તો ઓપ્શન છે જ. એટલે એ લોકો ભારતમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે જે છે એ ઇન્વેસ્ટમેન્ટ સપાટાબંધ પાછું ખેંચે છે. વચ્ચે ક્રિપ્ટો ચાલતું હતું તો આપણા રોકાણકારો એમાં પડેલા. હમણાં એ પણ ઠપ્પ છે. જો એવો કોઈ ઓપ્શન મળ્યો તો વિદેશી એફપીઆઈની જેમ સ્વદેશી ડીઆઈઆઈ પણ માર્કેટમાંથી પૈસા ખેંચી એમાં રોકે !
પ્રેક્ટીકલી આપણા માર્કેટમાં આશરે ત્રણ વર્ષનું રિટર્ન ઓલમોસ્ટ ઝીરો છે. પાંચ વર્ષમાં નિફ્ટીફિફ્ટી ૪.૫% રિટર્ન પર છે જે સાધારણ એફડી કરતા પણ ઓછું વળતર થયું ! અને બજાર આ વર્ષે અત્યાર સુધીમાં ૧૩% ગગડયું છે. અહીંથી નિફ્ટી થોડો વધુ નીચે જાય ને રીકવર ના થાય, તો આપણા બજાર પર સત્તાવાર રીતે મંદીનો ટેગ લાગી શકે! ૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સેન્સેક્સ ૭૧,૯૦૯ અને નિફ્ટી ૨૨,૪૨૧ ના બંધ ભાવ પર હતા. છેલ્લા ૨૫ વર્ષમાં યાને પ્રેક્ટીકલી એકવીસમી સદીમાં શેરબજારમાં સતત ૮ અઠવાડિયાની આ સૌથી લાંબી ઘટાડાની લહેર હતી ! અને આનાથી બરાબર એક દિવસ પહેલાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી એક જ દિવસમાં ૧૧,૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. સપ્ટેમ્બર મહિનામાં નિફ્ટી ૬.૧% નીચે ગબડયો હતો અને વિદેશી રોકાણકારોએ ૨૮ સપ્ટેમ્બર સુધીમાં રૃા. ૨૯,૨૫૫ કરોડ થી વધુના શેર વેચી
નાખ્યા હતા.
ચમત્કાર વિના આ એફપીઆઈનો ટ્રેન્ડ રાતોરાત પલટાવાના કોઈ લક્ષણો દેખાઈ નથી રહ્યા. થોડીઘણી બોટમ ફિશિંગ (તળિયેથી ખરીદી) થઈ શકે છે, પરંતુ મુખ્ય પ્રવાહ આ જ રહેવાનો છે. યુએસમાં હજુ આ વર્ષે વધુ એક રેટ હાઈક (વ્યાજદરમાં વધારો) નિશ્ચિત છે. ત્યાં યીલ્ડ અગાઉથી જ મલ્ટી-ડિકેડ હાઈ (ઘણા દાયકાઓની સર્વોચ્ચ સપાટી) પર છે. આવી પરિસ્થિતિમાં કોઈ એફપીઆઈને રોકી શકે તેમ નથી. બડાશડંફાશ કશું આવા મામલામાં ચાલતું નથી. એક સમય હતો કે કરેકશનના પગલા લઇ શકાય. નિષ્ણાતોના મતે અબ ચીડિયા ચુગ ગઈ ખેત જેવી હાલત છે. પછી આપણી પબ્લિક આમે ગભરાટના સેન્ટીમેન્ટ તરત પકડી લે છે. ડરમાં અધીરી બની જાય છે.
એમ તો તહેવારો છે. નવરાત્રિની ધામધૂમ હવામાં છે, હમણાં દિવાળી આવશે. ખરીદીનો માહોલ બનશે અને એના ફોટા મુકીને ઘણા કહેશે કે આ જુઓ લાઈનો લાગી છે નવી ગાડીઓ લેવા ને નવા ટીવી લેવા… નવા ઘર વેંચાઈ રહ્યા છે, નવા મોબાઈલ બૂક થઇ રહ્યા છે. તેજી હી તેજી. પણ ચોક્કસ વર્ગ કે ચોક્કસ પ્રસંગ એ માર્કેટ હેલ્થના ઈન્ડીકેટર નથી. મેકઅપથી જખમ કામચલાઉ છૂપાઈ શકે છે, પણ મટી નથી જતો. ઓવરઓલ ઓટોમોબાઈલ કે રિયલ એસ્ટેટના ઓફિશ્યલ આંકડા પોઝીટીવ પ્રગતિમાં નથી. ઈનફેક્ટ, એક ફિનટેક કંપનીના સર્વે મુજબ, જવાબ આપનારાઓમાં ૪૬% લોકો પાસે દેશમાં માત્ર ૩ મહિનાનો ખર્ચ ચલાવવા જેટલા નાણાં પણ નથી ! જ્યારે ૫૭% લોકોના માથે કોઈને કોઈ પ્રકારની લોન અથવા ઈ.એમ.આઈ. ચાલી રહી છે. ઓનલાઈન જુઓ, તમામ નાણાકીય નિષ્ણાતો અત્યારે લોકોને ૬ મહિનાનું અથવા ૩ વર્ષનું 'ઇમરજન્સી ફંડ' બનાવવાની સલાહ આપી રહ્યા છે. સાઉથ ઇન્ડિયન ઇન્વેસ્ટર મુથુકૃષ્ણન ધનાપાની (દાણાપાણી?)એ લોકોને અપીલ કરી છે કે આ સમયે કોઈ મોટી લોન ન લો અને કોઈ મોટું રોકાણ ન કરો.
સામે, પીએલએફએસ લેબર સર્વે મુજબ ભારતમાં એવરેજ સેલેરી બેઝ્ડ વ્યક્તિની સરેરાશ કમાણી ૨૧,૨૮૫ પ્રતિ માસ છે (વાર્ષિક અંદાજે ૨,૫૫,૦૦૦). સેલ્ફએમ્પ્લોયડ એટલે જાતે કામ કરી વળતર મેળવનારની ૧૨,૧૪૪ પ્રતિ માસ છે. દિહાડી મજૂરની ૧૧,૫૫૦ પ્રતિ માસ છે (વાર્ષિક અંદાજે ૧,૩૯,૦૦૦). આ બધા શરમ વિના શ્રમના કામ કરનારાઓની વાત છે. સરેરાશ માસિક ખર્ચ મિનીમમ સાત થી દસ હજાર ગણો અને બધા પાસે રોજગાર પણ નથી. એ રોકાણ ક્યાંથી કરવા નીકળે ?
હવે બજારમાં ઇન્વેસ્ટ કરતા મિડલક્લાસની મુસીબત સમજો. ઓગસ્ટ મહિનામાં સીપીઆઈ ઇન્ફલેશન છૂટક ફુગાવાનો દર વધીને ૪.૮૨% પર પહોંચ્યો, જે સતત દસમામા મહિને વધ્યો છે અને એક વર્ષ પહેલાં તે માત્ર ૨.૦૧% હતો ! જે ખાદ્ય સંકટની ચેતવણી સત્તાવાર અપાઈ છે એ ખાદ્ય મોંઘવારી વધીને ૫.૯૫% (ગ્રામીણ વિસ્તારોમાં ૬.૧૩%) થઈ ગઈ ! માલ પરિવહન સેવામાં ૧૪% અને રેસ્ટોરાં તથા હોટલમાં ૮.૩૮% મોંઘવારી વધી ગઈ. એવું મનાય છે કે ભારતમાં લોન ધરાવતા લોકોમાંથી ૨૧% લોકો પોતાની આવકનો ૨૦ થી ૪૦% હિસ્સો માત્ર ઈએમઆઈ ચૂકવવામાં જ વાપરે છે, ૯% લોકો તો એથી પણ વધુ હપ્તા ચૂકવે છે.
સર્વે જવા દો. ખુદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, પરિવારોના કુલ દેવાનો ૫૮.૪% હિસ્સો નોન-હાઉસિંગ રિટેલ લોન છે, જેમાંથી મોટો ભાગ રાશન, દવાઓ અને સ્કૂલ ફી જેવા રોજીંદા અનિવાર્ય ખર્ચાઓ માટે લેવાય છે. હજુ હોમ લોન પર વ્યાજદર વધારો તોળાઈ રહ્યો છે. જીડીપીનો વાસ્તવિક આંકડો કયો એ ડિબેટ તો ચાલે છે પણ આરબીઆઈ મુજબ જ માર્ચ ૨૦૨૬ સુધી પરિવારોની કુલ નાણાકીય સંપત્તિ ૪૯૦.૩ લાખ કરોડ (જીડીપીના ૧૪૧.૬%) હતી. સામે પક્ષે, પરિવારોની નાણાકીય દેવાદારી ૧૫૮.૫ લાખ કરોડ (જીડીપીના ૪૫.૮%) પર પહોંચી ગઈ છે. અને શુદ્ધ નાણાકીય બચત ઘટીને જીડીપીના માત્ર ૬.૨% રહી ગઈ છે (જે ૨૦૧૦ પછીની એવરેજ ૭.૯%થી પણ ઓછી છે). એસબીઆઈ રિસર્ચ મુજબ છેલ્લા દસ વર્ષમાં વાસ્તવિક વેતન વૃદ્ધિ વાર્ષિક માત્ર ૦.૨૩% છે.
હા ધનિક પરિવારોની આવક જરૂર વધતી જાય છે. પણ એટલા પ્રમાણમાં સુખી ગણાતા મિડલ ક્લાસની આવક નથી વધતી. માટે વ્યાજ સાથેની લોન લઈને કે ક્રેડિટ કાર્ડના જોરે ફૂલગુલાબી ફુગ્ગાની હવા ભરેલી રાખવી પડે છે. લોનના હપ્તા ચાલુ હોય ને સામે કમાણી એટલી વધ્યા ના કરે ત્યારે એ પેનિક ક્યાંકને ક્યાંક શેર જ નહિ, કોઈ પણ બજારમાં દેખાવાનું જ. એમાં અલ નીનો કે કોઈ કારણથી વરસાદ ખેંચાય ને એગ્રો ઈકોનોમીમાં ગરબડ થાય તો વધુ તકલીફ પડવાની.
એટલે, ભારતીય શેરબજારમાં જે કડાકો જોવા મળી રહ્યો છે, આ એક 'પરફેક્ટ સ્ટોર્મ' છે, જેમાં એકસાથે અનેક નકારાત્મક બાબતો ભેગી થઈને વિનાશક તોફાન સર્જે. હોરમૂઝની સામુદ્રધુનીના કારણે ક્રૂડ ઓઈલના અસ્થિર ભાવ અને આપણે એની ખરીદી ફરજીયાત હોઈને એ ચિંતા તો કાયમી છે જ. અને અગાઉ લખેલું એમ ડૉલર, યુરો સામે રૂપિયો નબળો પડવાથી બહારના લોકોને વળતર વધવાને બદલે ઘટે છે. નિકાસ આપણે વધારી નથી શકયા. આયાત વધતી જાય છે. ઉપરાંત, અગાઉ લાંબા સમય સુધી બજાર સતત ઉપર ચઢયું હોવાના કારણે ઘણા શેરોના ભાવ વેલ્યુએશન કરતા વધી ગયેલા. અને નેગેટીવ ન્યુઝ વખતે પ્રોફિટ બુકિંગ માટે ઉતાવળે વેંચાણ થાય તો બજાર પડી જાય. સતત નિરીક્ષણ કરો તો બજારના મુખ્ય સૂચકાંકોમાં મોટો હિસ્સો ધરાવતા બેંકિંગ, ફાઇનાન્સ, ઓટો અને મેટલ શેરોમાં નબળાઈ કે ભારે વેચવાલી જોવા મળી છે. વારંવાર આંદોલનો અને રાજકીય રીતે એકની એક યોજનાઓથી આગળ બીજું ના થતું હોઈને માર્કેટ સ્ટેબલ નથી રહેતું.


એક સમય હતો કે જયારે એક શબ્દ આખી દુનિયાના મેગેઝીનોના કવર પેજ આવતો, એ છે ઇન્ડિયા સ્ટોરી. ના, ભારતની સંસ્કૃતિ કે ઇતિહાસની વાર્તાઓ નહિ. ડુ યુ બાય ઇન્ડિયા સ્ટોરી ? મતલબ, શું તમને ભારત પર ભરોસો છે ? શું તમે માનો છો કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે ? ભારતની આર્થિક તાકાત આજે છે એના કરતા આવતીકાલે અનેકગણી હશે એ સપનું તમે સ્વીકારો છો ?
અને એ ગાળો ભારતમાં ભ્રષ્ટાચાર, કોમવાદ, ગરીબી, ધાર્મિકતા, પ્રદૂષણ, હાલાકી બધું હોવા છતાં એક આશાનો હતો. ગ્લોબલાઇઝેશન બાદ એક આખી પેઢી આપણી ઇન્ટરનેશનલ થઇ હતી. પરદેશમાં જઈને સારી નોકરીઓ અને મોટી સિધ્ધિઓ મેળવી નામ રોશન કરતી હતી. આઈટીમાં આપણે ભલે બ્રાન્ડ ના બની શક્યા પણ સસ્તા અને સારા કામનો ફોર્સ બની ગયા હતા. આંતરરાષ્ટ્રીય આંકડા ના સમજાય તો ફિલ્મો જુઓ. બચ્ચન દૌરની ફિલ્મમાં સડેલી સીસ્ટમ સામે વિદ્રોહ કરી લડવાની વાત હતી. ખાનયુગની ફિલ્મોમાં નેવુંના દાયકાની મધ્યથી બે દસકા સુધી ફોરેન લોકેશન, અર્બન લવ સ્ટોરીઝ, ગ્રાન્ડ વેડિંગ એન્ડ કોમેડી વધુ ચાલતી. એક્શન પણ રેસ કે ધૂમ જેવા સ્વેગવાળું આવી ગયેલું. હવે પડદા પરનું ભારત ઝુંપડપટ્ટીનું નહોતું. વિકાસ તરફ આગેકૂચ કરતી ઝાકઝમાળનું હતું. અચ્છે દિન માટે લોકો આતુર હતા.
એટલે એકવીસમી સદીના પહેલા દોઢ દસકામાં ઘણા મધ્યમવર્ગીય ભારતીયો પાસે પહેલી કાર કે પહેલું ઘરનું ઘર કે પહેલી વિદેશયાત્રા આવી હશે. એ જ સમયમાં અમેરિકા, યુકે, આફ્રિકા જેવા દેશોથી આગળ ભારતીયો જર્મની ફ્રાંસ જેવા યુરોપના અન્ય દેશો, સુદૂર સ્કેન્ડેવિયન પ્રદેશો કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, જાપાન, ન્યુઝીલેન્ડ, દુબઈ, કતાર વગેરે વધુ જવા લાગ્યા. બધા વેપારી નહોતા. ઘણા યંગ પ્રોફેશનલ્સ હતા. ઇન્ડિયા વાયબ્રન્ટ હતું. વિકાસ માટે વી કેન ડુ ઈટનો કોન્ફિડન્સ છલકાતો હતો. આવતીકાલ માટે આપણી આંખોમાં સબ કા વિકાસની આશા હતી કે હવે બધું કાયમ માટે બદલાશે. મનોરંજન, ટેકનોલોજી અને શિક્ષણમાં જબ્બર તેજી હતી.
આજે ઇન્ડિયા સ્ટોરી તો છે ને વિકસીત ભારતની વાતો પણ છે. પણ અબ્દુલ કલામની ઇન્ડિયા ૨૦૨૦ વાળી ડેડલાઈન હવે અમૃતકાળ ૨૦૪૭ સુધી આગળ સરકી ગઈ છે. આજનો યુવા ત્યારે વૃદ્ધ થવા તરફ હશે. એટલે એમાં એને પહેલા જેવો ચાર્મ નથી લાગતો. એને રાજકીય કે સામાજિક ક્ષેત્રે નવા વિકલ્પો નથી દેખાતા ને જુના હતા એમની ઉંમર વધતી જાય છે એટલે એક પ્રકારનો ધૂંધવાટ યાને હતાશામિશ્રિત રોષ વધે છે. અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધી ને જે સાયન્સ થકી નવી પ્રોડક્ટ આવે ને બજાર ઉછાળો લે એ સાઈડટ્રેક થઇ ગયું. દરેક વાતમાં રાષ્ટ્ર અને સનાતન એ નેરેટીવ આવી ગયા ને અસલી સમસ્યા ઉકેલાવાના બદલે એના પર પડદો પડતો ગયો. હવે સ્ક્રીન પર ચમત્કારો અને ભૂતપ્રેત કે ક્રાઈમની બોલબાલા વધુ છે.
બ્લોકબસ્ટર ફિલ્મ એને કહેવાય કે જેમાં પ્રોડયુસર, સ્ટાર કે થીયેટરમાલિક જ નહિ, પાસેની શિંગચણાની રેંકડીવાળો કે રીક્ષાવાળો પણ કમાય. એમ બજારની તબિયત સ્વસ્થ ત્યારે હોય કે અમુક જ ઉદ્યોગપતિઓ આગળ વધે એને બદલે નાનામોટા ઉદ્યોગોમાં પણ તંદુરસ્ત હરીફાઈ ને આવકની વહેંચણી સંતુલન ઉભું થાય. નાણા મંત્રાલય ટેક્સની ઇન્દ્રજાળ વધારતું જાય ને જે ફોર્માલીટી ઘટાડવાની હતી એ વધારીને નવા નવા સબમિશન કે નિયમ ઉભા કરે ત્યાં નવા ઉદ્યોગ સાહસિકો જોઈએ એટલા પેદા ના થાય જે ઇકોનોમીમાં નવો પ્રવાહ લઇ આવે. અર્થતંત્રનું વોલ્યુમ તો વધે છે, પણ અસમાનતાની ખાઈ જોડે વધે છે. આસપાસનો માહોલ બદલાય છે એવું લોકોને અંદરથી ફીલ થવું જોઈએ.
દરેક વરસાદે એ જ ખાડા ને એ જ ટ્રાફિક જામ ને એ જ કચરો જોવા મળે તો ધીરે ધીરે પેલી હોપ સ્ટોરી ફેડ આઉટ થવા લાગે. વીરનર કેપ્ટન સ્મિત મચ્છરના એક પરાક્રમથી કેવી ભારતીયોની ઈમેજ દુનિયામાં સારી થઇ ? એમ બૂસ્ટ મળવું જોઈએ ઇન્ડિયા સ્ટોરીને. પણ અહી સ્પાઈસજેટ ડચકાં લે એટલે સ્વદેશ છોડીને સારા કર્મચારીઓ આરબ અમીરાતમાં ફ્લાયદુબઈમાં કામ કરવા જાય એ સ્થિતિ દૂર કરવા એક સમયે જેટ એરવેઝ હતી એવી તોતિંગ નવી એરલાઈન આપણી હોવી જોઈએ ઇન્ડિગો એર ઇન્ડિયા મોનોપોલી ચેલેન્જ કરવા. દુર્ભાગ્યે, કનેક્શન્સ અને કરપ્શન વધુ કામ કરે છે અત્યારે સર્વાઈવ થવા માટે. નાની વાતોમાં સતત સંસ્કૃતિ ને સંસ્કારના નામે મોટા વિવાદો જ મીડિયામાં આવ્યા કરે એ દેશના મેરિટ પર દુનિયાને શંકા જાય. એમાં જ આપણે એજ્યુકેશનમાં ભૂતકાળનો ઈતિહાસ બદલવામાં એઆઈના ભવિષ્યનો આખો ટ્રેક ચુકી ગયા, જેમાં અન્ય દેશોએ પહેલેથી રોકડા રૂપિયા લગાડેલા છે.
પણ ક્યારેક રિકવરી તો આવશે જ. જો જુગારને બદલે બજાર શબ્દ પકડીએ તો !
ઝિંગ થિંગ
'શેરબજાર એટલે ઉતાવળિયા લોકો પાસેથી ધૈર્યવાન લોકો પાસે પૈસા પહોંચે એ જગ્યા.'
(વોરન બફેટ)