દાનનું સાચું સરનામું ત્યાગ છે!

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
ભા રતના વિભાજન પૂર્વેની આ વાત છે. કરાંચીમાં એક હોસ્પિટલ તૈયાર થઈ રહી હતી. આ હોસ્પિટલ માટે ફાળો એકત્રિત કરવામાં આવતો હતો.
આમાં ફાળો આપનારને એમ કહેવામાં આવતું કે જો તેઓ દસ હજાર રૂપિયા દાનમાં આપશે તો હોસ્પિટલના પ્રવેશદ્વાર ઉપર રાખેલી તકતીમાં એમનું નામ મૂકવામાં આવશે, આથી ઘણી વ્યક્તિઓએ હોસ્પિટલની પ્રવેશદ્વારની તકતી પર પોતાનું નામ આવે તે માટે દસ હજાર રૂપિયાનું દાન આપ્યું.
ફાળો ઉઘરાવનારા આ સમાજસેવકો જમશેદજી મહેતા નામના સજ્જન પાસે આવ્યા. એમણે જમશેદજી મહેતા પાસે માગણી કરી કે અમે આપની પાસેથી દસ હજારના દાનની આશા રાખીએ છીએ. આટલું દાન આપનારી વ્યક્તિનું નામ પ્રવેશદ્વાર પર મુકાનાર પથ્થર પર સદાને માટે ચમકતું રહેશે.
જમશેદજી મહેતા મરક મરક હસ્યા અને બોલ્યા, ''દસ હજારનું દાન તો હું આપી શકું તેમ નથી.''
સમાજસેવકોએ પૂછ્યું, ''તો તમે કેટલું દાન આપવા માંગો છો ?''
જમશેદજી મહેતાએ કહ્યું, ''હું નવ હજાર નવસો ને સાઠ રૂપિયા આપવા માગું છું.''
જમશેદજી મહેતાની આ વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. મુલાકાતીઓએ કહ્યું, ''તમે તે કેવા માણસ છો ? દસ હજારની રકમ આપવામાં તમને શું વાંધો છે?
ચાલીસ રૂપિયા વધુ આપો એટલે રકમ દસ હજારની થઈ જાય.''
જમશેદજી મહેતાએ વળતો માર્મિક સવાલ કર્યો, ''પણ તેથી શું ?''
સમાજસેવકોએ કહ્યું, ''અરે ! તેથી હોસ્પિટલના પ્રવેશદ્વાર પરના પથ્થર પર તમારું નામ સદાય સુશોભિત રહેશે. ઘણી વ્યક્તિઓ પાંચ હજાર રૂપિયા જ આપવા માગતી હતી, પરંતુ એમણે જ્યારે પથ્થર પર નામ મુકાવાની વાત સાંભળી એટલે જરા ખેંચાઈને પણ દસ હજાર રૂપિયા આપ્યા છે.''
જમશેદજી મહેતાએ કહ્યું, ''ભાઈ ! આપવાના આનંદને હું ઓછો કરવા ચાહતો નથી. પરોપકાર માટે આપેલા ધનની પાછળ બદલાની કશી આશા ન હોય, આવા બદલાથી દાન આપું તો મારી ભાવનાને લૂણો લાગે. આવું કામ કરવામાં જે આનંદ છે, તે આનંદ પથ્થર પરના નામમાં નથી.''
આજના સમયમાં દાનની સાથે તકતીનો મહિમા વધતો જાય છે. ક્યાંક તો એવું બને છે કે દાન આપનાર પહેલાં પોતાના નામની તકતીની લંબાઈ, પહોળાઈ તથા એના અક્ષરોનું માપ નક્કી કરે છે અને પછી દાન આપે છે.
આમાં વળી જો એવું બને કે તકતી બરાબર લાગી ન હોય અથવા પોતાનું નામ બરાબર ચમકતું ન હોય, તો દાન આપનારનો ચહેરો નિરાશ થઈ જાય છે. દાનનું સાચું સરનામું ત્યાગ છે, પરંતુ આજે દાન ધર્મને બદલે શૃંગાર બનતો જાય છે. આથી દાતા પણ અંતરના ભાવને બદલે દાનની રકમને મહત્ત્વ આપે છે.




