નિસર્ગનો સાદ

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- જે માણસ દીવાલોની બહાર, ઘરની બહાર નીકળી, સૌંદર્યને, પોતાના એકાન્તને ઝંખે છે તેવાએ પ્રકૃતિની મોંઢામોંઢ આસન જમાવીને બેસવું જોઇએ.
લા ગે છે કે આ નિસર્ગ સાથે મારો કોઈ નાળગત સંબંધ રહ્યો છે. એને હું મારી આંખે તો જોતો આવ્યો છું જ. શૈશવ અને કિશોરાવસ્થામાં અને આજેય તેની સાથે વાતો કરું છું. અરે, તાજામાજો પણ થઇ રહું છું. સ્પર્શની ભાષા પણ તેના વડે ઉકેલતો આવ્યું છે. મૌનના મહેલોમાં તેના વડે જ મારી હરફર રહી છે. ક્યારેક નિગૂઢ સંકેતો પણ તે આપી રહે છે તો ક્યારેક તેની મુખોમુખ હોઉં છતાં મને તે આકલનની બહાર લાગે છે, ક્યારેક અનુભવાતીત પણ. હજી લીલાછમ વૃક્ષને જોઇ ચકિત થઇ જાંઉ છું. કુંડામાંના છોડ સાથે પાકી દોસ્તી કરી રહું છું. દોડતાં વાદળો વહેતી નદી કે પ્રશાંત સમુદ્રનું આછેરું સ્પંદન મને અવાક કરી દે છે. પહાડો, ટેકરીઓ, ખીણો પરથી સુસવાટાભેર આવતા પવનને પરિરંભું છું, તેની સાથે મારી રીતની વાર્તા પણ માંડતો હોઉં છું. મારી આંખ, મારું હૃદય જ્યારે જ્યારે એની સાથેનું અદ્વૈત રચે છે ત્યારે બહિર વિશ્વ, તેનું જ્ઞાન, કહો કે સઘળું ભુલાઈ જાય છે. અંત:સ્ફૂર્તિનો પળેપળ નવો શ્લોક રચાતો જાય છે.
નિસર્ગને યાદ કરતાં કરતાં ક્યારેક મારા ખંડમાં જ મૂંગાં મૂંગાં એક વિશ્વ રચી રહું છું, શૂન્ય થઇ રહું છું. બાની આંખે જોયેલું સ્મરી રહે છે. નિસર્ગના કેવા કેવા રૂપ રંગનો જાદુ મને તે શીખવી ગઈ છે ! અને ટાગોર પણ કેવું કેવું મારી સામે ધરી રહે છે ! નિહાળેલી સૃષ્ટિનાં મારાં કેટલાંક સમીકરણોમાં ટાગોરની આંખે વળી ઑર શુદ્ધિ-વૃદ્ધિ આવતી જાય છે. છલ છલ જળ, વ્યાકુળ વર્ષ, મેઘની નિબિડ ધારા, શ્રાવણમેઘની નાવડી, તિમિરના ઘૂંઘટમાં ઢંકાયેલું વદન, વાદળ-બાઉલનો એકતારો પારુલ પુષ્પનો હિલ્લોલ, ચંદ્રની નાવ-અને એવું તો ઘણુંક. મારી ચેતનાને આ બધું ઉપરતળે કરી મૂકે છે. અને કાલિદાસ પણ સ્મરણમાં ન આવે એમ બને કે ? એની આંખે નિહાળેલા નિસર્ગનો જાદુ પણ એવો જ નિત્ય નૂતન રૂપા છે. આપણે- મેં કે તમે જે કંઇ માણ્યું છે સંવેદ્યું છે એ વળી અહીં એના એક બીજા સ્વરૂપે આપણી સમક્ષ આવી રહે છે. બીજું કદાચ ન વાંચો પણ એક 'મેઘદૂત' જ વાંચી એ તો આ નિસર્ગ એનાં કેવા કેવા અવનવા વેશપરિવેશે રસતરબોળ કરી રહે છે ! મેઘ-તરુશ્રેણીઓ-સરિતાઓ, પક્ષી-પંખીઓ, ટેકરીઓ ઉદયગિરિ જેવા પહાડો, નગરીઓ, ગવાક્ષો, નારીઓ - કહો કે મનુષ્ય ચેતના એ પ્રકૃતિ ચેતનાએ સંયુક્ત રીતે પૃથ્વી પાટલે - આકાશે મંચસ્થ કરેલું કોઈ મહાનાયક જ જોઈ લો ! કાલિદાસ સાચ્ચે જ પ્રકૃતિનો ઘેરૈયો છે. એમ તો ગંગા તમે જુઓ - એકાગ્રપણે, વહેતી-ઉછળતી, ગાન ગાતી, અને એની સાથે પુરાકથાઓ, શિવજી કે જગન્નાથની ગંગાલહરીનું સ્મરણ કરી રહો. આખી ગંગાનું રૂપ જ બદલાઈ જશે. વહેતાં જળ મટી, વહેતું, ધબકતું માનવવિશ્વ ત્યાં હાજર થઇ જતું અનુભવાશે.
મારી મારી રીતે તો નિસર્ગને માણવાની છે જ. તેનાં પર્ણો, પુષ્પો, તેમની પમરતી રહેલી સૌરભ, તેની લીલાશ, વૃક્ષોની શાખાઓ કે પાર વિનાનાં બીજાં નજરે પડતાં પ્રાકૃતિક દ્રશ્યો, પંખીઓ. ક્યારેક આ ક્રિયા 'નિહાળવાથી' 'સંવાદ' સુધી પહોંચે છે ત્યારે માત્ર આપણી જ નહી, વિશ્વની પણ એક નાની પણ સ્મરણીય ઘટના બની રહે છે. ફ્રેંચ ક્રાન્તિ જે નિરાશા મૂકી ગઈ હતી, ન્યાય-નીતિ તૂટી ગયાં હતાં ત્યારે વર્ડ્ઝવર્થનું પ્રકૃતિદર્શન કાવ્યરૂપે આપણી સામે આવ્યું. પેલો 'સંવાદ' પવનની મીઠી લહર બની ગયો. માણસ નિસર્ગથી, તેની ઝંખનાથી ફરી ધબકી રહ્યો.
એમ તો આપણી નિસર્ગપ્રીતિને વ્યાસ-વાલ્મીકિએ પણ લાડ લડાવીને દ્રઢાવી છે. એ બંનેએ તો વનશ્રી અને જનશ્રી વચ્ચેનો ભેદ જ લોપી દીધો છે. નગરથી વન અને વનથી નગર સુધીની એક અર્થમાં તો એ નિસર્ગ યાત્રા જ હતી. નિસર્ગના સંસ્પર્શે એવી યાત્રાનાં પરિમાણો જ બદલાઈ જતાં જોવાય છે. માણસમાં નિસર્ગ ઉમેરાતાં એક નવો 'માનવ' પ્રત્યક્ષ થઇ રહે છે. વિભૂતિભૂષણે 'આરણ્યક'માં એ જાદુ, આપણા સમયમાં પ્રકટ કર્યો છે જ. નિસર્ગ ઇશ્વરે ખુદે રચેલી 'ડિઝાઈન' છે. એ 'ડિઝાઈન' જે નિહાળી રહે છે, એના અંતરંગમાં જ પ્રવેશી રહે છે, જે તેની સાથે એકત્વ દાખવે છે, ત્યાં એ 'ડિઝાઈન' ગતિ, ગાન અને એક વિશેષરૂપનું જ્ઞાન પણ બની રહે છે.
અનેકવાર મેં મારી જાતનેે પ્રશ્ન કર્યો છે : આ નિસર્ગ ન હોત તો ? નિસર્ગને જોવાનું જ નહીં એની સાથે એક થઇ રહેવાનું ઇશ્વરે નિર્મ્યુ ન હોત તો ? મારી સામે માત્ર દીવાલો જ હોત, ઘરનો અસબાબ જ હોત, આ સ્ટ્રીટ, ખીચોખીચ, બહુમાળી મકાનો જ હોત તો, સિમેન્ટ-ક્રોંકિટનાં ગૂંચવી નાખે, ગળી જાય તેવાં શુષ્ક માળખાં જ હોત તો ! તો, હું 'હું' જ ન હોત ભલા ! ઇશ્વરની કલ્પના જ ન કરી શક્યો હોત, મર્મ-ધર્મને પરિભાષિત જ ન કરી શક્યો હોત, તમારા-મારામાંના આત્માની લકીરો સુધી પહોંચી જ ન શકાયું હોત…
વર્ષોપૂર્વે નિબંધકાર એમર્સનનો 'નેચર' (Nature) અર્થાત્ નિસર્ગ-પ્રકૃતિ વિશેનો નિબંધ વાંચેલો. એણે પણ દરરોજ નિયમિતપમે, ખુલ્લા મેદાન કે રસ્તાઓ પર ફરતાં ફરતાં મને પર્ણ-વેલી-વૃક્ષ-પુષ્પને પેખવાની એની એક જુદી દ્રષ્ટિનો પરિચય કરાવ્યો હતો. એણે તો તેની ઉપયોગિતાની ય વાત કરી છે ને તે સાચી પણ છે. પણ મને ઘેલું લગાડી ગયેલી વાત તો જુદી છે. તેણે ત્યાં સૌંદર્ય તો જોયું જ પણ ભાષા અને જીવન શિસ્તનાંય દર્શન કરેલાં. જી, વૃક્ષને, પ્રકૃતિ સમગ્રને, પહાડ-પર્વત-નદી-સમુદ્ર- સઘળાંને જેની ભાષા છે, અંતરમનને અડી જતી
ભાષા, અહમને ઑગાળી નાખતી ભાષા, જાત સાથે જોડતી ભાષા. પુસ્તકો તો આપણી મૂડી છે જ. પણ જે નિસર્ગના તાલે તાલ મિલાવે છે, તેની સાથે હૃદયસંવાદ સાધી રહે છે. તે સીધો, સત્ય સાથે, સર્વ સાથે, સ્વ સાથે અને ઇશ્વર સાથે પણ જોડાઈ રહેતો હોય છે. જે માણસ દીવાલોની બહાર, ઘરની બહાર નીકળી, સૌંદર્યને, પોતાના એકાન્તને ઝંખે છે તેવાએ પ્રકૃતિની મોંઢામોંઢ આસન જમાવીને બેસવું જોઇએ. જ્ઞાનાતીત- અનુભવાતીત થવાની ક્ષણો પણ નિસર્ગ પાસે જ સાંપડી રહે છે. 'દ્રશ્ય' ત્યાં 'દ્રષ્ટિ' ને જ બદલી નાખે છે ! ઇશ્વરનું જ સઘળે સામ્રાજ્ય નિહાળી રહેવાય. મન અને નિસર્ગને ગાઢ સંબંધ છે. વૃત્તિમય ભાવાભાસની વાત તેથી થઈ છે. આપણી વૃત્તિઓ પર પ્રકૃતિ દર્શન અમુક રીતે આધારિત છે. પણ પ્રકૃતિ તો સદૈવ નવતા ભરેલી છે, પ્રવહતી છે, સૌંદર્યવતી છે તે આપણી અબોલ શિક્ષક છે, મંદિરોની બહારનું મંદિર છે, રવ અને ઘંટારવ ઉભય ત્યાં સૂણી શકાય છે. ઉત્કંઠ નિસર્ગ સાદ દઈ રહી છે.




