Shatdal
ગમતું ઘર કેવું હોય ?
By GS Team
1 Sep 20264 mins read

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- સાવ અજાણ્યા માણસને ય પોતાપણું લાગે એ ઘર સાચા અર્થમાં ઘર છે
આંગણું દે આવકારો,
ઘર મને એવું ગમે,
બારણા બોલે : 'પધારો' ઘર મને એવું ગમે.
હો પગરખાંનો પથારો,
ઘર મને એવું ગમે,
હોય જે ઘરને ઘસારો,
ઘર મને એવું ગમે.
કાયમી જ્યાં છમ્મલીલાં
લાગણીનાં ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો,
ઘર મને એવું ગમે.
નીંદની ચાદર હટાવે,
ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો,
ઘર મને એવું ગમે.
જે ઘરે લાગે અજાણ્યાને ય પણ પોતાપણું,
લોક ચાહે જ્યાં ઉતારો,
ઘર મને એવું ગમે.
થાકનો ભાર ઉતારે,
કોઈ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો,
ઘર મને એવું ગમે.
મંદીરો જેવું પરમ સુખ,
સાંપડે જ્યાં જીવને,
જ્યાં રહે ચડતો મીનારો,
ઘર મને એવું ગમે.
- બી. કે. રાઠોડ બાબુ
મા ણસનો સ્વભાવ એવો છે કે તેને સુંદર ગમે પણ પછી જે સુંદર છે એના માલિક બનીને એને કચડી નાંખવાનો પણ ભાવ જન્મે ત્યારે સુંદરતાની ચાહના પાછળ પડેલી વિકૃતિ બહાર આવે છે. ઘણીવાર કોઈના નવા સ્કૂટર કે નવી મોટરને ઘણા ઇર્ષ્યાળુ કારણ વગર તોડી-ફોડી નાંખતા હોય છે. કલાના ક્ષેત્રમાં જરા વાત જુદી છે. ઘણાં સારા કવિઓની ઘણી સારી કવિતાઓ ગમી જાય તો માણવાના બદલે પોતાના નામે ચઢાવી દેવાની હીન મનોદશા ઘણાં ધરાવતા હોય છે. વોટ્સએપ ઉપર ઘણાં લેભાગુ ગુ્રપ એવા ચાલે છે જેઓ માત્ર જોડકણા, વાહ-વાહ અને કોઈની કવિતા પોતાના નામે મૂકવામાં જ માને છે. બી. કે. રાઠોડ બાબુની આ કવિતા થોડા વખત પહેલા પ્રતિભા મહેતાના નામે વાંચી હતી. હમણાં કોઈ બીજા અને ત્રીજા નામે પણ વાંચી. સસ્તી પ્રસિદ્ધિથી બચવું રહ્યું.
કવિતાને સમજાવાની જરૂર નથી હોતી પરંતુ કવિતાને તે કયા સમયગાળામાં લખાઈ છે, તેના કર્તાનું જીવન કેવું છે, તેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંદર્ભો કેવા છે એમ જુદા-જુદા સંદર્ભોને ધ્યાનમાં રાખીને તપાસતા આપણને ઘણી બધી દિશાઓ ઉઘડતી દેખાય છે. પ્રત્યેક વાચક પોતાના ભીતરના સ્તર પ્રમાણે, પોતાના મનની અવસ્થા પ્રમાણે કલાકૃતિને, સમગ્ર જગતને જોતો હોય છે.
ઘર મને એવું ગમે આ ગઝલ ખરેખર તો ઘર મને કેવું ગમે તેનો જવાબ છે. આ દેશ કેવો હોય તો મને ગમે ? એવા પ્રશ્નના જવાબમાં એક ગર્ભિત વાત છુપાયેલી છે કે હજુ ઘણું-ઘણં આ દેશમાં કરવાનું બાકી છે. થવાનું બાકી છે. આટલું-આટલું નથી. આટલું-આટલું હોવું જોઈએ. બી. કે. રાઠોડ બાબુ ગુજરાતી ભાષાના એક પીઢ ગઝલકાર છે. સફળ ગઝલકાર છે પણ કોઈ કારણોસર હજુ તેમની ઉત્તમ રચનાઓ સમગ્ર ગુજરાતી પોંખવાની બાકી છે.
નિરંજન ભગતે તો કહ્યું છે કે ઘર તમે કોને કહો છો ? તેમના એ કાવ્યમાં ખૂબ સુંદર રીતે જણાવ્યું છે કે ટપાલી માત્ર જે સરનામે ટપાલ લાવે એ જ આપણું ઘર ના કહેવાય. જ્યાં પ્રેમ અને હૂંફનો અનુભવ થાય છે એ ઘર હોય છે. પ્રત્યેક વ્યક્તિ બે ઘરમાં જીવતો હોય છે. એક જે કલ્પનાનું ઘર તેને બનાવવું છે તે ઘરમાં અને બીજું એ ઘર જેમાં તેણે તેનો પ્રાણ અને પરસેવો રેડયો છે. બશીર બદ્રનો શેર યાદ આવે છે.
લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં,
તુમ તરસ નહીં ખાતે બસ્તિયાં જલાને મેં.
આ રાજકારણીઓ, આ ગુંડાઓ, આ યુદ્ધો કરનારાઓને તેમણે કહ્યું છે એ સ્પષ્ટ છે. પણ જે ન કહેવાયેલી વેદના છે એ આપણને સ્પર્શી જાય છે. લોકો આંધળા બનીને આખા વિસ્તારો સળગાવી દે છે પણ એમને ખબર નથી હોતી એક ઝૂંપડું, એક ઘર બનાવતા માણસ અંદરથી કેટલો તૂટી જતો હોય છે. આખી જીંદગી પૂરી થઈ જતી હોય છે. તૂટેલા માણસને ઘર જીવતો રાખે છે પણ જ્યારે ઘર માણસને તોડી નાંખે ત્યારે એ ઘરેઘર આશરો શોધવા માંડે છે. તમે કોઈને આશરો આપી જોયો છે ? તે કોઈને આશરો એક રાત પૂરતો ય આપી જોજો. એ દિવસે ઘર બનાવ્યાનો સંતોષ અને આનંદ બમણો થઈ જશે. જ્યાં મહેમાનો સતત આવતા હોય, જ્યાં હૃદયથી સૌને આવકારો મળતો હોય, જ્યાં લાગણીના ઝાડ ઉપર પ્રેમની વસંતો ખીલેલી હોય એ ઘર જીવનના બધા થાક ઉતારી નાંખે છે. એ ઘર જીવનના બધા દુ:ખને દૂર કરી દે છે. સાવ અજાણ્યા માણસને ય પોતાપણું લાગે એ ઘર સાચા અર્થમાં ઘર છે. આજે તો શહેરોમાં એવા અનેક ફ્લેટો અને બંગલાઓ છે જ્યાં એક છત નીચે રહેનારા અંદરથી એક નથી હોતા.
યા દેવી સર્વ ભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા….
એ પરમ શક્તિ નિદ્રારૂપે પણ બિરાજમાન છે. જો જીવનમાં નિદ્રા જ ના હોત તો ? નિદ્રાને લીધે નવજીવન મળે છે. ફરી તાજા થઈ જવાય છે. અને જ્યારે આ નિંદરની ચાદર પંખીના કલરવ હટાવે છે અને ખૂશ્બુ ભરેલી સવારો જ્યારે ઢંઢોળે છે ત્યારે ઘર જીવવા જેવું ઘર લાગે છે. કોઈ આવીને આપણા આંગણે પોતાનો થાક ઉતારે અને તેને હાશકારો મળે એ મોટી વાત છે. ઘર મંદિરો જેટલું પવિત્ર હોય જેને લીધે જિંદગીનો સિતારો ચડતો લાગે એવું ઘર કવિ કહે છે કે મને ગમે. ખરેખર તો આપણા સૌના હૃદયની વાત આ ગઝલ બનીને પ્રગટી છે. જે કવિ સમાજને ભૂલી જાય છે. સમાજ એ કવિને ભૂલી જાય છે. પ્રત્યેકના હૃદયની વાત જ્યારે કવિ કહે છે ત્યારે એ કવિતા હૃદયસ્પર્શી બની જ જતી હોય છે.




