રાજાજ્ઞા અને નૈતિકતા વચ્ચે અંતર છે !

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
આ ચાર્ય ચરકની ચિકિત્સાનીતિ હતી કે - સાચી ઔષધિ તે કે જેનાથી રોગીને આરોગ્ય મળે.
સાચો ચિકિત્સક એ કે જે પોતાની ચિકિત્સાથી દર્દીને રોગમુક્ત કરે.
સાચી ચિકિત્સા એ કે જે એક રોગનું શમન કર્યા પછી નવો રોગ ઉત્પન્ન ન કરે.
આયુર્વેદના આચાર્ય ચરક રાજા કનિષ્કના રાજવૈદ્ય હતા. વૈશંપાયનના શિષ્ય અને યાજ્ઞાવલ્ક્યના સહાધ્યાયી હતા. ચરકની લખેલી 'ચરકસંહિતા'માં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, દર્શન અને વિજ્ઞાનનો સુંદર સમન્વય છે. કાયચિકિત્સાનો આ અપૂર્વ ગ્રંથ છે.
આવા રાજવૈદ્ય ચરક ઔષધિઓની શોધ માટે જંગલમાં ઠેર ઠેર ઘૂમી રહ્યા હતા. એમની નજર આસપાસની વનસ્પતિ પર પડતી હતી. તેવામાં એક ખેતરમાં ઊગેલું એક સુંદર પુષ્પ જોયું. આજ સુધી ઘણાં પુષ્પો જોયાં હતાં, પરંતુ આવું પુષ્પ કદી જોયું નહોતું. તેઓ એ ખેતરમાં પ્રવેશ્યા અને ફૂલની નજીક ગયા. આવું ફૂલ જોઈને એમનું મન ભાવવિભોર બની ગયું.
ગુરુના ચહેરા પરની પ્રસન્નતા જોઇને શિષ્યે કહ્યું, 'ગુરુદેવ, આ સાચે જ અનુપમ પુષ્પ લાગે છે. આવું પુષ્પ કદી જોયું નથી. આપ પણ તે જોઇને પ્રસન્ન થયા છો તો આ ફૂલ ચૂંટી લેવું છે ?' રાજવૈદ્ય ચરકે કહ્યું, 'શિષ્ય, આ પુષ્પ અદ્વિતીય લાગે છે. ઔષધિ નિર્માણમાં આપણને મૂલ્યવાન પણ બની રહે, પરંતુ ખેતરના માલિકની અનુમતિ વિના આ પુષ્પ આપણે કઈ રીતે તોડી શકીએ ?'
શિષ્યે કહ્યું, 'આપ તો રાજા કનિષ્કના રાજવૈદ્ય છો, આપને માટે તો સ્વયં રાજાએ આજ્ઞા આપેલી છે કે આપને પસંદ પડે તે વનસ્પતિ, છોડ કે વૃક્ષ કોઇની પણ અનુમતિ લીધા વિના તમે તોડી શકો છો, તો પછી આ પુષ્પ લેવામાં વળી ફિકર શી ?'
રાજવૈદ્ય ચરકે કહ્યું, 'પ્રિય શિષ્ય, રાજાની આજ્ઞાનો મને ખ્યાલ છે, પણ એ સાથે એ પણ જાણું છું કે રાજાની આજ્ઞા અને નૈતિકતા વચ્ચે અંતર છે.'
શિષ્ય ગુરુનો ઉત્તર સમજી શક્યો નહીં. એણે કહ્યું, 'આપ શું કહેવા માગો છો ગુરુદેવ ?'
રાજવૈદ્ય ચરક બોલ્યા, 'જો આપણે આશ્રિતોની સંપત્તિ સાથે સ્વચ્છંદતાથી વ્યવહાર કરીએ તો પછી જનસમાજમાં કઈ રીતે આદર્શ ઊભો કરી શકીશું, રાજાની આજ્ઞા ભલે હોય, પણ એની સાથૈ નૈતિકતાનાં બંધનો પણ પાળવાં જોઈએ.'









