માણસ જેવા ૯૮ ટકા ડીએનએ ધરાવતા ચિંપાન્ઝીની વસ્તી ૮૦ ટકા જેટલી ઘટી

- મીડ વીક- હસમુખ ગજજર
- ૧૯૬૦માં વિશ્વ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક જેન ગુડાલના સંશોધનમાં સૌ પ્રથમવાર સાબીત થયું હતું કે ચિંપાન્ઝી ઓજાર બનાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. એક સમયે આફ્રિકાના ૨૫ દેશોમાં અંદાજે ૧૫ થી ૨૦ લાખ જેટલા ચિંપાન્ઝી રહેતા હતા આજે તેની સંખ્યા ઘટીને માંડ ૩ થી ૪ લાખ જેટલી રહી છે
યુ ગાન્ડાના કિબાલે નેશનલ પાર્કના ન્ગોગો જૂથના ચિમ્પાન્ઝી સભ્યો વચ્ચે ભાગલા પડતા છેલ્લા ૭ વર્ષથી જીવલેણ હિંસાનો દોર ચાલે છે. અત્યાર સુધીમાં ૯ પુખ્ત નર અને ૧૮ બચ્ચા સહિત કુલ ૨૮ ચિમ્પાન્ઝીઓના મુત્યુ થયા છે. સંશોધકોએ નોંધ્યું છે કે નેશનલ પાર્કના ચિમ્પાન્ઝી સભ્યો પોતાના ઉષ્ણકટિબંધીય વર્ષાવન નિવાસસ્થાનમાં ફળો અને પાંદડા ખાતા હતા. આરામ કરતા અને એક બીજાની સાર સંભાળ પણ રાખતા હતા. ત્યારબાદ અચાનક ખટરાગ શરુ થતા જીવલેણ હિંસાનો દોર શરુ થયો હતો. અચાનક સમૂહમાં થતા હુમલામાં વિરોધી જૂથના પુખ્ત નર અને બચ્ચાઓને નિશાન બનાવવામાં આવે છે. માતા પાસેથી બચ્ચુ પડાવીને બચકા ભરીને જમીન પર પછાડી દે છે. પુખ્તવયના પીડિતો આંતરિક ઇજ્જાઓના લીધે મોતને ભેટે છે. બચકું ભરવું, હાથ વડે માર મારવો, ઘસેડી જવા અને લાત મારવાના કૃત્યોમાં મુખ્યત્વે પુખ્ત નર ચિમ્પાન્ઝી હોય છે પરંતુ કયારેક માદાઓ પણ ભાગ લે છે. સંશોધકો લાંબા સમયથી એ જાણતા હતા કે ચિમ્પાન્ઝીઓ પાડોશી જૂથોના સભ્યો પર જે મૂળભૂત રીતે અજાણ્યા હોયતો તેમના પર હુમલો કરે છે અથવા તો મારી નાખે છે પરંતુ આ કંઇક જુદો જ કિસ્સો હતો. બંને જૂથોના નર ચિમ્પાન્ઝીઓ પરસ્પર સહયોગ તથા સહકાર આપીને રહેતા હતા તો પછી અલગ કેમ થયા ? એક અંગ્રેજી સમાચાર એજન્સીમાં પ્રકાશિત લેખ મુજબ વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં કદાંચ સમૂહ ખૂબ મોટો થયો તેમાંથી જ આવું બન્યું હશે ? આ જંગલી ચિંપાન્ઝીઓનું અત્યાર સુધીનું સૌથી મોટું જાણીતું જૂથ હતું. આ જૂથમાં સભ્યોની સંખ્યા વધીને ૨૦૦ જેટલી થઇ હતી જે સામાન્ય રીતે ચિંપાન્ઝીઓના જૂથમાં લગભગ ૫૦ સભ્યો હોય છે. એવું માનવામાં આવે છે કે સમૂહનું મૂળ કદ ઘણું મોટું હોવાથી ખોરાક મેળવવા માટેની સ્પર્ધા અને માદાઓ સાથે પ્રજનન કરવા માટે નરો વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની હોઇ શકે છે. બે અલગ અલગ જૂથો જેમાં એકને વેસ્ટર્ન (પશ્ચિમી) અને સેન્ટ્રલ (મધ્ય) જૂથો તરીકે ઓળખવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૮થી ચિંપાન્ઝીના બે જૂથ વિરુધ હિંસા અને મારામારીનો દોર શરુ થયેલો જે અવિરત રહયો છે.
ચિંપાન્ઝી અને માણસ વચ્ચે ૯૮.૮ ટકા જેટલી ડીએનએ સમાનતા, લાગણીઓ અને વ્યહવાર જોવા મળે છે. ૧૯૬૦માં વિશ્વ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક જેન ગુડાલના સંશોધનમાં સૌ પ્રથમવાર સાબીત થયું હતું કે ચિંપાન્ઝી ઓજાર બનાવી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. તાંઝાનિયાના ગોંબેના જંગલમાં ચિંપાન્ઝી લાકડીની સોટીથી ઝાડની બખોલમાંથી ઉધઇ બહાર કાઢતો જોવા મળ્યો હતો. આ શોધે માત્ર માણસ જ ઓજાર બનાવીને તેનો ઉપયોગ કરવાનું જાણે છે તે માન્યતાને ખોટી પાડી હતી. હવે તો સાબીત થયેલું છે કે ચિંપાન્ઝીના જૂદા જુદા સમૂહોમાં ઔજારોનો ઉપયોગ કરવાની ટેકનીક પણ જૂદી જૂદી હોય છે. પર્યાવરણ બદલવાની સાથે પોતાના વ્યહવારમાં પણ બદલાવ લાવી દે છે. ચિંપાન્ઝી માણસના સૌથી નજીકના જીવતા સંબંધીમાંનો એક છે. ચિંપાન્ઝીના અનેક વ્યહવાર અને વર્તન એવા છે જે માણસોને મળતા આવે છે. ચિંપાન્ઝી માત્ર બુદ્ધિમાન છે એટલું નહી ભાવનાત્મક સંબંધો અંગે પણ જાણે છે. પોતાના સમૂહમાં એક બીજા સાથે મજબૂત સંબંધો બાંધે છે. પ્રેમ, સહયોગ અને સહાનુભૂતિ જેવા ગુણો પણ ધરાવે છે. ચિંપાન્ઝી વિશે એવું પણ ધ્યાનમાં આવ્યું કે તે સમૂહમાં શિકાર કરે છે અને માંસ પણ ખાય છે એટલું જ નહી પરિવારમાં લાંબા સમય સુધી રહે છે અને ગાંઢ સંબંધો પણ ધરાવે છે. જેન ગુડોલેનું ચિંપાન્ઝીઓ પર કરેલું ઐતિહાસિક સંશોધન વન્ય જીવ વિજ્ઞાનમાં સૌથી મહત્વનો અધ્યાય ગણાય છે. ૬૦ વર્ષની કરિયર દરમિયાન હજારો કલાકોની સ્ટડી નોટ્સના માધ્યમથી ચિંપાન્ઝીનો વ્યહવાર સમજવામાં મદદ મળે છે. જંગલોની આડેધડ કાપણી, ઘટતો જતો ખોરાક, વધતી જતી બીમારીઓ અને જળવાયુ પરિવર્તનના લીધે ચિંપાન્ઝીની સંખ્યા સતત ઘટતી જાય છે.ખેતી અને લાકડા માટે મોટા પાયે જંગલ નષ્ટ કરવામાં આવી રહયા છે જે ચિંપાન્ઝી માટે સૌથી મોટો ખતરો છે કારણે આ તેનું સદીઓથી પ્રાકૃતિક નિવાસસ્થાન રહયું છે જે તૂટી રહયું છે. આ ઉપરાંત ચિંપાન્ઝીનો અવૈધ શિકાર, બીમારીઓ અને નાના ચિંપાન્ઝીઓને પકડીને પાલતું બનાવવાનો શોખ મોટી સમસ્યા છે. ગેર કાયદે વેપારમાંથી જે ચિંપાન્ઝીઓને બચાવવામાં આવે છે તેમને સંરક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવે છે.
એક સમયે આફ્રિકાના ૨૫ દેશોમાં અંદાજે ૧૫ થી ૨૦ લાખ જેટલા ચિંપાન્ઝી રહેતા હતા. આજે તેની સંખ્યા ઘટીને ૩ લાખ જેટલી રહી છે. કેટલીક વાઇલ્ડ સંસ્થાઓનું માનવું છે ઘટાડાની આ સંખ્યા આના કરતા પણ ઓછી હોઇ શકે છે. આમ તો તમામ ચિંપાન્ઝી પ્રજાતિઓ સંક્ટગ્રસ્ત શ્રેણીમાં સામેલ છે પરંતુ પશ્ચિમી ચિંપાન્ઝીની સ્થિતિ સૌથી ગંભીર છે. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘે (આઇયૂસીએન) પણ સંક્ટગ્રસ્ત જાહેર કર્યા છે. વર્ષ ૧૯૯૦ થી ૨૦૨૪ સુધીમાં પશ્ચિમી ચિંપાન્ઝીની સંખ્યા ૮૦ ટકા જેટલી ઘટી છે. એવું માનવામાં આવે છે કે આફ્રિકાના બજારો,નગરો અને શહેરોમાં સેંકડો વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ નિયમિતપણે બુશમીટ (જંગલી પ્રાણીઓનું માંસ) તરીકે વેચાય છે. શિકારીઓ શોખ ખાતર અથવા બજારમાં સારા ભાવ મેળવવા માટે જંગલી પ્રાણીઓને નિશાન બનાવે છે જેમાં મગર, કાળિયાર,વાંદરા અને શાહુડી ઉપરાંત ચિંપાન્ઝી અને ગોરિલાનો પણ સમાવેશ થાય છે. બુશમીટ આનંદ પ્રમોદ અને પ્રતિષ્ઠાનું સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. એવું માનવામાં આવે છે કે કોંગો બેસિનમાં દર વર્ષે પાંચ મિલિયન ટન જેટલા બુશમીટનો વેપાર થાય છે. જંગલમાં ચિંપાન્ઝી ૩૫ થી ૪૦ વર્ષ સુધી જીવી શકે છે કેટલાક ૫૦ થી ૬૦ વર્ષનું પણ આયુષ્ય ધરાવે છે. માંદા ચિંપાન્ઝી દર પાંચ વર્ષે એક બાળકને જ જન્મ આપે છે આનો અર્થ એ છે કે શિકારનું પ્રમાણ ઓછું હોયતો પણ તે આખા સમૂહનો નાશ કરી શકે છે. ચિંપાન્ઝી જેને બોલચાલની ભાષામાં કયારેય ચિમ્પ પણ કહેવામાં આવે છે. જે પેન જીનસ (વંશ)ના વન માનુષની બે વર્તમાન પ્રજાતિઓના સામાન્ય નામ છે. ચિંપાન્ઝી, બોનોબો, ગોરિલ્લા, માનવ અને ઓરંગઉટાન હોમિનિડે પરિવારના સદસ્ય છે.
એપ્સ પ્રજાતિના જીવોને સાધારણ ભાષામાં ચિંપાન્ઝી કહેવામાં આવે છે. સૌથી જાણીતો ચિંમ્પાન્ઝી પેન ટ્રોડલોડાઇટસ છે જે મુખ્યત્વે પશ્ચિમી તથા મધ્ય આફ્રિકામાં જોવા મળે છે. ચિંમ્પાન્ઝી લગભગ ૮ લાખ વર્ષ પહેલા માનવ વિકાસની પ્રક્રિયાથી અલગ થઇ ગયા હતા. માનવ જીવાશ્મ ખૂબ પ્રમાણમાં મળે છે પરંતુ ચિંમ્પાન્ઝીના જીવાશ્મો અંગે ૨૦૦૫ સુધી કોઇ જ વર્ણન મૌજુદ ન હતું. પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં ચિંમ્પાન્ઝીની વર્તમાન વસ્તી પૂર્વી આફ્રિકામાં મુખ્ય માનવ જીવાશ્મ સાથે મેળ ખાતી નથી. જો કે ચિંમ્પાન્ઝીના જીવાશ્મો અંગે કેન્યામાં જાણકારી મળે છે કે તેના આધારે કહી શકાય કે માણસ અને પેન કલેડના સદસ્ય બંને મધ્ય પ્લેસ્ટોસીન કાળ દરમિયાન પૂર્વી આફ્રિકામાં રિફટવેલીમાં અસ્તિત્વ ધરાવતા હતા. આફ્રિકામાં એવા અનેક કેન્દ્રો છે જયાં અનાથ ચિંપાન્ઝીઓની દેખરેખ રાખવામાં આવે છે. સિએરા લિયોનના ટેકુગામામાં ચિંપાન્ઝી અભયારણ્ય અને યુગાન્ડાનું નગાંબા દ્વીપ તેના ઉદાહરણો છે જયાં રેસ્કયુ કરાયેલા ચિંપાન્ઝીઓની સુરક્ષિત વાતાવરણમાં સંભાળ રાખવામાં આવે છે. ચિંપાન્ઝી લાંબું આયુષ્ય ધરાવતા હોવાથી સંરક્ષણ કેન્દ્રોમાં વર્ષો ર્ સુધી ખર્ચાળ દેખભાળ કરવી પડે છે. ચિંપાન્ઝી આપણને યાદ અપાવે છે કે આ જીવ માત્ર જંગલોનો હિસ્સો નથી પરંતુ પૃથ્વી પર એવો જીવનસાથી છે જેની સાથે આપણા ગાંઢ સંબંધો છે આથી તેનું રક્ષણ કરવુંએ પ્રકૃતિ અને આવનારી પેઢીઓના રક્ષણ સમાન છે.




