આમ દોસ્તીના નિયમ ક્યાં કોઈને સમજાય છે હોય હૈયે લાગણી તો સૌ નિયમ સમજાય છે

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
- ત્રણેય વેપારીને ફોન કરીશ એટલે લગભગ તો કામ પતી જશે. બાકી તારું નસીબ. સાળીનું કામ ના થાય તો ઘરમાં સમરાંગણ થાય પણ એનો ઉપાય તો કોઈની પાસે નથી
(યહી હૈ જિંદગીના સહુ વાચકમિત્રોને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ… નવા વર્ષની પહેલી વાર્તામાં દોસ્તીનું ગણિત અને એના નિયમોની સમજદારી…)
જ ગદીશ દુકાનેથી ઘેર આવે ત્યારે જ સરોજ ગરમ રસોઈ બનાવે અને એ પછી બંને સાથે બેસીને જમે.
પરણાવેલી દીકરી સાસરે સુખી હતી અને દીકરાને જર્મની અભ્યાસ માટે મોકલ્યો હતો. જમ્યા પછી જગદીશે ટીવી ચાલુ કર્યું ત્યારે સરોજ એની પાસે આવીને બેઠી.
'આજે બપોરે નાની વઢવાણથી આવી હતી. એકાદ કલાક રોકાઈને ચારની બસમાં એ પાછી ગઈ. મારી સાથે વાત કરતી વખતે એ સતત રડતી હતી…'
સરોજની વાત સાંભળીને જગદીશ ચમક્યો. ટીવીનો અવાજ બંધ કરીને એણે સરોજ સામે જોયું. 'શું વાત કરે છે ? એને કોઈ પ્રોબ્લેમ
છે ?'
'એ બાપડી પરણી ત્યારથી પ્રોબ્લેમ સાથે જ પનારા પડયા છે. બાંધી મુઠી રાખીને એ ઘરસંસાર ચલાવી રહેલી, પણ આજે હારી ગઈ. એનો વર દાધારંગો છે. ધંધામાં કંઈક લોચો થયો છે. જો દસ દિવસમાં આઠ લાખ રૂપિયાની જોગવાઈ ના થાય તો દુકાન પર જપ્તી આવે અને જેલમાં જવું પડે એવી દશા છે. ખભે માથું મૂકીને નાનીબેન રડે ત્યારે મોટીબેન તરીકે મારી ફરજ શું ?'
'આઠ લાખ રૂપિયા ?' જગદીશના અવાજમાં હતાશા ભળી. 'એકાદ લાખની જરૂર હોય તો કાલે પહોંચાડી દઉં, પણ આઠ લાખમાં તકલીફ પડે. ગયા મહિને પિન્ટુને જર્મની મોકલ્યો ત્યારે ચોવીસ લાખ માટેય સેટિંગ કરવુંપડેલું.'
'કોઈ પારકા માટે નહીં, મારી સગી બેન માટે સેટિંગ કરવું પડશે, એ પણ ત્રણ મહિના માટે જ. એ બાપડીએ મરવાની વાત કરી એટલે મેં કહ્યું કે ચિંતા ના કરતી. તારા જોરદાર જીજાજી જીવતા છે ત્યાં સુધી કોઈએ મરવાની જરૂર નથી. પાંચ-છ દિવસમાં વ્યવસ્થા થઈ જશે.'
'તેં વચન આપી દીધું એટલે મારે દોડાદોડી કરવી પડશે.' પત્નીને ધરપત આપીને જગદીશ વિચારમાં ડૂબી ગયો. જિતુભા પાસે ધક્કો ખાવો પડશે. એમણે પહેલી જાન્યુઆરીએ આઠ લાખ આપવાનું વચન આપેલું છે. અત્યારે જો એ જોગવાઈ કરી આપે તો અતિ ઉત્તમ. છ મહિના અગાઉ એમની દીકરીના લગ્ન વખતે એમણે અઠયાવીસ લાખના દાગીના લીધા હતા. એમાંથી વીસ લાખ રોકડા આપીને આઠ લાખ રૂપિયા પહેલી જાન્યુઆરીએ આપવાનું કહેલું. એમનું ગામ બાર કિલોમીટર દૂર હતું. લગ્નના મહિના અગાઉ અહીંની બેન્કમાંથી ચાલીસ લાખ રોકડા ઉપાડીને એ બાઈક લઈને ગામડે જતા હતા ત્યારે અકસ્માત થયેલો એમાં એ બેહોશ થઈ ગયેલા અને કોઈ મોરલો કળા કરી ગયેલો. એને લીધે જ જગદીશના આઠ લાખ એમણે બાકી રાખવા પડયા હતા.
જિતુભાનું ગામ હાઈવેથી અર્ધો કિલોમીટર અંદર હતું. જગદીશ બીજા દિવસે બપોરે બાઈક લઈને હાઈવે પર પહોંચી ગયો. ગામડે જવાનો રસ્તો ફંટાતો હતો ત્યાં એક પ્રાચીન શિવાલય હતું. ત્યાંના બાંકડા પર બેસીને જગદીશે ફોન કર્યો. 'બાપુ, જગો બોલું. ક્યાં છો તમે ?'
'અલ્યા, ઘેર જ બેઠો છું. શું કામ હતું ?'
'એક કીક મારીને પાંચ મિનિટ માટે આવી જાવ. તો સારું.' જગદીશે સમજાવ્યું. 'તમારા ગામના ચોરે બેઠેલા બધા નવરાઓ મને ઓળખે છે. હું ત્યાં આવું તો એમા ંતમારું ને મારું બેયનું ખરાબ દેખાય. દાદાના દર્શન કરીને બાંકડે બેઠો છું. તમે આવી જાવ.'
'સારું. તું ટોકરો વગાડ ત્યાં સુધીમાં આવું છું.'
દસ મિનિટ પછી જિતુભાએ આવીને પૂછ્યું. 'બોલો, મા'જન શું ઉપાધિ આવી છે ?'
'આમ તો નહોતો આવવાનો બાપુ, પણ સાતેક દિવસમાં સાળીને આઠ લાખ આપવા પડે એવું છે. ઘરમાં ધડાધડી ના થાય એટલે તમારા આશરે આવ્યો છું. તમે જાન્યુઆરીની પહેલી તારીખ કહી છે, પણ અત્યારે કરી આપો તો મહેરબાની.'
'જગા મા'જન, પહેલી જાન્યુઆરીની મારી ગેરંટી સો ટકા, પણ હજુ બે મહિના બાકી છે. અત્યારે રૂપિયા લાવવા ક્યાંથી ? જીરૂ અને કપાસના થઈને મારે પંદર લાખ લેવાના છે, પણ એ બધાએ ડિસેમ્બર એન્ડનું જ વચન આપેલું છે.' જગદીશ સામે જોઈને એમણે સમજાવ્યું. દીકરીબાના લગ્ન વખતે તેં મારી આબરૂ જાળવેલી એ હું ભૂલ્યો નથી. ત્રણેય વેપારીઓને આજે ફોન કરીશ. માતાજીની મહેરબાની થશે તો મેળ પડશે, બાકી હું લાચાર છું.'
બાપુએ ચાની કીટલીવાળાને ઇશારો કરીને ચા મંગાવી. 'બાપુ, ઝેર પીવાની દશા છે ને તમે ચા નો આગ્રહ કરો છો ?'
'અરે ગાંડા, એમ હિંમત નહીં હારવાની. મને ને તને થોડીવાર ટટળાવીને ઉપરવાળો રાજી થતો હશે પણ પછી રાજી થઈને હુકમનો એક્કો હાથમાં આપી દેશે. જગા, એકવાર તેં કહ્યું એટલે બધું મગજમાં છપાઈ ગયું. ઓશિયાળો થઈને તું માંગે ત્યારે મને શરમ લાગે છે. ત્રણેય વેપારીને ફોન કરીશ એટલે લગભગ તો કામ પતી જશે. બાકી તારું નસીબ. સાળીનું કામ ના થાય તો ઘરમાં સમરાંગણ થાય પણ એનો ઉપાય તો કોઈની પાસે નથી. અમારેય ક્યારેક ઉપાધિ વેઠવી પડે છે. છતાં હું પૂરેપૂરી ટ્રાય કરીશ.'
નિરાશ જગદીશ પાછો આવ્યો. હવે શું કરવું ? આમ તો ઉપાય આંખ સામે દેખાતો હતો પણ મન માનતું નહોતું.
એની દુકાનની બરાબર સામે વિનોદ ઠક્કરની દુકાન હતી. જગદીશના બાપા અને વિનોદના બાપા પણ પાક્કા ભાઈબંધ હતા, અને એ દોસ્તીનો વારસો આ બંને મિત્રોએ પણ જાળવ્યો હતો. એક જ દિવસે જગદીશ અને વિનોદને ધામધૂમથી નિશાળે બેસાડયા હતા. મેટ્રિકમાં બંને નાપાસ થયા પછી બહુ ભણ્યા એમ માનીને બંનેએ પોતપોતાના બાપાની દુકાને બેસવાનું ચાલુ કરી દીધું હતું. રોજ સવાર-સાંજ સાથે ચા પીતા હતા. એ છતાં, આટલા વર્ષોમાં ક્યારેય નાણાંકીય વ્યવહારનો પ્રસંગ ઊભો થયો નહોતો. એને લીધે જગદીશ જબરજસ્ત દ્વિધામાં હતો. વિનોદને વાત કરવી કે નહીં એ અવઢવમાં એ આખી રાત ઊંઘ્યો નહીં. જિતુભા બોલે એ શબ્દો શિલાલેખ સમાન. એ વેપારીઓને ફોન કરશે અને સગવડ થશે તો આપી જશે નહીં તો પહેલી જાન્યુઆરી તો પાકી પણ ત્યાં સુધીના સમય માટે કંઈક તો કરવું જ પડશે. આકરા મનોમંથન પછી એણે વિનોદની મદદ લેવાનું નક્કી કરી લીધું.
સવારે વિનોદની દુકાને કોઈ ગ્રાહક નહોતો એ સમયે એ ત્યાં પહોંચી ગયો. મનમાં હજુ ય દ્વિધા હતી એટલે વિચાર બદલાઈ જાય એ અગાઉ એણે કથા શરૂ કરી. 'વિનિયા, મારી વાત સાંભળ. ચડ્ડી પહેરીને ધૂળમાં રમતા હતા, ત્યારથી આપણી ભાઈબંધી છે. એકબીજાના ઘેર સીધા જમવા બેસી જવાય એવી દોસ્તી છે. એ છતાં, છેંતાળિશ વર્ષના આ સંબંધમાં ક્યારેય એકબીજા સાથે આર્થિક વ્યવહાર નથી થયો. તકલીફ હોય તો પણ મેં તારી પાસે હાથ લબાવ્યો, અને મારી પાસે ઉછીના માગવાની તારે ક્યારેય જરૂર નથી પડી. એ કારણથી જ વ્યવહાર ટકી રહ્યો છે.
આટલાં વર્ષમાં પહેલી વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પગ ઊપડતો નહોતો, છતાંય છેલ્લા ઉપાય તરીકે તારી પાસે આવ્યો છું. પહેલી જાન્યુઆરી સુધી આઠ લાખની જરૂર છે. તારે વ્યવસ્થા કરી આપવી પડશે. ચાર-પાંચ દિવસમાં જ જોગવાઈ કરીશને ?'
સાળીનો પ્રોબ્લેમ અને જિતુભા સાથે થયેલ વાત સમજાવીને એણે ઉમેર્યું. 'સોના-ચાંદીના ભાવમાં હોળી સળગી અને જી.એસ.ટી.નો માર પડયો. વિનિયા, જો જિતુભાથી સગવડ નહીં થાય તો તારે તકલીફ લેવી પડશે. તારે મને ઉગારવો પડશે.'
'જગા, મારી દુકાન પાકિસ્તાનમાં નથી. તારી દશા જેવી જ મારી હાલત છે. જી.એસ.ટી.ની ઝપટમાં મારીયે સૂઝી ગઈ છે.' સહેજ વિચારીને એણે જગદીશ સામે જોયું. 'તેં પહેલીવાર માગ્યા, પણ મુશ્કેલી તો મારેય છે. એ છતાં ચાર દિવસનો ટાઈમ આપ ખાતરી નથી આપતો, પણ ટ્રાય કરીશ.'
એનો આવો જવાબ સાંભળ્યા પછી જગદીશ ભાંગેલા પગે પોતાની દુકાને આવ્યો. હતાશા અને બેચેનીમાં બીજો દિવસ પણ પસાર થયો.
ત્રીજા દિવસે ધમધમાટ કરતી બુલેટ એની દુકાન પાસે આવી ઊભી રહી. જિતુભા અંદર આવ્યા. 'જટા, ફટાફટ ચા મંગાવ. ઘેર મેમાન છે એટલે જલ્દી ભાગવાનું છે…' જગદીશની જોડેની ખુરશી પર બેસીને પોતાની થેલીમાંથી પાંચસો રૂપિયાની કડકડતી નોટોના સોળ બંડલ કાઢીને જગદીશના હાથમાં પકડાવ્યાં. 'ખોટું નહીં બોલું, જગા ! મારો મોભો ભૂલીને ત્રણેય વેપારીઓને રીતસર કરગર્યો ને તારું નસીબ જોર કરતું હશે એટલે એક વેપારીનો ફોન આવ્યો કે ઉઘડતી બેન્કે તમારા ખાતામાં આઠ લાખ આવી જશે. મેમાનને ઘેર બેસાડીને અગિયાર વાગ્યે અહીં આવી ગયો. બેન્કવાળાએ આપ્યા કે તરત સીધો તારી પાસે આવ્યો.'
નોકર ચા લઈને આવ્યો. પોતાની સામે જાણે કોઈ દેવદૂત બેઠો હોય એમ જગદીશ આભારવશ નજરે જિતુભા સામે તાકી રહ્યો હતો. 'બાપુ, કઈ રીતે તમારો આભાર માનું એ શબ્દો સૂઝતાં નથી.' એ ગળગળા અવાજે બબડયો.
'સોનામાં ઉધારી ના હોય એ છતાં તેં આઠ લાખ બાકી રાખીને દીકરીબાના દાગીના આપેલા ત્યારે મને ય શબ્દોના ફાંફા હતા…' જિતુભાના અવાજમાં લાગણીની ભીનાશ હતી. 'આજે એ હિસાબ સરભર થઈ ગયો.' ફટાફટ ચા પીને એમણે બુલેટ સ્ટાર્ટ કરી.
એ રાત્રે વિનોદ ઠક્કર જિતુભાની ડેલીમાં બેઠો હતો. 'વિનુ, તારું કામ તો પતાવી આપ્યું પણ તારા ખેલમાં ખબર ના પડી.' જિતુભાએ નિખાલસતાથી કહ્યું. 'તેં આપેલા આઠ લાખ જગાને આપી આવ્યો પણ તારી આ રમત સમજાઈ નહીં.'
'બાપુ, ભાઈબંધીના અમુક નિયમો હોય છે. એ મનથી સમજવાના હોય, એ કોઈ ચોપડીમાં લખેલા નથી. જગા ઉપર કોઈ અણધારી આફત ત્રાટકે તો એની પડખે ઊભો રહીને એને ઉગારવા માટે પંદર-વીસ લાખ વાપરી કાઢું. ભાઈબંધ તરીકે એ સમયે એ મારી ફરજ કહેવાય. એમાં જરાય પાછી પાની ના કરું…'
સહેજ અટકીને એણે સમજાવ્યું. 'પણ એ ઓશિયાળો બનીને મારી સામે હાથ લંબાવે એ ના ગમે. દોસ્તીમાં એકબીજા માટે લાગણીનું લેવલ જળવાવું જોઈએ. એ આવી રીતે પૈસા માગે અને હું આપું તો ભાઈબંધીમાં કોઈ વાંધો ના આવે પણ એ દિવસથી લેવલમાં લોચો થઈ જાય, સમતલ ના રહે. એ બોલે નહીં પણ એના મન પર અહેસાનનો ભાર રહે. અત્યારે અમે એકબીજાના બરડામાં ધબ્બો મારીને કે ગાળ બોલીને ચા-નાસ્તો મંગાવવા માટે એકબીજાને ઓર્ડર કરી શકીએ છીએ, એ સુખ ઝૂંટવાઈ જાય. હું એનાથી સહેજ ઊંચો છઉં એવું એ માન્યા કરે. ભાઈબંધીનું ગણિત ખોરવાઈ જાય. એ પૈસા માગવા આવ્યો અને તમારી વાત કહી. તમારું નામ પિક્ચરમાં આવ્યું એ જ પળે મને આઈડિયા સૂઝી ગયો. સવારે આવીને તમને પૈસા આપીને પ્લાન સમજાવી દીધો. હું પડદા પાછળ રહ્યો ને તમે એને રાજી કરી દીધો. અમારી દોસ્તીનું લેવલ જાળવી રાખવામાં તમે રંગ રાખ્યો, બાપુ !'
જિતુભા સાથે હાથ મિલાવીને વિનોદ ઊભો થયો. 'હવે પહેલી જાન્યુઆરીએ મને રાજી કરવાનું ભૂલતા નહીં.'
(શીર્ષક પંકંતિ : લેખક)




