Shatdal

ટર્બ્યુલન્સ : વિક્ષોભ

By GS Team
25 Aug 20265 mins read
ટર્બ્યુલન્સ : વિક્ષોભ
  • શબ્દસંહિતા-પરેશ વ્યાસ
  • આજનું ભારત અમૃતકાલમાં ઊંચી ઉડાન ભરવા તૈયાર છે, પરંતુ આસપાસના વાતાવરણના આંચકા લાગટ લાગતા રહે છે

સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.

  • રાજેન્દ્ર શુક્લ
    'ફ ર્સ્ટ પોસ્ટ' લખે છે કે એર ઈન્ડિયાનો ટર્બ્યુલન્ટ ટાઈમ ચાલી રહ્યો છે. એર ઈન્ડિયા માટે 'હાઇ' પાઈલોટ એ એક બીજું 'લો' છે. સમાચાર છે કે ફુકેટ-દિલ્હી ફ્લાઇટ દરમ્યાન વિમાન અચાનક ગણતરીની સેકન્ડ્સમાં ૩૦૦ ફૂટ નીચે આવી ગયું. 'ક્રૂઝ' મોડમાંથી ડાયરેક્ટ 'વોશિંગ-મશીન' મોડમાં! એર હૉસ્ટેસ 'ફાસ્ટન યોર સીટ બેલ્ટ્સ' શબ્દો બોલે બોલે ત્યાં તો ઉપરનો સામાનકક્ષ ફટાક દઈને ખૂલ્યો અને અંદરનો સામાન ધડામ દઈને મુસાફરોને માથે પડતો ગયો. કેટલાંય ઘાયલ થયા. પછી તપાસ થઈ તો ફોલ્ટ હાઇડ્રોલિક સીસ્ટમ ફેલ્યોર તો હતી પણ થાઈલેન્ડના ફુકેટથી વિમાન ઊડાડયું એ પાયલોટ ગાંજો પીધેલો હતો. ઇંગ્લિશમાં 'હાઇ' એટલે 'ઊંચું' પણ અહીં એનો અર્થ થાય 'નશામાં હોવું'. એક ફિલ્મ આવી હતી : 'ઊડતા પંજાબ'. અહીં પાયલોટ વિમાન ઊડાડી રહ્યો હતો કે ખુદ ઊડી રહ્યો હતો એ તો રામ જાણે! ગુજરાતી લેક્સિકન અનુસાર આજનો શબ્દ 'ટર્બ્યુલન્સ' (ોમિેનીહબી) એટલે તોફાન, ફિતૂર, પવનની દિશામાં અનિયમિતપણું. એરલાઇન્સનો ટર્બ્યુલન્ટ ટાઈમ ચાલી રહ્યો છે એમ કોઈ કહે તો સમજવું કે એની માઠી દશા ચાલી રહી છે. અમદાવાદ વિમાની દુર્ઘટના સૌથી મોટી પણ તે પછી પણ એર ઈન્ડિયા કોઈને કોઈ કારણસર સમાચારમાં રહી જ છે. એમાં આ ઉમેરો થયો. રહી સહી ઇજ્જત ધૂળધાણી થઈ ગઈ. હવે એર ઈન્ડિયાનું હવાઈ જહાજને બદલે કોઈ બીજી એરલાઇનનાં જહાજમાં ઊડવું પડે, એવી હાલત છે. સફર જો કે અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં, યૂ સી!
    ટર્બ્યુલન્સ એટલે તોફાન પણ સંસ્કૃત મૂળનો શબ્દ 'વિક્ષોભ' વધારે સાચો અર્થ જણાય છે. વિક્ષોભ એટલે ખળભળાટ, આંદોલન. મનની ચંચળતા કે ઉદ્વિગ્નતા, ઉથલપાથલ, આઘાત, ક્ષોભ- એવા અર્થ પણ થાય. હિન્દીમાં વિક્ષોમ, હંગામા, દંગા, ઉગ્રતા, અશાંતિ. વિજ્ઞાાનની દ્રષ્ટિએ 'ટર્બ્યુલન્સ' હવા કે પ્રવાહીની એવી ગતિ જે અતિ અસ્તવ્યસ્ત અને અનિયમિત હોય છે. જ્યારે વિમાન એવી સ્થિતિમાંથી પસાર થાય ત્યારે ઝાટકા અનુભવાય. પાઈલોટ નશામાં ન હોય તો પણ ટર્બ્યુલન્સ અનુભવાય. ગરમ હવાનો પ્રવાહ, તોફાની હવામાન, પર્વતની ભૌતિક અડચણ કે પછી અન્ય વિમાનની હવા ટર્બ્યુલન્સ માટેના કારણો હોઈ શકે. ટર્બ્યુલન્સ થાય ત્યારે ડર લાગે એ સ્વાભાવિક છે પણ માત્ર ટર્બ્યુલન્સથી વિમાન તૂટી પડવાનું જોખમ નહીંવત છે. એક વાર એક ધર્મગુરુ વિમાનમાં જઈ રહ્યા હતા અને વિમાન ટર્બ્યુલન્સમાં સપડાયું. બાજુમાં બેઠેલી યુવતીએ ગુરુજીને કહ્યું, 'આપનું તો ભગવાન સાથે ડાયરેક્ટ કનેક્શન છે. કાંઈ તો કરો, ગુરુજી'. ગુરુ બોલ્યા, 'બાલિકે, તારી વાત સાચી છે પણ આ મારું ડીપાર્ટમેન્ટ નથી. હું તો માર્કેટિંગ સંભાળું છું, આ મેનેજમેન્ટનો વિષય છે'. લોલ!
    લાક્ષણિક અર્થમાં ટર્બ્યુલન્સ શબ્દ વિમાનયાત્રા સિવાય પણ લખાય બોલાય છે. દા. ત, વ્યાપાર કે નોકરીમાં આર્થિક ઉથલપાથલ થાય, શેરબજાર આચાનક તૂટે, મોંઘવારી વધી જાય, નોકરી જતી રહે, ધંધો મંદો થઈ જાય. માર્કેટમાં ટર્બ્યુલન્સ હોય ત્યારે રોકાણ કરવું જોખમી ગણાય. અમેરિકાનું ટેરિફ ગાંડપણ અને વારે વારે યુદ્ધની પહેલ સામાન્ય ભારતીય નાગરિકને પરોક્ષ ટર્બ્યુલન્સનો અનુભવ કરાવે છે. ટર્બ્યુલન્સ કૌટુંબિક અને સામાજિક સંબંધોમાં પણ આવે. દાંપત્ય જીવનનો ખટરાગ માનસિક તણાવ વધારે. પ્રિય વ્યક્તિ અચાનક ચાલી જાય તો તો ભાવનાત્મક ઉથલપાથલ થઈ જાય. અને ટીનેજર્સ તો ભાઈ ભાઈ. ગુસ્સો, મૂડ બદલાતો રહે અને માબાપ સાથે વૈચારિક મતભેદ. આ સઘળાં પરિબળો જીવનમાં ટર્બ્યુલન્સ લાવે. ટર્બ્યુલન્સ દૂર થાય તો જીવને ટાઢક વળે.
    વિમાની સેવાઓનો ધંધો જ ટર્બ્યુલન્સવાળો છે. જેટ ફ્યુઅલ પરનો ખર્ચ કુલ ઓપરેટિંગ ખર્ચના ૩૩% જેટલો હોય છે. વૈશ્વિક યુદ્ધો અને/અથવા ક્ડ ઓઇલની તંગીના કારણે ફ્યુઅલના ભાવ વધે ત્યારે એરલાઇન્સને મોટું નુકસાન થાય. આ નાણાંકીય દબાણને કારણે કંપનીઓ ટિકિટના ભાવ વધારે, નુકસાન કરતા રૂટ્સ પર ફ્લાઇટ્સ બંધ કરવા તેમજ જુના વધુ ઇંધણ વાપરતા વિમાનોને ગ્રાઉન્ડ કરી દેવા મજબૂર થઈ જાય. વૈશ્વિક મંદી, રોગચાળો કે યુદ્ધ જેવી સ્થિતિને કારણે લોકો અચાનક મુસાફરી કરવાનું બંધ કરે એટલે કરોડો રૂપિયાનું નુકસાન થાય. વિમાન બનાવતી મુખ્ય કંપનીઓ (જેમ કે બોઇંગ કે એરબસ) તરફથી ટેકનિકલ ખામીઓ કે સપ્લાય ચેઇનની સમસ્યાને કારણે સમયસર નવા વિમાનો મળતા નથી એટલે એરલાઇન્સ પોતાની ફ્લાઇટ્સ વધારી ન શકે. પાઈલોટ્સ પણ નોકરી બદલતા રહે. ક્રુ મેમ્બર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ ઓછા અને તેઓ અચાનક રજા પર ઉતરી જાય કે હડતાળ પાડે તો સઘળું ખોરવાઇ જાય. આ ઉપરાંત બધી એરલાઇન્સ સોશિયલ મીડિયા પર બહુ વગોવાય છે. ખાસ કરીને સેલેબ્રિટીઝ આત્મપ્રચાર માટે એરલાઇન્સની કણ જેવી ભૂલને મણ જેવી કરીને દેખાડે છે. અન્ય કોઈ પણ બિઝનેસ કરતાં એરલાઇન્સનો બિઝનેસ વધારે ટર્બ્યુલન્ટ છે. ગુજરાતીઓ હોંશિયાર છે. ઊડતા વિમાનનાં ધંધામાં ગુજરાતીઓ પડતા જ નથી!
    આજનું ભારત અમૃતકાલમાં ઊંચી ઉડાન ભરવા તૈયાર છે, પરંતુ આસપાસના વાતાવરણના આંચકા લાગટ લાગતા રહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ક્રાંતિના કારણે નોકરીઓની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. નવી તકો તો છે પણ ચિંતા પણ એટલી જ છે. ક્યારે કાળગ્રસ્ત થઈ જવાય એ નક્કી નહીં. દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છતાં ભારતમાં રોજિંદી ચીજવસ્તુઓના વધતા ભાવ અને એનાથી મધ્યમ વર્ગ પર આર્થિક દબાણ ટર્બ્યુલન્સમાં વધારો કરે છે. અનિયમિત ચોમાસું, અતિશય ગરમી અને પૂર જેવી કુદરતી આફતો ખેતી અને સામાન્ય જીવનને વારંવાર અસ્તવ્યસ્ત કરે છે, આર્થિક સ્થિરતાને હચમચાવે છે. ઈન્ટરનેટના યુગમાં વીજળીની ગતિએ ફેલાતી અફવાઓ/ફેક ન્યૂઝ સામાજિક શાંતિ અને લોકોના માનસિક સ્તર પર વારંવાર ઉથલપાથલ મચાવે છે. યે મેરા ઈન્ડિયા, ટર્બ્યુલન્ટ ઈન્ડિયા!
    શબ્દશેષ
    'જ્યારે બધું જ તમારી વિરુદ્ધ જઈ રહ્યું હોય તેવું લાગે, ત્યારે યાદ રાખજો કે વિમાન પવનની દિશામાં નહીં, પણ પવનની વિરુદ્ધ દિશામાં ઉડાન ભરે છે.' - હેન્રી ફોર્ડ