Shatdal

આપણી કોઈ પણ મૌલિક વાતો ઠેકાની મોહતાજ હતી?

By GS Team
22 Sep 20262 mins read
આપણી કોઈ પણ મૌલિક વાતો ઠેકાની મોહતાજ હતી?
  • અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
  • આપણા દેશની કોઈપણ સાંસ્કૃતિક બાબતો, લોકજીવન સાથે એકરસ થયેલી વાતો પર કદી જ કોઈ ઢાંચાબદ્ધ કે કોઈ ફલાણા ઢીકણા પંથની મહોર નહોતી

ભા રતીય સંસ્કૃતિએ આપેલી અનેક વાતો, પરંપરાઓ, જીવન પદ્ધતિને અંદર બહાર રંગતી વાતોમાં આપણા મહાપુરૂષો ઋષિઓનું એવું જીવનદર્શન રગરગમાંથી મહેંકે છે કે જેને કોઈ ''બ્રાન્ડ'' યા ''ઠેકા'' યા ''પંથ''ની મહોરની કદી જરૂર ન હતી. બ્રાન્ડ, ઠેકા કે પંથનું વળગણ હમેશાં ગ્રન્થિથી પીડાતા નાના માણસોને હોય, મહાપુરુષોને કદી એવાં વળગણ ન હોય. દાખલા તરીકે આપણે ત્યાં ''બ્રાહ્મમુહૂર્ત'' શબ્દ છે. બ્રાહ્મમુહૂર્ત આરાધનાથી માંડીને અભ્યાસ સુધી ખૂબ જ યોગ્ય અને પોષક મનાય છે, ભલે સપાટી પર એનું વૈજ્ઞાનિક વિશ્લેષણ થતું રહે, પણ એ સંકલ્પના પર કદી જ આપણા પૂર્વજોએ કોઈ પંથ કે બ્રાન્ડની મહોર લગાવેલી ?
(બ્રાહ્મમુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાંનો સમય)
આવી ઘણી બાબતોને હિન્દુત્વ સાથે જોડવાનો પૂર્વગ્રહ હોય છે, પણ ભલા માણસ, આ દેશના લોકોની આખી જીવનચર્યા જોઈ જાવ, તમે હિન્દુત્વ કે અન્ય નામે કેટલી સૂક્ષ્મ બાબતોનો છેદ ઉડાડશો ? કેટલા ઉત્સવો, કેટલાં લક્ષણોને નર્યાં ''ધાર્મિક'' કે કોઈ સ્થાપિત ઢાંચાબદ્ધ પંથનાં ગણાવીને દાંતિયાં કરશો ? આપણી મહિલાઓ કંકુનો ચાંદલો કરે, શુભ પ્રસંગે નાળિયેરનો ઉપયોગ થાય, વૃક્ષો, નદીઓ, સૂર્ય, ચન્દ્ર, અગ્નિને વંદન થાય, એમાંથી કેટલાંનો પંથ કે ઢાંચાબદ્ધ ધર્મ તરીકે વિરોધ કરીને બાદબાકી કરશો ? કદાચ ધર્મસ્થાનો તોડી શકો, પણ કોઈ પણ જાતની ''મોનોપોલી'' કે ઠેકા વગર - લોક પરંપરામાં અગણિત વર્ષોથી રોપાયેલ અમુક મૌલિક અને સાવ જ નિર્દોષ - સંકલ્પનાઓ પર કદી જ કોઈ પંથગત મહોર ન હતી.
બે સગાભાઈઓ વચ્ચે અતૂટ એકતા હોય - કમનશીબે એકાદ બેસુમાર ભૌતિક મહિલાનો પત્ની તરીકે પ્રવેશ થાય. બન્નેમાંથી એક ભાઈ સંપૂર્ણ એકતાના ભાવથી વાસણ-ચીજની આપ-લે વખતે કોઈ જ ''પારકાં''નો ભાવ ન રાખે, પણ પેલી મહિલા સતત સાવચેતીપૂર્વક ''પારકાપણાં''ને સૂચવતો વ્યવહાર રાખ્યા કરે ! ''આ અમારૃં - આ તમારૃં !'' આ વલણને ભારતીય સંદર્ભમાં તપાસી જુઓ.
આ જ ધીમું અને સતત ઝેર ''તારૃં મારૃં સહિયારૃં, મારૃં મારા બાપનું'' વાળું વલણ પણ ઊભું કરે !
છીંછરી અને ઊંડા અભ્યાસવિહોણી નજર વાળા લોકો પછી આ બન્ને ભાઈઓને ''એકતા''ની સલાહ આપતા ફરે !
આપણા દેશની કોઈપણ સાંસ્કૃતિક બાબતો, લોકજીવન સાથે એકરસ થયેલી વાતો પર કદી જ કોઈ ઢાંચાબદ્ધ કે કોઈ ફલાણા ઢીકણા પંથની મહોર નહોતી કારણ કે આમાંની એક પણ સંકલ્પના પાછળ - ઘેટાંનાં ટોળાંને સજ્જડ ઢાંચામાં બાંધવાનો કોઈ જ હેતુ ન હતો !
હિમાલયની સુપ્રસિદ્ધ ''ફલાવરવેલી'' જેમ સ્વયંભુ રીતે પ્રગટેલી જીવન પદ્ધતિ કે પરંપરાઓને તમે અમુક મહોર લગાડીને પોતા જેવા ઢાંચામાં ખપાવી ન શકો !