Shatdal

જીવન શું પામ્યું ?

By GS Team
21 Jul 20265 mins read
જીવન શું પામ્યું ?

ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
નાના નાના કામો,સારા વિચારો કે સારી વર્તણૂંક ક્યારેક વ્યક્તિની સંપત્તિ કે ઓળખ બની જાય છે


જી વન પારદ જેવું છે. તમે આંગળી મૂકવા જાવ અને તરત એ ખસી જાય. જીવનને પકડયું, પકડયું એમ તો ઘણાંક કહે છે પણ જીવન ખરેખર પકડાય છે ખરું ? અને જો પકડાયેલું હોય એવું લાગતું હોય ત્યારે સાચ્ચે જ તે પકડાયું હોય છે કે કેમ તેની ખાત્રી કરવી જોઈએ. શું છે આ જીવન ? આપણાથી તે અતિરિક્ત છે ? કંઇક અલગ બાબત છે ? કે પછી આપણે જે છીએ, આપણું જે અસ્તિત્ત્વ છે તે જ જીવન છે ? જો તેમ છે તો પછી હું કે તમે એ જ જીવન છે. ઈશ્વરે, માતા-પિતાએ આપેલો આપણો અવતાર છે. આપણું હોવાપણું અને જીવન પરસ્પરમાં, જળમાં ભળી જતી કોઈ વસ્તુ જેવું છે.
ઘણા ક્યારેક પૂછે છે : હું જીવન પાસેથી શું શીખ્યો ? અરે, ભલાદમી, જીવન તો તું છે, તને મળેલી દૈવી ભેટ છે હવે તારે જ તેના કર્તા અથવા હર્તા પણ બનવાનું છે. એટલે ખરું તો જાતને અવળેથી પ્રશ્ન કરવો રહે - મારી પાસેથી મારું જીવન શું શીખ્યું ? નકશો તો તારે દોરવાનો છે, રેખાઓ કઈ, કેવી રીતે ઉપસાવવી તે પણ તારે વિચારવાનું છે, પછી રંગપૂરણી પણ તારે જ તારી મનગમતી કરવાની છે. તું સારું કરી શકે, ખોટું પણ કરી શકે. સીધો ચાલી શકે કે ઠોકરો ખાતો પણ આગળ વધી શકે. કોઈને હરાવીને આગળ વિજયનું ડિમ્ ડિમ્ વગાડતો રહે અથવા ખુદ હારીને બીજાને જીતાડવાનો યશ પણ લઈ શકે. કોઈને અડી-નડીને પણ તું ડગલાં ભરી શકે કે કોઈને અડયા-નડયા વિના પણ તારો માર્ગ તું શોધી શકે. જીવન તો તને દરેક પળે નવું કશુંક આપવા-શીખવવા તૈયાર છે જ. તારી પાસે તારો આત્મા માર્ગદર્શક છે. પણ એ માર્ગદર્શકની અવહેલના કરી, તારા બુદ્ધિચાતુર્યથી નિર્ણય લઈ કશુંક અજુકતું કરી બેસે તો પળ એ ય તારી જ ભૂલનું પરિણામને ? જીવન-આત્મા ત્યારે પણ તને ટકોરો તો મારશે જ પણ બુદ્ધિ ચાપલ્યને ત્યાં સુધી અહમ્નો સાથ મળી જતાં તું કોઈનું સાંભળશે જ નહિ ને ? આ જ જીવનની ખરી મજા છે. તે તને પરિસ્થિતિ સામે મૂકે છે, ક્યાંક પ્રલોભન સામે મૂકે છે, ક્યાંક તારી લાલસાને તે ઉત્તેજિત કરવા પ્રેરે છે, ક્યાંક તને શક્તિ કરતાં પણ વધુ મહત્ત્વાકાંક્ષી બનાવે છે, ક્યાંક તને કશીક બોધરૂપ ક્ષણ પણ સંપડાવી આપે છે, ક્યારેક ખડબચડ કે દુર્ગમ રસ્તા પર ચાલવા પણ તકાજો કરે છે, ક્યાંક લીલાસભર ક્ષણોનું સપનું દેખાડે છે તો ક્યાંક તને આવનાર અમંગલની એંધાણી પણ આપે છે, ક્યારેક હર્ષનાં તો ક્યારેક શોકનાં આંસુની પરિભાષા પાસે પણ તું મૂકાય છે, ક્યારેક તને મૌન રહેલા કે ક્યારેક મુખર થવા માટે પણ એનો ઈશારો હોય છે, ક્યાંક ગતિને તીવ્ર કરવા કે તીવ્ર ગતિને ધીમી પાડવા માટે પણ સંકેત કરે છે, ક્યાંક તે તને જ્યાં છું ત્યાં બેસીને શોભી જવા માટે પણ સૂચવે છે. ક્યાંક છોડી-તજી દેવા તરફ તને વાળે છે કે ક્યાંક પકડી રાખવા પણ તકાજો કરે છે. ક્યાંક તે તને દુ:સહ અનુભવ પાસે લાવીને ખડો કરી દે છે તો ક્યાંક અઘરી લાગતી બાબતને સાવ સહેલી-સરળ બનાવી દે છે આ બધું તારા-મારા કોઈનાય પણ જીવનમાં ઓછેવત્તે અંશે બનતું જાય છે, બનવું જોઈએ. બસ, ત્યાં જ આપણી મસમોટી કસોટી છે. જ્યાં આવું બને છે ત્યાં આપણે કયો માર્ગ ગ્રહણ કરીએ છીએ કે કેવો નિર્ણય લઈએ છીએ એ સૌથી મહત્ત્વનું લેખાય છે. ત્યાં ઉતાવળ ન ચાલે, ત્યાં બીજાના જીવનનું દેખાદેખીનું પણ ન ચાલે, ત્યાં અવિવેક પણ ન ચાલે. ત્યાં સારાસાર, નીરક્ષીર તોલન બુદ્ધિ કામ આપે. ત્યાં ટૂંકા-લાંબા સમયના આપણા આયોજન વિશે વિચારવું પડે. ત્યાં આપણા સારા ગણાતા મિત્રોના જીવન પ્રસંગોમાં આ કે એવી બીજી ઘટનાઓ બની હોય અથવા એવી પળના એના અનુભવો કેવા હતા તેનું સ્મરણ કરવું રહે, ત્યાં વાંચેલા પુસ્તકોમાંથી પણ કડીઓ શોધી શકીએ. ત્યાં નફા-નુકસાનનો વિચાર કે મારા-તારાનો વિચાર કરવાનો નથી ત્યાં આત્માએ સૂઝાડેલા નકશાની રેખાઓ સિદ્ધ થશે કે કેમ તે પણ વિચારવાનું છે. ક્યારેક અણગમતું બને તે પણ ભવિષ્યમાં ઘણુંબધું આપતું જતું હોય છે. ધંધામાં ખોટ જવી, ધારેલો વિજય હારમાં પરિણમવો, યોગ્ય સમયે પદોન્નતિ ન થવી, યોગ્ય સમયે પોતાની શક્તિઓને સ્વીકૃતિ ન મળવી વ. બાબતો તાત્કાલિક 'ગૂમાવ્યા'નો અનુભવ જરૂર કરાવે, પણ એવા અનુભવો વડે જીવન ક્યારેક મહત ફાયદાઓ પણ કરાવી જતું હોય છે, તે કોઈક એવા અનુભવનું ભાતું બાંધી આપે છે કે આખા આયખાનો તે પથદર્શક બની રહે. એટલે વાત તો દરેક ક્ષણે કશુંક શીખવાની છે જ. જીવન સસ્મિત તમારી સામે પ્રેમનો ગજરો લઈને જ ઊભું છે. પણ બધી વેળા આપણી અપેક્ષા ધરાતલી નથી હોતી તેથી દુ:ખાનુભવ કરી રહીએ છીએ.
વાત તો દરેક વાદળને છેડે કશીક પ્રકાશ રેખા છુપાયેલી છે એ સમજનો છે. જીવનમાં જે કંઈ બને છે એ સાવ અકસ્માત જેવું હોતું નથી. સારો-માઠો જે અનુભવ થાય તેનો સમગ્ર રૂપે સ્વીકાર કરવાનો છે. એમાં ગ્રસ્ત થયા વિના કે એનાથી ત્રસ્ત થયા વિના પુન: ઊભા થઈને ગતિ આરંભવાનો છે. ફરિયાદ કરવાથી નહીં, પણ તેમાંથી નવો પાઠ લઈ આપણે ખીલવાનું છે. મુશ્કેલીઓ પણ કશોક સબક શીખવવા માટે હોય છે. વિપરીત પરિસ્થિતિ વચ્ચે અડોલ રહેવાનું છે. વારંવાર પરાજિત થનાર કોઈ ક્ષણે જીતીને રહે છે, અનેકવાર ખોઈ બેઠેલો વ્યક્તિ ક્યારેક પારાવારનું મેળવી પણ લે છે. ઉત્તમ વ્યક્તિઓનાં જીવનનાં પૃષ્ઠો એવી વીતક કથાઓથી જ ભરેલાં હોય છે. માત્ર આપણો ઉદ્દેશ ઊંચો હોવો જોઈએ, આપણા વિચારો કલ્યાણકારી હોવા જોઈએ. આપણે જીવનને એક તરફ શીખવીએ અને બીજી બાજુ તેની પાસેથી શીખીએ એવો ઇશ્વરે ઘટનાક્રમ રાખ્યો છે. નાના નાના કામો,સારા વિચારો કે સારી વર્તણૂંક ક્યારેક વ્યક્તિની સંપત્તિ કે ઓળખ બની જાય છે.

પ્રાપ્તિ કરતાં શીખવામાં તે એ પ્રકારે શ્વાસ ભરતા રહેવામાં કંઈક જુદો આનંદ છે. પ્રયત્ન પોતાનો હોય તો થોડું એક મેળવેલું પણ મોટી મિરાંત બની જાય છે. સપનાં પડકાર જરૂર છે પણ મોટાં સપનાં, મોટા પડકાર ઝીલી શકે એ જ રાખી શકે એ સ્મરણમાં રાખવા જેવું છે. જીવન જે છે તે, જેવું છે તેવું, એક આશા, એક જોમ, ઊર્જા અને આગથી જીવવું રહે. શ્વાસ ભરવો એનાથી કંઈક જીવવાની બાબત ભિન્ન છે એમ ફહમી બદાયૂ જેવો કવિ કહે છે તે અહીં યાદ આવે છે. સાર્ત્ર જેવો સર્જક પણ તેથી ભારપૂર્વક કહેતો આવ્યો છે : તમે જેવું ઈચ્છશો, જે રીતે જીવશો કે જીવનને ઘડવા પ્રયત્નો કરશો એ રીતે જ છેવટે તમે બની રહેશો.