Shatdal

આ છે આપણા દેશના અસલી જેન-ઝી!

By GS Team
15 Sep 20264 mins read
આ છે આપણા દેશના અસલી જેન-ઝી!
  • તેઓ પ્રોટેસ્ટના નામે ગંદી ગાળો બોલતા નથી. તેઓ અદભુત રીતે ચુપચાપ પોતાનું કામ કરે છે. તેઓ ઇન્ફ્લુએન્સર્સ નથી, તેઓ ક્લીન્ફ્લુએન્સર્સ છે!

એક ગજબનો જેન-ઝી ટ્રેન્ડ શરૂ થયો છે. આ જુવાનિયાઓ પ્રોટેસ્ટ કરવા ભેગા હો-હા કરતા નથી, રાડો પાડી પાડીને ગંદી ગાળો બોલતા નથી, વલ્ગર પોસ્ટર બનાવતા નથી. તેઓ ચુપચાપ પોતાનું કામ કરે છે. કેવું કામ? પોતાના શહેર કે ગામની અત્યંત ગંદી થઈ ગયેલી નદી, સરોવર, રસ્તાઓ અને દીવાલોની સાફસફાઈ કરવાનું કામ. શરુઆત થઈ બિટ્ટુ તબાહી નામના યુવાનથી. બિટ્ટુએ મધ્યપ્રદેશમાં આવેલી અજનાર નદીને સાફ કરી છે. બિટ્ટુમાંથી પ્રેરણા લઈને દેશના કેટલાય હિસ્સાઓમાં જેન-ઝી યુવાનોએ સફાઈ અભિયાન આદર્યું. અફ કોર્સ, તેમણે પોતાની સ્ટાઇલમાં રીલ્સ વગેરે બનાવી જ, પણ એમનો મૂળ ઉદ્દેશ શુભ હતો. તેઓ છીછરા ઇન્ફ્લુએન્સર્સ નથી, તેઓ ક્લીન્ફ્લુએન્સર્સ છે! આ યુવા ક્લીન્ફ્લુએન્સર્સના કામની ઝલક અને તેમને મળેલી શુભેચ્છાઓની ઝાંખી તમે પણ જોઈ લો…

આંધ્રપ્રદેશમાં પૂર્વ સંપદા રક્ષક સેના નામના જૂથના કમસે કમ ૪૦ સભ્યો ચુપચાપ સફાઈ કરી રહ્યા છે, અને તે પણ આજકાલથી નહીં, પૂરાં બે વર્ષથી. તેઓ મંદિરો, કૂવા વગેરે જેવા હેરિટેજ સ્થળોએ સ્વચ્છતાની જાળવણી કરે છે.

૨૧ વર્ષના આકાશ ગુપ્તા અને એના જેન-ઝી દોસ્તારોએ ઉત્તર પ્રદેશની અત્યંત પ્રદૂષિત થઈ ચૂકેલી મનોરમા નદીને સાફ કરવાનું છેલ્લાં કેટલાક અઠવાડિયાંથી આરંભી દીધું છે. કોઈ સરકારી સહાય નહીં, કોઈ હેવી મશીનરી નહીં. અત્યાર સુધીમાં તેઓ ૫૦૦ કિલો જેટલો કચરો અને પ્લાસ્ટિક દૂર કરી ચૂક્યા છે. વાહ!

કાર્તિક સહાની નામના જુવાનિયાએ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં વહેતી તમસા નદીના અમુક હિસ્સાને સાફ કરવાનું બીડું ઝડપ્યું છે. એ પણ એકલવીર છે. હિંમત હાર્યા વગર એ કોઈની મદદ વગર કેટલાંય અઠવાડિયાઓથી નદીને સાફ કરી રહ્યો છે.

હરિયાણા સ્થિત કરનાલમાં એક મુનાક નહેર છે, જે ભયાનક ગંદી થઈ ચૂકી હતી. યંગસ્ટર્સના એક ગુ્રપે નક્કી કરી લીધું કે ચાલો, ફ્લાયઓવર નીચેની આ કેનાલને સ્વચ્છ કરી નાખીએ. તેઓ મસ્ત કલર કો-ઓર્ડિનેટેડ કપડાં પહેરીને કેનાલમાં ઉતર્યા અને થોડાં અઠવાડિયામાં જગ્યા સાફ કરી નાખી. સુપર્બ!

આ છે આપણા દેશના અસલી જેન-ઝી… અને આ છે અસલી સ્વચ્છતા અભિયાન!

આપણા નેતાઓ સ્વચ્છ ભારત અભિયાનના નામે કાં તો હાથમાં ઝાડુ લઈને ફોટા પડાવ્યા કરશે અથવા તો ભ્રષ્ટાચાર કર્યા કરશે. સ્વચ્છતાનું અસલી કામ કરનારા આ યુવાનોને સરકાર આર્થિક મદદ કેમ કરતી નથી?

બિગ સેલ્યુટ!

જો આ કેવળ સોશિયલ મિડીયા પર રીલ બનાવવાના ઉધામા હોય તો આખા દેશે આવા ઉધામા કરવા જોઈએ.

કાશ… આ યુવાનોમાં એબીવીપીના સભ્યો પણ દેખાતા હોત!

તમે કેટલી સફાઈ કરશો? આખા દેશમાં ચારે તરફ કચરો જ કચરો છે. આખા તંત્રમાં કચરો ભરાયેલો છે. જ્યાં સુધી તંત્રના કચરા જેવા નેતાઓ અને પગારદાર અધિકારીઓનો સફાયો નહીં થાય ત્યાં રસ્તાઓ તેમજ નદીઓમાં ગંદકી થતી જ રહેવાની.

બહોત બઢિયા. વિચારવાનું એ છે કે જો જનતાએ જ સફાઈકામ કરવાનું હોય તો નેતાઓની ગુલામી કરવાનું અને એમને વોટ આપીને ચુંટવાનો શો મતલબ છે? એના કરતાં દેશહિતમાં કામ કરનારા આ યુવાનો અને અન્ય લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ.

સવાલ એ છે કે જેન-ઝીનું આ જોશ ક્યાં સુધી ટકી રહેશે? આ કંઈ એક વાર કરીને ભૂલી જવાનું કામ નથી. સફાઈકામ સતત કરતા રહેવું પડે. છતાંય આ એક ઉત્તમ શરૂઆત છે એની ના નહીં.

ભારત કા યુવા જાગ રહા હૈ… દેશ બદલ રહા હૈ…

સરકાર સાફસફાઈ માટે આટલું બજેટ ફાળવે છે, પણ એ નાણું જાય છે ક્યાં? પ્લાસ્ટિકના ઉપયોગ પર સરકાર સખત કાયદો કેમ બનાવતી નથી? કેમ તેનો કડકાઈથી અમલ કરતી નથી?

એક યુવાન પેઢી આ છે - નિષ્ઠાવાન, ચુપચાપ પોતાનું કામ કરનારી… અને બીજી યુવાન પેઢી હતી જંતર-મંતર ગ્રાઉન્ડ પર - ગંદામાં ગંદી ગાળો બોલતી, બિભત્સ ચાળા કરતી. આ કમર્યોગી યુવાનોને મારા પ્રણામ!

એક આઇડિયા આપું છું. જે કચરો કરતાં પકડાય એને પ્રેમથી કચરો ગિફ્ટ પેક કરીને આપો - ગંદી કોથળીઓ, પ્લાસ્ટિકની બોટલો વગેરે… તમારું કામ બહુ આસાન થઈ જશે.

બિટ્ટુ તબાહી… જેને કારણે સફાઈ અભિયાન ટ્રેન્ડિંગ થયું

સુરેન્દ્રસિંહ ચૌધરી ઉર્ફ બિટ્ટુ તબાહી નામનો વીસ વર્ષનો યુવાન આજકાલ ખૂબ ફેમસ થયો છે. થવો જ જોઈએ. બિટ્ટુએ મધ્યપ્રદેશમાં આવેલી અજનાર નદીને સાફ કરી બતાવી છે. જોતાં જ ચીતરી ચડે એવી આ નદી. સમજાય નહીં કે આ નદી છે કે ઉકરડો? બિટ્ટુએ સોશિયલ મિડીયા પર આવીને ઠાલી ફરિયાદો ન કરી, લાગતાવળગતા અમલદારોને ગાળો ન આપી. એણે ચુપચાપ હેન્ડ ગ્લવ્ઝ પહેર્યાં, મોં પર માસ્ક ચડાવી, જાળી બાંધેલી લાંબો દંડ હાથમાં લીધો, ગંધાતા પાણીમાં ઉતર્યો ને માંડયો નદી સાફ કરવા. શરૂઆતમાં તો દોસ્તારો આવ્યા, બિટ્ટુના કામમાં જોડાયા, પણ થોડા દિવસોમાં કંટાળ્યા. ધીમે ધીમે સૌ ગાયબ થઈ ગયા, પણ બિટ્ટુ એકલપંડે કામ કરતો રહ્યો, ગાંઠનું ગોપીચંદન કરતો રહ્યો. મહિનાઓ વીત્યા… ને બિટ્ટુએ આખરે નદી એવી સ્વચ્છ કરી નાખી કે માન્યામાં ન આવે. એણે કેટલીય રીલ્સ બનાવી, ને આખરે જ્યારે નદીની 'બિફોર' અને 'આફ્ટર'વાળી તસવીરો શેર કરી ત્યારે લોકોએ શરૂઆતમાં માની લીધું કે આ એઆઈ જનરેટેડ ઇમેજીસ છે. પણ જ્યારે ખબર પડી કે આ એઆઈ નહીં, અસલિયત છે ત્યારે બિટ્ટુ પર શાબાનો વરસાદ વરસ્યો. માત્ર ભારતમાંથી જ નહીં, વિદેશમાંથી પણ. બિટ્ટુનું સ્વચ્છતા અભિયાન એટલું વાઇરલ થઈ ગયું કે સ્થાનિક નેતાઓ ને અમલદારોએ એને શરમે-ધરમે બોલાવવો પડયો ને શાબાશી આપવી પડી.