Shatdal

માલદાર પતિ

By GS Team
7 Jul 20265 mins read
માલદાર પતિ

વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
મને તારા જેવો નીતિપૂર્વક નોકરી કરતો પતિ જરાય નહી ચાલે. મને ભૂલી જજે

'ઓ હો, નુપુર, તું અહીંયા રહે છે ? અમે આ બંગલાની માપણી માટે આવ્યા છીએ. દર ચાર વરસે ટેક્ષની ગણત્રી માટે અમારે સ્થળ ચકાચણી અને માપણી માટે આવવું પડે છે.' ધવલે નુપુરને જોઇને નવાઈ પામતા કહ્યું.
'હા, આ મારા પતિ હેમાંગનો બંગલો છે. અમે અહીં વરસોથી રહીએ છીએ.' નુપુરે પણ પોતાના જુના પ્રેમી ધવલને જોઈ નવાઈ પામતા પુછયું. 'પણ તું ટેક્ષ ખાતામાંથી આવ્યો છે ? તું તેમાં નોકરી કરે છે?'
'હા, હું અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરાશનનાં ટેક્ષ ખાતામાં નોકરી કરું છું. તું અહીં વરસોથી રહે છે ? પણ તારા લગ્નતો ત્રણ વરસ પહેલા જ થયા છે.'
'હા, મેં બીજવર હેમાંગ સાથે લગ્ન કરેલા છે. હેમાંગ મારાથી વીસ વરસ મોટા છે. તેઓને આગલા લગ્નથી એક દશ વરસનો દીકરો છે, તેને અમે દહેરાદુન ભણવા મુકેલો છે. અહીં અમે બે જ રહીએ છીએ. સાત નોકરચાકરનો સ્ટાફ છે. ચાર ઈમ્પોર્ટેડ ગાડીઓ છે. મારા પતિ હેમાંગને સોના ચાંદીનો મોટો વેપાર છે. તે દુબઈ, આફ્રિકા વિગેરે દેશો જોડે સોના ચાંદીનો એક્સપોર્ટ, ઈમ્પોર્ટનો ધંધા કરે છે, તેથી વારંવાર પરદેશ જવાનું થાય છે.'
'ધવલ વિચારમાં પડી ગયો. તેને પાચ વરસ પહેલાનો કોલેજનો છેલ્લો દિવસ યાદ આવી ગયો. જી.એમ.કોમર્સ કોલેજના છેલ્લા વરસની બી.કોમ પરીક્ષાના છેલ્લા દિવસે કોલેજ કેન્ટીનમાં બે પ્રેમીઓ ધવલ અને નુપુર એકબીજાના હાથમાં હાથ રાખીને વાત કરી રહ્યા હતા.
'હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. કોલેજ લાઈફમાં આપણે પિક્ચર, હોટલના ડીનર લોન્ગ ડ્રાઈવ વિગેરે ખુબ મજા કરી, પણ હવે કોલેજમાંથી છુટા પડતા પહેલા લગ્ન કરી ઠરીઠામ થઈએ.' ધવલે કહ્યું.
'જો ધવલ, કોલેજમાં આનંદ કરવો અલગ વાત છે, અને લગ્ન કરવા અલગ વાત છે.' નુપુરે ચોખ્ખી વાત કરી. તેના પપ્પા બીઝનેસમેન હતા. જ્યારે ધવલના પપ્પા સરકારી નોકરી કરતા હતા. 'તું બી.કોમ થઈને શું કરવા માંગે છે ?' નુપુરે પુછયું. 'હું બી.કોમ થઈને નોકરી કરવા માંગું છું. મારા પપ્પાએ શાંતિપૂર્વક આખી જીંદગી રેવન્યુ ખાતામાં નોકરી કરી છે. નીતિપુર્વક કામ કરતાં હોવાથી અમે હજુ આંબાવાડીના ફ્લેટમાં જ રહીએ છીએ. હું પણ એ જ રીતે શાંતિપૂર્વક નોકરી કરવા માંગું છું.' ધવલે કહ્યું.
'તારી માનસિકતા મિડલ ક્લાસની છે. નોકરીમાં ફિક્સ પગારમાં શું થાય ? મારે તો ક્લબમાં મજા કરવી છે. ગાડીઓમાં ફરવું છે. દેશવિદેશ જોવા છે. તારાથી નોકરીના પગારમાં કાંઈ ના થાય.' નુપુર બગડતાં બોલી. 'મારે તો કરોડપતિ બીઝનેસમેન સાથે લગ્ન કરવા છે. હું આટલી બધી બ્યુટીફૂલ છું, તો મને માલદાર પતિ તો મળી જ જશે.' આગળ બોલતાં નુપુર મક્કમ બની ગઈ.
'મને આખો દિવસ દોડાદોડી કરવી ન ગમે. શાંતિપૂર્વકની નોકરી અને જીંદગી સારા. મેં અમદાવાદ કોર્પોેરેશનના ટેક્ષ ખાતામાં અરજી કરી છે. મને આશા છે કે તેમાં મને નોકરી મળી જશે.' ધવલે જવાબ આપતા કહ્યું. 'તો તારાને મારા રસ્તા જુદા, મને નોકરીયાત કરતાં માલદાર બીઝનેસમેન પતિ જ જોઈએ છે.' નુપુર મક્કમ હતી.
'આપણે આટલો આનંદ કર્યો, સાથે ફર્યા, પ્રેમના વચનો આપ્યા, તેનું શું ?'
'એ બધું ભૂલી જા, મને તારા જેવો નીતિપૂર્વક નોકરી કરતો પતિ જરાય નહી ચાલે. મને ભુલી જજે.' નુપુરે અભિમાનથી કહ્યું.
પછીથી બન્ને મળ્યા જ નહીં એકબીજાને મોબાઈલ કરવાના પણ બંધ કરી દીધા. જાણે કે ઓળખતાં જ નથી!
ત્રણ મહિનામાં ખબર આવ્યા કે નુપુરે તો સોનાચાંદીના કરોડપતિ વેપારી સાથે લગ્ન કરી લીધા છે, અને તેને બંગલે રહેવા જતી રહી છે. ધવલે અંતે નિરાશ થઇ સાદી બી.એ થયેલી કરુણા સાથે લગ્ન કરી લીધા, અને તેને કોર્પોરેેશનના ટેક્ષ ખાતામાં નોકરી મળી ગઈ.
'ચાલ, મારો બંગલો જોવા નથી આવવું.' નુપુરે આગ્રહ કરતા કહ્યું. એકદમ ધવલ વર્તમાનમાં આવી ગયો. 'હા, હા, કેમ નહીં.ધ' કહીને તે નુપુરની પાછળ બંગલામાં ઘુસ્યો. વિશાળ ડ્રોઈંગરૂમમાં વોલ ટુ વોલ જાજમ, મોટા સામસામે ગોઠવેલા બે સોફા સેટ, ઈમ્પોર્ટડ કાચના ઝુમ્મર, કિંમતી ફર્નિચર વિગેરે તેની અમીરીની ચાડી ખાઈ રહયાં હતા. સોફા પર બેસી નુપુરે રીમોટ બેલ દબાવતાં નોકર ચાંદીની પ્લેટમાં ઠંડુ પાણી આપી ગયો.
'શું લઈશ ધવલ ? ગરમ કે ઠંડુ ?'નુપુરે અભિમાનથી કહ્યું.
'કાંઈ પણ ચાલશે.ધ ધવલે નમ્રતાથી કહ્યું. નુપુરે બેલ દબાવતાં નોકર ચાંદીની ગ્લાસમાં બદામનો મિલ્કશેક આપી ગયો. 'તારા લગ્ન થઇ ગયા ? તું સુખી છે ?' નુપુરે અભિમાનથી પુછયું. 'હા, તારી રાહ જોઈ, પણ તારા લગ્ન થઇ ગયા, સાંભળી મેં સીધીસાદી ગૃહિણી કરુણા સાથે લગ્ન કરી લીધા. અમે શાંતિપુર્વક સંસાર ભોગવી રહ્યા છીએ.' ધવલે ફોડ પડતાં કહ્યું.
'પણ શું તું ખરેખર સુખી છે ? સાચું કહેજે.' ધવલે આગળ પુછયું.
નુપુર આંખો ચુરાવીને નીચું જોઈ ગઈ. ધવલ પરિસ્થિતિ પામી ગયો. આલીશાન બંગલાને અને ગાડીઓને શું કરવાની ?
ત્યાં તો કમ્પાઉન્ડમાં હોર્ન વાગતા ઈમ્પોર્ટેડ લક્ઝુરીયસ ગાડીમાંથી ડ્રાઈવર ઉતર્યો અને પાછળનો દરવાજો ખોલી આધેડ ઉંમરના ટાલીયા શેઠને ટેકો આપતો અંદર લાવ્યો.
'હાય, નુપુર આ કોણ છે ?' પુછતાં હેમાંગ નશામાં લથડીયા ખાતો આવ્યો અને સોફામાં ફસડાઈ પડયો.
'ચાલો, તમારું જમવાનું લગાવું ?' નુપુરે પુછયું.
'ના, શેઠ તેની સેક્રેટરી સાથે હોટલ ગોલ્ડપેલેસમાં લંચ અને ડ્રીંક કરીને આવ્યા છે. કાવ્યા સાથે હોટલની રૂમમાં એકાદ કલાક રહીને આવ્યા, એટલે ઘરે આવતા મોડું થઇ ગયું.' ડ્રાઈવરે ખુલાસો કરતા કહ્યું.
ધવલે આ સાંભળી નુપુર સામે જોયું. નુપુર નીચું જોઈ ગઈ. પણ તેની ભીની આંખો ધવલથી છુપી ન રહી. ધવલ પરિસ્થિતિ પામી ગયો 'ચાલો હું જાઉં છું.' ધવલે કહ્યું.
'ધવલ, કરોડપતિ પતિની લાલચ મારી મુસીબત બની ગઈ છે.' કહેતા નુપુર અફસોસ સાથે રડી પડી. આમ અમીરીની લાલચમાં નુપુરે સાચા પ્રેમ કરતા પ્રેમીને ગુમાવીને જિંદગી નર્ક કરી નાખી.
લાસ્ટ સ્ટ્રોક
અમીર, શરાબી અને લંપટ પતિ કરતા ખરેખર સાચો પ્રેમ કરતો મિડલ ક્લાસ સિદ્ધાંતવાદી આદર્શ પતિ સાથે જિંદગી વધારે સુખી લાગે.