દશા છે જળ સરીખી ને નિરંતર પાત્ર બદલાતું,મળે છે જે મને એ એમનો આકાર આપે છે

યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક
પેલા રંગીલા-લબાડ ગૌતમ જોડે ચંદ્રિકા ભાગી જાય તો બેવકૂફ ગણાઈએ અને આખી જ્ઞાતિમાં બદનામી થાય એ લટકામાં !
''આ વો કાંતિલાલ શેઠ ! કેટલી કેશ છે ?'' કેશ કાઉન્ટર પર આવીને ઊભેલા માણસને આવકાર આપતી વખતે હેમંતના અવાજમાં વ્યંગનો રણકાર હતો, એ પારખીને મેં જિજ્ઞાસાથી એ માણસ સામે જોયું. ૩૨-૩૩ વર્ષની ઉંમર, ચોરસ ખભા અને શરીરના પ્રમાણમાં સહેજ મોટો ચહેરો, જાડાકાચના ચશ્માંની પાછળ આંખોમાં બાળક જેવું ભોળપણ છલકાય, તેલ નાખીને ઓળેલા વાળ, અર્ધી બાંયનો ઢીલો બુશર્ટ….એ માણસે હેમંતને જવાબ આપ્યા વગર હાથમાં હતી એ કાપડની થેલી કાઉન્ટર ઉપર મૂકી. તદ્દન નિર્લેપતાથી એ થેલીમાંથી પાંચસો-પાંચસોના બંડલ કાઢીને એક પછી એક એ બંડલ હેમંત તરફ સરકાવ્યા. પછી લગીર પણ ઉતાવળ વગર ઢીલાઢસ પેન્ટના ખિસ્સામાંથી પે-ઈન સ્લીપની બાઉન્ડ કરેલી બૂક કાઢીને હેમંતના હાથમાં આપી.
''કાંતિ શેઠ, પૂરા અઢાર લાખ છે ?..'' પે-ઈન સ્લીપ પર નજર ફેરવીને હેમંતે હસીને પૂછ્યું ''એકેય બંડલ ઓછું નથી ને ? બધામાં નોટો તો પૂરી છે ને ?''
એક ડગલું પાછળ હટીને જાણે રિસાઈ ગયો હોય એમ કાંતિએ હેમંત સામે જોયું. ''હેમલા, આજે સવારથી કોઈ મળ્યું નથી ?'' એના ઢીલા અવાજમાં દુભાયેલા બાળક જેવી રીસ હતી. ''મશ્કરી કરવા માટે હું જ તને મળ્યો ?''
''અરે ભલા માણસ ! તારી જોડે બે ઘડી ગમ્મત પણ ના થાય ? જૂની દોસ્તી છે એટલે મન હળવું કર્યું. સમજ્યો ?'' હેમંતે એને મનાવીને પટાવી લીધો. બધા બંડલ ડ્રોઅરમાં સરકાવીને હેમંતે પે-ઈન સ્લીપમાં સિક્કો મારીને સહી કરી આપી. કાંતિએ સિક્કો, તારીખ અને સહી આંખો ઝીણી કરીને ચકાસી લીધા પછી એ ચોપડી ખિસ્સામાં મૂકી. થેલીને હાથમાં લીધી. આભારવશ નજરે હેમંત સામે જોઈને એણે પગ ઉપાડયા. એ બેન્કમાંથી બહાર નીકળ્યો ત્યાં સુધી હું એની સામે આશ્ચર્યથી તાકી રહ્યો. આ ઉંમરે આટલી ધીમી ગતિએ ચાલતા માણસને મેં પહેલી વાર જોયો !
અમદાવાદથી પ્રમોશન લઈને આ તાલુકા લેવલની બ્રાન્ચમાં હું ત્રણ દિવસથી જ આવ્યો હતો. એને લીધે આ નમૂનો કોણ છે એ જાણવા માટે મેં હેમંત સામે જોયું. એ તો આ ગામનો જ હતો અને આખા ગામને ઓળખતો હતો. હેમંતના કાઉન્ટર ઉપર બે ગ્રાહક આવી ગયા હતા એટલે મારી જિજ્ઞાસા લટકતી રાખીને એણે કહ્યું, ''કાંતિની કથા લાંબી છે. જમતી વખતે રીસેસમાં વાત.''
રીસેસમાં ટિફિનની સાથે હેમંતે કાંતિની કથા શરૂ કરી. ''એનું નામ તો કાંતિલાલ રતિલાલ, પણ અમે બધા એને કાંતિ પોદળો કહેતા હતા. હું તો સ્કૂલમાં ને કોલેજમાં એની સાથે એક જ વર્ગમાં હતો. સાવ થાંથો, સ્ફૂર્તિ, તરવરાટ કે ઉતાવળ જેવો એકેય શબ્દ કાંતિની ડિક્ષનેરીમાં નહોતો. એના બાપાની સાવ નાની કટલરીની દુકાન. માંડ માંડ મેટ્રિક પાસ થયા પછી મારી સાથે જ કોલેજમાં આવ્યો. કોણ જાણે કેમ એકાઉન્ટસીમાં એ ચમત્કારિક રીતે ખીલી ઉઠયો. અંગ્રેજી કે ઈકોનોમિક્સમાં એની બુદ્ધિ ના ચાલે, પણ એકાઉન્ટન્સીમાં એ કલાસમાં બધાને ટપી ગયો! બી.કોમ.માં કૃપાગુણથી પાસ થયો, પણ એકાઉન્ટન્સીમાં પૂરેપૂરા
માર્ક !''
હેમંત જમતી વખતે યાદ કરીને બોલતો હતો. ''એવો ઢીલો પોદળા જેવો કે એકેય સ્પર્ધાત્મક પરીક્ષામાં તો એ હજાર ટ્રાયલે ય પાસ ના થાય. છતાં નસીબનો બળિયો એટલે વસંતલાલ શેઠે એને નોકરીમાં રાખી લીધો…'' હેમંતે માહિતી આપી.
આ વસંતલાલ શેઠ એટલે આપણી બેન્કના સૌથી મોટા કસ્ટમર. કાલા-કપાસનો કરોડોનો કારોબાર. કાંતિને એમને ત્યાં અને શેઠને કાંતિ સાથે ફાવી ગયું. નામું લખવાનું અને શેઠના કોઈ મહેમાન આવે ત્યારે સાઈકલ લઈને શેઠના ઘેરથી ચા-નાસ્તો લઈ આવવાનો. વસંત શેઠ ખેલાડી માણસ. કાંતિ જાણે સગો દીકરો હોય એવા વહાલનો ડોળ કરે અને આંખ મિચકારીને કહે કે ધંધામાં બહુ ચાલાક અને ચતુર માણસ હોય તો ક્યારેક આપણું કરી નાખે ! કાંતિ બોઘો છે, પણ દિલનો સાફ. હિસાબી કામમાં એક્કો. નાતનો અને ગામનો છોકરો છે, સામે દસ લાખ પડયા હોય તોય દાનત ના બગાડે એટલો વિશ્વાસુ. આટલા ઓછા પગારમાં બળદની જેમ કામ ખેંચનારો બીજો માણસ ક્યાંથી મળે ? વસંત શેઠની ગણતરી પાક્કી હતી..
એક સાથે આટલું બોલીને હેમંતે સહેજ અટકીને કોળિયો મોમાં મૂક્યો. મારી સામે જોઈને આગળ બોલવાનું ચાલુ રાખ્યું. ''આ વસંત શેઠની બૈરી બકુલા પણ જબરી બાહોશ. શકરાબાજ જેવી આંખે ચોકી કર્યા કરે. ઘરની ચમચીથી માંડીને ચંદ્રિકા સુધી બધા ઉપર એ નજર રાખે. એણે હસીને ઉમેર્યું.'' આ ચંદ્રિકા એટલે શેઠ-શેઠાણીની એકની એક દીકરી. ઘરમાં જુવાન દીકરી અને એ રૂપાળી હોય એટલે આપમેળે જ માતાની આંખો સી.બી.આઈ.ના અધિકારી જેવી બની જાય.
આજથી બે વર્ષ અગાઉ શેઠ-શેઠાણીએ યાત્રાએ જવાનું નક્કી કર્યું. પાલિતાણા, જૂનાગઢ અને સોમનાથની દસેક દિવસની યાત્રા કરવાની હતી. ગામના ગૌતમને ડ્રાઈવર તરીકે લીધો. એ યાત્રા દરમિયાન છેલબટાઉ ગૌતમ અને ચંદ્રિકાની આંખો મળી ગઈ. બકુલા શેઠાણી ધરમ-ધ્યાનમાં લીન હતા એટલે આ હકીકતનો એમને બહુ મોડો ખ્યાલ આવ્યો, પણ એ દરમિયાન મોબાઈલ નંબરની આપ-લેનું કામ પતી ગયું હતું !
હેમંતની વાત કરવાની પદ્ધતિ એવી મજાની હતી કે જિજ્ઞાસાથી સાંભળવાની મજા આવતી હતી.
''યાત્રા પૂરી કરીને આવ્યા પછી બકુલા એટેન્શનમાં આવી ગઈ. સતત ચંદ્રિકાનું ધ્યાન રાખતી હતી. મોબાઈલ જપ્ત કરી લીધો હતો. એણે એકલી એ ગામમાં ક્યાંય જવાનું નહીં. બોડીગાર્ડની જેમ ચોવીસેય કલાક બકુલા દીકરીની ચોકી કરતી હતી. યુવાની લોહી ક્યારે ઉછાળા મારે એ કંઈ નક્કી નહીં. પેલા રંગીલા-લબાડ ગૌતમ જોડે ચંદ્રિકા ભાગી જાય તો બેવકૂફ ગણાઈએ અને આખી જ્ઞાતિમાં બદનામી થાય એ લટકામાં ! આ બધું વિચારીને બકુલા સજ્જડ ચોકી પહેરો રાખતી હતી.''
''પછી ?'' એ અટક્યો એટલે મેં આતુરતાથી પૂછ્યું.
''આવી જડબેસલાક સુરક્ષાની વચ્ચે કાંતિ પોદાળાએ કઈ કરામત કરી, એ કોયડો કોઈનેય સમજાયો નહીં. ચંદ્રિકા અને કાંતિ પોદળો ભાગી ગયા એ સમાચાર આવ્યા ત્યારે જાણે ધરતીકંપ આવ્યો હોય એમ આખું ગામ ખળભળી ઉઠયું હતું ! કાંતિએ કમાલ કરી..બધાના મોઢે એક જ વાત હતી. બકુલાએ ઠૂઠવો મૂક્યો. વસંત શેઠ વ્યગ્ર હતા. બંને પુખ્ત ઉંમરના હોવાથી પોલીસની મદદ માગવાથી આબરૂ ખરડાશે ને પૈસાનો ધુમાડો થશે એવી સમજ સાથે વસંત શેઠે પત્ની સાથે સંતલસ કરી. એમના માટે રાહતરૂપ એક જ વાત હતી કે કાંતિ જ્ઞાતિનો જ છોકરો હતો. એનામાં કોઈ અપલક્ષણ કે એબ નહોતી. પેલા ગુંડા જેવા ગૌતમ કરતાં કાંતિ વધુ સારો. કાંતિને તદ્દન નિરૂપદ્રવી માનીને ઘરના નાના-મોટા કામ માટે આંટા મારવાની છૂટ આપેલી એ મોટી મૂર્ખામી બદલ બકુલા પસ્તાતી હતી. વારંવાર ઘેર આવીને એણે કઈ રીતે ચંદ્રિકાને પટાવી હશે એ મનોવૈજ્ઞાનિક પ્રશ્ન ઉકેલવાનું શેઠ કે શેઠાણીનું ગજું નહોતું. બળદની જેમ કામ ખેંચીને છેલ્લા બે વર્ષથી કાંતિએ આખી પેઢીનો કાર્યભાર સંભાળી લીધો હતો એને લીધે હવે પેઢીમાં પણ તકલીફ પડવાની હતી.''
મનોમન હાર સ્વીકારીને શેઠ-શેઠાણી કાંતિના ઘેર જઈને એના બાપા રતિલાલને મળ્યા. જે થઈ ગયું છે એ હવે મિથ્યા નથી થવાનું. વસંત શેઠે હાથ જોડીને વેવાઈને કહ્યું કે ''હવે એ બંનેને બોલાવી લો. આ સંબંધને સોનાનો સમજીને સ્વીકાર્યા વગર છૂટકો નથી.''
''આનું નામ નસીબ !'' હેમંત પાણી પીવા અટક્યો ત્યારે મારાથી બોલી જવાયું. ''ભોળાના ભગવાન!''
''બંને ભાગીને સુરેન્દ્રનગર કાંતિના મામાને ત્યાં ગયા હતા. સંદેશો મળ્યો અને એ બંને ગામમાં આવ્યા ત્યારે એમને જોવા માટે આખું ગામ ટોળે મળ્યું હતું. હવે પેઢીમાં કાંતિનું સ્થાન મોભાદાર બની ગયું હતું.
વસંત શેઠે દીકરીને આપવાના વ્યવહારમાં કોઈ કસર નહોતી છોડી. દાગીના અને રોકડ દીકરીને દિલથી આપ્યાં. કાંતિને હવે સાઇકલ ના શોભે એ વિચારીને શેઠે નવી નક્કોર બાઈક અપાવી દીધી…કાંતિનો તો જલસો થઈ ગયો..''
''વાહ ! વાહ કાંતિલાલ વાહ !'' હું બબડયો. હેમંત એક સેકન્ડ મારી સામે તાકી રહ્યો. એ પછી હળવેથી ઉમેર્યું. ''ગામમાં આવ્યા પછી ગણીને આઠ દિવસ સુધી કાંતિનું આ સુખ ટક્યું. નવમા દિવસે ફરીથી જાણે ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ આખું ગામ હચમચી ઉઠયું !''
બકુલાના ચોકી પહેરાથી કંટાળીને ચંદ્રિકાએ ખતરનાક ભેજું લડાવ્યું હતું. વચગાળાની રાહત માટે એણે કાંતિને બકરો બનાવીને મા-બાપને બેકવૂફ બનાવ્યા ! અર્ધી રાત્રે રોકડ અને દાગીના લઈને એ ઘરની બહાર આવી. મોબાઈલ ઉપર નક્કી કર્યા મુજબ ગૌતમ રોડ પર રાહ જોઈને ઊભો હતો. ચંદ્રિકાએ ચાવી આપી એટલે ગૌતમે કાંતિની નવી નક્કોર બાઈક સ્ટાર્ટ કરી અને ચંદ્રિકા એને વળગીને બેસી ગઈ…આજ સુધી એ બંનેનો પત્તો નથી..કાંતિની નોકરી હજુ ચાલુ છે…
હેમંત બોલતો હતો ત્યારે મારી આંખ સામે કાંતિનો ભોળિયો ચહેરો તરવરી રહ્યો હતો.
(શીર્ષક પંક્તિ : લેખક)









