Shatdal

આજનું લોકપ્રિય - શ્રીઅન્ન

By GS Team
6 Oct 20263 mins read
આજનું લોકપ્રિય - શ્રીઅન્ન
  • માર્ગી
  • મિલેટસમાં રહેલું નીઆસીન કોલેસ્ટેરોલ ઓછું કરવામાં, ટ્રાયગ્લીસરાઇડ ઘટાડવામાં મદદરૂપ છે. આથી હૃદયની કાર્યક્ષમતા સારી કરે છે

મિ લેટસ (મોટું અનાજ) - જેને તૃણ ધાન્ય અથવા કદન પણ કહેવાય છે - એનો ઈતિહાસ માનવ સંસ્કૃતિ જેટલો જ પ્રાચિન માનવામાં આવે છે. આજકાલ એ શ્રી અન્નના નામથી લોકપ્રિય થઈ રહ્યું છે.
મિલેટસ ઈન્ડસ અને હડપ્પીય સંસ્કૃતિમાં ઉનાળુ પાક તરીકે ઉગાડવામાં આવતાં હતાં. આપણાં વેદોમાં પણ મિલેટસનો ઉલ્લેખ છે.
હજારો વર્ષથી મિડલ ઈસ્ટ, આફ્રિકાના અનેક પ્રદેશોમાં તથા ઈજિપ્તમાં મિલેટસની અમુક જાત ખૂબ પ્રચલિત છે અને ત્યાંના લોકોના દૈનિક આહારમાં મિલેટસને સ્થાન છે. ચાઇનામાં તો મિલેટસને પવિત્ર મનાય છે અને ચાઇનીઝ મેડિસીનમાં ઉપયોગમાં લેવાય છે.
સમય જતાં ચોખા અને ઘઉંનું ઉત્પાદન તથા વપરાશ વધતાં રોજના આહારમાં મિલેટસનું મહત્વ ઘટયું. પણ આજે મોર્ડન ફૂડ અને ન્યુટ્રિશનના સંદર્ભમાં મિલેટસ ફરી ચર્ચામાં આવ્યા છે.
ભારતમાં બાજરી, જુવાર અને રાગી સૌથી વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને આ મુખ્ય મિલેટસ કહેવાય છે. જ્યારે બીજા ગૌણ મિલેટસની યાદીમાં મોરૈયો, કાંગ, કોદરા, સામો તથા ગજરો આવે છે. ઘઉં અને ચોખાથી મિલેટસ કેવી રીતે અલગ છે ? મિલેટસમાં ડાયટરી ફાઈબર વધુ છે, એમિનો એસીડ જેવા કે મીથીઓનીન, સીસ્ટીન અને લાયસીન વધારે માત્રામાં રહેલાં છે. ઉપરાંત વિટામીન્સ જેવા કે યાયમીન, રીબોફલેવીન, નીઆસીન અને મિનરલ્સ જેવા કે કેલ્શીઅમ, આયર્ન, મેગ્નેસીઅમ, ફોસ્ફરસ, ઝીંક તથા પોટેશીઅમ પણ સારી માત્રામાં
રહેલા છે.
આહારમાં મિલેટસને સમાવિષ્ટ કરવાથી શું ફાયદા થાય છે ?
(૧) મિલેટસ ગ્લુટન-ફ્રી છે. જેમને ઘઉં અને જવ પચવામાં સમસ્યારૂપ છે તેવા લોકોએ મિલેટસને આહારમાં સ્થાન આપવા જેવું છે.
(૨) મિલેટસનો ગ્લાયસેમીક ઈન્ડેકસ ઓછો છે જેથી રક્તમાં શર્કરા ધીમે ધીમે ભળે છે. જુવાર અને મોરૈયામાં ફીનોલીક્સ રહેલાં છે જે પોસ્ટ પ્રેન્ડીઅલ શુગર તથા HbAZC ઘટાડવા મદદરૂપ થાય છે. આમ ડાયાબીટીસના દર્દીઓ માટે સારો આહાર મનાય છે.
(૩) મિલેટસમાં રહેલું નીઆસીન કોલેસ્ટેરોલ ઓછું કરવામાં, ટ્રાયગ્લીસરાઇડ ઘટાડવામાં મદદરૂપ છે. આથી હૃદયની કાર્યક્ષમતા સારી કરે છે.
(૪) અસ્થમા જેવી શ્વાસની બીમારીમાં, મિલેટસમાં પ્રાકૃતિક રૂપે રહેલું મેગ્નેસીઅમ બ્રોન્કોડાયલેટરનું કામ કરે છે અને શ્વાસોચ્છશ્વાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદરૂપ
થાય છે.
(૫) મિલેટસમાં રહેલાં અપચનિય ફાયબર આંતરડાની કાર્યશીલતા વધારે છે જેથી
કબજિયાત ઘટાડે છે.
(૬) પચનિય ફાયબરથી આંતરડામાં રહેલાં માઇક્રોફલોરાને પોષણ મળે છે. આમ મિલેટસ પ્રીબાયોટીકનું કામ કરી પચન
સુધારે છે.
(૭) મિલેટસમાં વિવિધ પોલિફિનોલ તથા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ રહેલાં છે જે શરીરમાં જઈ એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે અને સર્વથા સ્વાસ્થ્ય સુધારે છે.
નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ ન્યુટ્રીશનના જણાવ્યા પ્રમાણે ૧૦૦ ગ્રામ બાજરીમાંથી આશરે ૮.૦ મી.ગ્રા. આયર્ન મળે છે જે ઘઉંથી લગભગ બમણું છે, એટલે જેમને થાક, અશક્તિ, લોહીની ઉણપ (એનેમિયા)ની તકલીફ રહેતી હોય તેમના માટે બાજરીનો ઉપયોગ મદદરૂપ થાય છે.
બધાં જ ધાન્ય અને મિલેટસમાં સૌથી વધારે કેલ્સીઅમ રાગીમાં રહેલું છે. ૧૦૦ ગ્રામ રાગીમાંથી આશરે ૩૪૪ મી.ગ્રા. કેલ્સીઅમ મળે છે જે બીજાં મિલેટસ કરતાં ઘણું વધારે છે અને દૂધમાં મળતાં કેલ્સીઅમથી આશરે ત્રણ ઘણું વધારે છે. આથી, બાળકોમાં રીકેટસ જેવા રોગમાં, ફ્રેકચરના સાંધામાં, મેનોપોઝ પછી સ્ત્રીઓમાં થતાં ઓસ્ટિઓપોરોસીસમાં રાગી ખૂબ ફાયદાકારક છે. રાગીમાં રહેલાં એમીનો એસીડ ડાયાબીટીક ન્યુરોપથી અને ડાયાબીટીક અલ્સરમાં
સહાયક છે.
રાગીમાં રહેલાં મીથીઓનીન અને લાયસીન વધતી ઉંમર સાથે કથળતી ત્વચામાં નીખાર લાવે છે.
જુવારમાં ફાયબર વધુ હોઈ, કોલેસ્ટેરોલ અપટેક ઘટાડે છે જેથી એથરોસ્કલેરોસીસ અને સ્ટ્રોક જેવી સ્થિતિ અટકાવવામાં ઉપયોગી થાય છે. જુવારમાં રહેલું મેન્ગેનીસ થાયરોઈડ ગ્રંથીનું નિયમન કરવામાં સહાયક બને છે, જેથી ફેટ મેટાબોલીઝમ સારૂ થાય છે અને વજન ઘટે છે.
અને વાચકમિત્રો અંતે, મિલેટસને આહારમાં સ્થાન આપતાં પહેલાં આટલી બાબત અચૂક ધ્યાનમાં રાખજો. મિલેટસમાં ગોઈટ્રોજન (એવા તત્વો જે થાયરોઇડ ગ્રંથીના કાર્યમાં દખલ કરે છે) રહેલા છે જેથી હાઇપોથાયરોઇડ વાળા પેશન્ટે માત્રા વિવેક રાખવો. ઉપરાંત જેમને ગાઉટ અને રુમેટિઝમની તકલીફ હોય, કિડનીની સમસ્યા રહેતી હોય એવા લોકોએ મિલેટસનો ઉપયોગ મર્યાદિત કરવો. યોગ્ય પાચન માટે મિલેટસને હંમેશા દૂધ અથવા દૂધની બનાવટો જેમકે ઘી, તાજુ માખણ, દહીં કે છાશ સાથે લેવા સલાહભર્યું છે.