Shatdal

સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરીમાં જ્યારે 'ટપાલ'નો ઉપયોગ કરાયો...!

By GS Team
7 Jul 20265 mins read
સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરીમાં જ્યારે 'ટપાલ'નો ઉપયોગ કરાયો...!

સેલિબ્રેશન-ચિંતન બુચ
૧૯૫૧ની વસ્તી ગણતરી : સાક્ષરતાનો દર માત્ર ૧૮ ટકા, રોડના ઠેકાણા નહીં સહિતના પડકારોનો સામનો કરવો પડયો હતો
૧૧ જુલાઇ
વિશ્વ વસ્તી દિવસ

૧, ૪૭૭,૦૪૭,૮૦૭…. ૧,૪૭૭,૦૪૭,૮૦૮…. ૧,૪૭૭,૦૪૭,૮૦૯…. ૧,૪૭૭,૦૪૭,૮૧૦…. અરે ના…આ કોઇ કૌભાંડનો નહીં પણ ભારતમાં પ્રતિ બે સેકન્ડે જન્મતા બાળકોનો આંક છે. આ વર્ષના પ્રારંભે એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬ના ભારતની અંદાજીત વસ્તી ૧૪૭ કરોડ હતી અને હાલમાં તે વધીને ૧૪૭.૭૦ કરોડ થઇ છે. આમ, આ વર્ષે જ ૭૦ લાખ બાળકોનો ભારતમાં જન્મ થયેલો છે. હાલ ભારતની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે અને જેના માટે ૩૦ લાખથી વધુ કર્મચારીઓ જોડાયા છે. આ વખતે ડિજિટલ પદ્ધતિ અપનાવાઇ હોવાથી વસ્તી ગણતરીના પ્રાથમિક પરિણામો આવતા વર્ષ જૂન સુધીમાં જ જાહેર થઇ જાય તેવી સંભાવના છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે, આ વખતે જ્યારે વસ્તી ગણતરી માટે ડિજિટલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવી જ રીતે દેશની સૌપ્રથમ વસ્તી ગણતરીમાં પોસ્ટલ નેટવર્કનો ઉપયોગ કરાયો હતો.
સ્વતંત્ર ભારતને આયોજનબદ્ધ અર્થશાસ્ત્રનું નિર્માણ કરવા માટે તેમજ સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટણી યોજવા માટે તાત્કાલિક ધોરણે ભરોસાપાત્ર વસ્તી-વિષયક આંકડાઓની જરૂર હતી.નવા પ્રજાસત્તાક રાષ્ટ્રના રાજનૈતિક અર્થતંત્રમાં વસ્તીગણતરી એટલી મહત્ત્વપૂર્ણ હતી કે, બંધારણને આખરી સ્વરૂપ આપવામાં આવે, તે પૂર્વે જ કન્સ્ટિટયુઅન્ટ અસેમ્બલીએ ૧૯૪૮માં સેન્સસ અક્ટ પસાર કરી દીધો હતો. પરંતુ સરકાર સામે બે મુખ્ય પડકાર હતા : એક તો એ કે વસ્તી ગણતરીમાં ભાગ લેવા માટે લોકોને કેવી રીતે સમજાવવા અને પણ સરકાર સામે તાત્કાલિક ધોરણે બે પડકારો આવ્યા: વસ્તીગણતરીમાં ભાગ લેવા માટે લોકોને કેવી રીતે સમજાવવા અને વિશાળ-વ્યાપક સ્તરના ગ્રામીણ દેશમાં વસ્તીગણતરી કરનારાઓ અને વસ્તીગણતરીના અધિકારીઓ વચ્ચેનો સંપર્ક કેવી રીતે જાળવી રાખવો.વહીવટી તંત્રના મનમાં ઊંડે-ઊંડે એવો ડર પણ સતાવી રહ્યો હતો કે અનેક વિસ્તારોમાં વસ્તી ગણતરીનો બહિષ્કાર તો નહીં કરવામાં આવે ને? કેમકે, અગાઉ ૧૯૩૧ અને ૧૯૪૧ની બ્રિટિશ શાસન સમયની વસ્તીગણતરીનો ભારતના કેટલાક ભાગોમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે પંજાબ તથા બંગાળમાં ૧૯૪૧ની વસ્તીગણતરીએ સાંપ્રદાયિક ચેડાંના આરોપોનો સામનો કરવો પડયો હતો. મુશ્કેલીના પહાડને 'ગોપાલે' ઊંચકી લીધો. સ્વતંત્ર ભારતની આ સૌપ્રથમ જનગણનાના પ્રથમ રજિસ્ટ્રાર જનરલ અને સેશન્સ કમિશનર આર.એ. ગોપાલસ્વામી હતા. તેમની સમક્ષ વિભાજન પછીનું સ્થળાંતર, દેશી રજવાડાઓનું વિલીનીકરણ, ભાષાકીય વૈવિધ્ય, પરિવહનમાં મુશ્કેલી, માહિતીનું સંકલન સહિતના પડકારો હતા. કમ્પ્યુટર નામના શબ્દનો જન્મ પણ થયો નહોતો. જેના કારણે વસ્તી ગણતરી બાદ દરેક ફોર્મની ચકાસણી, વર્ગીકરણ, કોષ્ટકો હાથથી અથવા ઈલેક્ટ્રો મેકેનિકલ ટેબ્યુલેટિંગ મશીનની મદદથી કરાયા હતા. જેના કારણે અંતિમ અહેવાલ તૈયાર થવામાં વર્ષો થયા હતા.તેમણે વહીવટી કુશળતા દાખવતા એકસરખું જનગણના ફોર્મ તૈયાર કરાવ્યું, લાખો ગણતરીકારોને તાલીમ અપાવી, માહિતી એકત્રિત કરવાની એકસરખી પદ્ધતિ અમલમાં મૂકી અને અંતિમ અહેવાલ તૈયાર કરાવ્યા હતા. તેઓ માનતા કે, સારી નીતિ માટે સાચા આંકડા જરૂરી છે.
ઇન્ટરનેટ અને કમ્પ્યુટર વગરના એ જમાનામાં કરોડો લોકોનો ડેટા એક જગ્યાએ કેવી રીતે ભેગો થતો હતો. ફિલ્ડ પર કામ કરનારા ગણતરીકારો (જેમાં મોટાભાગે સ્થાનિક શિક્ષકો અને સરકારી કર્મચારીઓ હતા) જો વસ્તી ગણતરીના 'હાથ અને પગ' હતા, તો ટપાલ અને ટેલિગ્રાફ વિભાગ આ સમગ્ર પ્રક્રિયાનું 'ચેતાતંત્ર' હતું. વસ્તી ગણતરી શરૂ થવાના મહિનાઓ પહેલાં, લાખો ટન વસતી ગણતરીના રજિસ્ટરો, ફોર્મ્સ, મેન્યુઅલ ગાઇડ અને કિટ્સ દિલ્હી કે પ્રાદેશિક હેડક્વાર્ટરથી દેશની હજારો પોસ્ટ આફિસોમાં મોકલવામાં આવતી. ત્યાંથી સ્થાનિક ટપાલીઓ આ સામગ્રીને અંતરિયાળ ગામડાઓમાં નિયુક્ત કરાયેલા ગણતરીકારો સુધી સુરક્ષિત પહોંચાડતા.તે સમયે દેશના નકશા આજના જેવા સચોટ નહોતા. દુર્ગમ પહાડી વિસ્તારો, જંગલો કે અંતરિયાળ ગામડાઓમાં કયું ઘર ક્યાં આવેલું છે તેની સચોટ ભૌગોલિક જાણકારી માત્ર સ્થાનિક ટપાલી પાસે જ ઉપલબ્ધ હતી. ટપાલીઓ ગણતરીકારોને ઘર શોધવામાં અને ચોક્કસ વિસ્તારોના રફ નકશા તૈયાર કરવામાં મદદ કરતા.ડોર-ટુ-ડોર ગણતરી પૂરી થયા પછી, સૌથી મોટો પડકાર એ ભરેલા રજિસ્ટરોને સુરક્ષિત રાખવાનો હતો. ટપાલ વિભાગ આ ગુપ્ત અને સંવેદનશીલ રજિસ્ટરોને ખાસ સીલબંધ થેલીઓમાં ભરીને, કડક સુરક્ષા વચ્ચે પ્રાદેશિક ડેટા સેન્ટરો સુધી રેલવે મેલ સર્વિસ અને પોસ્ટલ વાહનો દ્વારા પાછા પહોંચાડતું હતું.
વરિષ્ઠ અધિકારીઓ સુધી દૈનિક પ્રગતિના અહેવાલો અને કટોકટીની સૂચનાઓ મોકલવા માટે 'ટેલિગ્રાફ'નો ઉપયોગ થતો હતો.૧૯૫૧ના આ સમયમાં ભારતનો સાક્ષરતા દર ૨૦ ટકા પણ નહોતો. સંદેશો પહોંચાડવા માટે પોસ્ટ અને ટેલિગ્રામ વિભાગે એક અનોખો રસ્તો અપનાવ્યો. તેમણે દેશભરમાં મોકલાતી ટપાલ પર એક દ્વિભાષી ચિત્રાત્મક 'સહાયક પોસ્ટ માર્ક' લગાવવાનું શરૂ કર્યું. આ પોસ્ટ માર્કમાં એક લંબચોરસ ફ્રેમમાં ત્રણ સભ્યોના પરિવાર(માતા, પિતા અને બાળક)નું ચિત્ર હતું, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં 'ભારતની વસતી ગણતરી' અને 'ફેબ્રુઆરી ૧૯૫૧' લખેલું હતું. આ ચિત્ર મૂકવાનું કારણ એ હતું કે, દેશમાં લાખો લોકો વાંચી શકતા ન હોવાથી, ચિત્ર જોઈને જ સમજી જાય કે આ અભિયાન દેશના દરેક પરિવાર અને તેના સભ્યોની ગણતરી કરવા માટે છે. આ ઉપરાંત તેમાં વસતી નિયંત્રણનો પણ આડકતરો સંદેશ હતો. તે સમયે દેશમાં વધતી વસતીને નિયંત્રિત કરવા માટે 'નાનો પરિવાર, સુખી પરિવાર' ના વિચારને પ્રોત્સાહન અપાતું હતું. ત્રણ સભ્યોનું ચિત્ર વસતી ગણતરીની સાથે-સાથે આદર્શ નાના પરિવારની વિભાવનાને પણ લોકોના મનમાં દૃઢ કરતું હતું. ગામડાંઓમાં ટપાલીઓ ફક્ત ટપાલ નહોતા પહોંચાડતા, પણ લોકો માટે પત્રો વાંચી આપતા અને લખી પણ આપતા, જેથી તેઓ આ પોસ્ટમાર્કનો અર્થ લોકોને સરળતાથી સમજાવી શકતા હતા.
આર.એ.ગોપાલસ્વામીના વડપણ હેઠળ કરાયેલી દેશની પ્રથમ જનગણનાના આંકડાનો ઉપયોગ કરીને શિક્ષણ, આરોગ્ય, કૃષિ, રોજગાર, ગરીબી નિવારણ, શહેરી આયોજન, પંચવર્ષીય યોજનાનો પાયો નખાયો હતો.૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં કુલ ૩૬.૧૦ કરોડની વસ્તી નોંધાઇ હતી. જેમાં ૧૮.૫૬ કરોડ પુરુષ અને ૧૭ મહિલાનો સમાવેશ થતો હતો. સાક્ષરતા દર માત્ર ૧૮.૩૩ ટકા હતા. શહેરી વસ્તી માત્ર ૧૭ ટકા તો ગ્રામ્ય વસ્તી ૮૩ ટકા હતી. બાય ધ વે, ભાપરત ઉપરાંત અમેરિકા, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ચીન, બ્રાઝિલમાં પણ દર ૧૦ વર્ષે વસ્તી ગણતરી થાય છે. બીજી તરફ ડેન્માર્ક, નોર્વે અને ફિનલેન્ડ જેવા દેશમાં ઘરે-ઘરે જઇને પરંપરાગત જનગણના કરવાને બદલે ડિજિટલ રજિસ્ટરોના આધારે વસ્તી ગણતરીના આંકડા તૈયાર કરાય છે….