થરમોન્યુક્લીઅર બોમ્બ શું છે?

- હરતાં ફરતાં-વિક્રમ વકીલ
યુરેનિયમ કે પ્લુટોનિયમ જેવી ધાતુના અણુ પર આઘાત કરીને તેનું વિભાજન કરો તો તેમાંથી પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે. પણ તેથીય અનેક ગણી શક્તિ ફાટે છે સંયોજન (ફયુઝન)થી. પણ સંયોજનની પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રચંડ ગરમીની જરૂર પડે. કરોડો ડિગ્રી તાપમાનની. આથી સામાન્ય ભાષામાં કહીએ તો ફયુઝન બોમ્બમાં એક નાનો અણુબોમ્બ મૂકવામાં આવે છે. તેના ફીઝન વડે જોઈતી પ્રચંડ ગરમી ઉત્પન્ન કરીને ફયુઝનની પ્રક્રિયા સાધવામાં આવે છે. આથી આવા બોમ્બને થરમોન્યુક્લીઅર બોમ્બ પણ કહે છે. સંયોજનથી અણુનું કદ વધે છે તેથી તેમાં યુરેનિયમ જેવી ભારે ધાતુ વાપરવાને બદલે હાઇડ્રોજન જેવો અત્યંત હલકો પદાર્થ વાપરવામાં આવે છે - હાઇડ્રોજનના આઇસોટોપ પણ. આથી તેને હાઇડ્રોજન બોમ્બ પણ કહે છે. હાઇડ્રોજનના બે આઇસોટોપ છે - ડયુટેરિયમ (ડી) અને ટ્રિટિયમ (ટી). આ બંનેના સંયોજનમાંથી જ પેદા થાય છે ભયાનક ઊર્જા. સૂર્યમાંથી નીકળતી પ્રચંડ ગરમી સતત લાખો હાઇડ્રોજન બોમ્બ ફૂટતા રહેવાને કારણે છે. આમાં ટ્રિટિયમ કિરણોત્સર્ગી છે. પણ તે વગર થરમોન્યુક્લીઅર બોમ્બ બને નહીં. આથી ટ્રિટિયમ મેળવવા અમેરિકા જેવી મહાસત્તાઓઅ ખર્ચાળ ટેક્નોલોજી અપનાવી છે. તેઓ હિલિયમ પર ન્યુટ્રોનનો મારો ચલાવી તેમાંથી હાઇડ્રોજન અને ટ્રિટિયમ જુદા પાડે છે. અથવા લિથિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પર તેવો મારો ચલાવી ટ્રિટિયમ મેળવે છે.
જિદ્દુ કૃષ્ણમૂર્તિ અને એમના માતા-પિતા
જિદ્દુ કૃષ્ણમૂર્તિ આંધ્રના મદનપલ્લી ગામે મે ૧૮૯૫માં જન્મ્યા હતા. તેમના પિતા શિવપંથી બ્રાહ્મણ હતા. તેલુગુ બોલતા આ કુટુંબમાં કૃષ્ણમૂર્તિ આઠમા બાળક હતા અને દ. ભારતમાં પ્રણાલિકા મુજબ આઠમા બાળકનું નામ કૃષ્ણ ઉપરથી રખાતું. કૃષ્ણમૂર્તિ સ્કૂલના ભણતરમાં ઠોઠ હતા. તેમની માતા કૃષ્ણમૂર્તિ નાના હતા ત્યારે જ ગુજરી ગયા. કૃષ્ણમૂર્તિની માતાને શ્રદ્ધા હતી કે તેનો પુત્ર મોટો માણસ થશે. આ વાતની તેમને એટલી બધી ખાતરી હતી કે કૃષ્ણમૂર્તિની માતાએ કૃષ્ણમૂર્તિ જન્મવાના હતા ત્યારે ડિલિવરી રૂમ તરીકે પૂજાનો રૂમ પસંદ કર્યો હતો. કૃષ્ણમૂર્તિએ હંમેશાં તેમનાં માતાને લાગણીપૂર્વક યાદ કર્યાં છે. કૃષ્ણમૂર્તિના પિતાનું નામ નારાયણ હતું. પિતા પ્રત્યે તેમને ખાસ લાગણી જણાતી નહીં. નારાયણને અગિયાર બાળકો થયાં તેમાંથી માત્ર છ જીવ્યાં. કૃષ્ણમૂર્તિના પિતા સરકારી ઑફિસર હતા તેથી તેમની વારંવાર બદલી થતી. કૃષ્ણમૂર્તિના જન્મ પહેલાં નારાયણ થિઓસોફિસ્ટ બન્યા. રશિયામાં જન્મેલા એની બેસન્ટે એક અંગ્રેજ સાથે લગ્ન કરેલાં. તેમણે અને બીજા અમેરિકને થિઓસોફિકલ સોસાયટી સ્થાપેલી. આ સોસાયટીવાળાએ મંત્ર, તંત્ર, અધ્યાત્મ, હિન્દુધર્મ અને બીજા ધર્મોના સિદ્ધાંતોનું મિશ્રણ કરીને પોતાની અલગ વિચારધારા સ્થાપેલી. એની બેસન્ટ અને બીજા થિઓસોફિસ્ટ લેડબીટર આ વિચારધારા મુજબ આ જગતમાં કોઈ બોધિસત્વ જેવો બીજા અવતાર આવશે અને તેની ખોજ તેમણે કરવાની છે તેવું માનતાં. આવા અવતારની શોધમાં લેડબીટર અને ઍની બેસન્ટ ભારતમાં ફરતાં હતાં.
અવકાશમાં
અવકાશયાત્રીને ભય
અવકાશમાં ભંગારરૂપે ૬,૭૦૦ જેટલી ચીજો વિચરે છે. આ અવકાશ કચરામાં અનેક ભંગાર કે કચરો છે. અવકાશયાનોને આ કચરાનો ખાસ ભય છે. સૌથી મોટો ભય નાની નાની ૩૫ લાખ જેટલી કરચોનો છે. આ બધી સોય જેવડી કરચો કલાકના ૧૭,૦૦૦ માઇલની ઝડપે અવકાશમાં ફરે છે જો અવકાશયાત્રીને વાગે તો રામ રમી જાય. એક કાંકરી જેવી કરચની અસર ચાર મોટા હાથબૉમ્બ જેવી હોય છે. ત્રીજો ભય, અવકાશયાત્રી અવકાશમાં પેશાબ કરે છે, આ પેશાબનાં ટીપાં થીજી જઇને કલાકના ૩૦,૦૦૦ માઇલની ઝડપે વિહરે છે. એક ક્યુબિક સેન્ટિમીટર પેશાબનું ટીપું કોઈ બીજા અવકાશયાત્રીને કપાળે ૧૧૦ માઇલની ઝડપે અથડાય.
૧૦૨ વર્ષથી અનોખી રીતે સચવાતું લેનિનનું શબ
જગતમાં સૌથી વધુ સારી રીતે અને મોંઘી રીતે સચવાયો હોય તો લેનિનનો મૃતદેહ છે. સોવિયેત સંઘમાં લેનિનાબાદ અને લેનિનગ્રાડ નામનાં બે શહેરો છે. ક્યુબા અને ચીલીમાં ઘણાં માબાપે તેમનાં બાળકોનું નામ લેનિન રાખ્યું છે. મોસ્કોના રેડ સ્કવેરમાં આજે પણ લેનિના મૃતદેહને જોવા માટે લાઇનો લાગે છે. માત્ર રશિયનો જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ મોસ્કો આવે ત્યારે બે માઇલ લાંબી ક્યુમાં ઊભા રહે છે. દરેક એક મિનિટે ત્રણ વાર લાંબી ક્યુના માણસોને ધકેલવામાં આવે છે. લેનિનના પૂતળાને કોઈ પ્રવાસી ઇજા કરવાને ઇરાદે આવે છે કે નહીં તે તપાસવા ક્યુમાં ઊભેલાની રશિયન સૈનિકો પૂછપરછ કરે છે. કોઈની પાસે કેમેરા હોય તો તેને લાઇનની બહાર કઢાય છે. વ્યક્તિના ડ્રેસ પરથી શંકા પડે તો ક્યુમાંથી કાઢી નખાય છે. એકદમ મિલિટરી ઢબે ક્યુમાં ઊભા રહેવું પડે. વાંકીચૂંકી લાઇન કરનારનું અપમાન થઈ જાય. પ્રેક્ષકો પાસેથી પકડાયેલાં શસ્ત્રોને પણ પ્રદર્શનમાં રખાયાં છે. પ્રવાસીએ કોટ અને શર્ટ પહેર્યાં હોય તેનાં બટન પૂરેપૂરાં બંધ હોવાં જોઇઅ. રશિયાના મહાન નેતાના મૃતદેહનાં દર્શને જતી વખતે સંપૂર્ણ શિસ્ત સાથે જવું પડે. દર્શન કરવા જનાર વ્યક્તિએ પોતાના મસ્તક પરથી ટોપી કે હેટ ઉતારી લેવાં પડે છે. મૃતદેહની આજુબાજુ ચહેરા પર એકદમ પથ્થર જેવી કડક રેખા રાખનારા કે.જી.બી.ના સંત્રીઓ ઊભા હોય છે. લેનિનનું પૂતળું રેડ સ્કવેરના ભોંયતળિયે રખાયું છે. એક કબર જેવા પ્લેટફોર્મ પર લેનિનના મૃતદેહને કાચના ઘરમાં રખાયો છે.
સ્પેનની જોખમી રમત
સ્પેનના પેમ્પલોના ગામમાં દર વર્ષે સાતમી જુલાઇએ સવારે આઠ વાગ્યે એક રોકેટ છોડીને સંકેત આપવામાં આવે છે કે આખલાઓને છૂટા મૂકો. આખલાઓ ગામની સડકો પર ૮૦૦ મીટરનું અંતર કાપીને રિંગ સુધી પહોંચે છે. એ રિંગમાં બપોર પછી દિલધડક બુલફાઇટ યોજાય છે. પરંતુ એ ફાઇટ પહેલાં સવારના ભાગમાં જ્યારે ભુરાટા આખલાઓને સડકો પર છૂટા મૂકવામાં આવે છે ત્યારે દસેક હજાર લોકો ચાહીને સડકો પર હાજર રહે છે. પછી ૪૦૦ કિલોના આખલાઓની એડીથી બચવા માટે ૭૦-૮૦ કિલોના માણસોની નાસભાગ ચાલે છે. બાલ્કનીમાં ઊભા રહીને તમાશો જોનારા મોજ લૂંટે છે અને ગલીઓમાં હાજર રહેનારો કોઈ કમભાગી કયારેક જાન પણ ગુમાવે છે.




