Shatdal

જ્યારે મીઠું પણ ગુનો હતું અને અખબારની શાહી પણ!

By GS Team
11 Aug 20269 mins read
જ્યારે મીઠું પણ ગુનો હતું અને અખબારની શાહી પણ!
  • સેલિબ્રેશન-ચિંતન બુચ
  • પ્રેસની સ્વતંત્રતા માત્ર કાયદાથી મળતી નથી, ક્યારેક તેને પત્રકારોની હિંમતથી બચાવવી પડે છે
  • 15 ઓગસ્ટ-સ્વતંત્રતા દિવસ

આ ઝાદીના અમૃત મહોત્સવથી આગળ વધેલા ભારતને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ અગાઉના સમયમાં એક વાર પાછળ વળીને જોવું જોઈએ - એવા ભારતમાં, જ્યાં મીઠા પર ટેક્સ ચૂકવવો પડતો, પોતાની ભાષામાં લખવું જોખમી હતું અને જન્મના આધારે પણ માણસ પર ગુનાનો કલંક લાગી શકતો હતો. ૧૫ ઓગસ્ટ આવે એટલે આપણને સૌથી પહેલાં તિરંગો યાદ આવે છે. શાળાના મેદાનમાં લહેરાતો તિરંગો, લાલ કિલ્લા પરથી સંભળાતું વડાપ્રધાનનું સંબોધન, રાષ્ટ્રગીતના સૂર અને દેશભક્તિના નારા… પરંતુ આ બધાની વચ્ચે જો એક ક્ષણ માટે આંખો બંધ કરીને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ પહેલાંના ભારતને જોવાનો પ્રયાસ કરીએ તો આપણી સામે જે દેશ ઊભો થાય છે તે આજના ભારતથી એટલો જુદો છે કે કદાચ પહેલી નજરે તેને ઓળખવો પણ મુશ્કેલ લાગે.
એ દેશ આપણો જ હતો, પરંતુ સત્તા કોઈ બીજાની હતી. જમીન અહીંની હતી, ખેડૂત અહીંનો હતો, દરિયો અહીંનો હતો, જંગલો અહીંના હતા, ભાષાઓ અહીંની હતી, અખબારો અહીંના હતા - પણ આ બધાની ઉપર અંતિમ નિર્ણય લેવાની સત્તા બ્રિટિશ શાસકોના હાથમાં હતી.આજથી થોડા દાયકાઓ પહેલાં કોઈને જો પૂછવામાં આવ્યું હોત કે ''તમારા દેશમાં તમારું શું છે?'' તો કદાચ તેનો જવાબ સરળ ન હોત. કારણ કે એક એવો સમય હતો જ્યારે માણસ પોતાના જ દેશમાં રહેતો હતો, પરંતુ તેના જીવનની ઘણી સામાન્ય બાબતો પર પણ પરાયી સત્તાનો કાયદો લાગુ પડતો હતો.
રસોડામાં પડેલું મીઠું પણ તેમાંથી એક હતું.આજે મીઠું આપણા માટે એટલું સામાન્ય છે કે તેના વિશે વિચારવાની પણ જરૂર પડતી નથી. ભોજનમાં સ્વાદ ઓછો લાગે તો એક ચપટી મીઠું વધારી દઈએ. પરંતુ બ્રિટિશ ભારતમાં મીઠું માત્ર રસોડાની વસ્તુ નહોતું. તે સરકારની આવક, કર અને નિયંત્રણનું સાધન હતું. દરિયાના પાણીમાંથી બનેલી આ સામાન્ય વસ્તુ પર પણ બ્રિટિશ સરકારનો કાયદો અને કર લાગતો હતો.મહાત્મા ગાંધીજીએ આ વાત સમજી. તેમને ખબર હતી કે સ્વાતંત્ર્યની વાત જો માત્ર રાજકીય ભાષામાં કરવામાં આવશે તો તે સામાન્ય માણસથી દૂર રહેશે. પરંતુ મીઠું? મીઠું તો દરેક ઘરની જરૂરિયાત હતી. ગરીબના ઘરમાં પણ અને તવંગરના ઘરમાં પણ. એટલે ૧૯૩૦માં ગાંધીજીએ મીઠાને જ સ્વાતંત્ર્ય સંગ્રામનું હથિયાર બનાવ્યું. સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા શરૂ થઈ. પગલાં ધીમા હતા, પરંતુ તેની પાછળનો વિચાર વીજળીની જેમ દેશભરમાં ફેલાઈ રહ્યો હતો. દાંડીના દરિયાકિનારે ગાંધીજીએ મીઠું ઉપાડયું ત્યારે દુનિયાએ કદાચ પહેલી વાર એટલી સ્પષ્ટ રીતે જોયું કે એક મુઠ્ઠી મીઠું પણ સામ્રાજ્યને પડકારી શકે છે.
પરંતુ બ્રિટિશ સરકારને માત્ર મીઠાથી જ ડર નહોતો. તેને શબ્દોથી પણ ડર લાગતો હતો. ખાસ કરીને ભારતીય ભાષાના શબ્દોથી. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય અખબારો ઝડપથી વિકસી રહ્યા હતા. ગુજરાતી, બંગાળી, હિન્દી, મરાઠી, ઉર્દૂ અને અન્ય ભાષાઓમાં છપાતા અખબારો માત્ર સમાચાર આપતા નહોતા, તેઓ બ્રિટિશ શાસનની નીતિઓ પર સવાલ ઉઠાવતા હતા. દુષ્કાળ હોય, કરની નીતિ હોય, વહીવટમાં ભેદભાવ હોય કે પ્રજાની મુશ્કેલી - સ્થાનિક ભાષાના અખબારો તેને લોકોની ભાષામાં રજૂ કરતા. અને અહીં બ્રિટિશ સરકારને એક ખતરો દેખાયો. અંગ્રેજી ભાષાનો અખબાર મર્યાદિત વર્ગ સુધી પહોંચતો હતો. પરંતુ ભારતીય ભાષાનો અખબાર? એક માણસ વાંચે, પાંચ માણસ સાંભળે. એક દુકાનમાં અખબાર આવે, આખી ગલીમાં ચર્ચા થાય. એક ગામમાં સમાચાર પહોંચે અને બીજા ગામમાં તેની વાત થાય. અખબાર માત્ર કાગળ નહીં તે વિચારનું વહન પણ કરે છે.
અને સત્તાને વિચાર કરતાં વધુ ખતરનાક બીજી કોઈ વસ્તુ હોતી નથી. આ જ ભયમાંથી ૧૮૭૮માં લોર્ડ લિટનની સરકારના સમયમાં વર્નાક્યુલર પ્રેસ આવ્યો. વર્નાક્યુલર એટલે ભારતીય ભાષાઓ. કાયદાનો મુખ્ય નિશાન અંગ્રેજી અખબારો નહીં, પરંતુ સ્થાનિક ભાષાના પ્રકાશનો હતા. સરકારને લાગતી કોઈ સામગ્રી બ્રિટિશ શાસન વિરુદ્ધ ઉશ્કેરણીજનક હોય તો અખબારના પ્રકાશક સામે કાર્યવાહી કરી શકાય, અખબારને નિયંત્રિત કરી શકાય.આ કાયદાને પાછળથી ''ગેગિંગ એક્ટ'' તરીકે પણ ઓળખવામાં આવ્યો - પ્રેસનું મોઢું બંધ કરવાનો કાયદો.
કલ્પના કરો, એક પત્રકાર રાત્રે પ્રેસમાં બેઠો છે. સામે કાગળ છે. હાથમાં કલમ છે. મનમાં સમાચાર છે. પરંતુ એક સવાલ સતત માથામાં ઘૂમે છે- ''આ લખીશ તો સરકાર શું કરશે?'' આ સવાલ જ બતાવે છે કે સ્વતંત્ર પત્રકારત્વ અને વસાહતી પત્રકારત્વ વચ્ચે કેટલું મોટું અંતર હતું. પરંતુ બ્રિટિશ સરકારને કદાચ ખબર નહોતી કે પત્રકારત્વનું એક વિશેષ ગુણધર્મ છે - તે રસ્તો શોધી
લે છે.
વર્નાક્યુલર પ્રેસ એક્ટ સામેનો સૌથી રસપ્રદ પ્રસંગ હતો અમ્રિતા બઝાર પત્રિકાનો. આ અખબાર મૂળ બંગાળી ભાષામાં પ્રકાશિત થતું હતું અને બ્રિટિશ નીતિઓની ટીકા માટે જાણીતું હતું. નવા કાયદા હેઠળ સ્થાનિક ભાષાના અખબારો પર ખાસ નિયંત્રણ આવવાનું હતું. ત્યારે અખબારના સંચાલકોએ એવો નિર્ણય લીધો જે આજે પણ ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં અદભૂત ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.અખબારે પોતાની ભાષા બદલી નાખી.બંગાળીમાંથી અંગ્રેજી.
કાયદો સ્થાનિક ભાષાના અખબારોને નિશાન બનાવી રહ્યો હતા, અખબારે જવાબ આપ્યો- ''તો અમે અંગ્રેજીમાં છાપીશું.'' એક રીતે જોવામાં આવે તો આ માત્ર ભાષા પરિવર્તન નહોતું. આ કાયદાની સામે પત્રકારત્વે શોધેલો સર્જનાત્મક વિરોધ હતો. સરકાર પાસે કાયદો હતો, અખબાર પાસે કલમ હતી…સરકારે રસ્તો બંધ કર્યો, અખબારે બીજો રસ્તો શોધી કાઢયો…. આ ઘટના ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં એટલા માટે મહત્વની છે કે તે બતાવે છે કે પ્રેસની સ્વતંત્રતા માત્ર કાયદાથી મળતી નથી, ક્યારેક તેને પત્રકારોની હિંમતથી બચાવવી પડે છે.
વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાંબો સમય ટકી શક્યો નહીં. ૧૮૮૧માં તેને રદ કરવામાં આવ્યો. પરંતુ તે ત્રણ વર્ષ ભારતીય પત્રકારત્વ માટે એક મોટો સંદેશ છોડી ગયું- શબ્દને કેદ કરવાનો પ્રયાસ થાય ત્યારે શબ્દ રસ્તો બદલી શકે, ભાષા બદલી શકે, માધ્યમ બદલી શકે, પરંતુ વિચારને સરળતાથી કેદ કરી શકાતો નથી.
બ્રિટિશ સરકારને અખબારથી ડર લાગતો હતો, કારણ કે અખબાર સામાન્ય માણસને સવાલ પૂછવાનું શીખવતો હતો. અને સરકારને નાટકથી પણ ડર લાગતો હતો.
૧૮૭૬ના ડ્રામેટિક પર્ફોમન્સ એક્ટ હેઠળ જાહેર નાટકો અને પ્રદર્શનોને નિયંત્રિત કરવા માટે આવ્યો. કારણ પણ સમજાય એવું હતું. અખબાર વાંચવા માટે સાક્ષરતા જોઈએ, પરંતુ નાટક જોવા માટે નહીં. મંચ પર એક કલાકાર અન્યાયી રાજાની ભૂમિકા ભજવે, એક સંવાદ બોલે અને આખું મેદાન તાળીઓથી ગુંજી ઊઠે - આ સંવાદ કદાચ કોઈ અખબારના સંપાદકીય કરતાં વધુ ઝડપથી લોકોના મનમાં ઊતરી જાય.એટલે બ્રિટિશ શાસનને ક્યારેક નાટક પણ રાજકીય હથિયાર લાગતું.
ધીમે ધીમે ભારતીયોને સમજાતું ગયું કે જે સત્તા તેમના શબ્દોથી ડરે છે, તે સત્તાને સવાલ પૂછવો જ પડશે.
આ જ સમયગાળામાં રાજદ્રોહની કલમ પણ બ્રિટિશ શાસનનું મહત્વનું હથિયાર બની. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૧૨૪એ હેઠળ સરકાર વિરુદ્ધ અસંતોષ અથવા વિદ્રોહી ભાવના સાથે જોડાયેલી અભિવ્યક્તિઓ સામે કાર્યવાહી થઈ શકતી હતી.
બાલ ગંગાધર તિલકથી લઈને મહાત્મા ગાંધી સુધી અનેક રાષ્ટ્રવાદી નેતાઓએ આ કાયદાનો સામનો કર્યો.
અહીં ઇતિહાસની અજબ વિસંગતિ હતી.બ્રિટિશ સરકાર માટે તે ''રાજદ્રોહ'' હતો.ભારતીયો માટે તે ''સ્વરાજ્યની માંગ'' હતી.એક જ શબ્દના બે અર્થ હતા - એક શાસકની નજરમાં અને બીજો શાસિતની નજરમાં.પરંતુ બ્રિટિશ કાયદાઓની દુનિયામાં કદાચ સૌથી અસ્વસ્થ કરનારો વિચાર હતો- જન્મના આધારે શંકા.
૧૮૭૧ના ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ હેઠળ કેટલાક સમુદાયો અને જાતિઓને ''ક્રિમિનલ ટ્રાઇબ્સ'' તરીકે જાહેર કરવાની વ્યવસ્થા ઊભી થઈ. એટલે વ્યક્તિએ ગુનો કર્યો છે કે નહીં તે પહેલાં તેનો જન્મ કયા સમુદાયમાં થયો છે તે પણ શંકાનો આધાર બની શકે. આજના સમયમાં આ વિચાર આપણને અસહ્ય લાગે છે. પરંતુ એક સમયના ભારતમાં તે કાયદાની ભાષામાં લખાયેલો હતો. એક બાળક જન્મે અને તેના જન્મ સાથે જ તેના પરિવાર પર ગુનાનો પડછાયો આવી જાય - આ કલ્પના જ કેટલી ભયાનક છે! સ્વતંત્ર ભારતે ૧૯૫૨માં આ કાયદો રદ કર્યો. પરંતુ કાયદો દૂર થયો એટલે તેની સામાજિક અસર તરત દૂર થઈ નહોતી. કાયદા કાગળ પર લખાય છે, પરંતુ તેમની છાપ ઘણીવાર માણસોના મનમાં લખાઈ જાય છે.
બ્રિટિશ શાસનની નજર માત્ર માણસો અને અખબારો સુધી મર્યાદિત નહોતી. જંગલો પણ તેના કાયદાની અંદર આવી ગયા હતા.આદિવાસી અને જંગલ આધારિત સમુદાયો માટે જંગલ જીવન હતું. લાકડું, ફળ, મધ, ચારો, ઔષધિ- બધું જંગલ આપતું. પરંતુ બ્રિટિશ શાસન માટે જંગલ આવક અને સંસાધનનું કેન્દ્ર બન્યો. ફોરેસ્ટ એક્ટ દ્વારા જંગલના ઉપયોગ અને પરંપરાગત અધિકારો પર નિયંત્રણ વધ્યું. જે લોકો પેઢીઓથી જંગલને પોતાનું ઘર માનતા હતા, તેમને એક દિવસ સમજાવવામાં આવ્યું કે હવે જંગલ પર અંતિમ અધિકાર સરકારનો છે. આ વિરોધની પાછળ માત્ર જમીનનો સવાલ નહોતો.આ જીવન જીવવાના અધિકારનો સવાલ હતો.આ બધા કાયદાઓને સાથે મૂકી જુઓ તો એક વિશાળ ચિત્ર દેખાય છે.અખબારના શબ્દથી લઈને નાટકના સંવાદ સુધી.મીઠાના દાણાથી લઈને જંગલના ઝાડ સુધી.હથિયારથી લઈને પોલીસ સુધી.જન્મથી લઈને રાજકીય વિચાર સુધી.
બ્રિટિશ શાસનનું કાયદાકીય માળખું જીવનના અનેક ક્ષેત્રોમાં ઘૂસી ગયું હતું.પરંતુ આ કહાનીનો સૌથી સુંદર ભાગ કાયદા નથી.આ કાયદાઓ સામે ઊભેલો ભારતીય માણસ છે.અખબાર પર નિયંત્રણ આવ્યું તો પત્રકારોએ રસ્તો શોધ્યો.નાટક પર નજર પડી તો રંગમંચે પ્રતિકો અને સંકેતોમાં વાત કરવાનું ચાલુ રાખ્યું. રાજદ્રોહની કલમ આવી તો નેતાઓએ કોર્ટને જ પોતાના વિચારોનું મંચ બનાવી દીધું. મીઠા પર કાયદો આવ્યો તો ગાંધીજીએ દરિયાકિનારે જઈને મીઠું ઉપાડયું.
અને જ્યારે સમગ્ર રાષ્ટ્ર પર પરાયી સત્તાનો પડછાયો હતો ત્યારે સામાન્ય ભારતીયે ધીમે ધીમે એક વાત શીખી -
''કાયદો સત્તાનો હોઈ શકે, પરંતુ ન્યાયનો અર્થ પ્રજા નક્કી કરે છે.'' ૧૫ ઓગસ્ટે જ્યારે આપણે તિરંગાને સલામ કરીએ ત્યારે માત્ર એટલું ન વિચારવું કે ''અંગ્રેજો ગયા.'' થોડું ઊંડું વિચારવું. એક સમય હતો જ્યારે અખબારની શાહી સરકારને ડરાવતી હતી. એક સમય હતો જ્યારે પોતાની ભાષામાં લખવું પણ જોખમ બની શકતું હતું. એક સમય હતો જ્યારે નાટકનો સંવાદ સત્તાને અસ્વસ્થ કરી શકતો હતો. એક સમય હતો જ્યારે મીઠું પણ સરકારના કાયદાની બહાર નહોતું. એક સમય હતો જ્યારે જન્મના આધારે આખા સમુદાય પર ગુનાનો કલંક લગાવી શકાયતો હતો. અને એક સમય એવો પણ હતો જ્યારે સરકારને સવાલ પૂછવો એટલે જેલનો દરવાજો ખખડાવવો. આજે આપણે આ બધું વાંચીએ છીએ ત્યારે કદાચ લાગે કે આ કોઈ બીજી જ દુનિયાની વાત છે. પણ આ આપણો જ ઇતિહાસ છે. આપણી જ માટીનો. આપણા જ લોકોનો. આપણા જ અખબારોનો. અને આ જ કારણ છે કે ૧૫ ઓગસ્ટ માત્ર ઉત્સવ નથી. તે સ્મૃતિનો દિવસ પણ છે. જે દિવસે આપણે યાદ કરીએ છીએ કે આઝાદી કોઈ સરકારી જાહેરાતથી આવી નહોતી. તે લાખો સામાન્ય લોકોના અસામાન્ય સાહસમાંથી આવી હતી. કોઈએ જેલ ભોગવી. કોઈએ લાઠી ખાધી. કોઈએ અખબાર ચલાવ્યો. કોઈએ નાટક ભજવ્યું. કોઈએ મીઠું ઉપાડયું. કોઈએ કોર્ટમાં સત્ય બોલ્યું. અને કોઈએ પોતાનું જીવન આપી દીધું. આજે દરિયાના કિનારે મીઠું સામાન્ય વસ્તુ છે. અખબારમાં લખવું સામાન્ય છે. સરકારને સવાલ કરવો લોકશાહીની પ્રક્રિયા છે. પોતાની ભાષામાં વિચારવું અને લખવું આપણો અધિકાર છે.
આ બધું સામાન્ય લાગે છે કારણ કે આઝાદી આપણને અસામાન્ય સંઘર્ષ પછી સામાન્ય જીવન તરીકે મળી છે. કદાચ આ જ સ્વાતંત્ર્યની સૌથી મોટી સુંદરતા છે. અમે ભૂલી ગયા છીએ કે જે બાબતો આજે આપણને સામાન્ય લાગે છે, તેના માટે એક પેઢીએ અસામાન્ય કિંમત ચૂકવી હતી. એટલે આ ૧૫ ઓગસ્ટે તિરંગાને સલામ કરતી વખતે એક ક્ષણ માટે દાંડીના દરિયાકિનારે ઊભેલા ગાંધીજીને યાદ કરજો. અને કલ્પના કરજા - તેમના હાથમાં એક મુઠ્ઠી મીઠું છે. બીજી બાજુ સામ્રાજ્યની આખી સત્તા છે. પરંતુ ઇતિહાસ નક્કી કરી ચૂક્યો છે કે જીત કોની થવાની છે. કારણ કે સામ્રાજ્ય પાસે કાયદો હતો. ભારત પાસે સ્વતંત્ર થવાની ઇચ્છા હતી. અને અંતે દુનિયાના સૌથી કડક કાયદાથી પણ વધુ શક્તિશાળી સાબિત થઈ- એક ગુલામ પ્રજાની આઝાદ થવાની અડગ ઇચ્છા. આજે દરિયાની હવામાં મીઠાશ આવે ત્યારે કદાચ આપણને માત્ર મીઠાનો સ્વાદ ન આવવો જોઈએ. તેમાં દાંડીનો સંદેશ પણ સંભળાવો જોઈએ- ''આ મીઠું માત્ર મીઠું નથી… આ આઝાદીનો સ્વાદ છે.''