પાકિસ્તાનના કુલ વિસ્તારનો ૪૬ ટકા ભૂભાગ ધરાવતા બલુચિસ્તાનની પીડા

- મીડ વીક- હસમુખ ગજજર
- પાકિસ્તાનનો કુલ વિસ્તાર ૭૯૬૦૯૬ સ્કવેર કિમી છે જેમાંથી બલુચિસ્તાનનો વિસ્તાર ૩૪૭૧૯૦ સ્કવેર કિમી છે. બલુચિસ્તાન વિસ્તારની દ્રષ્ટીએ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત છે. જનસંખ્યા માત્ર ૧.૪૮ કરોડ જે કુલ વસ્તીના ૬ ટકા જેટલી છે
પા કિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રાષ્ટ્રવાદી સંગઠનોએ ગત ૧૧ ઓગસ્ટના રોજ આઝાદ દિવસ ઉજવાયો. રાજકીય સંઘર્ષનો લોહિયાળ ઇતિહાસ ધરાવતા આ પ્રાંતના લોકો ઘણા સમયથી પોતાનો સ્વતંત્ર દિન ઉજવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સૌનું વિશેષ ધ્યાન ખેંચે છે. હથિયારધારી બલુચ વિદ્વોહીઓ સરકારી ઇન્ફાસ્ટ્રકચર અને મિલિટરીને નિશાન બનાવે છે. કિંમતી સામાન લૂંટીને સરકારી સંપતિને આગ ચાંપી દે છે. ગુસ્સામાં જોવા મળતા વિદ્વોહીઓ ટ્રેનના પાટા ઉડાવી દે છે, ટ્રેન હાઇજેક કરીને પડકાર ફેંકે છે. પોલીસકર્મીઓ પાસેથી હથિયારો પડાવીને સરકારી વાહન લઇને ભાગી જાય છે. ખૂદ માનવ બોંબ બનીને વિસ્ફોટક સાથે પોતાની જાતને ઉડાવી દે છે. પાકિસ્તાનનું સૈન્ય એર સ્ટાઇક કરીને વિદ્વોહ દબાવવા પ્રયાસ કરે છે પરંતુ બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએફ) વળતો પલટવાર કરે છે. ગત ૧૪ ઓગસ્ટના રોજ મસ્તુંગ ખાતે બલુચિસ્તાનના ગૃહમંત્રી મીર જિયાઉલ્લાહ લેંગોવના કાફલા પર સશસ્ત્ર હુમલો થતા માંડ માંડ બચ્યા હતા. છેલ્લા એક વર્ષમાં બ્લુચ લિબરેશન આર્મીના હુમલામાં ૪૦૦ થી વધુ પાકિસ્તાની સૈનિકા માર્યા ગયા છે. બલુચિસ્તાનમાં હિંસા અને મારાકાપોના લોહિયાળ બનાવોના મૂળિયા ૧૯૪૭માં વિભાજન સાથે મળેલી આઝાદી સાથે જોડાયેલા છે. ભારત અને પાકિસ્તાનના ભાગલાના પાંચ દિવસ પહેલા ૧૧ ઓગસ્ટના રોજ બલુચિસ્તાને બ્રિટન પાસેથી આઝાદી મેળવી હતી.
કોલોનિયલ કાળમાં અફઘાન યુધ્ધ (૧૮૩૯-૪૨) પછી અંગ્રજોએ બલુચિસ્તાન ક્ષેત્ર પર અધિકાર જમાવ્યો હતો. ૧૮૩૯માં અંગ્રેજોએ કલાતના ખાનો અને બલુચિસ્તાનના સરદારો વચ્ચે ઝગડામાં દરમિયાનગીરી કરી હતી. વર્ષ ૧૮૭૬માં રોબર્ટ સેંડમેનને બલુચિસ્તાનમાં બ્રિટિશ એજન્ટ તરીકે મુકવામાં આવ્યા હતા. અંગ્રેજોએ બલુચિસ્તાનને કલાત, મકરાન, લસ બેલા અને ખારન એમ ૪ રજવાડા વહેંચ્યું હતું. ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા બલુચિસ્તાન આઝાદ થયું ત્યારે એ સમયે પાકિસ્તાન સાથેના વિલય કે કોઇ પણ કરારની વાત જ ન હતી. ભાગલા વખતે બલુચોના એક વર્ગમાં એવી ચર્ચા ચાલી હતી કે બલુચોની ભાષા,પહેરવેશ અને સંસ્કૃતિ સાવ જૂદા જ પ્રકારની હોવાથી પાકિસ્તાન સાથે જોડાવાનો કોઇ જ અર્થ પણ નથી. ૭ માર્ચ ૧૯૪૮ના રોજ પાકિસ્તાને લાગ જોઇને બલુચિસ્તાન પર હુમલો કરીને ગેરકાયદેસર કબ્જો લઇ લીધો હતો. રાષ્ટ્રવાદી બલુચ અને બીએલએસ જેવા સશસ્ત્ર વિદ્રોહી જુથો પાકિસ્તાનના આ પગલાને આજે પણ ગેર કાયદેસર માને છે. બલુચિસ્તાનના નિસારખાન અને રાજકુમાર અબ્દુલ કરીમખાને ગેરિલ્લા પધ્ધતિથી પાકિસ્તાન સૈન્ય પર હુમલા કરવાની સૌ પ્રથમ શરુઆત કરી હતી. ત્યાર પછી તો બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (બીએલએફ) અને અન્ય કેટલાક વિદ્રોહી સંગઠનો પાકિસ્તાન આર્મીના વિરોધમાં પડયા હતા. ૧૯૭૧ના યુધ્ધમાં બાંગ્લાદેશની આઝાદીથી પ્રેરાઇને બલુચ નેતાઓએ સ્વાયતતાની માંગણી કરી હતી. ૧૯૭૩માં પાકિસ્તાનની સંધીય સરકારે બલુચિસ્તાનની પ્રાંતિય સરકારને બરખાસ્ત કરી દેતા ૪ વર્ષ સુધી વિદ્રોહ ચાલ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ સેનાપતિ ટિક્કાખાનની આગેવાની હેઠળ બલુચોની સામુહિક હત્યાઓનો દોર શરુ થતા ટિક્કાખાનને બલુચોએ કસાઇનું ઉપનામ આપ્યું હતું. છેલ્લા ૮૦ વર્ષથી પાકિસ્તાને પ્રોપગેન્ડાથી બલુચિસ્તાનનું નાક દબાવેલું છે. પાકિસ્તાનના રાજકારણમાં પંજાબી મુસલમાનો ખૂબ વર્ચસ્વ ધરાવે છે. બલુચોને મહંમદ અલી ઝીણાના પાકિસ્તાને પોતાનામાં તો ભેળવી દીધા પરંતુ અપનાવ્યા નહી એનું આજે નકારાત્મક લાગણીઓનું પરિણામ મળી રહયું છે. બલુચોના હ્વદયમાં ઉઠતી ચિનગારી માટે પાકિસ્તાન જ જવાબદાર છે. બલુચ મહિલાઓ પર બળાત્કાર અને બાળકો પર અત્યાચારની અગણિત ઘટનાઓ બની છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ અનેક વાર નોંધ પણ લીધી છે.
બલોચિસ્તાન પાકિસ્તાનના કુલ વિસ્તારનો ૪૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. પાકિસ્તાનનો કુલ વિસ્તાર ૭૯૬૦૯૬ (પીઓકે -ગિલગિટ સિવાય) સ્કવેર કિમી છે જેમાંથી બલુચિસ્તાનનો વિસ્તાર ૩૪૭૧૯૦ સ્કવેર કિમી છે. બલુચિસ્તાન જો પાકિસ્તાનથી છુટું પડી જાય તો પાકિસ્તાનનો અડધો નકશો બદલાઇ જાય. બલુચિસ્તાન પ્રાંત વિસ્તારની દ્વષ્ટીએ ભલે સૌથી વિશાળ હોય પરંતુ જન સંખ્યા માત્ર ૧.૪૮ કરોડ છે જે પાકિસ્તાનની કુલ વસ્તીના ૬ ટકા જેટલી છે. પાકિસ્તાનની સરકારો વર્ષોથી બલુચિસ્તાનના લોકો સાથે ભેદભાવ કરતી આવી છે. પહાડો અને ટેકરીઓથી ઘેરાયેલો સમગ્ર વિસ્તાર ખનીજ સંપતિથી ભરપૂર હોવાથી નવી વસાહતો ઉભી કરીને ડેમોગ્રાફી ચેન્જ કરવાના પાકિસ્તાની હુકમરાનો દ્વારા પ્રયાસ થતા રહયા છે. પાકિસ્તાન સરકારે બલુચિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી જતા ચીન અને પાકિસ્તાનના ઇકોનોમિક કોરિડોરનું કામ શરુ થયું જેમાં બલુચોને લગભગ બહાર રખાયા હતા. નિર્માણકાર્યમાં બીજા પ્રાંતના મજૂરો અને ચીની એન્જીનિયરો જ કામ કરવા આવવા લાગ્યા હતા.
૨૦૦૪માં બલુચ ઉગ્રવાદીઓ એ ૩ ચીની એન્જીનિયરોની હત્યા કરીને પહેલીવાર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.૨૦૦૯માં બલુચ નેશનલ મુવમેન્ટના સદર ગુલામ મોહમ્મદ બલુચ અને અન્ય નેતાઓ લાલા મુનિર અને શેર મોહમ્મદનું કેટલાક બંદુકધારીઓએ અપહરણ કર્યુ હતું. તેમની ૫ દિવસ પછી ગોળીઓથી વિંધાયેલી લાશ મળી આવી હતી.૨૦૦૫માં બલુચિસ્તાનના રાજકીય લિડર નવાબ અકબરખાન બુગતી અને મીર બલુચ મર્રીએ બલુચિસ્તાનની સ્વાયત્તા માટે પાકિસ્તાન સરકારને ૧૫ સુત્રીય એજન્ડા આપ્યો હતો. આ દરમિયાન ૨૦૦૬માં બલુચ નેતા અકબર બુગતીની પાક સૈન્યએ કતલ કરતા સંઘર્ષ વધી ગયો હતો. અન્યાયનો પ્રતિકાર કરવો બલુચોના સ્વભાવમાં છે જયારે બંદૂકની અણીએ અવાજ દબાવવોએ પાકિસ્તાની જનરલોની ખાસિયત રહી છે. પાકિસ્તાનની રાજનીતિમાં પંજાબી મુસલમાનો અને પઠાણો પોતાને સ્માર્ટ માને છે જયારે બલુચિસ્તાનના બલુચ ઓછું ભણેલા અને કૌશલ્યહિન ગણીને ઉપેક્ષા કરવામાં આવે છે. પાકિસ્તાન સરકારે બલુચો પર હકુમત ચલાવવી છે પરંતુ રાજકિય અને આર્થિક ફાયદો આપવો નથી. બલુચિસ્તાનના કુદરતી સ્ત્રોતો હડપી લેવાછે પરંતુ વિકાસના ફળ વહેંચવા નથી.
બલુચિસ્તાનના લોકોને રંજાળવામાં અને વિદ્રોહ ભડકાવવામાં એક સમયના તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફની નીતિ રિતીેની મોટી ભૂમિકા રહી હતી.બલુચ વિદ્વોહીઓને હંફાવવાનો મુશર્રફને ફાંકો હતો.તેમના શાસનકાળમાં
શંકાના આધારે બલુચ નાગરિકોનું અપહરણ કરવું અને થોડાક દિવસ પછી લાશ રસ્તે રઝળતી મળવાનો સિલસિલો શરુ થયો હતો. પાક સૈન્યએ અનેક બલુચ વિદ્રોહીઓને નકલી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતાર્યા હતા. પ્રોકસી શાસન ચલાવતી પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ અને તેના પાળેલા આતંકી સંગઠનોએ બલૂચોની ઉંઘ હરામ કરવા માંડી હતી. બલુચિસ્તાનના લોકો ઇસ્લામના નામે આતંકવાદ ચલાવતા નથી આથી પાક પ્રેરિત ઇસ્લામી આતંકી સંગઠનો પણ બલુચોને ટાર્ગેટ કરવા માંડયા. પાકિસ્તાનની તકલીફ એ છે કે પોતાની જમીનનો ઉપયોગ આતંકી સમૂહોને કરતા અટકાવી શકતું નથી. બીજી રીતે કહીએ તો પાકિસ્તાન માટે આતંકવાદ એક પ્રોડકટ છે જેની સાથે ફાયદા નુકસાનની ગણતરીએ જ આગળ વધે છે.બલુચિસ્તાનમાં પાકિસ્તાન સરકારની નીતિ રિતીઓના વિરોધ કરતા નાના મોટા વિદ્રોહી સંગઠનોમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએફ) સૌથી મોખરે છે. પાકિસ્તાન સરકારે પણ લોભ-લાલચ આપીને ચરમપંથી સંગઠનો ઉભા કર્યા છે જેમનું એક માત્ર કામ બલુચિસ્તાનના વિદ્રોહી જૂથોને દબાવવાનું છે. ઇરાનનો અત્યંત ગરીબ દક્ષિણ પૂર્વી પ્રાંત સિસ્તાન ઇરાનનું બલુચિસ્તાન ગણવામાં આવે છે. સિસ્તાનમાં મોટી સંખ્યામાં બલુચ સુન્ની મુસ્લિમો રહે છે. ઇરાન સાથેની સરહદે ઇસ્લામિક ગુ્રપ્સ, આંતકી ગુ્રપ અને અલગાવવાદી ગુ્રપોની સક્રિયતા વધવાથી ઇરાન અને પાકિસ્તાનના સંબંધો ખટાશ આવતી રહે છે. અહીના સુન્ની મુસ્લિમ સમુદાયોમાં શિયા બહુમતિ ધરાવતું ઇરાન પોતાના પ્રાંત સાથે મતભેદ રાખે છે એવી ભાવના પ્રબળ જોવા મળે છે. જૈલ અલ અદલ નામનું ખોફનાક ચરમપંથી સંગઠન સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા અને બલુચ લોકોના અધિકારો માટે ઇરાનની આર્મી સાથે ટકરાતું રહે છે. પાકિસ્તાન ઉપરાંત ઇરાનનો સિસ્તાન પ્રાંત અને અફઘાનિસ્તાનના નિમરુજ અને બેલમંડના કેટલાક વિસ્તારો પણ બલુચિસ્તાન ગણાય છે. મૂળભૂત રીતે બલુચિસ્તાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઇરાન એમ ૩ દેશોમાં વહેંચાયેલું છે.જેમ મીડલ ઇસ્ટમાં કુર્દો માટે કુર્દિસ્તાનની માંગણી થાય છે તેમ બલુચિસ્તાન કંડારવામાં આવે તો તેના ભૂભાગ ૩ દેશોની અંદર રહેલા છે. બલુચિસ્તાન છોડીને ભાગી ગયેલા અનેક બલુચ નેતાઓ વિદેશમાં પાકિસ્તાન સરકારની બર્બરતા ખુલ્લી પાડે છે. તેઓ અલગ બલુચિસ્તાનની માન્યતા આપવાની વિનંતી કરતા રહે છે. પાકિસ્તાનના કથપુતળી નેતાઓ અને સૈન્ય શાસકોના ૮૦ વર્ષના અત્યાચારનો હિસાબ ચુકતે કરવા નિકળેલા બલુચ વિદ્વોહીઓને અલગથી ઓછું ખપતું નથી. પીઓક, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને બલુચિસ્તાનમાં ઉઠતી વિરોધ અને વિદ્રોહની જવાળાઓમાં પાકિસ્તાનને હાથના કર્યા જ હૈયે વાગ્યા છે. પાક શાસકો અને આર્મીના પાપે જ આજે નહી તો કાલે દેશ ટુકડા ટુકડામાં વહેંચાતા વાર લાગશે નહી.




