નયા ભારતના જિદ્દી જેન-ઝી : માન ગયે ઉસ્તાદ!

યુવાન અને તરૂણ પેઢીએ હસતા-રમતા, પોલીસની લાઠીઓ ખાતાં ખાતાં એવો જબરદસ્ત પાવર દેખાડયો કે…
ભારતના સોશિયલ મિડીયાએ ગયા અઠવાડિયા દરમિયાન જેવો ધમધમાટ જોયો છે એવો કદાચ અગાઉ ક્યારેય જોયો નથી. પહેલા દિલ્હીના જંતર-મંતર ગ્રાઉન્ડ પર અને પછી આખા દેશમાં સ્ટુડન્ટ્સ પ્રોટેસ્ટ થયા. જેને વડીલો ગંભીરતાથી લેતા નહોતા, જેમને રીલબાજ-રીલબાજ કહીને ઉતારી પાડતા હતા એ યુવાન અને તરૂણ પેઢીએ હસતા-રમતા, પોલીસની લાઠીઓ ખાતાં ખાતાં એવો જબરદસ્ત પાવર દેખાડયો કે અત્યંત અહંકારી ગણાતી કેન્દ્ર સરકારે ઝુકવું પડયું, જેન-ઝીની શરતો માનવી પડી, સોનમ વાંગચુકને પારણાં કરાવવા પડયા, એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડયું. મિલેનિયલ્સ, જનરેશન એક્સ, બૂમર્સ… ટૂંકમાં, તમામ વડીલો પેઢીઓ દેશની યુવા પેઢીને સલામ કર્યા વગર રહી ન શકી. અચાનક વડીલોને ભાન થયું કે આ યંગ જનરેશનના હાથોમાં દેશ સલામત રહેવાનો છે, અને એમનું ખુદનું ભવિષ્ય પણ.
હેટ્સ ઓફ, જેન-ઝી…. વી લવ યુ!
રાષ્ટ્રગાનનો રણઝણાટ
આ દ્રશ્ય મુંબઈના દાદર વિસ્તારમાં આવેલા શિવાજી પાર્કનું છે. તમે રસ્તાઓ પર ઉમટી પડેલું માનવ મહેરામણ જુઓ. તેઓ જેન-ઝી છે. આ તરબરિયા યુવાનોએ બિલકુલ શાંતિપૂર્ણ રીતે એકઠા થયા હતા. આ વીડિયોમાં તેઓ જનગણમનનું ગાન કરી રહ્યા છે. ખૂબ વાઇરલ થયો આ વીડિયો, અને જેણે જેણે આ દ્રશ્ય જોયું તે સૌનાં રૂવાળાં ખડાં થઈ ગયાં. લોકોની કમેન્ટ્સ વાંચો:
એક પણ પોલિટિકલ પાર્ટીની રેલીમાં તમને આવું અદ્ભુત દ્રશ્ય જોવા મળશે?
નાનો હતો ત્યારે સ્કૂલમાં ઉછળી ઉછળીને જનગણમન ગાતા હતા… વર્ષો પછી ફરી એ જ ફીલિંગ થઈ રહી છે.
વેલ ડન મુંબઈકર્સ!
આ છે ઇન્ડિયા વિધાઉટ પોલિટિક્સ!
હવે આ સૌને તમે કેવી રીતે ચુપ કરી શકશો? છેે હિંમત?
આને કહેવાય અસલી રાષ્ટ્રવાદ.
ગૂઝબમ્પ્સ, યાર!
હા ભાઈ, અબ બોલો એન્ટિ-નેશનલ્સ…
સ્ટોપ…
જસ્ટ સ્ટોપ!
પોલીસ વેનને રોકીને ઊભેલી મુંબઈની
રિયા આહિર નામની જેનઝી યુવતીની આ તસવીર આઇકોનિક બની જવાની છે. જ્યારે જ્યારે ૨૦૨૬ના જેન-ઝી પ્રોટેસ્ટની વાત આવશે ત્યારે આ આખા ગજબનાક ઘટનાક્રમના પ્રતીક તરીકે આ તસવીર મૂકવામાં આવશે. લિખ લો! નીચેની તસવીરમાં, અલબત્ત, પ્રતીકાત્મકતાને એક લેવલ ઉપર લઈ જવામાં આવ્યું છે. આ તસવીર દર્શાવે છે કે પોલીસ સામે નિર્ભય બનીને ઊભી રહી ગયેલી રિયા એકલી નહોતી, એની સાથે બીજા અસંખ્ય જેન-ઝીની તાકાત પણ હતી!
જંતર-મંતરમાં ફરતાં ફરતાં…
જંતર-મંતર પર કેટલી બધી ગતિવિધિઓ સમાંતરે ચાલતી હતી. અમુક યંગસ્ટર્સ મેદાન સાફ રાખવા ઝાડુ કાઢતા હતા, તો કોઈ વડીલો જમાવાનું પીરસતા હતા. આ પ્રોટેસ્ટ જેન-ઝીએ શરૂ કર્યો હતો ભલે, પણ તેમાં વડીલો પણ દિલપૂર્વક જોડાયા હતા. એક આર્ટિસ્ટે આ તમામ ગતિવિધિઓને આવરી લેતો એક મસ્ત સ્કેચ બનાવ્યો હતો. તે વીડિયો અને આ સ્કેચ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા.









