કૃત્રિમ બુધ્ધિમત્તા (AI) ના હજારો ડેટા સેન્ટર્સમાં વર્ષે અબજો લિટર પાણીનો વપરાશ!

મીડ વીક- હસમુખ ગજજર
પાવરફૂલ કમ્પ્યુટર ચિપ્સ અને ગ્રાફિકસ પ્રોસેસરમાં તાપમાનને નિયંત્રિત કરવામાં ના આવે તો ઇકિવપમેન્ટમાંથી નિકળતી ગરમી હાર્ડવેરને નુકસાન પહોંચાડે છે. આ ડેટા સેન્ટર્સના મશીનો ગરમ ના થાય તેના માટે અબજો લિટર પાણીની જરુર પડવા લાગી છે
આ જની ડિજિટલ દુનિયામાં આંગળીના ટેરવે માહિતી અને માર્ગદર્શનનો ધોધ વહેવા લાગે છે. આ સામગ્રી કાંઇ બ્રહ્માંડમાંથી નથી આવતી પરંતુ આના માટે હજારો સર્વર અને મશીનો રાત દિવસ કામ કરતા રહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટેકનિકને કાર્યરત રાખવા પુષ્કળ વીજળી અને પાણીની જરુર પડે છે. ડિજિટલ ડેટાના સંગ્રહ અને પ્રોસેસ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટકચર્સ બાંધવામાં આવે છે જેને ડેટા સેન્ટર્સ કહેવામાં આવે છે. આ ડેટા સેન્ટર્સમાંના કમ્પ્યૂટર સર્વર ઓનલાઇન કામ પાર પાડવાના મોટા નેટવર્ક હેઠળ કામ કરે છે.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભલે સંપૂર્ણ ડિજિટલ ટેકનોલોજી ગણાતી હોય પરંતુ તેની સિસ્ટમ મોટા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટકચર પર આધાર રાખે છે. એક સાથે લાખો યુઝર્સની રિકવેસ્ટનો જવાબ આપતા સમયે વીજળીથી ચાલતા સર્વરમાં તાપમાન પેદા થાય છે. સામાન્ય રીતે એઆઇને લગતા ઓનલાઇન કામોમાં ઓનલાઇન શોપિંગ કે સર્ચની સરખામણીમાં વધારે કોમ્પ્યુટર પાવરની જરુર પડે છે. આપણે જયારે ઓનલાઇન વર્ક કરીએ કે ઇમેલ મોકલીએ કે વીડિયો જોઇએ કે વીડિયો સામગ્રી તૈયાર કરીએ ત્યારે મોટા ડેટા સેન્ટર્સમાં રહેલા હજારો કોમ્પ્યૂટર તેને પ્રોસેસ કરે છે જેમાંના કેટલાક ડેટા સેન્ટર્સ તો ફૂટબોલના મેદાન જેટલા વિશાળ હોય છે. પાવરફૂલ કમ્પ્યૂટર ચિપ્સ અને ગ્રાફિકસ પ્રોસેસરમાં તાપમાનને કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં ના આવે તો ઇકિવપમેન્ટમાંથી નિકળતી ગરમી હાર્ડવેરને નુકસાન પહોંચાડે છે. આથી જ તો ડેટા સેન્ટર્સના મશીનો ગરમ ના થાય તેના માટે અબજો લિટર પાણી વપરાય છે. ડેટા મશીન ઠંડા રાખવા માટે મોટે ભાગે સ્વચ્છ પાણીની જરુર પડે છે કેટલીક સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા પાણીના ૮૦ ટકા હિસ્સો વરાળ બનીને ઉડી જાય છે.
ગુગલના ડેટા કેન્દ્રમાં ૨૦૨૩માં ૫.૬ અબજ ગેલન પાણીનો વપરાશ થયો હતો જે ૨૦૨૨ની સરખામણીમાં ૨૪ ટકા વધારે હતો. ગુગલના આંકડા મુજબ તેના ખૂદના ડેટા સેન્ટર્સે ૨૦૨૪માં ૩૭ અબજ લિટર પાણી લીધું જેમાંથી ૨૯ અબજ લીટર પાણી ખપત થયું અથવા તો તેનો મોટા ભાગનો હિસ્સો વરાળ બનીને ઉડી ગયો હતો. એક અનુમાન છે કે ચેટજીપીટીને પુછવામાં આવતા એક સવાલમાં લગભગ એક ચમચીના પંદરમાં ભાગ જેટલું પાણી વપરાય છે. અમેરિકાના કેલિફોર્નિયા અને ટેકસાસમાં થયેલા એક સ્ટડીમાં જણાવાયું હતું કે કંપનીના જીપીટી મોડેલથી ૧૦ થી ૫૦ સવાલોનો જવાબ આપવામાં અડધો લિટર પાણી લાગે છે. એટલે કે દરેક સવાલનો જવાબ આપવા કમસેકમ ૨ થી ૧૦ ચમચી જેટલા પાણી વપરાય છે. પાણીના ઉપયોગના અનુમાનનો આધાર કેવા પ્રકારનો સવાલ છે, કેટલો લાંબો છે, જવાબ કયાં પ્રોસેસ થઇ રહયો છે, કેલક્યુલેશનમાં કઇ વસ્તુઓનો સમાવેશ થાય છે તેના પર રહેલો છે. નિષ્ણાતોનું માનવું છે કે સંચારક્રાંતિની દુનિયામાં એઆઇ બોટનું અસ્તિત્વ ન હતું ત્યારે પણ પાણીની તંગી હતી. હવે વિસ્તરતી જતી ડેટાની ડિજિટલ દુનિયા પાણીની અછતને વધારે ઘેરી બનાવી શકે છે. હજુ દુનિયાની ૩૩ ટકા વસ્તી ઓફ લાઇન જીવે છે તે પણ ઓનલાઇન પર આવી જશે ત્યારે તો ઓર માંગ વધવાની છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધી ડેટા સેન્ટર્સમાં પાણીનો ઉપયોગ હાલની સરખામણીમાં બમણો થઇ જવાનો છે જેમાં વીજળી અને કોમ્પ્યૂટર ચિપ બનાવવાની પ્રક્રિયામાં વપરાતા પાણીનો પણ સમાવેશ થાય છે. જુન ૨૦૨૬માં યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટીના એક રિપોર્ટ અનુસાર ૨૦૩૦માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ડેટા સેન્ટરોમાં પાણીનો વપરાશ વધી જવાનો છે.પર્યાવરણ સંશોધકોના મત મુજબ એઆઇના વોટર ફૂટ પ્રિન્ટમાં સૌથી મોટું યોગદાન ડેટા સેન્ટરોમાં વપરાતી કુલિંગ પ્રોસેસનું છે.આ સુવિધાઓ ચલાવવા માટે જરુરી પાણીની માત્રા લગભગ ૧.૩ અબજ લોકોની એક વર્ષની પાણીની જરુરિયાત જેટલી હશે.
સ્પેનના એરાગોન ક્ષેત્રમાં યુરોપનું સૌથી મોટું ડેટા સેન્ટર ૧૯૦ હેકટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ડેટા સેન્ટરના કુલિંગ માટે વર્ષે ૫૦૦ મિલિયન લિટર એટલે કે ૧૩૨૦૮૬૦૨૬ ગેલન પીવાનું પાણી વાપરે છે. ડિસેમ્બર ૨૦૨૪માં ટેક કંપનીએ વધુ ત્રણ ડેટા સેન્ટર્સ સ્થપાવાની સરકાર પાસે મંજૂરી માંગી હતી. માર્ચ ૨૦૨૫માં એરાગોનમાં દુષ્કાળ પડતા પાણીની અછત ઉભી થઇ હતી. ભયંકર દુષ્કાળની અસરથી બાર્સિલોના પાસેના જળાશયો ખાલી થઇ ગયા હતા. આવા સંજોગોમાં અબજો લિટર પાણી ગટગટાવતા ડેટા સેન્ટર્સને મુલતવી રાખવાની પર્યાવરણ જૂથો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ' તુ નું બેસેકા મીરિઓ' નામનું એક આંદોલન શરું થયું જેનો અર્થ 'તમારુ કલાઉડ મારી નદીને સૂકવી રહયું છે' એવો થતો હતો. દક્ષિણ અમેરિકી દેશ ચિલી અને ઉરુગ્વે જયાં ભયંકર દુષ્કાળ પડે છે ત્યાં ગૂગલના ડેટા સેન્ટર્સ દ્વારા પાણીનો સૌથી વધુ ઉપયોગનો વિરોધ થયો હતો. આ વિરોધના પગલે ગૂગલે પોતાના ડેટા સેન્ટર્સની યોજનાઓને અટકાવવાની અથવા તો તેમાં પરિવર્તન લાવવાની ફરજ પડી હતી. ૨૦૧૯માં ગુગલે ચિલીના સેન્ટિયાગોમાં ૨૦ કરોડ અમેરિકી ડોલરના ખર્ચે બીજા ડેટા સેન્ટરનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે સર્વરોને ઠંડા રાખવા માટે પ્રતિ સેકન્ડ ૧૬૯ લિટર પાણીની જરુર પડવાની હતી. એઆઇ ઇન્ફ્રાસ્ટકચર માટે સૌથી વધુ વૃધ્ધિની શકયતા ધરાવતા દેશોમાં બ્રાઝિલ, મેકિસકો, ચિલી, કોલંબિયા, પનામા,પેરુ, ઉરુગ્વે અને કોસ્ટારિકાનો સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ વિશ્વમાં સૌથી વધુ ડેટા સેન્ટર્સ ધરાવે છે. મધ્ય પૂર્વમાં સાઉદી અરેબિયા અને યુએઇ પહેલા કરતા ડેટા સેન્ટરોનું વધુ સ્વાગત કરી રહયા છે. ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીની ક્રાંતિ સાથે ં મુંબઇ દેશના ડિજિટલ નર્વ સેન્ટર તરીકે ઉભરી રહયું છે. ડિજિટલીકરણ અને કલાઉડ તકનિકના ઉપયોગથી ભારતમાં પણ ડેટા કેન્દ્રોમાં તેજી આવવાની સંભવના છે. વૈશ્વિક સ્તરે એશિયાના શુષ્ક વિસ્તારોમાં ખાસ કરીને ચીન અને ભારતમાં ડેટા સેન્ટર્સનું પ્રમાણ વધી શકે છે. યુરોપમાં નેધરલેન્ડ, આયરલેન્ડ અને સ્પેન સૌથી વધુ ડેટા સેન્ટર્સ ધરાવે છે. એથિકલ જીઓના જુલાઇ ૨૦૨૫ના આંકડા મુજબ અમેરિકામાં ૧૦૦ મેગાવોટ ડેટા સેન્ટર દરરોજ ૨ મિલિયન લિટર પાણી વાપરે છે જે ૬૫૦૦ અમેરિકન પરિવારોના પાણી વપરાશ જેટલું છે. વૈશ્વિક સ્તરે ડેટા સેન્ટર વાર્ષિક આશરે ૫૬૦ અબજ લિટર પાણી વાપરે છે. આ પાણી ૨૨૪૦૦૦ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ જેટલું છે.
સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે ૨૦૨૨ પછી વૈશ્વિક સ્તરે બાંધવામાં આવેલા અથવા હજુ વિકસી રહેલા બે તૃતિયાશ નવા ડેટા સેન્ટરો એવા સૂકા સ્થળોએ છે જયાં પહેલાથી જ પાણીની તંગી છે. અમેરિકામાં લગભગ અડધા જેટલા ડેટા સેન્ટરો પાણીના તણાવગ્રસ્ત પ્રદેશોમાંથી સંચાલિત થાય છે. ગરમ અને સૂકા વિસ્તારમાં ડેટા સેન્ટર્સ બનાવવાની ટેક કંપનીઓની દિલચસ્પીનું કારણ જમીનની ઉપલબ્ધતા. વીજળીનો સરળ ઢાંચો, પવન અને સોલાર જેવી ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતની ઉપલબ્ધતા અને સરળ નિયમો છે. નિષ્ણાતો એવું પણ માને છે કે સૂકા વિસ્તારમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી કાટ લાગવાની શકયતા પણ ઓછી રહેવાથી દુલર્ભ ખનીજોમાંથી બનેલા ડેટા સેન્ટરના પાર્ટસની આવરદા વધે છે. આ સૂકા વિસ્તારમાં ડેટા સેન્ટર્સ હોવાનો સૌથી મોટો ફાયદો માનવામાં આવે છે. એઆઇ દ્વારા થતો જળ વપરાશ મૌસમ અને દિવસો અનુસાર બદલાતો રહે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શિયાળાની સરખામણીમાં ઉનાળામાં કુલિંગ માટે ૨૩ ટકા પાણી વધારે વપરાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ્ડ કમ્યૂટિંગના કારણે વીજળી અને પાણીની ડિમાંડ સતત વધી રહી છે. ડેટા સર્વરોની પાછળ એક સંકટ ઉભું થઇ રહયું છે તેનું નામ જળ સંકટ છે. વર્તમાન ચિપ્સ સિલિકોન સર્કિટસની મદદથી ઇલેકટ્રોન્સ એટલે કે વીજળી દોડાવીને ડેટા ટ્રાન્સફર કરે છે. હાલમાં ચીન સહિતના દેશો એ આઇ મોડેલોમાં કોમ્પ્યૂટિંગ પાવર અને કુલિંગ માટે પાણીનો ઉપયોગ ઘટાડવા માટે ફોટોનિક ચિપ્સના સંશોધનની દિશામાં પ્રયાસ કરી રહયા છે. ફોટોનિક ચિપ્સ કોઇ પણ ડેટા મોકલવા કે પ્રોસેસ કરવા માટે ફોટોન્સ એટલે કે પ્રકાશ કણો પર નિર્ભર કરે છે.એઆઇથી નોકરી અને રોજગાર પર વિપરિત અસર થઇ રહી છે તેમ છતાં શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉધોગ ઉત્પાદન, સર્વિસ સેકટર, મેન્યુફચરિંગ અને માહિતી - મનોરંજન માટે ઉપયોગ વધી રહયો છે. પૂર્ણ ડિજિટલ લાગતી એ.આઇ ટેકનિક આમ જોવા જઇએ તો અલ્ગોરિધમ,ખનીજ, જળ, શ્રમિક, ઉર્જા અને ઇકો સિસ્ટમનું હાઇબ્રિડ મિશ્રણ જ છે આથી ટેક કંપનીઓ વર્તમાન ઇકો સિસ્ટમને અનુરુપ ડેટા સેન્ટર્સ વિકસિત કરે તે પર્યાવરણ માટે અતિ આવશ્યક છે.









