Shatdal

અંજામે પાકિસ્તાન ક્યા હોગા?

By GS Team
18 Aug 20264 mins read
અંજામે પાકિસ્તાન ક્યા હોગા?
  • ટોપ્સીટર્વી-અજિત પોપટ
  • એવી વાતો પણ વહેતી થઇ છે કે પાકિસ્તાની લશ્કરી વડા મુનીર શાહબાઝ ખાનને પદભ્રષ્ટ કરીને પોતે લશ્કરી પ્રમુખ બની જવા અને દેશમાં લશ્કરી શાસન સ્થાપી દેવા થનગની રહ્યા છે

ઘ રઆંગણે લોકો પાસે એક ટંક ભોજનની વ્યવસ્થા નથી, પીવાના પાણીની ટંચાઇ છે, બલુચ લિબરેશન આર્મી પાકિસ્તાની પોલીસ અને લશ્કર પર હુમલા કરીને કાળો કેર વર્તાવી રહી છે, પીઓકેમાં સ્વતંત્રતાનું બ્યુગલ ફૂંકાયું છે. પરંતુ પાકિસ્તાની સરકારની ઊંઘ ઊડતી નથી. જગચૌટામાં એવી અફવા ફરતી થઇ છે કે પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ ખાનના પતનની ઘડીઓ ગણાઇ રહી છે. એવા કપરા સમયે પાકિસ્તાને સાઉદી અરેબિયા અને તૂર્કી સાથે સંરક્ષણ કરાર કરીને ગાલ પર તમાચો મારીને ગાલ લાલ કર્યા છે. છાતી ફૂલાવી છે કે હવે અમે ભારતને પાઠ ભણાવીશું.
આ તો ચકલી નાની ને ફૈડકો મોટો જેવી વાત છે. સાઉદી અરેબિયા અને તૂર્કી બંનેને ભારતના મિજાજનો પરચો મળી ચૂક્યો છે. સાઉદી અરેબિયા આજે પણ ક્રૂડ અને પેટ્રોલિયમ પેદાશની સૌથી વધુ નિકાસ ભારતને કરે છે. આજે પણ રશિયા પછી ક્રૂડના મુદ્દે સાઉદી અરેબિયા ભારતનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. પાકિસ્તાન ભલે મનમાં મલકાતું હોય, સાઉદી અરેબિયાના શેખ જાણે છે કે ભારત અમારી પાસેથી ક્રૂડ લેવાનું બંધ કરી દે તો અમારા અર્થતંત્રને બહુ મોટો ફટકો પડી જાય. ભારત સાથેના વ્યાપારી સંબંધોમાં તિરાડ પડે એ સાઉદી અરેબિયાને હાલના તબક્કે કોઇ સંજોગોમાં પરવડે એમ નથી.
રહી વાત તૂર્કીની. એક સમયે તૂર્કી સાથે પણ ભારતને સારા વ્યાપારી સંબંધ હતા. પરંતુ જમ્મુ કશ્મીરના મુદ્દે અને જિહાદી આતંકવાદના મુદ્દે અંકારાએ પાકિસ્તાનની ફેવર કરતાં નિવેદનો કરવા માંડયાં. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે ર્તૂ્કીએ એની ટીકા કરી. ભારતે આતંકવાદ વિરોધી પગલાં લીધાં ત્યારે પણ તૂર્કીએ ભારત વિરોધી નિવેદનો કર્યાં એટલું જ નહીં પણ પાકિસ્તાનને લશ્કરી સહાય પણ આપવા માંડી. ભારતે વળતો એક અક્ષર ઉચ્ચાર્યા વિના ભારત સરકારે તૂર્કી સાથેના વ્યાપારી સંબંધ તોડી નાખ્યા. તૂર્કી ડઘાઇ ગયું. એને સ્વપ્નેય એવી કલ્પના નહોતી કે ભારત આવું આકરું પગલું લેશે. હવે શું કરવું એ તૂર્કીને સમજાયું નહીં. પાકિસ્તાનને રાજી રાખવા જતાં તૂર્કીએ ભારત જેવો મોટો દેશ વ્યાપાર વિનિમયમાં ગુમાવી દીધો.
એથી પણ આગળ વધીને ભારતે તૂર્કીના સ્થાનિક હરીફો જેવા ગ્રીસ, સાયપ્રસ અને આર્મેનિયા સાથેનાં સંબંધો વધુ ગાઢ કર્યા. તૂર્કીએ આ પગલાંની પણ કલ્પના પણ નહોતી કરી. એક તરફ તૂર્કી સાથેના ભારતના વ્યાપારી સંબંધો તૂટી ગયા અને બીજી બાજુ ભારતે તૂર્કીના હરીફો સાથેના સંબંધ સુદ્રઢ કરી નાખ્યા. ઉપરાંત તૂર્કીની સેલેબી એવિયેશન જેવી કંપનીઓને અપાતા સિક્યોરિટી ક્લીયરન્સ રદ કર્યા. આમ તૂર્કીનું નાક દબાયું. તૂર્કીના પગ તળે રેલો આવ્યો એટલે એની બોલતી બંધ થઇ ગઇ.
આ સંદર્ભમાં પાકિસ્તાને સાઉદી અરેબિયા અને તૂર્કી સાથે કરેલા મક્કા જોઇન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ વિશે વિચારીએ તો ખ્યાલ આવે કે આ કરારથી ભારતને સીધી રીતે કોઇ નુકસાન કે જોખમ નથી. જો કે આપણા લશ્કરી વિકાસનાં પગલાં અને પ્રાદેશિક આયોજન સામે આ ત્રિપુટી પરોક્ષ રીતે પડકારો સર્જી શકે ખરી. અહીં ફરી પાકિસ્તાનની ઘરઆંગણાની પરિસ્થિતિ મહત્ત્વનો ભાગ ભજવી જઇ શકે. પાકિસ્તાનમાં આંતરિક શાંતિ નથી. જીવનજરૂરી ચીજોના ભાવ આસમાન પર પહોંચ્યા છે. ખેતરોને પૂરતું પાણી મળતું નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ગંભીર છે. પોતાને ફિલ્ડ માર્શલ બનાવી દેનારા પાકિસ્તાની લશ્કરી વડા મુનીર બલુચ બળવાખોરોના બહાને બલુચિસ્તાનની પ્રજા પર ભીષણ અત્યાચારો કરી રહ્યા છે. એટલું ઓછું હોય તેમ પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં પણ ઊકળતો ચરુ છે. રોજ હજારો લોકો સડક પર આવી જાય છે અને પાકિસ્તાની પોલીસ તથા લશ્કરનો પ્રતિકાર કરે છે. ઇન્ટરનેશનલ ટીવી ન્યૂઝ ચેનલ્સના કેમેરા સામે લોકો ખુલ્લેઆમ બરાડે છે કે ભારત અમને મદદ કરે. અમારે પાકિસ્તાનના નાગરિક તરીકે જીવવું નથી.
આ સંજોગોમાં એવી વાતો પણ વહેતી થઇ છે કે પાકિસ્તાની લશ્કરી વડા મુનીર શાહબાઝ ખાનને પદભ્રષ્ટ કરીને પોતે લશ્કરી પ્રમુખ બની જવા અને દેશમાં લશ્કરી શાસન સ્થાપી દેવા થનગની રહ્યા છે. આમ તો પાકિસ્તાનમાં છેલ્લાં સિત્તેર વર્ષમાં પિસ્તાલીસથી પચાસ વર્ષ લશ્કરી શાસન જ રહ્યું છે. પાકિસ્તાનને લોકશાહી પચતી નથી. થોડો સમય લોકશાહી સરકાર રહે છે પછી ફરી લશ્કરી શાસન સ્થપાઇ જાય છે. ગમે ત્યારે ગમે તે પક્ષના નેતાની હત્યા થઇ જાય છે અથવા લશ્કર એને કહેવાતા અદાલતી કેસમાં સંડોવીને સજા કરે છે. અગાઉ લશ્કરે ટેકો આપીને જગપ્રસિદ્ધ ક્રિકેટર ઇમરાન ખાનને વડા પ્રધાન બનાવ્યા. પણ જેવા ઇમરાન ખાને સ્વતંત્ર પગલાં લેવા માંડયાં અને લશ્કર સામે અવાજ ઊઠાવ્યો કે તરત ઇમરાન ખાનને કહેવાતા ભ્રષ્ટાચારના બહાને જેલમાં ઠાંસી દેવાયા. ઇમરાન તો ઠીક, એની પત્નીને પણ જેલમાં નાખી. આમ પાકિસ્તાનમાં કયારેય શાંતિ નહોતી કે સુચારુ શાસન પણ નહોતું.
જો કે આ સંજોગોમાં ભારત સરકારે પણ સાવધ રહેવાની જરૂર છે. ભારતમાં એક તરફ વિદ્યાર્થી આંદોલનના નામે વિરોધ પક્ષો સરકાર પર દબાણ વધારી રહ્યા છે. બીજી બાજુ શાસક પક્ષના જ કેટલાક લોકો રામ મંદિરના દાનમાંથી ચોરી કરીને વિપક્ષોને ઇંધણ પૂરૃં પાડી રહ્યા છે. હવે તો રામ મંદિર ઉપરાંત સિદ્ધિવિનાયક મંદિરના દાનમાંથી ઉચાપત થયાના આક્ષેપો થયા છે. અન્ય ધર્મસ્થાનોમાં પણ છાનેછપને ચીલઝડપ થયાના આક્ષેપો છે. એવા સમયે પાડોશી દેશ કોઇ અટકચાળું કરી બેસે તો નવાઇ નહીં. એટલે આપણે પણ આંખમાં તેલ આંજીને જાગતા રહેવાની તાતી જરૂર છે.