Shatdal

કોઈ ઘટના કે વાતચીત પૂરી થઈ ગયા પછી પણ મનમાં તે ચાલુ કેમ રહે છે?

By GS Team
11 Aug 20265 mins read
કોઈ ઘટના કે વાતચીત પૂરી થઈ ગયા પછી પણ મનમાં તે ચાલુ કેમ રહે છે?
  • તારી અને મારી વાત-હંસલ ભચેચ
  • વિચારો જુદા જુદા એંગલથી રિપ્લે થયા કરવાથી ઘટના કે તેનું પરિણામ બદલાતું નથી. માત્ર આપણો થાક વધે છે, આપણે માનસિક રીતે નિચોવાઈ જઈએ છીએ!

કો ઈપણ વ્યક્તિને એક દિવસમાં કેટલા વિચારો આવતા હોય છે?! આમ તો આ પ્રશ્નનો જવાબ વ્યક્તિગત અને વ્યક્તિની મનોસ્થિતિ પર આધારિત છે, પરંતુ સંશોધકો સરેરાશ આંકડો સાઈઠથી સિત્તેર હજારનો આપે છે. આશ્ચર્યની વાત એ નથી કે આપણને એક દિવસમાં આટલા બધા વિચારો આવે છે, આશ્ચર્યની વાત એ છે કે આ પૈકી મોટાભાગના વિચારો તો જે ગઈકાલે આવ્યા હતા તેના તે જ હોય છે! ઉદાહરણ તરીકે વિચારો, ગઈકાલે થયેલી કોઈ વાત આજે પણ તમારા મનમાં ચાલુ છે? તે વાત સાથે સંકળાયેલી વ્યક્તિ અત્યારે તમારી સામે નથી તેમ છતાં તમે કદાચ હજુ મનમાં તેને જવાબ આપી રહ્યા છો કે તે ઘટના વિશે વિચારી રહ્યા છો?! 'મારે ત્યારે એમ કહેવું જોઈતું હતું…', 'હું આ મુદ્દો કેમ ભૂલી ગયો?', 'હવે ફરી મળે તો હું એને બરાબર જવાબ આપીશ.' અને બીજું ઘણું બધું.. મને ખબર છે કે કોઈ એવું નહીં હોય કે વાત-ઘટના પતી ગઈ હોય પછી તેના મનમાં વાત વાગોળાતી ના હોય, કારણ કે આ મનનો એક સ્વભાવ છે.
હવે જો આવું બધા જ સાથે ક્યારેકને ક્યારેક બનતું હોય તો એક રસપ્રદ પ્રશ્ન આપણને થવો જોઈએ કે જે વાત પૂરી થઈ ગઈ છે, તે મનમાં પૂરી કેમ થતી નથી?!
એક વખત એક યુવાન મારી પાસે આવ્યો. તેણે કહ્યું, 'ડૉક્ટર, મારે કોઈ ખાસ સમસ્યા નથી, પણ ઓફિસમાં કોઈ મારી સાથે ઉગ્ર રીતે કે ખોટી વાત કરે તો એ ઘટના બે-ત્રણ દિવસ સુધી મારા મનમાંથી જતી નથી. હું રાત્રે સૂવા જાઉં ત્યારે પણ મનમાં તેની સાથે ચર્ચા ચાલતી હોય છે. દર વખતે મને વધુ સારો જવાબ સૂઝે છે, દલીલો સૂઝે છે.'
હું હસ્યો અને પૂછયું, 'અને એ જવાબ ક્યારેય એ વ્યક્તિ સુધી પહોંચે છે?'
તે પણ હસી પડયો 'ના…'મેં કહ્યું 'વાસ્તવમાં તું એ વ્યક્તિને નહીં, પણ મનમાં બનાવેલી તેની છબીને જવાબ આપે છે. અને એ છબી ક્યારેય જવાબ આપવાની નથી. આપણા મનની આ સૌથી વિચિત્ર ટેવોમાંની એક છે. તે એવી લડાઈઓ જીતવાનો પ્રયાસ કરે છે જે બહુ પહેલાં પૂરી થઈ ચૂકી હોય છે.'
સામાન્ય ભાષામાં આપણે આને વાગોળવું કહીએ છીએ, કેટલાક માટે આ 'ઓવરથિંકિંગ' છે, મનોવિજ્ઞાન તેને 'રૂમિનેશન્સ' કહે છે. પરંતુ મને તેના માટે એક સરળ શબ્દ ગમે છે 'મનની રિપ્લે સિસ્ટમ'! જેમ ક્રિકેટમાં કોઈ કેચ વારંવાર અલગ-અલગ એંગલથી બતાવવામાં આવે છે, તેમ મન પણ એ જ ઘટનાને ફરી ફરી ચલાવે છે. દરેક વખતની આશા એક જ હોય છે, કદાચ આ વખતે પરિણામ બદલાઈ જશે, મનને સંતોષ થાય એવું 'ક્લોઝર' મળશે. પરંતુ, અહીં એક સમસ્યા છે, જીવન ક્રિકેટ મેચ નથી. જીવનમાં રિપ્લે હોય છે, રિવિઝન નથી હોતું. વિચારો જુદા જુદા એંગલથી રિપ્લે થયા કરે છે પરંતુ ઘટના કે તેનું પરિણામ બદલાતું નથી. માત્ર આપણો થાક વધે છે, આપણે માનસિક રીતે નિચોવાઈ જઈએ છીએ!
તો હવે એક વધુ રસપ્રદ પ્રશ્ન એ થવો જોઈએ કે મન આવું કરે જ કેમ છે? જ્યાં રિવિઝનની કોઈ શક્યતા જ નથી ત્યાં રિપીટ, રિવાઈઝ કે રુમિનેટ કેમ થયા કરે છે?! આનો જવાબ ખાસ જટિલ કે પેચીદો નથી, સાવ સરળ છે. કારણ કે, આપણા મનને અપૂર્ણતા પસંદ નથી. તમે કદાચ અનુભવ્યું હશે કે અધૂરું ગીત, અધૂરી વાર્તા અથવા અડધી રહી ગયેલી ફિલ્મ મનમાં અટકી રહે છે. કારણ કે, મગજને અધૂરું પ્રકરણ બંધ કરવું ગમતું નથી. અને એટલા માટે જ સિરિયલો કે સિરીઝના એપિસોડ એવા અધૂરા મોડ પર પતે કે તમે બીજો એપિસોડ જોવા બેચેન થઈ જાવ - 'બિન્જ વૉચિંગ'.
લાગણીઓમાં પણ આવું જ થાય છે. કોઈએ આપણું અપમાન કર્યું હોય, આપણે પોતાની વાત કહી ન શક્યા હોઈએ, સ્પષ્ટતા ના કરી શક્યા હોઈએ અથવા આપણા અંગે ગેરસમજ થઈ હોય, ત્યારે મનને લાગે છે કે હજુ કંઈક બાકી છે, કંઈક અધૂરું છે. એટલે, તે વારંવાર પાછું ત્યાં જ જાય છે અને એક ક્લોઝર-પૂર્ણતા શોધે છે, પોતાના મુજબની, મનોમન! પરંતુ મારી દ્રષ્ટીએ આ એક છળ છે, મન મનગમતું સમાધાન શોધે જાય છે એ માને છે કે આમ કરવાથી શાંતિ મળશે પરંતુ હકીકતમાં માત્ર વધુ વિચાર જ જન્મે છે - 'ઓવરથિંકિંગ'. જ્યારે કોઈ વ્યક્તિ ખુરશીમાં બેસીને ઝૂલતો રહે ત્યારે હલચલ તો ઘણી થાય છે, પરંતુ પહોંચાતું ક્યાંય નથી. હું ઘણીવાર દર્દીઓને કહેતો હોઉં છું 'માણસને સૌથી વધુ થકવી નાખતો શ્રમ શારીરિક નથી હોતો માનસિક હોય છે, એકના એક વિચારો માણસને નિચોવી નાખે છે.
ઝેન પરંપરામાં એક સુંદર વાત છે.
પોતાના ખભે સ્ત્રીને બેસાડીને નદી પાર કરાવનાર સાધુ અંગે તેનો સાથી, આખો દિવસ વિચાર કરતો રહ્યો અને સાંજે પેલા સાધુએ કહ્યું, 'મેં તો એ સ્ત્રીને નદીના કિનારે જ ઉતારી દીધી હતી. તું હજુ સુધી તેને મનમાં, ખભે લઈને ફરી રહ્યો છું?!' આપણું મન પણ ઘણીવાર આવું જ કરે છે. ઘટના પાંચ મિનિટની હોય છે પણ તેનું ભારણ પાંચ દિવસનું, પાંચ મહિનાનનું કે પાંચ વર્ષનું બનાવી દે છે.
મનની આ અવળચંડાઈનો ઉપાય શું?!
મારી દ્રષ્ટીએ, મન સાથે દલીલ બંધ કરવી, મનોમન સવાલોના મનોમન જવાબ નહીં આપવાનો મહાવરો કરતા રહેવું અને તેમ કરવા માટે વર્તમાનમાં જીવવાનો માઇન્ડફુલ રહીને પ્રયત્ન કરવો. દર વખતે મન કહે, 'મારે ત્યારે આવું કહેવું જોઈએ હતું,' ત્યારે માત્ર એટલું પૂછો 'આ વિચાર મને અત્યારે ક્યાં લઈ જઈ રહ્યો છે?' જો મનનો જવાબ હોય
'ક્યાંય નહીં..૮.' તો કદાચ હવે આ વાતચીત પૂરી કરવાનો સમય આવી ગયો છે. કારણ કે, દરેક ચર્ચા-ઘટના સામેની વ્યક્તિ સાથે પૂરી નથી થતી, કેટલીક ચર્ચા-ઘટના પોતાની અંદર પૂરી કરવી પડે છે. અને કદાચ પરિપક્વતાની સાચી શરૂઆત એ દિવસે થાય છે, જ્યારે આપણે છેલ્લો જવાબ જીતવાને બદલે મનને શાંતિ આપવાનું પસંદ કરીએ. જીવનમાં દરેક વાતનો છેલ્લો શબ્દ આપણો હોય એ જરૂરી નથી, દરેક વાત પછી છેલ્લી શાંતિ આપણી હોવી વધુ જરૂરી છે.
પૂર્ણવિરામ
વીતી ગયેલી વાતો અને ઘટનાઓને ચૂંથવામાં આપણે વર્તમાનને અવગણીશું તો ચૂંથવા જેવી વાતો હંમેશા ઊભી થતી રહેશે.