Shatdal

લવ-મેરેજથી શું મળ્યું?

By GS Team
15 Sep 20265 mins read
લવ-મેરેજથી શું મળ્યું?
  • રજનીગંધા-વિભાવરી વર્મા
  • જૈમિન વારંવાર પેલી પૈસાદાર શૈફાલીનું ફેસબુક પેજ ખોલીને જોયા કરતો. ભલે શૈફાલી શરીરે થોડી ભરાવદાર ખરી, પણ શું એનો ઠાઠ ! શું એની સ્ટાઈલ ! અને શું એનો વૈભવ !

'તું સમજતો કેમ નથી ? આપણા બાબાને મોલમાં ફરવા લઈ જવાની કેમ ના પાડે છે ?'
'કેમકે મોલમાં ગયા પછી એ પેલી સ્ટારબક્સની મોંઘી, દોઢસો રૂપિયાવાળી કોફી પીવાની જીદ કરશે, ત્યાંની કોઈ ફેન્સી આઈસક્રીમ બ્રાન્ડનો આઈસક્રીમ ખાવાની જીદ કરશે, અને છેવટે કંઈ નહીં તો તારા મોબાઈલથી કોઈ મનગમતા ટી-શર્ટનો ફોટો પાડીને રોજ મારું માથું ખાશે કે પપ્પા, મને આવું ટી-શર્ટ ક્યારે લઈ આપશો ?'
જૈમિન અને પુનિતાનાં લગ્ન થયાંને આજે છ વર્ષ થઈ ગયાં હતાં. એમને ધૈર્ય નામનો ત્રણ વર્ષનો બાબો પણ હતો. છતાં લગભગ દર રવિવારે આવી ચણભણ થયા વિના રહેતી નહોતી.
નવાઈની વાત એ પણ ખરી કે જૈમિન અને પુનિતાનું લવ-મેરેજ હતું ! છતાં આજે જૈમિન એના નસીબને કોસતો હતો :
'મારું નસીબ જ ફૂટેલું છે….બાકી કોલેજના ફાઈનલ યરમાં હતો ત્યારે જ મારી નાતની અત્યંત પૈસાદાર બાપની છોકરી શૈફાલીનું માગું આવ્યું હતું ! એ તો હું જ ડફોળ હતો કે મને પુનિતાના પ્રેમમાં હોવાનો વહેમ હતો.'
બાકી પુનિતાને છોડીને શૈફાલીને પરણી ગયો હોત તો આજે જલસા કરતો હોત ને !'
ગ્રેજ્યુએટ થયા પછી જૈમિનને માંડ માંડ એક પ્રાઈવેટ સ્કૂલમાં ટિચરની નોકરી મળી હતી. પરંતુ પગાર સાવ ઓછો. ઉપરથી ક્યારે નોકરીમાંથી કાઢી મુકે એની કોઈ ગેરંટી નહીં.
ઘરના ખર્ચાને પહોંચી વળવા પુનિતા પણ એક સ્ટોરમાં સેલ્સ પરસનની જોબ કરતી હતી. એમાં પણ આઠ કલાક ખડે પગે ઊભા રહેવા છતાં પગાર સાવ મામૂલી હતો.
એમાં વળી ધૈર્યનો જન્મ થયો…
જૈમિન વારંવાર પેલી પૈસાદાર શૈફાલીનું ફેસબુક પેજ ખોલીને જોયા કરતો. ભલે શૈફાલી શરીરે થોડી ભરાવદાર ખરી, પણ શું એનો ઠાઠ ! શું એની સ્ટાઈલ ! અને શું એનો વૈભવ!
જૈમિન જલીને ખાક તો ત્યારે થઈ ગયો જ્યારે એને ખબર પડી કે એની જ કોલેજમાં એનાથી ત્રણ વરસ સિનિયર મિતુલ નામનો સાવ મામૂલી છોકરો શૈફાલીનો પતિ બન્યો હતો !
અને શી રીતે ? ફક્ત એક જ કારણસર, કે મિતુલની જ્ઞાતિ સેઈમ હતી ! બાકી એ તો જૈમિન કરતાં પણ વધારે કડકો હતો. પણ ફેસબુકમાં જે ફોટા આવતા હતા એમાં એની આખી રંગત જ અલગ હતી. ક્યારેક એ મર્સિડીઝ ચલાવતો દેખાય તો ક્યારેક એના સસરાની વિશાળ ફેકટરી પાસે પોઝ આપીને ઊભેલો દેખાય….
'નસીબ…નસીબ….' જૈમિન હજી બબડી રહ્યો હતો. ત્યાં પુનિતાએ આવીને કહ્યું :
'જો, ધૈર્યએ પ્રોમિસ આપ્યું છે કે એ કંઈપણ ખરીદવાની જીદ નહીં કરે ! એક રૂપિયાનો પણ ખર્ચ નહીં કરાવે.' હવે તો ચાલ ?
છેવટે જૈમિનને હા પાડયા વિના છૂટકો નહોતો. છતાં એ મનમાં બબડતો રહ્યો : 'પ્રોમિસ તો આપે છે પણ આજે બસ્સો પાંચસોની ટાલ પડાવ્યા વિના રહેવાનો નથી. છેવટે પુનિતા જ કંઈક ખર્ચો કરાવશે…'
કચવાતે મને જૈમિન મોલમાં આવ્યો હતો. જોકે ધૈર્યને અહીંના ફૂલ એસીવાળા માહોલમાં આમતેમ ફરવાની મજા પડી રહી હતી. નીચે ફોયરમાં કોઈ કંપનીના પ્રમોશન માટે જાદૂના ખેલ ચાલી રહ્યા હતા. આમ પણ આ મફતનું મનોરંજન હતું એટલે ધૈર્ય પુનિતાને ત્યાં ખેંચી ગયો.
જૈમિનને કોઈ જાદૂમાં રસ નહોતો. તે મોલના ઉપરના ફલોર પર આંટા મારતો હતો.
ત્યાં જ એની નજર સામેથી આવી રહેલી એક મહિલા ઉપર પડી. એ શૈફાલી હતી !
આહાહા…શું એનો રૂઆબ હતો ? હા, ફેસબુકમાં હતી એનાં કરતાં ઘણી જાડી દેખાતી હતી પણ એનો મોંઘો ઈમ્પોર્ટેડ સ્લીવલેસ ડ્રેસ, ગોલ્ડન કલરથી રંગેલી એના કર્લી વાળની સુંવાળી લટો, એની બ્યુટિ ટ્રિટમેન્ટથી ચમકતી ચામડીવાળી આખી લચીલી કાયા, ડીપ-નેક છાતી પર લટકતી મોંઘા એમરલ્ડ્ઝની માળા, કાનમાં એકાદ પેરિસની કોઈ જ્વેલરી શોપમાંથી ખરીદેલાં મોટાં એરિંગ્સ…
અને છેક પંદર ફૂટ દૂરથી મઘમઘતું હોય એવું માદક ઇમ્પોર્ટેડ પરફ્યુમ…આહાહા !
જૈમિનને થયું કે એ હમણાં જ શૈફાલીની સામે જઈને પૂછે કે 'ઓળખ્યો મને ?'
પણ ઓળખવાનું તો બાજુમાં રહ્યું, શૈફાલીએ એની સામે જોયું પણ નહીં ! એ પોતાના ચારેક લાખ રૂપિયાના આઈ-ફોન વડે કોઈને રૂઆબથી તતડાવી રહી હતી !
શૈફાલી પસાર થઈ ગઈ…જૈમિન હતો ત્યાં જ ખોડાઈને ઊભો હતો.
એટલામાં બે મિનિટ પછી તેને પાછળ પાછળ મિતુલ આવતો દેખાયો ! જૈમિન તરત જ એને ઓળખી ગયો !
મિતુલના બન્ને ખભામાં મોટી મોટી છ-સાત શોપિંગ બેંગો લટકતી હતી. એના એક હાથમાં વધુ ચાર-પાંચ શોપિંગ બેગો હતી અને બીજા હાથમાં જેમ તેમ કરીને ઉપાડેલો દોઢેક વરસનો એક બાબો હતો ! બિચારો મિતુલ જેમતેમ કરીને આ બધું સાચવવાની કોશિશમાં ડગુમગુ થઈ રહ્યો હતો !
જૈમિન તરત જ એની પાસે પહોંચી ગયો : હાય મિતુલ ! ઓળખ્યો મને ? હું જૈમિન ! યાર, તું ખરેખર લકી છે હોં ? બાકી તને ખબર છેને, શૈફાલીનું માગું મારી ઉપર પણ આવેલું ! પણ બોસ, અલ્ટીમેટલી નસીબ તારાં જ ઉઘડી ગયાં હોં ?'
'ધૂળ ઉઘડી ગયા ?' મિતુલનો ચહેરો રડવા જેવો થઈ ગયો હતો. 'યાર જૈમિન, આ શૈફાલી અને એનો બાપ મને સાવ નોકરની જેમ ટ્રીટ કરે છે ! મારા કરતાં એમના ડ્રાયવરને વધારે સારી રીતે રાખે છે ! તું જોતો નથી ? આ બાઈએ મને એક બાજુ બાબો સાચવનારી આયા અને બીજી બાજુ શોપિંગનાં સામાન ઊંચકવાની ટ્રોલી બનાવી દીધો છે ?'
જૈમિન હજી કંઈ કહે એ પહેલાં પાછળથી શૈફાલીની ત્રાડ સંભળાઈ : 'એય ! કોની જોડે લપનછપ્પન કરે છે, મિતુલ ? જોતો નથી ? બાબાના નાકમાંથી લિકવીડ નીકળી રહ્યું છે ? સાફ કર ! ટિશ્યુ પેપર્સ લાવ્યો છે કે ડફોળની માફક એ પણ ભૂલી ગયો છે ?'
જૈમિન ત્યાંથી સરકી જ ગયો ! પાછો કંઈ નવો તમાશો થાય એ પહેલાં !
નીચે ફોયરમાં આવીને જાદૂના ખેલ જોઈ રહેલા ધૈર્યને તેણે પોતાના ખભે તેડી લીધો. પછી તેના ગાલે બકી ભરતાં જૈમિને પૂછ્યું : 'બેટા, આઈસક્રીમ ખાઈશ ને !'