Shatdal

રાખડીની તાકાત

By GS Team
25 Aug 20265 mins read
રાખડીની તાકાત
  • વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
  • તું તો મારી ધર્મની બહેન છે. યાદ છે, તે નાનપણમાં મને રાખડી પણ બાંધેલી'

'ઠ ક, ઠક' અવાજ સાંભળી માધવી રાતના બાર વાગે ઉઠી ગઈ.
અડધી રાતે કોણ બારણું ઠોકે છે, વિચારતાં તે ઊભી થઇ. આટલી રાતે મયંક આવ્યો લાગે છે, વિચારી તેણે બારણું ખોલ્યું.
'ક્યાં છે, મયંક ?' કહેતા બે ગુંડા જેવા માણસો ઘરમાં ઘુસી ગયા. બન્નેનાં વાળ લાંબા, આંખો લાલ, ચહેરા કરડા, એકના હાથમાં રામપુરી ચપ્પુ અને બીજાના હાથમાં લાઠી હતી.
'કોણ છો તમે, એકદમ ઘરમાં કેમ ઘુસી ગયા ?' માધવીએ ડર્યા વગર ગુસ્સે થઇ પુછયું.
'અમે નવરંગપુરા કેસીનો કલબમાંથી આવ્યા છીએ. હું કલબનો માલિક લલિત રાઠી છું' ઊંચા પડછંદ ગુંડાએ જવાબ આપ્યો. 'પણ મયંકનું શું કામ છે ? તેણે તમારૂં શું બગાડયું છે ?' માધવીને નવાઈ લાગી. 'મયંક છેલ્લા બે મહિનાથી ઉધારમાં એંસી હજાર રૂપિયા જુગારમાં હારી ગયો છે. હવે ભાગતો ફરે છે.' લલિતે ગુસ્સે થઇ કહ્યું.
'જા આખા ઘરમાં જોઈ આવ, મયંક ક્યાય સંતાયો તો નથીને !' લલિતે તેના ભેરૂને ઓર્ડર કર્યો. ગુંડાએ માધવીને ધક્કો મારીને હટાવી અને અંદર આખા ઘરમાં આંટો મારી આવ્યો.
'ક્યાંય નથી બોસ, ક્યાંક બીજે જ છુપાયો લાગે છે.' ભેરૂએ ખાલી હાથે આવી બોસને જણાવ્યું.
'સાંભળી લે , મયંકને કહી દે જે કે બે દિવસમાં લલિતના એંસી હજાર ભરી જાય નહીં તો અમે તેની બુરી વલે કરીશું.' લલિતે ગુસ્સે થઇ કહ્યું.
માધવી ડરીને વિચારમાં પડી ગઈ તે મયંકના બુરા હાલ કરવાની વાત સાંભળી ઓઝપાઈ ગઈ. સાત વરસ પહેલાનો મયંક યાદ આવતાં તે ભૂતકાળમાં સરી પડી.
હરિભાઈ કાપડીયાનો કેટલો મોટો વેપાર જામેલો હતો. ન્યુ ક્લોથ માર્કેટની કાપડની પેઢીમાં તેર માણસો કામ કરતાં હતા. આખા ઇન્ડિયામાં અમદાવાદની ખ્યાતનામ મિલોના તાકા તેમની પેઢીમાંથી જતાં હતા. આંબાવાડીમાં મોટો બંગલો અને ત્રણ ગાડીઓ જાહોજલાલીની ચાડી ખાતાં હતા. તેને એક જ દીકરો હતો, મયંક કાપડીયા. વધારે પડતાં લાડકોડ અને પ્યારમાં મયંક ઉડાઉ અને જીદ્દી બની ગયો હતો. બાપના પૈસે તાગડધીન્ના કરતાં તેને પૈસાની અને મહેનતની કિંમત જ ન હતી. માધવીના પિતા મનસુખલાલની પણ રતનપોળમાં કાપડની દુકાન ધમધોકાર ચાલતી હતી. પૈસેટકે સુખી કુટુંબ હતું. મનસુખલાલનો જીવ ઉદાર અને દુખીયારાને મદદ કરવાનો હતો. કાળુપુરની વિષ્ણુપટેલની પોળમાં સૌથી મોટું અને રૂઆબદાર ઘર એટલે મનસુખલાલ સુતરીયાનું ઘર. કોઇપણ દુખીયારાને મદદ કરવામાં તેમણે ક્યારેય પાછી પાની કરી નહોતી.
પહેલી વખત માધવીને જોવા મયંક, મનસુખલાલ અને તેની મમ્મી માલતીબેન આવ્યા, ત્યારે વાતચીતમાં મયંક સ્વચ્છંદી અને છેલબટાઉ લાગ્યો. પણ ખોરડું મોટુ અને બાપાની ઈજ્જતને લીધે માધવીના ઘરનાએ તેને સમજાવી, લગ્ન પછી બધું ઠીક થઇ જશે. મયંક લગ્નના ખૂંટે બંધાઈને જવાબદારીઓ આવશે એટલે ધીમેધીમે સુધરી જશે.
પણ થયું ઉલટું જ. હરિભાઈનું સિત્તેર વરસે હાર્ટ એટેકથી મોત થતાં, બધી જવાબદારી અને પેઢીનો કારોબાર મયંકના હાથમાં આવી ગયો. જીવનમાં ક્યારેય ધંધામાં ધ્યાન આપ્યું જ ન હોવાથી, પેઢી ખોટમાં જવા લાગી. ખોટ વધતી જતી હતી, અને મયંક હતાશામાં સરી પડયો. હતાશા દુર કરવા તે દારુ અને જુગારના રવાડે ચડતો ગયો. હતાશ મન ક્યારેય જુગારમાં જીતી શકે ખરું ? તેની ચિંતામાં તેની મમ્મી માલતીબેન પણ ઊંઘમાં આ ફાની દુનિયા છોડી ગયા.
હવે મયંક સંપૂર્ણ સ્વચ્છંદી બની ગયો. દારૂના નશામાં તે ગમે ત્યાં પડી રહેતો, પણ ઘરે આવતો જ નહીં. માધવી તેની ચિંતામાં રાતભર જાગતી બેસી રહે, પણ મયંક દિવસો સુધી ઘરે આવે જ નહી !!
એની લાયમાં માધવીનું શરીર ઘસાવા લાગ્યું. ઘર ચલાવવાનો પૈસો ય પતિ આપે નહીં અને કોઈ વખત અચાનક આવીને ઘરમાંથી કોઈ દાગીનો કે વસ્તુ લઇ વેચી આવે.
રોજની માફક આજે પણ માધવી ઊંઘ ન આવતા ચિંતામાં પડખાં ફેરવી રહી હતી. દશ દિવસથી મયંક ઘરે આવ્યો જ નહોતો… તેમાં વળી આ બે ગુંડાની વાત સાંભળી માધવી ભાંગી પડી.
લલિત રાઠી ઘરની સ્થિતિ જોઈ રહ્યો હતો. બંગલાની અંદરની હાલત. જર્જરિત થઇ ગઈ હતી, દિવાલો પરથી પોપડાં ખરી રહ્યાં હતાં.
'મયંકે મારી હાલત કેવી કરી નાખી છે, એ તો તમે જોઈ રહ્યા છો ને, પણ તેને મારતાં નહીં, અંતે તો તે મારો પતિ છે, તમારે રૂપિયા જોઈતાં હોય તો મારા પિયરીએ વિષ્ણુ પટેલની પોળે પહોંચી જાઓ, તમારૂં દેવું ચૂકવાઈ જશે.' માધવી રડમસ અવાજે બોલી.
વિષ્ણુ પટેલની પોળનું નામ સાંભળી લલિત ચમકી ગયો. 'તમે ત્યાં મનસુખલાલ શેઠને ઓળખો છો ?' લલિત હવે નરમ પડયો. 'એ જ મારા પપ્પા છે.' માધવી કહેતાં રડી પડી.
'ઓહ ! તો તું જ તેની દીકરી માધવી છે ! મારા માબાપ રોડ અકરસ્માતે ગુજરી ગયા, પછી મને તારા બાપે જ આશરો આપી ભણવાનો અને ખાધાખોરાકીનો ખર્ચ ઉપાડી લીધેલો. ત્યારે તો તું છ વરસની અને હું બાર વરસનો હતો. તું તો મારી ધર્મની બહેન છે. યાદ છે, તે નાનપણમાં મને રાખડી પણ બાંધેલી' લલિત કહેતા ગળગળો થઇ ગયો. પછી તો હું કમાવવા મુંબઈ જતો રહ્યો, અને બે વરસથી જ અહીં કેસીનો ચલાવું છું, મારી ભૂલ થઇ બેના, માગ, માગ, માગે તે આપું.'
'આવો, આવો, લલિતભાઈ, હવે મને આછું પાતળું યાદ આવે છે.' કહેતા માધવી ખુશીથી રડવા જેવી થઇ ગઈ.
'તારા ધણી પરનું બધું દેવું અને વ્યાજ હું માફ કરું છું. ફરી ક્યારેક સમય જોઇને આવીશ, અત્યારે જાઉં છું.' લલિતે કહ્યું.
'ઉભા રહો લલિતભાઈ, હજી મારે તમારી પાસે માંગવું છે.' માધવીએ કહ્યું.
'માગ બહેન તારા પપ્પા મનસુખલાલનું ઋણ ખુબ મોટું છે, તું કહે તે આપીશ એ પણ ઓછું પડશે.' લલિત હવે સજ્જન ભાઈ બની ગયો.
'ખરેખર હું માંગુ તે આપશો ?' માધવીએ પૂછયું.
'હા, હા, તું કહે તે આપીશ. હું તારા પપ્પાના ઋણમાંથી મુક્ત થવા માંગુ છું.' લલિતે કહ્યું.
'ભાઈ, આ જુગાર અને દારૂના ધંધામાં કેટલીય બહેનો અને સંતાનો દુઃખી થઇ રહ્યા છે. આ ધંધા બંધ કરી દો.' માધવીએ મક્કમતાથી કહ્યું.
લલિત ચકરાઈ ગયો. પણ વચન અપાઈ ગયું હતું. તેણે આ ધંધો બંધ કરી ત્યાં મોટો પ્રોવિઝન સ્ટોર ખોલ્યો. મયંકને ખબર પડતાં, તે પણ શરમાતો, પસ્તાતો માધવી આગળ આવી ઝુકી ગયો. તે પણ લલિતભાઈના સ્ટોરમાં મેનેજર તરીકે મહેનત કરી નિતીનો પૈસો કમાઈ રહ્યો છે.
લાસ્ટ સ્ટ્રોક
રાખડી ફક્ત સુતરનો ધાગો નથી, પણ પ્રેમ, શ્રધ્ધા, લાગણી અને ફરજનું પ્રતિક છે.