Shatdal

રથકલાધારી વિઠ્ઠલમંદિર અને વિરુપાક્ષ મંદિર

By GS Team
18 Aug 20265 mins read
રથકલાધારી વિઠ્ઠલમંદિર અને વિરુપાક્ષ મંદિર
  • રસવલ્લરી-સુધા ભટ્ટ

વિઠ્ઠલ મંદિરની જમણીકોરે કિષ્કિંધા પર્વતનો નઝારો
વિઠ્ઠલ મંદિર પરિસર ફરી ફરીને જોયા જ કરતાં રસિકો કેટ-કેટલું-નવું નવું નોંધે! મંદિરની બાહરી દીવાલો અંદરની પરસાળો અને શિખર સુધી- મંડપો અને સ્તંભો સુધી બે માળની આખી સંરચનાને બસ…નિરખ્યાં જ કરે! અને રથ! એની ઉપરથી તો નજર જ ન ખસે. રથ પર તો ચાર ચાર પંડવાળી દીવાલ. બારી, બારણાં, નાના-મોટાં થાંભલા, નીચેના હિસ્સા પર કમળપંખુડી, ટોડલા, મૂર્તિઓ, ગૌમુખ અને કાંગીર, પાછળના ભાગે યજ્ઞાવેદી, ગજથર અને તેનીય હેઠળ ઢાલ-તલવાર વાળા યોધ્ધાઓની હારોની હારો. રથ ઉપર પણ ઝરૂખા અને સ્તંભો પર કોતરણી-નકશી રથને જ સ્વયમ્ મંદિર હોય એવો ભાવ બતાવે. એની પાછળના સ્થાયી મંદિરના મંડપો હસ્તીદ્વારની અંદર મ્હાલે! સંગીત સભા મંડપ ફરતેની દીવાલે કુંભીથી લઈને ઉપર સુધી હયદળ, હસ્તીદળ, નરથર, ગજથર, યુધ્ધવીર થર અને કાંગરીઓવાળા નાના અણિયાળા ટોડલા ફળ, ફૂલ, વેલ યુક્ત ભાતથી અભરે ભર્યાં છે. યક્ષ, હનુમાન, સમુદ્રમંથન, મહીમંથન, પહોળા સ્તંભોની શોભા બની રહે. અરે!.. સ્તંભ પર સ્તંભવાળી મંદિરાકૃતિ - જેની છતમાં કમળદળ અને ભૌમિતિ( ભાતમાં અન્ય ફૂલોની શ્રેણી! સ્તંભના કેપિટલ (મથોડાં) પણ પણ કમળ પંખુડી! વળી, છતંના છપરે મદલ. સેંકડોની સંખ્યામાં નાના-મોટા થાંભલા આખુંય કળા ઉપવન ઊભું કરે. માનવ અને પશુ-પક્ષીના મૈત્રીભાવનું અપ્સરાઓ, મકરમુખ, નરસિંહ વળિયાકાર ઉપરાંત ચક્ર, ગદા, શંખ સાથે વિષ્ણુજી હાજરી પૂરાવે. ભગવાનનાં લગ્ન અને સંગીત સભાથી વાતાવરણ જીવંત લાગે. પથ્થરોમાં પ્રાણ પૂરતી અનેક પ્રતિમાઓને, કલાકૃતિઓને વિદેશીઓ લૂંટી ગયા. એમાંથી થોડુંક મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલયમાં હજી છે અને કેટલોક કલા અંશ પગ કરી દઈને લંડન ભેગો થઈ ગયો.
યુનેસ્કો વિશ્વવારસાની યાદીમાં હમ્પીનું વિરુર્પક્ષ મંદિર
દક્ષિણ ભારતમાં વિરુપક્ષ કે વિરુપાક્ષ નામનાં અનેક મંદિરો છે. હમ્પીનું પ્રસ્તુત મંદિર વિજયનગર રાજવંશ આવ્યા પહેલાનું બનેલું. તુંગભદ્રા નદીને કાંઠે સાતમી સદીમાં ભગવાન શિવના આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ છે જેના ગર્ભગૃહમાં સદીઓથી પૂજા સેવા થઈ રહી છે જે હજી બરકરાર છે તેથી તેને જીવંત મંદિર પણ કહેવાય છે. કૃષ્ણદેવરાય બીજાની નિશ્રામાં આ મંદિરમાં અનેક ઉમેરાણો થયાં. અતિ પવિત્ર મંદિર ગણાતા આ મંદિરનો વિકાસ આઠમી-નવમી સુધી થયો. આ એક વિશાળ પરિસર છે જેમાં મંદિર પ્રવેશે બે ગોપુરમ્ છે. (પ્રવેશદ્વાર) મુખ્ય 'રાજગોપુરમ્' છે જે અગિયારમાળનું છે અને તેની ઉંચાઈ ૧૬૫ મીટર છે. ''ફૂલવટ્ટી ટીપ્પાં'' નામના સ્થપતિએ એ સ્થાપત્યને સાતમી સદીમાં બાંધેલું. એની નોંધપાત્ર વાત એ છે કે એમાં પિન હોલ કેમેરા સિસ્ટમ મૂકવામાં આવી છે. (આધુનિક યુગમાં) એક નાના ઓરડાની દીવાલ ઉપર અન્ય એક ગોપુરમ્ની ઊંધી છબી જોવા મળે છે. અન્ય નાનું ગોપુરમ્ ૧૫૧૦માં બાંધવામાં આવ્યું. આ સ્થાપત્યમાં સમય સાથે સતત નવા પ્રયોગો થતા રહ્યાં. કૃષ્ણદેવરાયાએ પોતાના પદ્દાભિષેક પ્રસંગે એનું સ્થાપન કર્યું હતું. શક્તિશાળી દેવ તરીકે ઓળખાતા શિવજીના આ મંદિરના રંગમડપમાં અને કલાત્મક ચિત્રો પ્રસંગોનાં નિરૂપણ સાથે શોભી રહ્યાં છે. ભગવાનની શોભાયાત્રા, અર્જુન, મત્સ્ય તંત્ર, દશ હસ્તવાળા વિષ્ણુ, ત્રિપુરાંતક, અષ્ટદિક્પાલ અને ગિરિજા વિવાહ સહિત અહીં અનેક બ્રહ્માંડીય તત્વો સામેલ થયેલા છે. સૂર્ય, નરસિંહ, માધવ, વેંકટેશ્વર આદિ ભગવાનોનાં મંદિરો પણ આ પરિસરમાં હાજરી પુરાવે છે. મંદિરમાં બે રથની સેવા છે. જે પંપાદેવી અને ભુવનેશ્વરી કુળદેવીનાં અવસરોને આજ દિન લગી સાચવી રહ્યાં છે. સમસ્ત વિસ્તાર અંજનેદ્રિહિલથી થોડો જ દૂર છે - જ્યાં ગ્રેનાઈટનાં નિસર્ગપટ (લેન્ડસ્કેપ) નવીન ભાત રચે છે. આંતરિક છત ચિત્રોમાં વિરુપક્ષ અને પંપાનાં લગ્નનું વર્ણન છે.
અહો! ભાસે ઈન્દ્રસભાસમ ભવ્ય અદ્ભુત સ્થાપત્ય ઉપવન
સંકુલમાં ખડકની ફાટ-ચિરાડમાં સુગ્રીવ ગુફા છે - જેમાં ગ્રેનાઈટનો મોટો પથ્થર (બોલ્ડર્સ) છે જે પવન અને પાણીથી ઘસાયેલો છે. ગ્રે પથ્થરનાં શિલ્પોમાં જિયનગરના રાજા વિરુપક્ષનાં દર્શને આવે છે. એવાં દ્રશ્યો પણ છે. દરબારી શિસ્ત-રીતભાત, મનોરંજનને, મહાનવમી પર્વ રિલીફ વગેરેનાં ભીંત શિલ્પો રિલિફ ચોરસ પથ્થરો ઉપર કંડારોલાં છે. રાજાના રાજ્યાભિષેકનાં દ્રશ્યો અહીં સ્તંભો ઉપર, ભીંત શિલ્પોમાં અને શિખરે પણ વિદ્યમાન છે. છત પર બિરાજેલી કળા ચૌદમી-પંદરમી સદીમાં સદીનો નિર્દેશ કરે છે. પંદરમી સદીના વધારા પછી ઓગણીસમી સદીમાં બે ગોપુરમ્ સહિત આખા મંદિરનો કાયાકલ્પ કરવામાં આવ્યો. આજે પણ આ શ્રીસ્થળમાં ગર્ભગૃહ મૂળ સ્થળે બિરાજે છે. ત્રણ અંતરંગ ઓરડાઓ, સ્તંભદાર ખંડ અને સ્તંભયુક્ત એક ખંડ છત વિના-ખુલ્લા આકાશતળે સૌનાં આકર્ષણનું મહત્વનું અંગ બની રહે છે. એમાં ઝીણી-નાજુક નકશી કોતરણી યુક્ત સ્તંભો, પ્રવેશ દ્વારો, પ્રાંગણ અને અન્ય દેવી-દેવતાઓનાં થાણાં મંદિર ફરતે શોભે છે. મંદિર મધ્યે અન્ય મંડપો સામાજિક-ધાર્મિક વિધિ વિધાનનાં કાર્યો માટે, સંગીત, નૃત્ય, નાટક અને ધાર્મિક સભાઓ માટે, લગ્ન વિધિ સંપન્ન કરવા માટે આજે પણ અગાઉની જેમ જ ઉપલબ્ધ છે. આ હેતુ પુર: સરના ઉપયોગ ઉપરાંત તેમાં રહેલાં સ્થાપત્ય અને અન્ય કળાઓનાં અંકન અને પ્રયોગ રસિકો તેમજ સંશોધકોને આવકારે છે. પ્રસ્તુત સ્થાપત્યમાં ગાણિતીક મુદ્દાને ધ્યાને લઈ બાંધકામ અને સજાવટ કરવામાં આવ્યાં છે તે એનું એક સબળ તત્વ છે. અનેક ડિઝાઈન્સનાં પુનરાવર્તન થયાં છે. એક સ્તંભદાર મંડપની નજીક પથ્થરનો એક શિલાલેખ છે જેમાં રાજાના કળા પ્રત્યેના પ્રેમ અને ઉત્સાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સાભાર.
: લસરકો :
કન્નડામાં અસુંદરને વિરૂપા કહે છે. શિવજી જ્યારે ત્રીજું નેત્ર ખોલે ત્યારે તેમના આત્માનો અવાજ ભલે બુલંદ હોય પણ તેમની આંખ (અક્ષ) ભયંકર દીસે - માટે વિરૂપાક્ષ..

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા - હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ મંદિરને છોડીને જવું ગમે નહિ એવી લાગણી સહ અંદર કલાકો વિતાવતા ભાવકોને અહીં જાણે કે ભવનું ભાથું બંધાય. જ્યાં મંદિર પ્રવેશ છે એને વિજયનગરમ્નું ટોલનાકું કહેવાય છે. હમ્પીના આ મુખ્ય મંદિરનું વૈવિધ્ય, તેની ખાસિયતો, ત્યાંનું વાતાવરણ યાત્રિકોને ત્યાં રોકી રાખે. હા! મંદિર ગર્ભગૃહમાં વિઠ્ઠલ - એટલે કે વિષ્ણુની પ્રતિમા નથી. અન્ય કોમના આક્રમણોને કારણે પ્રભુને મહારાષ્ટ્રના પંઢરપુરમાં સ્થાયી કર્યાનું કહેવાય છે. ત્યાં 'વિઠ્ઠલ વિઠ્ઠલ' ના જાપ થતા રહે છે અને રાણી રુકિમણી પણ એમના સાન્નિધ્યમાં જ છે. આપણે મંદિર સ્થાપત્યને ઝીણવટથી જોઈએ તો ત્યાં આ અપૂજ મંદિરમાં આજે પણ ભીંતો, છત અને સ્તંભો પર અદ્ભુત શિલ્પો દેખાય. એક જ પ્રાણીના શરીરમાં ૩D, ૪D અને ૫D સિસ્ટમ જેવું લાગે - એમાં. વાંદરાના અન્ય સ્વરૂપોમાં નાના-મોટા હનુમાન સ્વરૂપ ઉડતા હોય એવો આભાસ થાય. હજારો વર્ષો પહેલાં શિલ્પ-સ્થાપત્યની આવી પ્રગતિશીલ ટેક્નિકલ યાત્રીઓને આશ્ચર્યચકિત કરી દે. અહીં 'વિઠ્ઠલ બજાર' ધમધમતું હતું. - જ્યાં ઘોડાબજાર પણ હતું. કૃષ્ણદેવ રાયા અને સૈનિકો માટે એ આવશ્યક સ્થળ હતું. પંદરમી સદીમાં મંદિર બન્યું ત્યારે પણ અહીં વિદેશીઓ આવતા રાજા તુલુવંશના હતા - જેમની બે પત્નીઓ તિરૂમલાદેવી અને ચિન્નાદેવીના આવાસમાં તેમણે લાકડાનાં પાર્ટિશન બનાવડાવીએ બન્નેને અલગ રાખ્યાં હતાં. બન્ને રાણીઓ અહીં નૃત્યમહાવરો કરતી એ રાજાનો કલ્પનાશીલ અને કલાપ્રેમ તરફનો અભિગમ બતાવે છે. નાગર શૈલીના ભગ્ન શિખર વતાં રેતિયા પથ્થરો ઉપરનની કોતરણી, ચિત્રો, સંગીત સ્તંભો અને સમગ્ર બાંધકામ દ્વિ-પરિમાણીય, ત્રિપરિમાણીય અને સપ્તપરિમાણીય સ્વરૂપે જાણે કે આધુનિક ડિજિટલ ડિઝાઈન હોય એમ આજે પણ જાજરમાન લાગે છે. વળી, ઠેર-ઠેર-અત્ર-તત્ર-સર્વત્ર દેવીદેવતાઓનાં ચિત્રો અને શિલ્પોનો વૈભવપૂર્પ મેળાવડો તો ખરો જ!