સ્પાઇડરમેનના 'માર્વેલસ' ઇતિહાસની કોમિક્સથી ફિલ્મો સુધી ફેલાયેલી ઇન્દ્રજાળ!

- અનાવૃત-જય વસાવડા
- લેટેસ્ટ સ્પાઇડરમેન : બ્રાન્ડ ન્યૂ ડે સેકન્ડ હાફમાં ઢીલી પડતી હોવા છતાં આ લખાય છે ત્યારે ભારતમાં અધધધ ૫૦૬ કરોડ અને જગતમાં તોતિંગ ૧૭,૨૦૦ કરોડનો બિઝનેસ કરીને હજુ આ બ્રાન્ડ એટલી જ ચાલે છે એની સાબિતી ધરી દે છે !
૧૯ ૬૨ના સમયમાં કોમિક્સની દુનિયામાં એક રૂઢિચુસ્ત નિયમ હતો : ''સુપરહીરો હંમેશાં પરફેક્ટ, વયસ્ક અને મસલ્સવાળા ગ્રીક ગોડ જેવા જ મજબૂત દેખાવા જોઈએ!''
આવા માહોલમાં કાર્ટૂનિસ્ટ સ્ટેન લી અને આર્ટિસ્ટ સ્ટીવ ડિટકો એક નવો જ અખતરો લઈને આવ્યા. એમણે વિચાર્યું કે કેવું રહે જો એક અસુરક્ષિત, ખીલવાળો, ધોળા દિવસે ચશ્મા પહેરતો અને છોકરીઓ સામે શરમાતો ટીનેજર સુપરહીરો બની જાય તો ?
જ્યારે આ આઈડિયા માર્વેલ કોમિક્સના પબ્લિશર માર્ટિન ગુડમેન પાસે ગયો, ત્યારે એમણે ગુસ્સે થઈને કીધેલું : ''અરે આ તો સૌથી કચરો આઈડિયા છે! લોકો ઘરમાં આવતા કરોળિયાને પણ નફરત કરે છે, એનો હીરો ને એ પણ આવો છોકરડો !'' પણ સ્ટેન લીની જીદ રંગ લાવી અને મેજિકલ 'અમેઝિંગ ફેન્ટસી'' ઇશ્યૂ નંબર ૧૫ માર્કેટમાં આવ્યો. અને પછી… ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલીટી !
પીટર પાર્કર કોઈ અબજોપતિ ટોની સ્ટાર્ક નથી કે ન તો કોઈ બીજા ગ્રહનો એલિયન. એ આપણા જેવો જ એક સામાન્ય મનુષ્ય છે, જેને ભાડું ચૂકવવાની ચિંતા છે, કાકીની દવાઓ લાવવાની છે અને પ્રેમમાં દગો ખાઇ બ્રેક અપનું દર્દ કોઈ દોસ્ત વિના ભોગવવાનું છે. પણ એનો આ માણસ તરીકેનો સંઘર્ષ ને એ છતાં દાખવેલી 'માનવતા' જ એને બીજા સુપરહીરોઝથી અલગ અને અતિશય લોકપ્રિય બનાવે છે.
પહેલાં સ્પાઇડરમેનના કોસ્ચ્યુમમાં લાલ અને બ્લૂ રંગ સાથે અંડરવેર બહાર પહેરવાની ક્લાસિક સુપરમેન સ્ટાઇલ હતી. પણ સમય બદલાયો એમ એના સૂટમાં 'આયર્ન સ્પાઇડર'થી લઈને બ્લેક અલગ-અલગ અવતારો આવ્યા. 'ઇનટુ ધ સ્પાઇડર-વસ' જેવી મૂવીઝ આવે એ પહેલાં કોમિક્સમાં સ્પાઇડરમેને અલગ-અલગ ડાયમેન્શનના કરોડો કરોળિયા-માનવો સાથે મિત્રતા કરી લીધી. પોર્કર ફોર્મથી લઈને ફ્યુચર વર્ઝન સુધી..
તો, માર્વેલને જ્યારે ખબર પડી કે ' પેલા વેબ-શૂટર છોકરાએ ધમાકો કરી દીધો છે, ત્યારે એક મેગેઝિન સિરીઝથી કામ ન ચાલ્યું.'
૧૯૭૬માં આવ્યું 'સ્પેક્ટ્યુલર સ્પાઇડરમેન' પીટરની પર્સનલ લાઈફ અને ઇમોશનલ ડ્રામા પર ફોકસ હતું એમાં. ૧૯૮૫માં આવ્યું 'વેબ ઓફ સ્પાઇડરમેન' જેણે ન્યૂયોર્કની ગલીઓમાં થતી ક્રાઇમ સ્ટોરીઝને આવરી લીધી ! ૧૯૮૪ની 'સિક્રેટ વોર્સ' ઇવેન્ટમાં સ્પાઇડરમેનને પહેલીવાર પેલો ખતરનાક કાળો સૂટ મળ્યો, જે પાછળથી ખતરનાક 'વેનમ'માં પરિવર્તિત થઈ ગયો !
૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આર્ટિસ્ટ ટોડ મેકફારલેન આવ્યા અને એમણે એક નવું 'જીૅૈગીિ-સ્ચહદ ટાઇટલ શરૂ કર્યું. એમની ડ્રોઇંગ સ્ટાઇલમાં સ્પાઇડરમેન કોઈ જીવંત કરોળિયાની જેમ દીવાલો પર લટકતો દેખાતો, જેણે કોમિક્સ વેચાણના બધા રેકોર્ડ તોડી નાખ્યા.
પરંતુ, આ દાયકાના મધ્યમાં માર્વેલવાળા થોડા ઓવર-કોન્ફિડન્ટ થઈ ગયા અને 'ક્લોન સાગા' નામનો પ્રયોગ કર્યો. એમાં એવી વાર્તા બનાવી કે અસલી પીટર પાર્કર તો ક્યારનો મરી ગયો છે અને આ તો એનો ક્લોન છે! આ વાત ફેન્સને જરાય ના ગમી.
૨૦૦૦ની સાલમાં માર્વેલને લાગ્યું કે નવા યુગના છોકરાઓને જૂની ૧૯૬૩ની કથાઓ સમજવામાં પ્રોબ્લેમ થાય છે. એટલે એમણે 'અલ્ટીમેટ' યુનિવર્સ શરૂ કર્યું. આ એક શાનદાર નવો ટ્રેક હતો જ્યાં પીટર પાર્કર ફરીથી હાઈસ્કૂલથી શરૂઆત કરે છે.
એમેઝિંગ સ્પાઇડરમેનમાં જેન પીટર અને મેરીને બદલે ગ્વેન ને પીટર છે એમ માઈલ્સ મોરાલ્સ આફ્રિકન ઓરિજિનનો અમેરિકન સ્પાઇડી છે. હજુ કોમિક્સ બહાર પડે છે. અત્યારે માર્વેલની ફ્લેગશિપ સિરીઝ એમેઝિંગ સ્પાઇડરમેનની કમાન અનુભવી રાઇટર જો કેલીના હાથમાં છે. તાજેતરમાં જ કોમિક્સમાં 'ડેથ સ્પાયરલ' જેવું ખતરનાક ક્રોસઓવર પૂરું થયું છે, જેમાં સ્પાઇડરમેનને 'ટોર્મેન્ટ' નામના એક અતિશય ઘાતક સીરિયલ કિલર અને વેનમ-કાર્નેજ જેવા સિમ્બિઓટ્સ સામે લોઢાના ચણા ચાવવા પડયા છે. ટાઈમ-ટ્રાવેલિંગ અને જાદુઈ જોખમો સાથે પીટરનો ભેટો થઈ રહ્યો છે, જ્યાં એણે બ્રહ્માંડ બચાવવાનું છે.
બીજી તરફ, યંગ ફેવરિટ માઈલ્સ મોરાલ્સની સિરીઝમાં પણ જોરદાર એક્શન ચાલી રહી છે. બુ્રક્લિનની ગલીઓમાં હોમવર્ક પૂરું કરતાં કરતાં વિલન્સની ખબર લેતા માઈલ્સના જીવનમાં એના પોલીસવાળા પિતાના ભૂતકાળ સાથે જોડાયેલા દુશ્મનો ટકરાઈ રહ્યા છે, માર્વેલ હવે કોમિક્સમાં પણ નવા કેરેક્ટર્સ ઇન્ટ્રોડયુસ કરે છે. જેમ કે સ્પાઇડરમેન સ્પીડસ્ટર કેરેક્ટર 'રેપિડ'ને ટ્રેનિંગ આપે છે. વિલન્સની 'ગોબ્લિન સ્લેયર્સ' ગેંગ પણ કોમિક્સના પાનાઓ પર ધમાકો કરી રહી છે. હવે દળદાર અંકો થોડા સમયે બહાર ૅગી છે ને ડિજિટલ થયા છે.
અત્યારે સુપરહીરો થવાનું સપનું વિશ્વભરમાં જાણે 'સ્પાઈડરમેન'ના રંગે રંગાયું છે. દોઢ દસકા સુધી હિન્દી ફિલ્મોમાં સલીમ-જાવેદનો 'વિજય' ધબધબાટી બોલાવતો હતો તેમ જ ! કોઈ પણ સુપરહીરોમાં સૌથી વધુ ફિલ્મોમાં સુપરમેન, બેટમેન અને સ્પાઇડરમેન આવે. પણ લેટેસ્ટ સ્પાઇડરમેન : બ્રાન્ડ ન્યૂ ડે સેકન્ડ હાફમાં ઢીલી પડતી હોવા છતાં આ લખાય છે ત્યારે ભારતમાં અધધધ ૫૦૬ કરોડ અને જગતમાં તોતિંગ ૧૭,૨૦૦ કરોડનો બિઝનેસ કરીને હજુ આ બ્રાન્ડ એટલી જ ચાલે છે એની સાબિતી ધરી દે છે !
સુપરહીરો શુદ્ધપણે વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. ભારતમાં સુપરહીરો કેવળ ધાર્મિક ક્ષેત્રમાં જ હોય છે, જેના એજન્ટો મોટે ભાગે સુપરવિલન હોય છે, એવા સુપર વિલન કે પોતે વિલન છે એનો અહેસાસ પણ સમાજને ન આવવા દે. વાત કટાક્ષની નથી. અવનવા ચમત્કારો મહાત્માઓ સિવાય બીજું કોણ કરે છે ? સુપરહીરો એટલે ચમત્કારિક હીરો. જાદૂઈ શક્તિઓથી ભરપૂર. એક સાથે અનેક દુશ્મનોને હંફાવે. જે મુકાબલા માટે કશીક અલૌકિક તાકાત ધરાવતો હોય. જે અસંખ્ય સામાન્ય માનવીઓની જીંદગી પલટાવી નાખે. જેની બહાદુરીના ગીતો ગવાય, જેની બુદ્ધિને સલામી અપાય, જેની સિદ્ધિની ગાથાઓ પેઢીઓના મુખે રમતી રહે. શ્રીકૃષ્ણ કે હનુમાનની જેમ.
પણ પશ્ચિમી સુપરહીરો પરંપરાથી ચાલી આવતી ધાર્મિક દંતકથાઓમાંથી પ્રગટતો નથી. એ કોમિક્સ, ટીવી, કિતાબ અને ફિલ્મોના પડદામાંથી અવતરે છે. યુરોપથી પણ વિશેષ અમેરિકાએ પોતાના સુપરહીરો જાતે સર્જ્યા છે. માટે એ સમય સાથે તાલ મિલાવે છે. આધુનિક જીંદગી જીવે છે. અમેરિકામાં તો કાલ્પનિક સુપરહીરોઝ (નેચરલી હિરોઈન્સ પણ!)નો આખી એક ઇન્ડસ્ટ્રી ધમધમે છે. વિવિધ કોમિક્સ કંપનીઓ પાસે પોતપોતાના સુપરહીરોની પેટન્ટ છે. મજાકમાં તત્કાળ ન્યાય તોળતા અને અપરાધોની સાથે અપરાધીને પણ ડામી દેતા આવા સુપર હીરોઝની માર્વેલ ટીમ એવેન્જર્સ તરીકે અને ડીસી કોમિક્સની ફોજને 'જે.એલ.એ.' યાને 'જસ્ટીસ લીગ ઓફ અમેરિકા' તરીકે ઓળખાય છે. બાય ધ વે, લોકલ ચાલીના મુન્નાભાઈથી લઈને સ્થાનિક પ્રદેશના નેતાજી સુધી તત્કાળ ન્યાય આપનારા, 'જજ, કાનૂન, અદાલત, વકીલ સબ મૈં' કહેનારા પણ આમઆદમીની નજરમાં ઝડપી એક્શનને લીધે સુપરહીરો જ બની જાય ને !
ફિલ્મી હીરોની માફક આવા સુપરહીરોમાં પણ ભરતી ઓટ ચાલે છે. એક જમાનામાં બહુ ગાજેલા ફેન્ટમ અને મેન્ડ્રેક આજે ગુમનામીની ગુફામાં છે. સુપરમેન પણ અબખે પડયો છે. વારંવાર લોન્ચ થયા કરે છે. બેટમેનની જમાવટ પાછળથી આછી થઇ ગઈ ને એના પણ રિબૂટ થાય છે. ફ્લેશ કે વન્ડરવુમન, એક્વામેન કે આયર્ન મેન જામી ગયા. કેટવુમન, રોબિન વગેરે ભૂલાઈ ગયા. કેપ્ટન અમેરિકા બ્લેક કરવા જતા પાળ પીટાઈ ગઈ. બ્લેડ ફરી આવવાની હવા છે. થોર હવે ધીમો પડયો છે. હી મેન ફિલ્મ જોરદાર બની હોવા છતાં ક્લિક ના થયો. હલ્ક હજુ ટેલિવિઝન - હોલીવૂડને લીધે ચર્ચામાં છે.
હેનકોક કે ગ્રીન લેન્ટર્ન પણ વર્ષો પહેલાં આઉટડેટેડ થઈને સદંતર ભૂલાઈ ગયા. શઝામ, એન્ટ મેન, પાવર રેન્જર્સ, હેલબોય, એક્સ મેન, વેનોમ બધા શરૂઆતમાં જામ્યા પછી ધીમા પડી ગયા. ફેન્ટાસ્ટિક ફોર કે થંડરબોલ્ટ માંડ જામ્યા છે. આયર્ન મેન કે ડોક્ટર સ્ટ્રેન્જ સાઈડમાં છે. વિઝન કે સ્કારલેટ વિચ આગળ ન વધ્યા. સુપરગર્લ ફ્લોપ છે. ગાર્ડિયન ઓફ ગેલેક્સી બંધ છે. આ માહોલમાં રીતસર 'ફિલ્મી' સ્ટાઈલમાં અનેક કમબેક કરનાર સુપરહીરો છે : સ્પાઈડરમેન !
'કરોળિયામાનવ' નામથી સ્પાઈડરમેનની ચિત્રવાર્તાઓ ચાર દસકા પહેલાં ગુજરાતીમાં આવી નિરંજન મેગેઝીનમાં આવી ચૂકી છે. હવે બંધ પડેલા સફારી મેગેઝીને ગુજરાતીમાં સ્પાઇડરમેન પર પ્રથમ લેખ એના દિવાળી અંકમાં લખ્યો હતો. એનિમેશન સિરિયલરૂપે પણ એ દર રવિવારે દૂરદર્શન પર આવતી. ભારતમાં એની પહેલા પણ સ્પાઇડરમેનની ફિલ્મો આવી ચૂકેલી ! ૧૯૭૭માં અમેરિકામાં પ્રસિદ્ધ 'અમેઝિંગ સ્પાઇડરમેન'ની ટીવી સિરિયલનો પહેલો એપિસોડ ભારતમાં કોલંબિયા પિકચર્સે ૧૯૭૮માં રજૂ કર્યો હતો. પછી ૧૯૮૨માં સ્પાઇડરમેનની હોંગકોંગમાં બનેલી એક ફિલ્મ પણ આવેલી. જોકે સ્પાઇડરમેનની ૨૦૦૨માં રજૂ થયેલી ટોબી મેગ્વાયર વાળી ફિલ્મે એને એસ્ટાબ્લિશ કર્યો.
એ સ્પાઈડરમેનમાં દર્શાવ્યા મુજબ જ એ પીટર પાર્કર નામના ન્યૂયોર્ક શહેરના ફોરેસ્ટ હિલ્સ વિસ્તારના તેજસ્વી કોલેજિયનની કથા છે. પીટર પાર્કર નામનો એક મુછનો દોરો માંડ ફૂટયો હોય એવો મધ્યમવર્ગીય અનાથ જુવાન કિરણોત્સર્ગ (રેડિયો એક્ટિવ) કરોળિયાના ડંખથી અદ્ભુત શક્તિઓનો અચાનક સ્વામી બને છે. કોઈ માર્ગમાં મળેલા મોતીની જેમ 'સુપરપાવર'નું વરદાન તેને મળે છે. એ કરોળિયાની જેમ સડસડાટ ગગનચુંબી ઈમારતોને જંગલની ડાળી સમજીને ટારઝન છાપ કૂદકા મારી શકે છે.
રેડિયોએક્ટિવ કરોળિયાના ડંખથી પીટર પાર્કરમાં અસામાન્ય પરિવર્તન થઇ જાય છે. એનામા આવનાર ખતરાની આગોતરી જાણ કરતી સ્પાઇડર સેન્સ વિકસે છે, એ કરોળિયાની જેમ જ દીવાલ પર ચડી શકે છે, હવામાં લટકી શકે છે. વિજ્ઞાાનના જીનિયસ વિદ્યાર્થી હોવાના નાતે પીટર જાળ રચી શકે છે એવા કેમિકલ કાર્ટીજ અને વિશિષ્ટ પોશાકની પોતે જ શોધ કરે છે. એ સેલિબ્રિટી બનવાની કોશિશ કરે છે, પણ પોતે રોકી શકે એવો ચોર દ્વારા એના પાલક અંકલ બેનની હત્યા થઇ જતાં સ્પાઇડરમેન બને છે. 'ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી'નું સૂત્ર અનુભવીને ! નોર્મલ લાઈફમાં ગભરૂ પ્રેસ ફોટોગ્રાફર એવો પીટર રેડ એન્ડ બ્લ્યુ કોસ્ચ્યુમ ધારણ કરી તારણહાર બને છે.
પણ ભારતમાં બેહદ લોકપ્રિય 'ઇવિલ ડેડ' સીરિઝની હોરર ફિલ્મો બનાવનાર દિગદર્શક સામ રાઈમીએ 'સ્પાઈડરમેન' પર બિગ બજેટ ફિલ્મ બનાવી એનો જીર્ણોદ્ધાર કર્યો હતો. જૂની વાર્તાને નવા સમાજના ઢાંચામાં ગોઠવવામાં આવી. સ્પાઈડરમેન હેરી પોટર પછીનું સૌથી આબાલવૃદ્ધ પ્રિય પાત્ર બની ગયો. 'પવિત્ર પ્રભાકર' નામથી મુંબઈનો સ્વદેશી 'સ્પાઈડરમેન' પણ આવી ગયો. સ્પાઈડરવર્સની પેલા કાળા કિશોર માઈલ્સને લઈને અદ્ભૂત સ્પાઈડરવર્સ એનિમેશન ફિલ્મોમાં બધા છુટા તાર ભેગા કરાયા પછી મુંબઈના બેકડ્રોપમાં પણ એની વાત આવી ગઈ. છેલ્લી ફિલ્મ ''નો વે હોમ''માં બધા સુપરવિલન અને અલગ અલગ સ્પાઈડરમેન ભેગા પણ થયા.
બીજા કોઇ પણ કોમિકબૂક સુપરહીરો કરતાં સ્પાઇડરમેન એના વૈવિધ્વપૂર્ણ વિલન્સથી વધુ જાણીતો બન્યો છે. એના પ્રસિદ્ધ વિલન્સમાં ગ્રીન ગોબ્લીન, ડોક્ટર ઓક્ટોપસ, વેનોમ, લિઝાર્ડ, કેમેલીઓન, ક્રેવન ધ હન્ટર, સ્કોર્પિયન, સેન્ડડમેન, રહાઇનો, મિસ્ટિરિયો, વલ્ચર, ઇલેકટ્રો, કાર્નેજ, કિંગપીન અને શોકર વગેરે છે. આમાંથી મોટાભાગના ખલનાયકો પ્રતિતિ વિજ્ઞાાનીઓ હોય છે, જે એમના વૈજ્ઞાાનિક પ્રયોગો નિષ્ફ્ળ જતાં કે એમાં ગરબડ થતા સુપરવિલન બની જાય છે. સ્પાઇડરમેનના કોમિક ફેન્સને ખ્યાલ હશે કે 'સિનિસ્ટર સિક્સ' નામથી છ ખલનાયકો સાથે મળીને સ્પાઇડરમેનને હંફવવા મેદાને પડે છે. ( નો વે હોમમાં પણ એની ઝલક છે. )
સ્પાઇડરમેનની ફિલ્મોમાં તો હજુ પીટર પાર્કર મેરી જેન વોટસને પરણવા માંગતો વિદ્યાર્થી જ છે. પરંતુ, કોમિક્સમાં સ્પાઇડરમેન ઉર્ફે પીટર પાર્કર (ડેઇલી બ્યુગલ)ના ફ્રીલાન્સ ફોટોગ્રાફરમાંથી પરણિત ટીચર, સુપરહીરો ટીમ 'એવેન્જસ'નો સભ્ય અને સ્પાઇડરગર્લની ટીમનો વિજ્ઞાાની બની ચૂક્યો છે ! એમેઝિંગ સ્પાઈડરમેન સિરીઝની રૂપકડી ગર્લફ્રેન્ડ ગ્વેન સ્ટેસી ફિલ્મી પડદે મરી ગઈ. હવે તો આમ શેરી વાળવા ઉભા ના રાખે એવા ઝેન્ડયા ને ટોમ હોલેન્ડ જામી ગયા છે પીટર અને મેરી તરીકે.
સુપરમેન પહેલેથી સુપરપાવર ધરાવતો કદાવર હીરો છે, બેટમેન પડે સુપરપાવર નથી પણ અઢળક દોલતને ગંભીર દિમાગ છે. પણ કાલ્પનિક મેટ્રોપોલિસ કે ગોથામને બદલે ન્યૂયોર્ક મેનહટનમાં ઠેકડા મારતો સ્પાઇડરમેન તો એક ટીનએજર સાયન્સ સ્ટુડન્ટ / પત્રકાર છે, જેની બેવડી જિંદગી શેર કરવાવાળા સાથીઓ પણ વધુ નથી. એ એકલો ને ઉદાસ કે મૂંઝાયેલો રહે છે.
સુપરહીરો તરીકે આ પાત્રની આ વલ્નેરેબલ સાઇડને ફિલોસોફિલ રીતે પહેલી વાર ૨૦૦૪માં સામ રાઈમીએ સ્પાઇડરમેન ટુમાં એક્સપ્લોર કરી. પછી જ નોલાને ડાર્ક નાઇટમાં એ વાત આગળ વધારી. ત્યારે એક બહુ વખણાયેલો લેખ લખેલો. શું હતું એમાં એવું જે બાઈસ સાલ બાદ પણ જૂનું નથી થતું ?
એનું પણ રિબુટ કરીશું. સ્ટે ટયુન્ડ.
ઝિંગ થિંગ
''તમે સ્પેશ્યલ હો એને લીધે મળતો પ્રેમ સાચો નથી. સાચો પ્રેમ તમને ખુદ જેવા હોવા માટે મળે છે, જેનાથી તમે સ્પેશ્યલ બનો છો !''
( સ્પાઇડરમેન બ્રાન્ડ ન્યૂ ડેનો સંવાદ )




