જીવનના અર્થની શોધ : માનવમનની ઉપચારક શક્તિ

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- જ્યારે આપણે કોઈ પરિસ્થિતિને બદલવામાં સક્ષમ નથી હોતા ત્યારે આપણી સામે આપણી જાતને બદલવાનો પડકાર હોય છે.'
જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ ઉદ્દેશ, હેતુ હોતો નથી ત્યારે તે કંટાળો, અરુચિ, ઉદાસીનતા, નીરસતાનો ભોગ બને છે. કંટાળો એ માત્ર એક સામાન્ય લાગણી નથી, પરંતુ તે અસ્તિત્વના ખાલીપાની નિશાની છે
‘It did not really matter what we expected from life, but rather what life expected from us.'
વાત એ મહત્ત્વની નથી કે આપણે જીવન પાસેથી શું અપેક્ષા રાખતા હતા, પરંતુ મહત્ત્વની વાત એ છે, કે જીવન આપણી પાસેથી શું અપેક્ષા રાખતું હતું.'
‘When we are no longer able to change a situation, we are challenged to change ourselves.
જ્યારે આપણે કોઈ પરિસ્થિતિને બદલવામાં સક્ષમ નથી હોતા ત્યારે આપણી સામે આપણી જાતને બદલવાનો પડકાર હોય છે.'
In some ways suffering ceases to be suffering at the moment it finds a meaning, such as the meaning of a sacrifice.
કેટલીક રીતે દુ:ખ અથવા પીડા એ જ ક્ષણે દુ:ખ નથી રહેતી જ્યારે તેને કોઈ અર્થ મળી, જાય છે, જેમ કે કોઈ ત્યાગ, સમર્પણનો અર્થ.
Between stimulus and response there is a space. In that space is our power to choose our response. In our response lies our growth and our freedom.
પરિસ્થિતિ (ઉત્તેજના) અને આપણી પ્રતિક્રિયા વચ્ચે એક ખાલી જગ્યા હોય છે. એ જગ્યામાં આપણી પ્રતિક્રિયા પસંદ કરવાની આપણી શક્તિ છુપાયેલી હોય છે. આપણી પ્રતિક્રિયામાં જ આપણો વિકાસ અને આપણી સ્વતંત્રતા સમાયેલી છે.
Those who have a ‘why' to live, can bear with almost any ‘how'.
જેમની પાસે જીવવા માટેનું કોઈ કેમ (જીવવું એ માટેનું કારણ અથવા ઉદ્દેશ્ય હોય છે. તેઓ લગભગ કોઈપણ કેવી રીતે (મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું) ને સહન કરી શકે છે.'
- Viktor Frankl
(વિક્ટર ફ્રેન્કલ),
Man's Search for Meaning.
વિક્ટર ફ્રેન્કલ (Viktor Frankl) એક પ્રસિદ્ધ ઓસ્ટ્રિયન મનોચિકિત્સક ન્યૂરોલોજિસ્ટ અને યહૂદી હોલોકાસ્ટ (Holocaust) થી બચી ગયેલા વ્યક્તિ હતા. તેમનો જન્મ ૨૬ માર્ચ ૧૯૦૫માં વિયેનામાં થયો હતો. તેમણે માનવ જીવન, દુ:ખ, આશા અને જીવનના હેતુ અંગે ઊંડુ સંશોધન કર્યું અને તેના આધારે લોગોથેરેપી (Logotherapy) નામની માનસિક સારવારની પદ્ધતિ વિકસાવી. લોગોથેરેપી શબ્દ લોગોસ (logos) પરથી આવ્યો છે જેનો અહીં અર્થ થાય છે - અર્થ (meaning) અને થેરેપી એટલે ઉપચાર. એટલે સરળ ભાષામાં કહીએ તો લોગોથેરેપી એટલે જીવનના અર્થની શોધ દ્વારા માનસિક ઉપચાર.
વિક્ટર ફ્રેન્કલના વિચાર પ્રમાણે માનવીની સૌથી મૂળભૂત પ્રેરણા આનંદ મેળવવાની કે શક્તિ પ્રાપ્ત કરવાની નથી, પરંતુ પોતાના જીવનમાં કોઈ અર્થ, હેતુ અને કારણ શોધવાની છે. માનવી જ્યારે જાણે કે તેને શા માટે જીવવું છે ત્યારે જીવનની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાની તેની આંતરિક ક્ષમતા વધી જાય છે.
વિક્ટર ફ્રેન્કલ લોગોથેરેપી અને એક્સિસ્ટેન્શ્યિલ એનાલીસિસ (Existential Analysis) ના સંશોધક અને પુરસ્કર્તા બન્યા એની પાછળ એમનું પોતાનું જીવન જવાબદાર હતું. ૧૯૪૨માં હિટલરે ઓસ્ટ્રિયા પર કબજો કર્યો ત્યારે તેના જુલમ અને ત્રાસનો ભોગ વિકટર અને તેમના કુટુંબીઓ પણ થયા. વિક્ટરે તેમના પુસ્તકમાં આ હૈયું કંપાવી દે તેવી યાતનાોનું વર્ણન કર્યું છે. તેમાં તેમણે લખ્યું છે - 'કોન્સન્ટ્રેશન કેમ્પમાં લઇ જવાતા કેદીઓને જોઇને હિટલરનો અધિકારી તેમને ડાબી કે જમણી તરફ જવાનું કહેતો. જે શારિરીક રીતે નબળા દેખાય, જે માનસિક રીતે ભાંગી પડેલા જણાય, જેના મોં પર હતાશા - નિરાશા દેખાય, જેમની જિજિવિષા છૂટી ગયેલી જણાય તેમને તે જમણી તરફ જવાનું કહેતો, એથી વિપરીત, જે શારિરીક રીતે બળવાન દેખાય, જેનું મનોબળ મજબૂત જણાય, જેના ચહેરા પર જીવવાની આશા, થોડોઘણો ઉમંગ-ઉલ્લાસ દેખાય તેમને તે ડાબી તરફ જવાનું કહેતો. જેમને જમણી તરફ મોકલવામાં આવતા તેમમને ગેસ ચેમ્બરમાં પૂરી મારી નાંખવામાં આવતા હતા અને જેમને ડાબી તરફ મોકલવામાં આવતા તેમને જીવતા તો રખાતા પણ ભયંકર ત્રાસ અપાતો. તેમની પાસે કાળી મજુરી કરાવવામાં આવતી અને પૂરતો ખોરાક પણ અપાતો નહોતો. તેમને રાત્રે અડધો ટુકડો બ્રેડ અને પાણી જેવો સૂપ ખાવામાં અપાતો. કેટલીક વાર તો હિટલરના ક્રૂર અધિકારીઓ તેટલો ઓછો ખોરાક પણ ઝૂંટવી લેતો.'
ત્રણ વર્ષના ગાળામાં વિક્ટરે તેના તમામ કુટુંબીઓ ગુમાવી દીધા. એ કેમ્પના ૯૦થી ૯૫% કેદીઓ મરણ પામ્યા. તે શારીરિક અશક્તિ અને વધારે તો માનસિક હતાશા-નિરાશાથી મરણ પામ્યા હતા. વિક્ટર ફ્રેન્કલ કહે છે કે જે પાંચ-દસ ટકા લોકો જીવતા રહ્યા તે બધા તે લોકો હતા જે જીવતા રહેવા માટે કોઈ પ્રબળ હેતુ, ઉદ્દેશ ધરાવતા હતા. વિક્ટર પોતે પોતાની પત્નીને મળવાનો ઉદ્દેશ ધરાવી એની સાથે રહેવાનું સ્વપ્ન સેવતા હતા. તે પછી ઉત્તમ વ્યાખ્યાતા બની એમના દુ:ખદ અનુભવોનું વર્ણન કરવા માગતા હતા, ભારે સંઘર્ષમાંથી કેવી રીતે મુક્ત થવાય તે લોગો થેરેપીને લગતું પુસ્તક લખવા માંગતા હતા. તે કહે છે કે આ પ્રબળ આશા, ઉમેદ અને જિજીવિષાથી જ જીવતા રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરની હાર થતા તે મુક્ત થયા હતા. તે પછી તેમણે ૩૦ પુસ્તકો લક્યા અને વિશ્વની ૨૦૯ યુનિર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યા.
મનોવિશ્લેષક સિગ્મંડ ફ્રોઇડ માનતા હતા કે મનુષ્ય સુખની પાછળ ભાગે છે. તે મુખ્ય રૂપે સુખની ઇચ્છા (Pleasure Principle) થી સંચાલિત થાય છે. આલ્ફ્રેડ એડલરે જણાવ્યું કે મનુષ્ય શક્તિ (Power) ની ઇચ્છા રાખે છે. પણ વિક્ટર ફ્રેંકલે જણાવ્યું કે મનુષ્યની સૌથી મોટી જરૂરિયાત જીવનનો અર્થ (Meaning of Life) શોધવો એ છે. જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ ઉદ્દેશ, હેતુ હોતો નથી ત્યારે તે કંટાળો, અરુચિ, ઉદાસીનતા, નીરસતા (Boredom) નો ભોગ બને છે. કંટાળો એ માત્ર એક સામાન્ય લાગણી નથી, પરંતુ તે અસ્તિત્વના ખાલીપા (Existential Vaccum) ની નિશાની છે. આ કંટાળો આગળ જતાં ડિપ્રેશન તરફ દોરી જઈ શકે છે.
વિક્ટર ફ્રેન્કલના જણાવ્યા પ્રમાણે આપણે ત્રણ પ્રકારે આપણા જીવનને અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ -
૧. કાર્ય કે સર્જન દ્વારા : કોઈ પ્રોજેક્ટ પૂરો કરવો, વ્યાપાર શરૂ કરવો, મનગમતી પ્રવૃત્તી કરવી, કલાનું સર્જન કરવું, પોતાનું કામ પૂરી લગનથી કરવું.
૨. અનુભવ કે પ્રેમ દ્વારા : પ્રકૃતિની સુંદરતાની અનુભૂતિ કરવી, કલાનો આનંદ માણવો, કોઇને નિસ્વાર્થ, નિર્વ્યાજ પ્રેમ કરવો. ફ્રેન્કલ અનુસર પ્રેમ જ મનુષ્યનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય છે. તમે કોઈ વ્યક્તિને માત્ર તેનાા બાહ્ય રૂપ, આદતો કે વ્યવહારથી પૂરેપૂરી રીતે જાણી શક્તા નથી. ‘No one can become fully aware of the very essence of another human being unless he loves him - કોઈપણ મનુષ્ય કોઈ બીજા મનુષ્યના વાસ્તવિક, સાચા સ્વરૂપ કે વ્યક્તિત્વને ત્યાં સુધી પૂરેપૂરું, સમજી નથી શક્તો જ્યાં સુધી તે તેને પ્રેમ ન કરે.' વિક્ટર ફ્રેન્કલ દર્શાવે છે કે પ્રેમ શારિરીક ઉપસ્થિતિનો મોહતાજ નથી. પ્રેમ પ્રિય વ્યક્તિની શારીરિક ઉપસ્થિતિ કે ભૌતિક અસ્તિત્વથી આગળ વધી જાય છે. તે પોતાનો સૌથી ઊંડો અર્થ વ્યક્તિની આધ્યાત્મિક સત્તા અને તેના આંતરિક સ્વરૂપમાં શોધે છે. તે વ્યક્તિ વાસ્તવમાં હાજર છે કે નહીં, અથવા તો જીવિત છે કે નહીં, તે બાબત કોઈક રીતેે પોતાનું મહત્વ ગુમાવી બેસે છે. પ્રેમ કોઈ અસ્થાયી ભાવના કે શારીરિક આકર્ષણ નથી તે આત્માનું આત્મા સાથે જોડાણ છે. તે માનવીને દુનિયાની મોટામાં મોટી તકલીફોને પણ હસતાં હસતાં સહન કરવાની શક્તિ આપે છે.
૩. અનિવાર્ય દુ:ખ પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણ દ્વારા : જ્યારે મુશ્કેલી ટાળી ન શકાય ત્યારે તેના તરફના આપણા અભિગમ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવવું. જ્યારે કોઈ ગંભીર બીમારી આવે કે પ્રિયજનનું મૃત્યુ થાય એવી ઘટના બને ત્યારે આપણે એ દુ:ખને ગરિમા સાથે સ્વીકારી, એમાંથી કંઇ શીખીને આપણા જીવનને એક નવો અર્થ આપી શકીએ છીએ.
વિક્ટર ફ્રેન્કલ કહે છે : 'સફળતા અને સુખનો સીધો પીછો કરી શકાતો નથી. એ મેળવવા એની પાછળ ન પપડો. તે યોગ્ય કર્મોના પરિણામ રૂપે સ્વત:, સહજ જ પ્રાપ્ત થઇ જશે.'




