Shatdal

ભારતમાં બદલાવનો કાયમી ઉકેલ શું?

By GS Team
25 Aug 20267 mins read
ભારતમાં બદલાવનો કાયમી ઉકેલ શું?
  • તુકારામ મૂંઢે જેવા બાહોશ અને પ્રામાણિક અધિકારીઓ કેટલાક મહિનાઓ છવાયેલા રહે તે પછી તેઓની બદલી થાય અને ફરી તંત્રની હાલત 'જૈસે થે' થઈ જાય
  • વિવિધા-ભવેન કચ્છી
  • શ્રેષ્ઠ સિસ્ટમ તેને કહેવાય કે જેમાં કોઈ અધિકારીને તેની ફરજ નીભાવવા માટે 'નાયક' બનવાની જરૂર ન પડે

ભા રતીય વહીવટી તંત્ર અને લોકમાનસ વચ્ચે એક ખૂબ જ રસપ્રદ અને સંવેદનશીલ સંબંધ રહેલો છે. જ્યારે પણ કોઈ નીડર, કડક અને અપ્રમાણિક તત્વો સામે લાલ આંખ કરતો સનદી અધિકારી (IAS કે IPS) મેદાનમાં આવે છે, ત્યારે પ્રજા તેને પળવારમાં ફિલ્મી 'સિંઘમ' કે 'દબંગ'નો દરજ્જો આપી દે છે. અખબારોના પ્રથમ પાને તેમના સમાચારો ચમકે છે, સોશિયલ મીડિયા પર તેમના દરોડાના રીલ્સ વાયરલ થાય છે અને જનતાને લાગે છે કે હવે દેશ કે શહેરની તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી ગયો છે.
પરંતુ વાસ્તવિકતા એ છે કે આવા 'ડેશિંગ હીરો' જેવા અધિકારી થોડા મહિના રહે છે, દબાણો હટાવે છે, માફિયાઓમાં ફફડાટ ફેલાવે છે અને પછી અચાનક એક રાતમાં તેમની બદલી થઈ જાય છે. તેમની વિદાયના ગણતરીના દિવસોમાં પરિસ્થિતિ ફરી 'જેસે થે' એટલે કે જૂના ઢાંચામાં આવી જાય છે. રસ્તાઓ પર ફરી ગેરકાયદે દબાણો ખડકાઈ જાય છે, ટેબલ નીચેથી ચાલતી લાંચની પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ થઈ જાય છે અને કાયદો-વ્યવસ્થા ફરી જૂની ઘરેડમાં સરી પડે છે.
આ વાસ્તવિકતા એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે ઃ શું અમુક વર્ષે આવતા આવા 'સિંઘમ' અધિકારીઓ દેશમાં વાસ્તવિક અને સ્થાયી બદલાવ લાવી શકે ખરા? કે પછી આ માત્ર ક્ષણિક ઉત્સાહ છે જે વ્યવસ્થાના ઊંડા સડાને કામચલાઉ સમય માટે ઉજાગર કરે છે.
વ્યક્તિપૂજાનું મનોવિજ્ઞાાન
ભારતમાં સામાન્ય નાગરિક રોજિંદા જીવનમાં સરકારી તંત્રની ધીમી ગતિ, ભ્રષ્ટાચાર અને રાજકીય દખલગીરીથી અત્યંત ત્રસ્ત, હતાશ અને કંટાળેલો છે. સામાન્ય માણસને જ્યારે એવું લાગે છે કે કાયદાકીય પ્રક્રિયાઓ તેને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે, ત્યારે તે એક 'ઉદ્ધારક કે મસીહા'ની શોધ કરે છે. બોલિવૂડની ફિલ્મોએ પણ આ માનસિકતાને ખાતર-પાણી પૂરું પાડયું છે, જ્યાં એક જ પ્રામાણિક પોલીસ કે સનદી અધિકારી આખી વ્યવસ્થાને લાત મારીને સુધારી દે છે.અમિતાબ બચ્ચનનો ઉદય અને 'એંગ્રી યંગ મેન' તરીકેનો દબદબો નાગરિકોની આવી માનસિકતાને જ આભારી છે.
જ્યારે કોઈ નવો આઈપીએસ કે આઈએએસ અધિકારી આવીને લાલબત્તી વાળી ગાડીઓ રોકે છે, દબાણો પર બુલડોઝર ફેરવે છે કે ભ્રષ્ટ બાબુઓને રંગેહાથ પકડે છે, ત્યારે પ્રજાને તેમાં પોતાના અવાજ અને ન્યાયનો અહેસાસ થાય છે. લોકો આ અધિકારીને સંસ્થાકીય પ્રક્રિયા કરતાં મોટો માની લે છે. આ 'વ્યક્તિપૂજા' સમસ્યાનું મૂળ છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે લોકશાહી વ્યક્તિઓથી નહીં પરંતુ સંસ્થાઓ અને નિયમો (ઇેની ર્ક ન્ચુ) થી ચાલે છે.પડદા પાછળ જોઈએ તો રાજકારણીઓના દોરીસંચારથી ચાલે છે.
બદલી પછીની સ્થિતિ
ભારતના વહીવટી ઇતિહાસમાં એવા અસંખ્ય ઉદાહરણો છે જ્યાં વ્યક્તિગત ઈમાનદારી અને સાહસથી મોટો બદલાવ દેખાયો, પરંતુ તે વ્યક્તિના જતા જ બધું પાછું ધૂળમાં મળી ગયું.
સ્વ. ટી. એન શેષન સાહેબે ભારતમાં ચૂંટણી પંચની તાકાત શું છે તે દેશના નેતાઓને બતાવી આપ્યું હતું.
'ડિમોલીશન મેન' તરીકે જાણીતા બન્યા હતાં તેવા મુંબઈના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર જી. આર. ખેરનારે અંડરવર્લ્ડ, દાઉદ ઇબ્રાહિમની મિલકતો અને ટોચના રાજકારણીઓના ગેરકાયદે બાંધકામો પર હથોડો ચલાવ્યો હતો. જનતા તેમને હીરો માનતી હતી.
હરિયાણામાં આઈ. એ. એસ. અધિકારી અશોક ખેમકાએ પોતાની ૩૦ વર્ષથી વધુની કારકિર્દીમાં ૫૦થી વધુ ટ્રાન્સફર મેળવી હતી. આ અધિકારીએ જમીન કૌભાંડો, પ્રભાવશાળી રાજકીય પરિવારોના સોદાઓ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો.
કર્ણાટકના આઈ. પી. એસ. ડી. રૂપાએ જેલમાં શશિકલાને મળતી વીઆઈપી સુવિધાઓનો પર્દાફાશ કરીને જેલ પ્રશાસનના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડયો. પરિણામ શું આવ્યું? તાત્કાલિક બદલી. જેલોની પરિસ્થિતિમાં કોઈ મૂળભૂત નીતિગત સુધારો થયો નહીં.
સુરતના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર એસ. આર. રાવે ૧૯૯૪માં પ્લેગ ફાટી નીકળ્યા બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે અદભુત કામ કર્યું અને ગંદા સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવ્યું. જોકે, તેમણે અમુક સંસ્થાકીય ફેરફારો કર્યા હતા એટલે સુરત પ્રમાણમાં સારું રહ્યું છે છતાં વહીવટી સ્તરે ઉત્સાહ મંદ ધીમો પડી ગયો છે.
ઉત્તર પ્રદેશમાં દુર્ગા શક્તિ નાગપાલે રેતીના માફિયા અને ગેરકાયદેસર રેતી ખનન કરનારા સામે રાત્રિના દરોડા, વાહનોની જપ્તી અને સંયુક્ત ટીમો દ્વારા કાર્યવાહીથી ફફડાટ મચાવ્યો હતો.
ગુજરાતમાં ચિંતન વૈષ્ણવ પણ યુવા બાહોશ સરકારી અધિકારી છે અને સિંઘમ શૈલીથી કાર્ય કરતા હોઈ જ્યાં જ્યાં બદલી થાય છે ત્યાં નાગરિકો અને સાથી કર્મચારીઓનું દિલ જીતે છે. સાપુતારામાંથી તેમની બદલી થતાં સરકારના આ નિર્ણયના વિરોધમાં નાગરિકોએ એક દિવસ બંધનું એલાન આપ્યું હતું.
દેશભરમાંથી આવા તો ઘણા અધિકારીઓના ઉદાહરણ આપી શકાય. બે - ચાર વર્ષે આવા 'સિંઘમ' થોડા મહિનાઓ ફફડાટ મચાવે છે પણ દેશમાં અમેરિકા, સિંગાપોર, યુ. એ. ઈ, જાપાન કે કેટલાક પશ્ચિમ જગતના દેશો જેવું પરિવર્તન તેઓની બદલી થાય પછી આવતું નથી.
શોર્ટકટનો ભય
સિંઘમ અધિકારીઓથી ઘણીવાર ઝડપી પરિણામો લાવવા માટે કાયદાકીય પ્રક્રિયાઓનું ઉલંઘન થઈ જાય છે જેના લીધે સરકારને બદલી કરવાનું કારણ મળી જાય છે. ઉદાહરણ તરીકે, કોઈ ગેરકાયદે દબાણ તોડતી વખતે યોગ્ય કાનૂની નોટિસ ન આપવી. પરિણામે, જ્યારે મામલો કોર્ટમાં જાય છે ત્યારે સરકારે દંડ ભરવો પડે છે અથવા કોર્ટમાંથી સ્ટે આવી જાય છે.
સિસ્ટમનો પ્રતિકાર
જ્યારે એક જ વ્યક્તિ બધું સુધારવાની ઉત્કૃષ્ટ ભાવના રાખે ત્યારે એક ભયસ્થાન એ હોય છે કે , સમગ્ર વિભાગ કે કેડર અલગ પડી જાય છે.કેટલાક કર્મચારીઓ વખત જતાં ઉપરથી આવતું સસ્પેનશન, ખોટી ઈન્કવાયરી વગેરેનું દબાણ સહન કરવાની હિંમત નથી ધરાવતા હોતા.અને નીચલો સ્ટાફ સહકાર આપવાનું બંધ પણ કરી શકે છે, કારણ કે તેમને લાગે છે કે બધો શ્રેય એક જ વ્યક્તિ લઈ જાય છે.અન્ય વિભાગના સનદી અધિકારીઓ તેઓની કાર્યક્ષમતા અને પ્રાણામિકતાની રીતે ખુલ્લા પડી જતાં હોઈ તેઓ પણ આવા અધિકારીને એકલા પાડી દે છે અને બદલી કરાવવાનું રાજકારણ શરુ થાય છે.
બદલીનું બ્રહ્માસ્ત્ર
જ્યાં સુધી શાસકો પાસે બદલી અને પોસ્ટિંગની અનિયંત્રિત સત્તા છે, ત્યાં સુધી કોઈ પણ 'સિંઘમ' અમુક મહિનાઓથી વધુ ટકી શકતો નથી.અને કમનસીબે નાગરિકો આવે વખતે સરકાર વિરુદ્ધ દેખાવ કે આંદોલનો નથી કરતા.
આદર્શ વ્યવસ્થા
જો આપણે ખરેખર ભારતનો કાયમી વિકાસ અને ભ્રષ્ટાચારમુક્ત વહીવટ જોઈતો હોય, તો આપણે 'વ્યક્તિ-કેન્દ્રિત શાસન'માંથી બહાર આવીને 'પ્રક્રિયા-કેન્દ્રિત શાસન' તરફ આગળ વધવું પડશે.
આદર્શ વહીવટી તંત્રના મુખ્ય સ્તંભો કેવા હોવા જોઈએ તે જોઈએ તો નાગરિકો માટે ટેકનોલોજીસભર અને ફેસલેસ પ્રશાસન જરૂરી છે.
જેટલી સત્તા અધિકારીની અંગત સત્તાને આધીન રહેશે રહેશે, તેટલો ભ્રષ્ટાચાર વધશે. સરકારી સેવાઓ (દાખલા તરીકે ઃ લાયસન્સ, જમીનની નોંધણી, નકશા પાસ કરવા, ટેક્સ આકારણી) સંપૂર્ણપણે ડિજિટલ અને 'ફેસલેસ' હોવી જોઈએ. કોઈ અધિકારીને મળવાની જરૂર જ ન હોય તેવી સિસ્ટમનો વ્યાપ દૂર દૂરના ગામડા સુધી અનિવાર્ય છે.
જો કોઈ નાગરિક નિયમ મુજબ દસ્તાવેજ જમા કરે, તો નિર્ધારિત સમયમાં તેને મંજૂરી મળવી જ જોઈએ. જો સમયમર્યાદા ચૂકી જવાય, તો તેને 'ડીમ્ડ અપ્રુવલ' (આપોઆપ મંજૂરી) ગણી લેવી જોઈએ અને સંબંધિત કર્મચારીના પગારમાંથી દંડ થવો જોઈએ.
સિવિલ સર્વિસ બોર્ડ
સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં 'ટી. એસ. આર. સુબ્રમણ્યમ વિરુદ્ધ ભારત સરકાર' કેસમાં આદેશ આપ્યો હતો કે અધિકારીઓની બદલી માટે સ્વતંત્ર બોર્ડ હોવું જોઈએ અને ઓછામાં ઓછો ૨ વર્ષનો નિશ્ચિત કાર્યકાળ મળવો જોઈએ. આમ છતાં રાજકારણીઓ પોતાની મરજી મુજબ રાતોરાત બદલી કરતા હોય છે. કોર્ટનો ચુકાદો હોવા છતાં આવું શું કામ બને છે તેની સ્પષ્ટતા થવી જરૂરી છે. બદલીઓ રાજકીય વફાદારીને આધારે નહીં, પરંતુ વાર્ષિક પ્રદર્શન મૂલ્યાંકન પર થવી જોઈએ.જો કે આવે વખતે સિંઘમ અધિકારીના સમર્થનમાં કોઈ આગળ નહીં આવે કેમ કે ઘણા અધિકારીઓથી માંડી નીચેના લેવલના સ્ટાફ સુધી બધાને ભ્રષ્ટાચારમાં હિસ્સો જોઈતો હોય છે.
દેશને માત્ર ''ભ્રષ્ટાચાર પકડનારા અધિકારીઓ'' નહીં, પરંતુ ''ભ્રષ્ટાચાર થવાની શક્યતા ઘટાડતી સિસ્ટમ બનાવનારા અધિકારીઆ'' પણ જોઈએ.
સંસ્થાકીય સ્વાયત્તતા
તપાસ એજન્સીઓ (સી. બી. આઈ., એન્ટી કરપશન , લોકાયુક્ત, ઈ. ડી., પોલીસ તંત્ર વગેરે) ને સંપૂર્ણ નાણાકીય અને વહીવટી સ્વાયત્તતા મળવી જોઈએ જેથી તેઓ સત્તાધારી પક્ષ કે વિપક્ષના દબાણ વગર ભ્રષ્ટાચાર સામે પગલાં લઈ શકે. તંત્રની અંદર રહીને ગેરરીતિ ઉજાગર કરનારા કર્મચારીઓને પણ કાયદાકીય કવચ મળવું જોઈએ.
વર્ક કલ્ચર
કોઈ એક કમિશનર સારો હોય તો જ રસ્તા સાફ થાય અને બીજો આવે એટલે ગંદકી થાય, તે વ્યવસ્થાની ખામી દર્શાવે છે.
દરેક વિભાગમાં કામ કરવાની લેખિત કાર્ય શરુ કરવાની અને પૂર્ણ કરવાની એક નિશ્ચિત પ્રક્રિયા હોવી જોઈએ જે બધા જ વિભાગ અને અધિકારીઓને લાગુ પડે. હોવી જોઈએ. કચરો ક્યારે ઉપડશે, ખાડા કેટલા કલાકમાં પુરાશે, ફરિયાદનું નિવારણ કેટલા દિવસમાં થશે - આ બધું વ્યક્તિ પર નહીં, સિસ્ટમના ડેશબોર્ડ પર ચાલવું જોઈએ.
નાગરિકોની સક્રિયતા
નાગરિકોએ માત્ર તાળીઓ પાડનાર પ્રેક્ષક બનવાને બદલે સક્રિય ઓડિટર બનવું પડશે. સોશિયલ ઓડિટ, આરટીઆઈનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સ્થાનિક વોર્ડ સમિતિઓમાં ભાગીદારી દ્વારા વહીવટીતંત્ર પર સતત દબાણ રાખવું જરૂરી છે.
વાસ્તવિકનો માર્ગ
સનદી અધિકારીઓમાં ઈમાનદારી, સાહસ અને નૈતિક મૂલ્યો હોવા ખૂબ જરૂરી છે, તેમના ઉત્સાહનું સ્વાગત થવું જોઈએ. પરંતુ એ માનવું કે અમુક ઉત્સાહી અધિકારીઓ આખા દેશનું ચિત્ર કાયમ માટે બદલી નાખશે, તે એક ભ્રમણા છે.
હીરો સુધારાની શરૂઆત કરી શકે છે, પ્રેરણા આપી શકે છે, પરંતુ તે સુધારાને કાયમી બનાવવાનું કામ મજબૂત કાયદા, આધુનિક ટેકનોલોજી, સંસ્થાકીય સ્વાયત્તતા અને પારદર્શક સિસ્ટમ જ કરી શકે છે. જ્યાં સુધી દેશમાં ''અધિકારી કોણ છે?''એ મહત્વનું રહેશે અને ''નિયમ શું છે?'' એ ગૌણ રહેશે, ત્યાં સુધી આપણે દર પાંચ વર્ષે નવા 'સિંઘમ'ની રાહ જોતા રહીશું અને તેમની બદલી પછી જૂની લાચારીમાં જીવતા રહીશું. સાચો વિકાસ ત્યારે ગણાશે જ્યારે સિસ્ટમ એટલી મજબૂત બને કે સામાન્ય અધિકારી પણ ઉત્કૃષ્ટ પરિણામ આપવા માટે બંધાયેલો હોય.
જ્ઞાાન પોસ્ટ
શાહરુખ ખાન અને અજય દેવગણને નોટિસ મળી એટલે દેશભરમાં ચર્ચા થઈ રહી છે.
કાલે કોઈ મોટી કંપનીને નોટિસ મળશે તો મીડિયામાં તે સમાચાર બનશે.
કોઈના ધંધા કે ઉત્પાદન એકમ પર બુલડોઝર ફરશે તો અધિકારી હીરો બની જશે.
પરંતુ કદાચ આ બધાથી મોટા સમાચાર તો એવા હોવા જોઇએ કે એક સામાન્ય નાગરિકને સહજતાથી સેવા મળે.